ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, 25 જૂને પરિણામ

આજે 22 જૂનના રોજ ગુજરાતની ગ્રામપંચાયતોમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.

મતદારોએ રવિવારે સવારના સાત વાગ્યાથી માંડીને સાંજના છ વાગ્યા સુધી મતદાન કર્યું હતું.

આ ચૂંટણીમાં કુલ 81 લાખ કરતાં વધુ મતદારો મતદાનના અધિકારનો ઉપયોગ કરે તેવી શક્યતા હતી.

ગુજરાતના ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ ગત મે માસના અંત ભાગમાં પ્રેસ કૉન્ફરન્સ યોજીને રાજ્યમાં ગ્રામપંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજવામાં તેના નિર્ધારિત કાર્યક્રમ કરતાં લગભગ બે વર્ષ જેટલું મોડું થયું છે.

નોંધનીય છે કે 25 જૂનના રોજ આ ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

છૂટાછવાયા બનાવોને બાદ કરતાં મતદાનની પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

કેટલીક ગ્રામપંચાયતો 'સમરસ' જાહેર થઈ

રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત અનુસાર કુલ 8,326 ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્ય સત્ર/ પેટાચૂંટણી યોજાવાની હતી.

પરંતુ જે 4,564 સામાન્ય/વિભાજન/મધ્ય સત્ર ચૂંટણી યોજવાનું આયોજન હતું એ પૈકી 751 ગ્રામપંચાયતો સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થયેલ. તેમજ એ સિવાય બેઠકો બિનહરીફ થવાને કારણે તેમજ ઉમેદવારી ન નોંધાવાને કારણે વધુ 272 ગ્રામપંચાયતોની ચૂંટણી નહોતી થઈ.

આ સિવાય પેટાચૂંટણી હેઠળની 3,524 ગ્રામપંચાયતો પૈકી બેઠકો બિનહરીફ થતાં અથવા ઉમેદવારી ન નોંધાવાતા 3,171 ગ્રામપંચાયતોને બાદ કરતાં 353 ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.

રાજ્ય ચૂંટણીપંચે આપેલી માહિતી પ્રમાણે આ ચૂંટણીપ્રક્રિયા હેઠળ ગ્રામપંચાયતોમાં 3,656 સરપંચની બેઠકો અને 16,224 સભ્યોની બેઠકો માટે મતદાન યોજાયું હતું.

ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસતા વરસાદમાં પણ મતદારો ભારે સંખ્યામાં મતદાનમથકે પહોંચ્યા હતા.

ગ્રામપંચાયતોનું માળખું કેવું હોય છે?

ભારતના બંધારણમાં સત્તાના વિકેન્દ્રીકરણની વાત છે. ગામમાં રહેતો માણસ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાના સ્તરે જલદી લાવી શકે અને પોતે સરકારનો ભાગ બને તેવા ઉદ્દેશ સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચના કરવામાં આવી હતી.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.

ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગ્રામપંચાયતો સૌથી પાયાનું સ્થાન ધરાવે છે.

ગ્રામપંચાયતોમાં સરપંચ, ઉપસરપંચ અને વિવિધ સમિતિઓના પ્રમુખો સત્તાસ્થાને હોય છે. ગામની વસ્તીને આધારે પંચાયતોમાં આઠથી લઈને 32 સુધીના સભ્યો હોય છે.

ગ્રામપંચાયતોમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, પાણી સમિતિ તથા જરૂરિયાત પ્રમાણે અન્ય સમિતિઓ હોય છે.

હાલમાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મહિલાઓ માટે 50 ટકા બેઠકો અનામત છે.

સરપંચપદની ચૂંટણી માટે ઉમેદવારોના ખર્ચ માટેની મર્યાદા પણ ચૂંટણીપંચે નક્કી કરેલી હોય છે. જેમાં 12 વૉર્ડની ગ્રામપંચાયતો માટે 15 હજાર, 22 વૉર્ડ સુધીની ગ્રામપંચાયતો માટે 30 હજાર અને 23 વૉર્ડથી વધુની ગ્રામપંચાયતો માટે 45 હજારની ખર્ચમર્યાદા છે. વૉર્ડના સભ્યો કોઈ ખર્ચ કરી શકતા નથી.

ગ્રામપંચાયતના સરપંચનાં મુખ્ય કાર્યો શું હોય છે?

ચૂંટાયેલ સરપંચ પંચાયતની બેઠકોમાં પ્રમુખ સ્થાન લે છે અને બેઠકનું સંચાલન કરે છે.

પંચાયતનાં તમામ કાર્યો પર દેખરેખ અને નિયંત્રણનું કામ સરપંચનું હોય છે.

પંચાયતનાં બિલ મંજૂર કરવાં, ચેકો લખી આપવા અને રિફંડ આપવા સહિત પંચાયતના ફંડના વહીવટનું કામ સરપંચનું છે.

પંચાયતનાં નાણાંની સુરક્ષા માટે જવાબદાર મુખ્ય વ્યક્તિ સરપંચ છે. જરૂરી કામગીરી અને પત્રકોના રેકૉર્ડ પણ એ જ રાખે છે. પંચાયતમંત્રી એટલે કે તલાટી સાથે મળીને, સભ્યોની હાજરીમાં ગ્રામવિકાસને લગતા નિર્ણયો લે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન