અમરીશ પુરી : પરદા પરના આ ખતરનાક વિલન 'મોગૅમ્બો'એ ટાલને જ્યારે ફૅશન બનાવી દીધી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

1987માં જ્યારે શેખર કપૂરની ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા' આવી ત્યારે હીરો કરતાં વધારે તેના વિલન અમરીશ પુરીએ બધાનું ધ્યાન ખેંચ્યું.

બૉલીવુડના ઇતિહાસમાં 'મોગૅમ્બો'ને માઈલ સ્ટોન સમાન પાત્ર માનવામાં આવે છે.

બાલાજી વિઠ્ઠલ પોતાના પુસ્તક 'પ્યોર ઇવિલ ધ બૅડમૅન ઑફ બૉલીવુડ'માં લખે છે, "સિનેમામાં ખલનાયકનાં જેટલાં પણ પ્રતિરૂપો હોઈ શકે, એ બધાંને મોગૅમ્બોએ પોતાના વ્યક્તિત્વમાં ચિત્રિત કર્યાં હતાં, પરંતુ મહિલા વિરુદ્ધની હિંસા તેમને પસંદ નહોતી. પોતાની તરફ ધ્યાન આકર્ષવાની તેમની અદા બિલકુલ બાળકો જેવી હતી."

"પોતાના સાગરીતો પાસે હિટલરની જેમ 'હેલ મોગૅમ્બો' બોલાવવું અને ગુનાખોરીનાં દરેક જઘન્ય કામ પછી 'મોગૅમ્બો ખુશ હુઆ'ની પંચલાઇન બોલવી એ દર્શકોની નજરમાં તેમની દુષ્ટતાને ઘટાડી દેતી હતી અને તેઓ તેમના આ અંદાજ પર તાળીઓ પાડવા માટે મજબૂર થઈ જતા હતા."

જમ્મુના નૌશેરામાં જન્મેલા અમરીશ પુરીએ પોતાનો અભ્યાસ શિમલાની બીએમ કૉલેજમાંથી કર્યો હતો. પચાસના દાયકામાં તેઓ મુંબઈ આવી ગયા હતા, જ્યાં તેમના બે ભાઈ મદન પુરી અને ચમન પુરી પહેલાંથી જ ફિલ્મોમાં કામ કરતા હતા.

પોતાની ટ્રેડમાર્ક હૅટ, પહોળા ખભા, ઊંચું કદ, રુઆબદાર અવાજ માટે પ્રખ્યાત અમરીશ પુરીને પહેલો બ્રેક ભારતીય રંગમંચની જાણીતી વ્યક્તિ અલકાજીએ આપ્યો હતો.

તેમના એક મિત્ર એસપી મેઘનાની તેમને અલકાજીને મળવા લઈ ગયા હતા.

અમરીશ પુરી પોતાની આત્મકથા 'ધ ઍક્ટ ઑફ લાઇફ'માં લખે છે, "અલકાજીએ પાંચ મિનિટમાં જ મને એક સ્ક્રિપ્ટ પકડાવીને મારામાં આત્મવિશ્વાસ ભરી દીધો હતો. મને ખબર હતી કે, તેઓ લાંબી લૉબીના બીજા ખૂણે પોતાની બેઠક તરફ આવતાં મને ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેમણે મને પૂછ્યું, શું રંગમંચમાં મને રસ છે? જેવું મેં 'હા' કહ્યું, તેમણે નમીને એક સ્ક્રિપ્ટ કાઢી. એ જ ક્ષણે તેમણે મને કહ્યું કે હું આર્થર મિલરના નાટક 'અ વ્યૂ ફ્રૉર્મ ધ બ્રિજ'ના મુખ્ય નાયકની ભૂમિકા કરીશ."

ત્યાર પછી અમરીશ પુરીએ પાછા વળીને જોયું નથી.

અમરીશ પુરીને સખારામ બાઇન્ડરથી પ્રસિદ્ધિ મળી

ત્યાર પછી તેમણે વિજય તેંડુલકરના નાટક 'સખારામ બાઇન્ડર'માં ખૂબ નામના મેળવી.

આ નાટક એક કુંવારા બાઇન્ડરની કહાણી હતી, જે એક બેઘર મહિલાને ઘરે લઈ આવે છે અને તેની સાથે સંબંધ બાંધી લે છે.

આ નાટકમાં પુરીને ગંદા, અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરતા બતાવવામાં આવ્યા હતા.

આ નાટકનો એમ કહીને સખત વિરોધ કરવામાં આવ્યો હતો કે એક એવી વ્યક્તિના કામને કઈ રીતે ન્યાયોચિત ગણાવી શકાય, જે એક સ્ત્રીનું શોષણ કરી રહ્યા હોય?

અમરીશ પુરીએ લખ્યું હતું, "મને એ ખૂબ આશ્ચર્યજનક લાગ્યું હતું કે મહારાષ્ટ્ર જેવા રંગમંચની સમૃદ્ધ પરંપરા ધરાવતા લોકોએ આ નાટકને અશ્લીલ ગણ્યું હતું. એ દુર્ભાગ્યપૂર્ણ હતું, કેમ કે, આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં અનુભવ ભલે ગમે તેટલો ખરાબ હોય, ચોંકાવનારો હોય, મંચ પર તે કળાનાં આવરણોમાંથી ગળાઈની પ્રસ્તુત થાય છે."

અમરીશ પુરીના બીજા એક માર્ગદર્શક અને થિયેટર ગુરુ હતા સત્યદેવ દુબે.

એક વખત તેમણે અમરીશ પુરીને યાદ કરતાં કહેલું, "અમરીશ માટે નોકરી અને થિયેટર એકસાથે કરવાં સરળ નહોતું. તેઓ પોતાના સમયને વ્યવસ્થિત કરવાનું જાણતા હતા. તેની પારિવારિક જવાબદારીઓ હતી અને વધતા જતા પરિવાર માટે વધારાની કમાણી કરવાની પણ જરૂર હતી. થિયેટર તેને બિલકુલ પૈસા નહોતાં આપતાં. આખરે, ફિલ્મો માટેની પ્રતિબદ્ધતાના કારણે તેણે નાટકોમાં કામ કરવાનું ઓછું કરી દીધું, પરંતુ ત્યાં સુધીમાં તેઓ હિંદી થિયેટરમાં પહેલાંના કોઈ પણ અભિનેતા કરતાં વધુ યોગદાન આપી ચૂક્યા હતા."

સત્યદેવ દુબેએ અમરીશની ઘણા વિવેકી હોવાની ખાસિયત અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

તેમણે કહ્યું, "કોઈ બીજા કલાકાર કદાચ મને એ પ્રકારનો ઠપકો મળ્યો હોય તેવો દાવો ન કરી શકે, જે અમરીશને મારાથી તરફથી મળ્યો. પરંતુ તેનાથી તેઓ ન તો ક્યારેય નિરુત્સાહી થયા અને ન તો તેમના આત્મસન્માનને ઠેસ લાગી. મેં એક વર્કશૉપમાં કહેલું કે મહિલાઓમાં સમર્પણની ભાવનાના કારણે શીખવાની ક્ષમતા અપેક્ષા કરતાં વધુ હોય છે. મેં આગળ એ પણ જોડી દીધું કે અમરીશ થિયેટરમાં મને અત્યાર સુધીમાં મળેલી સર્વશ્રેષ્ઠ મહિલા છે."

શ્યામ બેનેગલે ફિલ્મોમાં બ્રેક આપ્યો

અમરીશ પુરીની રંગમંચીય પ્રતિભાને ઓળખીને શ્યામ બેનેગલે પોતાની શરૂઆતની ફિલ્મો 'મંથન', 'નિશાંત' અને 'ભૂમિકા'માં તેમને તક આપી.

પરિણામ એ આવ્યું કે શ્યામ બેનેગલ અને અમરીશ પુરીની સમાંતર સિનેમાની જોડી બની ગઈ.

અમરીશ પુરીએ પોતાની પહેલી ફિલ્મ ત્યારે કરી જ્યારે તેઓ 40 વર્ષના થવાના હતા.

શ્યામ બેનેગલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "અમરીશનાં નાટક જોયા કરતા હતા. 'નિશાંત'માં લેતાં પહેલાં હું તેને એક મિત્ર તરીકે ઓળખતો હતો. 'નિશાંત' માટે હું એક ખૂબ પ્રભાવશાળી વ્યક્તિ ઇચ્છતો હતો. તેના વ્યક્તિત્વમાં એક પ્રભુત્વ હતું, જે પડદા પર ઊભરીને સામે આવ્યું. તેણે એટલું સારી રીતે કામ કર્યું કે તેને કંડારવાની જરૂર જ ન પડી."

તેમણે કહ્યું, "અમરીશે 'મંડી'માં એક ફકીરની ભૂમિકા ભજવી અને બીજું એક ખૂબ સરસ પ્રદર્શન કર્યું. યુવા અભિનેતાઓ સાથે તેનો સારો તાલમેલ રહેતો હતો. 'સરદારી બેગમ'માં એક યુવા અભિનેત્રી સ્મૃતિ મિશ્રા ખૂબ ગભરાયેલી હતી અને સરખો અભિનય કરી શકતી નહોતી. હું ગુસ્સામાં તેના પર ખિજાતો રહેતો હતો, પરંતુ અમરીશે તેને ખૂબ આશ્વાસન આપ્યું અને તેનો આત્મવિશ્વાસ વધાર્યો."

ખુદ અમરીશે સ્વીકાર્યું હતું કે શ્યામ બેનેગલની સાથે કામ કરવાથી તેમની કૅરિયર ચમકી.

પોતાની આત્મકથામાં અમરીશ લખે છે, "શ્યામ દર્શાવવામાં આવતાં દૃશ્યો વિશે ખૂબ સ્પષ્ટ હોય છે અને પોતાની યોજનાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યવધાન સહન નથી કરતા. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ સૂચનો અને સુધારાને પ્રોત્સાહન નથી આપતા. તેમનું ફક્ત એટલું કહેવાનું હોય છે કે તેમની સૂચનાઓમાં કોઈ પણ પ્રકારના પ્રાસ્તાવિક પરિવર્તનની માહિતી તેમને પહેલાં જ આપી દેવામાં આવે."

"શ્યામ અને ગોવિંદ નિહલાની, બંને જાણતા હતા કે તેઓ મારી પાસેથી શું ઇચ્છે છે અને હું જાણતો હતો કે તેઓ મને કઈ રીતે રજૂ કરશે. તેઓ મને ફક્ત નક્કર અને અર્થપૂર્ણ ભૂમિકા જ આપશે. સમાંતર સિનેમા હું બીજા કોઈની સાથે કરી જ નહોતો શકતો."

વિજય તેંડુલકરે લખેલાં ઘણાં નાટકો અને ફિલ્મોમાં અમરીશ પુરીએ કામ કર્યું છે.

તેમણે અમરીશ પુરીની પ્રશંસા કરતાં લખ્યું હતું, "મેં જ્યારે અમરીશને પહેલી વાર મંચ પર જોયા હતા ત્યારે મને તેમની કામ કરવાની ગતિએ આકર્ષણ પેદા કર્યું. તેનો અવાજ પણ રંગમંચ સાથે ખૂબ અનુકૂળ હતો. 'સખારામ બાઇન્ડર'ના અભિનયમાં તો તેણે પોતાનો જીવ રેડી દીધો હતો. થિયેટરે તેને ઘડ્યો હતો. તેનો અભિનય મશીની નહોતો. 'સૂરજ કા સાતવાં ઘોડા' ફિલ્મમાં તે એવી તકો ઊભી કરી દે છે, જે તમારા પર તેની છાપ છોડી જાય છે."

અમરીશ પુરીએ પોતાના એક ડાયરેક્ટર ગિરીશ કર્નાડને એક 'દાર્શનિક નાટ્યકાર'નું ઉપનામ આપ્યું હતું.

ગિરીશ કર્નાડે પોતાની આત્મકથા 'ધ લાઇફ ઍટ પ્લે'માં અમરીશ પુરી સાથેની પોતાની પહેલી મુલાકાતને યાદ કરતાં લખ્યું હતું, "અમરીશ જ્યારે રિહર્સલ નહોતા કરતા, ત્યારે તેઓ ગ્રૂપથી અલગ બહાર ટહેલતા રહેતા. સત્યદેવ દુબે તેમને ટ્રેન, ડાયરેક્ટ કરતા અને ઠપકો આપતા રહેતા. જ્યારે મને 'કાડૂ' ફિલ્મનું ડાયરેક્શન મળ્યું ત્યારે મેં અમરીશને લીધા. તેમને કન્નડ ભાષા ન આવડવી તે ફિલ્મ માટે એક ખૂબ મોટી સમસ્યા બની ગઈ. કેટલાક સંવાદો યાદ રાખવા માટે તેઓ કલાકો પ્રયત્ન કરતા, પરંતુ, જેવા કૅમેરા ચાલુ થતા, તેઓ હતાશ થઈને પોતાનું કપાળ કૂટતા હતા."

તેમણે કહ્યું, "મને આખી ફિલ્મમાં અનેક સંવાદો ઘટાડીને માત્ર છ લીટીના કરવા પડ્યા. પરિણામ એ આવ્યું કે તેઓ એક રીતે ફિલ્મના મૂક પાત્ર બની ગયા, પરંતુ, ઓછા સંવાદો છતાં તેમણે પોતાના અભિનયથી એ ફિલ્મમાં પોતાનો જીવ રેડી દીધો."

'કાડૂ' બૉક્સ ઑફિસ પર ખૂબ મોટી હિટ થઈ.

'તમસ'ની યાદગાર ભૂમિકા

અમરીશ પુરીમાં કોઈ પણ ક્ષણને પકડી લેવાની અદ્‌ભુત ક્ષમતા હતી.

તેમના સાથી રહેલા અને ઘણી ફિલ્મોમાં તેમના ડારેક્ટર રહેલા ગોવિંદ નિહલાની યાદ કરતાં કહે છે, "'તમસ'માં અમરીશે લાજવાબ કામ કર્યું છે. તેમાં તેમણે એક વૃદ્ધ શીખની ભૂમિકા ભજવી છે, જે લડાયક વૃત્તિના છે. એક સીન, જેમાં તેઓ પોતાનાં પૌત્ર અને પુત્રવધૂ સાથે બેઠા છે અને તેમનો પુત્ર હાજર નથી. એ સીન બીજો કોઈ અભિનેતા ન કરી શકે. એ સીનમાં તેમણે અરદાસની થોડી પંક્તિઓ બોલવાની હતી. તેમણે અરદાસ તો યાદ કરી લીધી, પરંતુ સત્સંગમાં અપાતા ભાષણને યાદ ન રાખી શક્યા. ત્યારે અમે એક બોર્ડ ટિંગાડી દીધું, જેના પર એ પૅરા લખી શકાય. અમરીશે પોતે પોતાના હસ્તાક્ષરમાં, ઉર્દૂમાં એ ફકરો લખ્યો. બોર્ડને અમે કૅમેરાની વિભિન્ન સ્થિતિ અનુસાર ટિંગાડી દીધું હતું. અમરીશે એક જ વારમાં એ શૉટ આપી દીધો."

હિંદી ફિલ્મોના શોમૅન મનાતા સુભાષ ઘઈએ તેમને પહેલાં પોતાની ફિલ્મ 'ક્રોધી'માં ખલનાયકની ભૂમિકા આપી.

