ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે?

ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં પાછલા અમુક દિવસથી મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો છે.

કેટલાંક સ્થળોએ તો અનારાધાર વરસાદને પગલે પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ હતી તો મોટા ભાગનાં સ્થળોએ ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપેલો પણ જોવા મળ્યો હતો.

રવિવાર સવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં વરસાદ જોવા મળ્યો હતો.

હવે જ્યારે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી અમુક દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લગતી આગાહી જાહેર કરી છે.

ગુજરાતમાં ક્યાં-ક્યાં પડ્યો વરસાદ?

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકારોએ જુદા જુદા જિલ્લાઓમાં રવિવારે પડેલા વરસાદની વિગતો શૅર કરી હતી.

જે મુજબ સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો હતો. સાબરકાંઠામાં મોડી રાતથી ભારે વરસાદ ચાલી રહ્યો હતો.

24 કલાકમાં વડાલીમાં 14 ઇંચ, ખેડબ્રહ્મામાં 11.5 ઇંચ, ઈડરમાં પાંચ ઇંચ, તલોદમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ બાદ જિલ્લામાં ઘણાં સ્થળોએ પાણી પણ ભરાયાં હતાં.

જ્યારે સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ વચ્ચે પણ ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન સમયે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં પણ રવિવારે વરસાદી માહોલ જોવા મળ્યો. સમગ્ર જિલ્લામાં બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જિલ્લામાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી.

જૂનાગઢ જિલ્લાના માણવદર, ભેસાણ અને માળિયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

અમરેલી ખાતે સાવરકુંડલા પંથકમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો.

સાવરકુંડલા શહેર અને તાલુકાનાં પીઠવડી, નાના ઝીંઝુડા, મોટા ઝીંઝુડા, સીમરણ, કરજાળા, જીરા ગામોમાં વરસાદ પડ્યો હતો.

આ સિવાય અરવલ્લીમાં પણ વરસાદને કારણે નદીમાં નીર આવ્યાં હતાં.

ઉપરાંત બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે પણ ભારે વરસાદ ખાબક્યો હતો.

નોંધનીય છે કે અમરેલી, જૂનાગઢ, સાબરકાંઠા અને અરવલ્લી ખાતે સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ક્યાં કેટલા વરસાદની આગાહી?

22 જૂનથી 23 જૂન 2025 દરમિયાન હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ અને કચ્છનાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને મોરબી ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

આ સિવાય રાજ્યનાં મોટા ભાગના જિલ્લાઓમાં આ દરમિયાન 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી તેમજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ સંભાવના છે.

જ્યારે 23 જૂનથી 24 જૂન સુધીના સમયગાળામાં બનાસકાંઠા, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ઉપરાંત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

આ સમયગાળા દરમિયાન રાજ્યનાં મોટા ભાગના જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી તેમજ હળવી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ સંભાવના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન