You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તારક મહેતાના ઉલ્ટા ચશ્માના જેઠાલાલ જ્યારે ગુજરાતી ફિલ્મમાં 'હુંશીલાલ' બન્યા હતા
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
1992માં એક ગુજરાતી ફિલ્મ રજૂ થઈ હતી. જેનું નામ 'હું હુંશી, હુંશીલાલ'. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી જાણીતા થયેલા કલાકાર દિલીપ જોશી ફિલ્મમાં 'હુંશી'ની એટલે કે મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં હિન્દી અને મરાઠી ફિલ્મનાં જાણીતાં અભિનેત્રી રેણુકા શહાણે પણ હતાં તેમજ મનોજ જોશી અને મોહન ગોખલે જેવા મંજાયેલા કલાકારો પણ ફિલ્મનો હિસ્સો હતા.
રેણુકા શહાણેની તે પ્રથમ ફીચર ફિલ્મ હતી. ફિલ્મનું ડિરેક્શન અમદાવાદમાં રહેતા સંજીવ શાહે કર્યું હતું. ફિલ્મની પટકથા અને ગીતો પરેશ નાયકે લખ્યાં હતાં.
વ્યંગના માધ્યમથી ફિલ્મ, દેશની રાજકીય અને સામાજિક સ્થિતિ પર સવાલ ઊભા કરતી હતી. 129 મિનિટની ફિલ્મમાં 37 જેટલાં ગીતો હતાં. જેનું સંગીત રજત ધોળકિયાએ આપ્યું હતું.
ડિરેક્ટર સંજીવ શાહે બીબીસીને જણાવ્યું હતું કે, "અમે જે કહેવા માગતા હતા તે બધું ડાયલૉગ્સ કે ડ્રામા મારફતે કહી શકાય તેમ નહોતું. તેમાં અમને ધારી મદદ સંગીત પાસેથી મળે તેમ હતી તેથી અમે ફિલ્મમાં ગીત-સંગીતનો સાંકેતિક રીતે ભરપૂર ઉપયોગ કર્યો."
ફિલ્મના કેન્દ્રમાં 'મચ્છર'
ફિલ્મની વાર્તા એવી છે કે, ખોજપુરી નામનું રાજ્ય છે. જ્યાં ભદ્રભૂપ નામનો ચૂંટાયેલો રાજા છે. ખોજપુરીમાં મચ્છરોનો ઉપદ્રવ છે અને રાજા તેનાથી ગિન્નાયેલો છે. ભદ્રભૂપના સામ્રાજ્યનું પ્રતીક કાચબો છે.
એક છેવાડાના ગામમાં હુંશીનો જન્મ થયો છે. જે મોટો થયા પછી હુંશીલાલ તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. હુંશીલાલ એક વૈજ્ઞાનિક છે. રાજાને કનડતા મચ્છરોના ઉપદ્રવને ડામવા તે પ્રયોગશાળામાં ડુંગળી આધારિત એક દવા શોધે છે. દરમ્યાન તેને લેબોરેટરીમાં કામ કરતાં સહકર્મી પરવીન(રેણુકા શહાણે) સાથે પ્રેમ થાય છે.
આ સીધીસાદી વર્તાતી કહાણીને દેશની રાજકીય અને સામાજિક વ્યવસ્થા પર કટાક્ષરૂપે પરોવવામાં આવી છે.
મચ્છરો આ ફિલ્મના કથાનકના કેન્દ્રમાં છે. જે નાગરિકોમાં અશાંતિ ફેલાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચેપગ્રસ્ત લોકો ઊંઘમાંથી ઊઠે છે, પ્રશ્નો પૂછે છે અને અન્યાયનો વિરોધ કરે છે. શંકાસ્પદ પર નજર રાખવી, લાલ રંગ પર પ્રતિબંધ મૂકવો, નાગરિકોને સ્વપ્ન જોવાથી મનાઈ ફરમાવવી, યુદ્ધો કરવા...વગેરે ઉપાયો સૂચવીને રાજા તેના શાસનને ધમકી આપતા મચ્છરોને કાબુમાં લેવા, ખરેખર નાશ કરવા માટે બધું જ અજમાવે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સંજીવ શાહ કહે છે કે, "ફિલ્મમાં મચ્છરોને પ્રજાના પ્રતીક તરીકે દર્શાવાયા છે. મચ્છર એટલે પિંખાયેલી કે વંચિત પ્રજા છે. એ મચ્છરના ભોગે કોણ પોતાનું કદ મોટું કરી રહ્યું છે એની વાત છે."
સંજીવ શાહ પોતે ડૉક્યુમેન્ટ્રી ફિલ્મમેકર છે. તેઓ મધ્યપ્રદેશમાં રિહન્દ બાંધ પરિયોજના સંબધિત એક ડૉક્યુમેન્ટ્રી માટે ત્યાં ગયા હતા. ત્યાં આદિવાસીઓની સમસ્યા પરથી તેમને આ ફિલ્મનો વિચાર સ્ફૂર્યો હતો.
સંજીવ શાહ જણાવે છે કે, "1986માં હું ત્યાં ગયો હતો. જે સમૂળગો આદિવાસી ઇલાકો હતો અને ત્યાં મેલેરિયાએ કેર વર્તાવ્યો હતો. મેલેરિયા કેમેય કાબૂમાં આવતો જ ન હતો. મેલેરિયાની જૂની દવાઓ મચ્છરો પર કામ જ કરતી નહોતી. ત્યાંથી મને વિચાર સ્ફૂર્યો કે મચ્છરોએ બાંયો ચઢાવીને દવા સામે પ્રોટેસ્ટ કર્યો છે. તેથી મેં મચ્છરોને ફિલ્મમાં પિસાયેલી પ્રજાના રૂપક તરીકે મૂક્યા હતા."
ખોજપુરી રાજ્યના પ્રતીક તરીકે ફિલ્મમાં કાચબાને દર્શાવ્યો હતો.
ફિલ્મ માટે 45 ગીતો તૈયાર કરવામાં આવ્યાં હતાં અને જેમાંથી 37 ગીતો ફિલ્માવાયાં હતાં.
સંગીત વિશે વાત કરતાં રજત ધોળકિયા બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "સામાન્ય રીતે ફિલ્મમાં 40 જેટલાં ગીતો હોતાં નથી, પણ આ ફિલ્મમાં ગીતો એ ફિલ્મની કથાનકનો એક હિસ્સો સમાન હતાં જે વાર્તાને આગળ વધારતાં હતાં."
"ગીતો જૂની ગુજરાતી રંગભૂમિ કે મુંબઈના ભાંગવાડીમાં જે નાટકો થતાં હતાં તેનાં મૉડર્ન વર્ઝન જેવાં હતાં. સંગીતકાર તરીકે મારા માટે આ એક જુદો જ અનુભવ હતો."
"અમે આ ફિલ્મનાં ગીતોના રૅકોર્ડિંગ માટે ડિરેક્ટર સંજીવ ભટ્ટના પપ્પાના બંગલા નીચે એક ભોંયરા જેવું હતું, ત્યાં એક હંગામી સ્ટુડિયો ઊભો કર્યો હતો."
"પંદરેક દિવસમાં અમે 40થી વધુ ગીતો રૅકોર્ડ કરી લીધાં હતાં. અમે રૅકોર્ડ કરેલા કેટલાંક ગીત ફિલ્મમાં હોય છે એટલી લંબાઈના હતા તો કેટલાંક ટૂંકા ગીત હતાં."
"તબલા, ઢોલક અને કી બોર્ડ જેવાં ખપ પૂરતાં વાદ્યોનો જ અમે સંગીતમાં ઉપયોગ કર્યો હતો. બાબુભાઈ રાણપુરા, ડોલર ગઢવી, રાજુલ મહેતા, શ્યામલ સૌમિલ, ઉદય મઝુમદાર, સંજય ઓઝા, હૃદય મર્ચન્ટ, રઘુવીર યાદવ વગેરે ગાયકોએ ફિલ્મમાં ગીતો ગાયાં હતાં."
આ રાજકીય ફિલ્મ અગાઉના સમય કરતાં અત્યારે વધુ પ્રસ્તુત છે : રેણુકા શહાણે
ફિલ્મમાં મચ્છર, કાચબો, ગીતો વગેરેના માધ્યમથી ફિલ્મમેકરે ભારતની વ્યવસ્થા પર વ્યંગ કર્યો છે.
ફિલ્મ ઇતિહાસકાર અમૃત ગંગર કહે છે કે, "જ્યાં સુધી શોષણ છે ત્યાં સુધી વિરોધ છે. સામાજમાં જે વર્ગ વિષમતા વધી છે એનું રૂપણ ફિલ્મમાં છે."
2020માં જ આ ફિલ્મની પ્રિન્ટને રિસ્ટોર કરીને યુટ્યુબ પર થોડા સમય માટે મૂકવામાં આવી ત્યારે રેણુકા શહાણેએ સોશિયલ મીડિયા – ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, "આ ટાઇમલેસ ક્લાસિક સામાજિક અને રાજકીય રીતે અગાઉ હતી એના કરતાં આજે વધારે પ્રસ્તુત છે."
સંજીવ શાહ હસતાં હસતાં કહે છે કે, "જો રેણુકા શાહને એવું લાગતું હોય તો આ એક કસનસીબ સત્ય છે. આપણા દેશમાં અને દુનિયામાં એ વખતે જે સ્થિતિ હતી તેના કરતાં હવે વધારે સ્થિતિ બગડી છે."
"ઇચ્છા તો એવી જ હતી કે સ્થિતિ સુધરે, દુનિયા બહેતર બને પણ દુનિયાની ગતિ મારી ફિલ્મમાં દર્શાવ્યા મુજબ થઈ હોય તો ફિલ્મમેકર તરીકે હું ભલે પોરસાઉં પણ એ સ્થિતિ દુખદ છે."
તમારી ફિલ્મ 1992માં રજૂ થઈ હતી અને એના આગલા વર્ષે જ ભારતમાં આર્થિક ઉદારીકરણ – ઇકોનૉમિક લિબરલાઇઝેશન લાગુ થયું હતું. તો ફિલ્મ બનાવતી વખતે ઉદારીકરણ અને તેને લીધે સર્જાનારા પરિણામ તમારી વાર્તાનો ભાગ હતા જ?
આ સવાલના જવાબમાં સંજીવ શાહ કહે છે કે, "એ વખતે દેશને આઝાદી મળ્યાને 50 વર્ષના કાંઠે હતો. અમે આઝાદ ભારતનાં 50 વર્ષના સામાજિક રાજકીય ઇતિહાસ પર ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. એ સમયગાળામાં ભારત અને જગત એક ત્રિભેટે હતા."
"મુક્ત અર્થતંત્ર માટેના વાતાવરણનો ઉઘાડ 89-90માં શરૂ થઈ ગયો હતો. ભારત એક સમાજવાદી, કલ્યાણકારી રાજ્ય બનવાથી મુક્ત બજાર અર્થતંત્રના પ્રખર સમર્થક બનવા તરફ આગળ વધવા લાગ્યું હતું. ચોક્કસ પ્રકારનો જ વિકાસ થાય એવા ઢાંચાઢાળ ડેવલપમેન્ટ મોડલની શરૂઆત ત્યારથી જ થઈ હતી."
"એ વખતે જગતભરમાં કેટલાંક વિખવાદ ચાલી જ રહ્યા હતા. અમે ફિલ્મ બનાવવાની શરૂ કરી ત્યારે ભાજપના નેતા લાલકૃષ્ણ આડવાણીની સોમનાથથી રથયાત્રા(25 સપ્ટેમ્બર,1990) શરૂ થઈ ગઈ હતી. બર્લિનની દીવાલ(09 નવેમ્બર,1989) પડી હતી."
"ફિલ્મ તૈયાર થયા પછી તેની પહેલી પ્રિન્ટ કરાવવા મુંબઈ ગયા ત્યારે બાબરી ધ્વંસ પછીનાં રમખાણ ત્યાં શરૂ થઈ ગયાં હતાં. અમે સ્ટેશન પર ઊતર્યા તો મુંબઈ સળગી રહ્યું હતું."
હાલના સમયમાં રાજકીય વ્યંગ કરતી ફિલ્મ બનાવવી શક્ય છે?
17 લાખમાં તૈયાર થયેલી આ ફિલ્મ માટે સંજીવ શાહને એ વખતે એનએફડીસી(નૅશનલ ફિલ્મ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા)એ ભંડોળ પેટે 11 લાખ રૂપિયા આપ્યા હતા. જે પછી તેમણે વ્યાજ સાથે 15 લાખ રૂપિયા પરત કર્યા હતા. દૂરદર્શને ફિલ્મ લીધી એના થોડા પૈસા તેમને મળ્યા હતા.
સંજીવ શાહ કહે છે કે,"મારા ઘરના પૈસા રોકાયા અને પાછા ન મળ્યા તેનો મને કોઈ અફસોસ નથી, કેમકે મને એ ખબર હતી."
હું,હુંશી,હુંશીલાલ આજે ભારતીય સિનેમાની એક કલ્ટ ફિલ્મ ગણવામાં આવે છે. જોકે, રજૂ થયાનાં બે-ત્રણ વર્ષ સુધી તેની કોઈ નોંધ લેવાઈ નહોતી. જેનો ડિરેક્ટરને અફસોસ છે.
રાજનેતાઓ પર વ્યંગ કરતી આ પ્રકારની ફિલ્મ તમારે અત્યારે બનાવવી હોય તો એટલી જ સહજતા કે આત્મવિશ્વાસથી બનાવી શકો?
સંજીવ શાહ કહે છે કે, "મને લાગે છે કે અત્યારના સમયમાં આવી ફિલ્મ બનાવવી શક્ય નથી."
સંજીવ શાહ પોતે આર્કિટેક્ટ છે ઉપરાંત એફટીઆઈઆઈ(ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા)માં તેમણે અભ્યાસ કર્યો હતો. કેતન મહેતાની બહુચર્ચિત ફિલ્મ મિર્ચ મસાલાનું ઍડિટિંગ સંજીવ શાહે કર્યું હતું. જેના માટે તેમને નૅશનલ ઍવૉર્ડ મળ્યો હતો.
હુંશીલાલ ફિલ્મના લેખક પરેશ નાયકે પછી લેખક વિનેશ અંતાણીની કથા પરથી કે.કે.મેનન, નંદિતા દાસ, સુજાતા મહેતા, સંદીપ કુલકર્ણી જેવા કલાકારોને લઈને કચ્છની પૃષ્ઠભૂમિમાં ધાડ નામની ફિલ્મ બનાવી હતી જે 2018માં રજૂ થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન