You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'Paytm' પર RBIની કાર્યવાહી બાદ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરનારાઓને શું અસર થશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી સરકારે 1 ફેબ્રુઆરી, 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે, જેના કારણે શરૂઆતના કલાકોમાં શેરબજારોમાં સાવચેતીભર્યું વલણ જોવા મળ્યું હતું.
બીજી બાજુ, વન 97ના શૅરોમાં 20 ટકા જેટલો કડાકો બોલી ગયો હતો અને તેમા લૉઅર-સર્કિટ લાગી હતી. આ કંપની જ કંપની પેમેન્ટ ઍપ 'પેટીએમ' અને 'પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક લિ.'નું સંચાલન કરે છે.
કંપનીના શૅરમાં કડાકો બોલવા પાછળ ભારતની મધ્યસ્થ બૅન્ક આરબીઆઈ દ્વારા પેમેન્ટ્સ બૅન્ક સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને જવાબદાર માનવામાં આવે છે.
નવેમ્બર-2021માં કંપનીનો આઈપીઓ આવ્યો ત્યારે 2080થી 2150 ભાવથી શૅરોની ફાળવણી કરવામાં આવી હતી અને ગુરુવારે કંપનીના શૅરોનો ભાવ 609 પર પહોંચી ગયો હતો.
RBIએ શું કાર્યવાહી કરી?
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બુધવારે જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 11 માર્ચથી પેટીએમ પેમેન્ટ્સ બૅન્કને નવા ગ્રાહકો ન લેવા માટે જણાવવામાં આવ્યું છે.
વિસ્તૃત ઑડિટ રિપૉર્ટ તથા એ પછી બાહ્ય ઑડિટરોના રિપોર્ટમાં નિયમોનું અનુપાલન થતું ન હોવાનું બહાર આવ્યું હતું, જેના કારણે બૅન્કની ઉપર વધારાનાં નિરીક્ષણાત્મક પગલાં લેવાની જરૂર ઊભી થઈ હતી.
આરબીઆઈએ બૅન્કિંગ રૅગ્યુલેશન ઍક્ટ -1949ની કલમ 35-અ હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરતા પેટીએમ પેમેન્ટ્સ બૅન્કની સામે દિશાનિર્દેશ જાહેર કર્યાં હતાં. જે મુજબ તા. 29મી ફેબ્રુઆરી પછી આ બૅન્કના ખાતાઓમાં પૈસા જમા કરાવી નહીં શકાય.
પહેલી માર્ચથી આ બૅન્કના ગ્રાહકો પ્રીપેઇડ ઇન્સ્ટ્રુમૅન્ટ્સ, વૉલેટ, ફાસ્ટૅગ, એનસીએમસી કાર્ડ વગેરેમાં પૈસા જમા નહીં કરાવી શકે કે ટૉપ-અપ નહીં કરાવડાવી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ગ્રાહકો તેમના સેવિંગ્સ બૅન્ક ઍકાઉન્ટ, ચાલુ ખાતા, ફાસ્ટૅગ, એનસીએમસી ઍકાઉન્ટમાં રહેલી જમા રકમનો અગાઉની જેમ જ ઉપયોગ કરી શકશે અને તેના ઉપર કોઈ પણ જાતનાં નિયંત્રણ લાદવામાં નથી આવ્યાં.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આરબીઆઈએ લીધેલાં પગલાંઓમાં પેટીએમ પેમેન્ટ્સ બૅન્કનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું નથી.
આ નિર્ણયથી જેમના અન્ય બૅન્કોમાં ખાતા છે અને યુપીઆઈ મારફત પેમેન્ટ કરે છે તેમને કોઈ અસર થાય તેવી શક્યતા ઓછી છે. પરંતુ જે લોકો પેટીએમ પેમેન્ટ્સ બૅન્કમાં ખાતું ધરાવે છે અને તેના મારફત જે-તે જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરે છે તેમને અસર પડશે.
પેટીએમએ શું કહ્યું?
જેફ્રિસ ઇન્ડિયાના ઇક્વિટી ઍનાલિસ્ટ જયંત ખારોટે કહ્યું હતું કે, "વૉલૅટ બિઝનેસમાં પેટીએમનો હિસ્સો ગ્રૉસ મર્ચેન્ડાઇઝ વૅલ્યૂ (જીએમવી)ના પાંચ ટકા છે. આ ધંધો કંપનીએ સમેટી લેવો પડશે."
ફાસ્ટૅગમાં કંપની જીએમવીના 17 ટકા હિસ્સો ધરાવે છે અને દેશની ત્રીજા ક્રમાંકની ફાસ્ટૅગ કંપની છે. આરબીઆઈની કાર્યવાહી પછી ટૉપ-અપ નહીં થઈ શકવાને કારણે આ ક્ષેત્રમાં કંપનીના ગ્રાહકો અન્ય કંપનીઓ તરફ વળશે એવું જેફ્રિસ ઇન્ડિયાનું માનવું છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, પેટીએમએ કહ્યું છે કે તે જાણીતી થર્ડ-પાર્ટી બૅંન્કો સાથે મળીને પેમેન્ટ્સ અને ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોડક્ટ્સનું વિતરણ કરવા માટે હજુ પોતાનો વિસ્તાર કરશે.
‘પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક’ શું છે?
વર્ષ 2010માં વિજય શેખર શર્માએ પેટીએમની સ્થાપના કરી હતી. એક સમયે તેમની ગણના દેશના સૌથી યુવા અબજોપતિમાં થતી હતી. ચીનના અબજોપતિ જૅક મા અને જાપાનની કંપની સૉફ્ટબૅન્ક તેના પ્રારંભિક રોકાણકારોમાં હતા.
વર્ષ 2015માં આરબીઆઈએ પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્મા સહિત 10 લોકોને પેમેન્ટ બૅન્ક બનાવવા માટેની અનુમતિ આપી હતી.
પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક 2016માં બનાવવામાં આવી હતી અને 2017ના માર્ચ મહિનાથી તેણે તેનું કામકાજ શરૂ કર્યું હતું. તેણે તેની પહેલી બ્રાન્ચ નોઈડામાં ખોલી હતી.
પેટીએમ પેમેન્ટ્સ બૅન્કની વેબસાઇટ અનુસાર તેના 10 કરોડથી વધુ કેવાયસી વેરિફાઈડ ગ્રાહકો છે તથા તેણે ફાસ્ટેગના પણ 80 લાખ લાખ યુનિટ ઇશ્યૂ કર્યા છે. તે એવો દાવો કરે છે કે તેના 3 કરોડથી વધુ બૅન્ક અકાઉન્ટ છે.
પેટીએમ પેમેન્ટ્સ બૅન્કમાં 2 લાખથી લધુ રકમ જમા કરાવી શકાતી નથી. તે સીધા જ કોઈને ધિરાણ આપી ન શકે પરંતુ લોન પ્રોડક્ટ્સ વેચી શકે છે અને થર્ડ-પાર્ટી લોન પ્રોડક્ટ્સનો પ્રચાર કરી શકે છે.
વર્ષ 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી એ પછી લોકોમાં પેટીએમનું પ્રચલન અસામાન્ય ગતિએ વધ્યું હતું. આમ છતાં કંપની ખોટ જ કરી રહી હતી.
લિસ્ટિંગના જ દિવસે શૅરના ભાવોમાં ઇસ્યુ-પ્રાઇસ કરતાં 27 ટકા જેટલો કડાકો બોલી ગયો હતો. નવેમ્બર-2022માં કંપનીના શૅરના ભાવ રૂ. 465 આસપાસ પહોંચી ગયા હતા, જે અત્યાર સુધીનો નીચો ભાવ છે.