સુભાષ ઘઈ યાદ કરતાં કહે છે, "જ્યારે મેં 'વિધાતા' અને 'સૌદાગર' ફિલ્મ બનાવી ત્યારે મને દિલીપકુમારની સામે શક્તિશાળી અભિનેતાની જરૂર હતી. મેં એ પાત્ર અમરીશને આપ્યું અને તેમણે બંને ફિલ્મોમાં પોતાનો સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો. હું તેમને એક એવા અભિનેતા માનું છું, જેણે પોતાના ડાયરેક્ટરને ક્યારેય નિરાશ નથી કર્યા. જ્યારે તેઓ સેટ પર હોય ત્યારે બધી મિત્રતા એક બાજુ મૂકીને ડાયરેક્ટરને હંમેશા એક ઇન્સ્ટ્રક્ટર તરીકે જોતા હતા. 'યાદેં' ફિલ્મના શૂટિંગ દરમિયાન હું તેમની સામે મોટેથી બોલી ગયો હતો, પરંતુ તેનું તેમણે ખોટું ન લગાડ્યું. પછીથી મને ખૂબ શરમ આવી અને મેં તેમની પાસે જઈને તેમની માફી માગી હતી."

'ગાંધી' ફિલ્મની ભૂમિકા

અમરીશ પુરીએ 'ગાંધી' ફિલ્મમાં પણ કામ કર્યું. તેમને દક્ષિણ આફ્રિકાના ધનાઢ્ય વેપારી શેખ અબ્દુલ્લાહની ભૂમિકા આપવામાં આવી હતી, જે ગાંધીને એ મેળવવામાં મદદ કરે છે, જે તેઓ ભારત માટે ઇચ્છતા હતા.

સર રિચર્ડ એટનબરોએ પુરી પર પોતાની ઘેરી છાપ પાડી હતી.

અમરીશ પુરીએ પોતાની આત્મકથામાં લખ્યું છે, "એટનબરો ગાંધીની પટકથા સાથે 16 વર્ષ જીવ્યા. એ વરસો દરમિયાન તેમણે પટકથાના એકેએક શબ્દને સચોટ બનાવ્યો. શૂટિંગ શરૂ થયાના એક મહિના પહેલાં બધાને સ્ક્રિપ્ટની બાઇન્ડ કૉપી આપી દેવામાં આવી હતી અને બધા અભિનેતા પાસે એવી અપેક્ષા રખાતી હતી કે, જ્યારે તેઓ સેટ પર આવે ત્યારે તેમને પોતાના સંવાદ યાદ હોય. એટનબરો ખૂબ જ ધૈર્યવાન ડાયરેક્ટર છે. તેઓ કૅમેરાની બરાબર નીચે બેસી જતા અને એટલી કોમળતાથી સાઉન્ડ, ઍક્શનની ઘોષણા કરતા કે, ક્યારેક ક્યારેક તો તેમના શબ્દ સંભળાતા નહોતા, તેઓ પોતાના અવાજના સ્તરને ધીમું રાખતા, જેથી અભિનેતાની એકાગ્રતા ભંગ ન થાય."

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડાયરેક્ટર સ્ટીવન સ્પિલબર્ગે પણ તેમને પોતાની ફિલ્મ 'ઇન્ડિયાના જોન્સ'માં ખલનાયકનો રોલ આપ્યો હતો.

શરૂઆતમાં 'ઇન્ડિયાના જોન્સ'ની આખી સ્ક્રિપ્ટ ગમી નહોતી. તેમણે એટનબરોને ફોન કરીને તેમની સલાહ માગી.

એટનબરોએ તેમને કહ્યું, "મૂર્ખ ન બનો. આ સમયે હું સ્ટીવનને દુનિયાના મહાનતમ ફિલ્મ નિર્માતાઓમાંના એક માનું છું. જો સ્ટીવને તમને બોલાવ્યા છે તો તેમના મનમાં તમારા માટે ચોક્કસ કંઈક હશે. આ વ્યક્તિ સામાન્ય કહાણીમાં પણ પ્રાણ પૂરી દે છે."

અમરીશે એટનબરોની વાત માની લીધી.

પછીથી તેમણે પોતાની આત્મકથામાં લખ્યું, "સ્પિલબર્ગ સામાન્ય વિષયને પણ આશ્ચર્યજનક બનાવી શકે છે. તેઓ એટલા કઠોર પરિશ્રમી છે કે તેઓ એક ફિલ્મનું શૂટિંગ કરતી વખતે ઓછામાં ઓછી બે ફિલ્મોની સ્ક્રિપ્ટ પર કામ કરતા હોય છે. બે વર્ષ આપીને જ્યાં સુધી તેઓ એ સ્ક્રિપ્ટમાં કશું વ્યાપક સંશોધન ન કરી લે, તેઓ તેનું શૂટિંગ શરૂ નહોતા કરતા."

ઘડિયાળો અને પગરખાં એકઠાં કરવાના શોખીન

અમરીશ પુરી વિશે કહેવાય છે કે, તેમણે ભારતમાં ટાલને ફૅશન બનાવી દીધી.

એક જમાનામાં તેમના માથા પર ભરાવદાર વાળ હતા. એક ફિલ્મ, 'દિલ તુઝકો દિયા'ના ડાયરેક્ટર રાકેશ કુમારે 'દાદા'ની ભૂમિકા માટે તેમને માથે ટકો કરાવવા માટે ફોસલાવી લીધા.

તેમને કહેવામાં આવ્યું કે દોઢ મહિનામાં ફિલ્મ બનીને તૈયાર થઈ જશે, પરંતુ ફિલ્મ બનવામાં દોઢ વર્ષ થઈ ગયું.

આ દરમિયાન અમરીશ પુરી પોતાની ટાલથી ટેવાઈ ગયા. ત્યાર પછી તેમણે ક્યારેય વાળ ન રાખ્યા. પરંતુ જ્યારે સૂર્યના તડકાથી તેમને માથામાં પરેશાની થતી હતી ત્યારે તેઓ હૅટ પહેરી લેતા હતા.

ધીમે ધીમે કરતાં હૅટ તેમની ઓળખ અને ટ્રેડમાર્ક બની ગઈ. તેમણે જાત જાતની હૅટનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું.

હૅટ ઉપરાંત તેમને જૂતાં અને ઘડિયાળ એકઠાં કરવાનો પણ શોખ હતો.

તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે, "મારી સાઇઝનાં જૂતાં શોધવાં ખૂબ કઠિન છે, તેથી એક વાર જ્યારે હું આગરા ગયો, ત્યારે મેં 65 જૂતાં એકસાથે ખરીદી લીધાં; પરંતુ એ સ્ટૉક પણ જલદી પૂરો થઈ ગયો. શૂટિંગ દરમિયાન જો કોઈ જૂતાં મને ગમી જાય, તો હું નિર્માતાને તે મને ભેટ તરીકે આપવા માટે મનાવી લઉં છું."

તેમને લોકોના હાવભાવનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાની ટેવ હતી.

તેમના પુત્ર રાજીવ પુરીએ ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું, "કારમાં જતી વખતે પણ તેઓ નોટ કરતા રહેતા કે પોલીસ જમાદારના શર્ટનું ફિટિંગ કેવું છે અને તેનાં જૂતાં કેટલાં જૂનાં છે. ફિલ્મ 'ગર્દિશ'માં તેમણે એ રોલ ખૂબ સરસ નિભાવ્યો હતો."

અમરીશ પુરીએ કુલ 316 ફિલ્મોમાં કામ કર્યું. શ્યામ બેનેગલની 'નેતાજી સુભાષચંદ્ર બોસ, ધ ફરગૉટન હીરો' તેમની છેલ્લી ફિલ્મ હતી.

પોતાના અંતિમ સમયે તેઓ બ્લડ કૅન્સરથી પીડિત હતા. 12 જાન્યુઆરી 2005એ 73 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું.

ખૂબ ઓછા ફિલ્મી દિગ્ગજ છે, જેમને સંગીત નાટક અકાદમીના પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. થિયેટરમાં તેમના યોગદાન બદલ તેમને ઈ.સ. 1979માં આ સન્માન આપવામાં આવ્યું હતું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન