પેજર હુમલાના તાર ઇઝરાયલ સાથે કેવી રીતે જોડાઈ રહ્યા છે, હિઝબુલ્લાહને કેટલો મોટો ઝાટકો

હૉસ્પિટલ માટે રસ્તો કરાવી રહેલા સુરક્ષાકર્મીની તસવીર

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

ઇમેજ કૅપ્શન, અનેક ઍમ્બુલન્સો ઘાયલોને લેબનોનની અનેક હૉસ્પિટલોમાં લઈ જતી જોવા મળી હતી
    • લેેખક, ડેવિડ ગ્રિટન
    • પદ, લંડન

લેબનોનના આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે, પેજર ધડાકાઓને કારણે બે બાળક સહિત ઓછામાં ઓછા 12 લોકો મૃત્યુ પામ્યાં છે. બૈરુત અને આજુબાજુના વિસ્તારમાં થયેલા ધડાકાઓને કારણે લગભગ બે હજાર 800 લોકો ઘાયલ થયા છે, જેમાં લેબનોનસ્થિત ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે.

હિઝબુલ્લાહના સશસ્ત્ર લડવૈયા પેજરના માધ્યમથી જ સંદેશાવ્યવહાર કરે છે. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદ જ આ પેજરવિસ્ફોટો માટે જવાબદાર છે.

લેબનોનના વરિષ્ઠ સિક્યૉરિટી ઑફિસરના કહેવા પ્રમાણે, આ પેજર થોડા મહિના પહેલાં જ દેશમાં આવ્યા હતા.

ઇઝરાયલ તથા અમેરિકન સૂત્રોના કહેવા પ્રમાણે, હિઝબુલ્લાહને પેજર ઉપર શંકા થઈ ગઈ હતી, એટલે તેમાં રહેલાં વિસ્ફોટકોને સમય કરતાં પહેલાં જ ઍક્ટિવેટ કરી દેવામાં આવ્યા હતા.

ઈરાનસમર્થિત હિઝબુલ્લાહના કહેવા પ્રમાણે, તેના અનેક એકમો અને સંસ્થાના કર્મચારીઓ આ પેજરનો ઉપયોગ કરતાં હતાં. ઉગ્રવાદી સંગઠને તેના આઠ લડવૈયાઓનાં મૃત્યુની પુષ્ટિ કરી છે.

હિઝબુલ્લાહે આ વિસ્ફોટો માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે અને તેને 'ગુનાહિત ઘૂસણખોરી' જણાવીને, 'વેર લેવા' માટેના સમ ખાધા છે. આ અંગે ઇઝરાયલની સેનાએ કોઈ ટિપ્પણી નથી કરી.

બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી લેબનોન ધણધણી ઉઠ્યું તે પહેલાં ઇઝરાયલની સુરક્ષા કૅબિનેટે કહ્યું હતું કે દેશના ઉત્તર ભાગમાં હિઝબુલ્લાહના હુમલાઓને કારણે વિસ્થાપિત થયેલા લોકોને સલામત રીતે પરત મોકલવાએ આ યુદ્ધનો સત્તાવાર હેતુ હતો.

તા. 7 ઑક્ટોબર, 2023ના હમાસના લડવૈયા ઇઝરાયલમાં પ્રવેશ્યા, એ દિવસથી લેબનોનની સરહદ પણ સળગી રહી છે અને ત્યાં લગભગ દરરોજ ગોળીબાર થઈ રહ્યો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તે ઇરાનસમર્થિત પેલેસ્ટાઇની સમૂહના સહયોગ માટે કાર્યરત છે.

હિઝબુલ્લાહનું શું કહેવું છે?

ગૉલ્ડ ઓપોલોની ઓફિસે તાઇવાનની પોલીસની તસવીર

ઇમેજ સ્રોત, Joy Chiang/ BBC

ઇમેજ કૅપ્શન, તાઇવાનની પોલીસ તાઇપેયી ખાતે પેજર બનાવતી કંપનીની ઑફિસે તેની ભૂમિકા વિશે તપાસ કરવા પહોંચી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હિઝબુલ્લાહે બુધવારે બહાર પાડેલા તાજેતરના નિવેદનમાં કહ્યું હતું કે 'ગાઝાના સમર્થનમાં ચાલી રહેલું અભિયાન' ચાલુ રહેશે. ઇઝરાયલ, બ્રિટેન સહિત અનેક દેશોએ હિઝબુલ્લાહ તથા હમાસને આતંકવાદી સંગઠન ઠેરવી, તેમને ગેરકાયદેસર જાહેર કર્યા છે.

બીજી બાજુ, સંયુક્ત રાષ્ટ્રોનું કહેવું છે કે લેબનોનમાં જે કંઈ થયું તે ખૂબ જ ચિંતાજનક છે.

મંગળવાર સાંજના ઘટનાક્રમથી અનેક લેબનોનવાસીઓ આઘાતમાં છે અને જે કંઈ થયું તેના ઉપર તેમને વિશ્વાસ નથી બેસતો. આસપાસમાં આટલી મોટી સંખ્યામાં આવી ઘટનાઓ ઘટવા ઉપર વિશ્વાસ કરવો, તેમના માટે મુશ્કેલ છે.

કેટલા લડવૈયા દ્વારા પેજરનો ઉપયોગ કરવામાં આવે છે, તેના વિશે હિઝબુલ્લાહે કોઈ સ્પષ્ટતા નથી કરી, પરંતુ મોબાઇલ હૅક તથા ટ્રૅક થઈ શકે તેમ હોવાને કારણે તેના લડવૈયા પરસ્પર સંકલન સાધવા માટે પેજર ઉપર આધાર રાખે છે.

એક સીસીટીવી ફૂટેજમાં પેજરમાં થયેલો ધડાકો જોઈ શકાય છે. આ વિસ્ફોટ સુપરમાર્કેટ પાસે ઊભેલી એક વ્યક્તિના ખિસ્સા કે બૅગમાં થયો હતો. એ પછી તે શખ્સ જમીન ઉપર પડી ગયો અને દર્દથી કણસી રહ્યો હતો. અન્ય વેપારી તેની વ્હારે થયા હતા.

થોડા કલાકોમાં જ અનેક ઍમ્બુલન્સો હૉસ્પિટલો તરફ જતી જોવા મળી હતી અને દવાખાના દર્દીઓથી ભરાઈ ગયાં હતાં. બહાર પરિવારજનો તેમના દર્દીઓની ખબર મેળવવા માટે વ્યાકૂળ જણાતા હતા. આરોગ્ય મંત્રીના કહેવા પ્રમાણે, લગભગ 200 લોકોની સ્થિતિ ગંભીર છે.

ઈરાનના રાજદૂત ઘાયલ

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનનાં મહિલાઓ તેમના અધિકારોને ખતમ કરતા નવા કાયદાઓ અંગે શું બોલ્યાં?

બૈરુતના અશરફિહ જિલ્લાના એલયુ મેડિકલ સેન્ટરનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને બહુ થોડા લોકોને અંદર જવા દેવાની મંજૂરી આપવામાં આવી હતી.

હૉસ્ટિપલના એક કર્મચારીએ બીબીસી સાથે વાત કરતી વેળાએ કહ્યું, "સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે અને અમુક દૃશ્યો એકદમ ભયાનક છે."

મોટાભાગના ઘાયલોને કમર, ચહેરા, આંખ અને હાથમાં ઈજાઓ પહોંચી છે. કર્મચારીના કહેવા પ્રમાણે, "વધુ પ્રમાણમાં ઘાયલ લોકોએ આંગળીઓ ગુમાવી છે તો કેટલાકે બધી આંગળીઓ ગુમાવી દીધી છે."

ઈરાનના રાજદૂત મોજત્બા અમાનીનાં પત્નીનાં કહેવા પ્રમાણે, તેઓ (ઇરાની રાજદૂત) એક ધડાકામાં સામાન્ય ઘાયલ થયા હતા અને તેઓ હૉસ્પિટલમાં છે, જ્યાં તેમની સ્થિતિ સારી છે.

હિઝબુલ્લાહે આઠ લડવૈયાનાં મૃત્યુની પુષ્ટિ કરી છે, પરંતુ તેઓ ક્યાં મૃત્યુ પામ્યાં તથા તેમની સ્થિતિ કેવી છે, તેના વિશે કોઈ માહિતી નથી આપી. માત્ર એટલું જણાવવામાં આવ્યું છે કે તેઓ 'જેરૂસલેમના માર્ગ ઉપર શહીદ થઈ ગયા.'

ન્યૂઝ એજન્સી એએફપી હિઝબુલ્લાહના સૂત્રને ટાંકતા લખે છે કે બેકા ઘાટીમાં સંગઠનના સંસદસભ્ય અલી અમારનાં દીકરા તથા 10 વર્ષીય દીકરી પણ મૃતકોમાં સામેલ છે. અન્ય એક સૂત્રના કહેવા પ્રમાણે, સાંસદ હસન ફદલલ્લાહના દીકરા ઘાયલ થયા છે. અગાઉ તેમના મૃત્યુ વિશેના વાવડ હતા.

બ્રિટનસ્થિત સિરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સના કહેવા પ્રમાણે, પાડોશી દેશ સીરિયામાં પણ પેજરોમાં વિસ્ફોટ થયા છે, જેમાં 14 લોકો ઘાયલ થયા છે. સીરિયામાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે અને તેમાં હિઝબુલ્લાહ ત્યાંની સરકારની પડખે છે.

લેબનોનના ઇઝરાયલ ઉપર આરોપ

ધડાકા પછી પેજરના અવશેષની તસવીર

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, પેજરના અવશેષો પરથી તેમાં વિસ્ફોટ થયા હોવાની થિયરી વહેતી થઈ

મંગળવારે સાંજે હિઝબુલ્લાહે તેના નિવેદનમાં કહ્યું, "અમે આ ગુનાહિત આક્રમણ માટે સંપૂર્ણપણે ઇઝરાયલને જવાબદાર માનીએ છીએ."

લેબનોનના વડા પ્રધાન નજીબ મિકાતીએ પણ આ વિસ્ફોટો માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. તેમના કહેવા પ્રમાણે, "તમામ માપદંડો મુજબ ઇઝરાયલે લેબનોનની સંપ્રભૂતાનો ગંભીરપણે ભંગ કર્યો છે."

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ આરાગચીએ લેબનોનના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી અને તેમને "ઇઝરાયલના આતંકવાદની કડક શબ્દોમાં ટીકા" કરવા કહ્યું છે.

ઇઝરાયલના મિત્રરાષ્ટ્ર અમેરિકાએ આ વિસ્ફોટકોમાં કોઈપણ રીતે તેની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છે અને ઈરાનને અપીલ કરી છે કે તે તણાવને વકરવા ન દે.

મોસાદ તરફ આંગળી?

હૉસ્પિટલની બહાર ઘાયલોના પરિવારજનો એકઠાં થયાં હતાં તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, હૉસ્પિટલની બહાર ઘાયલોના પરિવારજનો

લેબનોનના વરિષ્ઠ સિક્યૉરિટી સૂત્રને ટાંકતા સમાચાર સંસ્થા રૉઇટર્સ લખે છે કે તાઇવાનમાંથી લગભગ પાંચેક હજાર પેજર આવ્યાં હતાં, જેમાં નાનાં પ્રમાણમાં વિસ્ફોટક પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આ પેજરોનો ઑર્ડર હિઝબુલ્લાહે આપ્યો હતો.

આ સિવાય ઇઝરાયલ અને અમેરિકાના સૂત્રોને ટાંકતા એગ્જિયોમ અને અલ-મૉનિટોર જણાવે છે કે આ વિસ્ફોટો નિર્ધારિત સમય કરતાં પહેલાં કરી દેવાયા હતા, કારણકે ઇઝરાયલને આશંકા હતી કે હિઝબુલ્લાહને તેની યોજનાની ગંધ આવી ગઈ છે.

તાઇવાનની કંપની ગૉલ્ડ અપૉલોના કહેવા પ્રમાણે, તેણે આ પેજરો નહોતાં બનાવ્યાં. કથિત પેજરો સાથે કંપની, તેના લોકો કે કંપનીના સ્થાપકનો કોઈ સંબંધ હોવાની વાતને તેણે નકારી છે.

હિઝબુલ્લાહ તથા લેબનોનના વડા પ્રધાને ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે, પરંતુ આઈડીએફે આ અંગે કોઈ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો છે.

પેજરમાં કેવી રીતે થયા વિસ્ફોટ?

ઘાયલોને હૉસ્પિટલે પહોંચવા માટે મદદ કરી રહેલા સ્થાનિકોની તસવીર

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

ઇમેજ કૅપ્શન, ઘાયલોને હૉસ્પિટલે પહોંચવા માટે મદદ કરી રહેલા સ્થાનિકો

હિઝબુલ્લાહે એ નથી જણાવ્યું કે પેજરમાં વિસ્ફોટ થવાનું કારણ શું છે.

ધ વૉલ સ્ટ્રીટ જર્નલે એક સૂત્રના હવાલે કહ્યું કે જે ડિવાઇસોમાં વિસ્ફોટ થયો છે, તે હિઝબુલ્લાહને નવી ખેપ મારફતે હાલ જ મળ્યા હતા. હિઝબુલ્લાહના એક અધિકારીએ પણ સમાચારપત્રને જણાવ્યું કે કેટલાક લોકોને લાગ્યું કે પેજરો વિસ્ફોટ થયો તે પહેલાં ગરમ થઈ ગયાં હતાં.

વધારે ગરમ થઈ ગયેલી લિથિયમ-આયન બૅટરીમાં આગ લાગી શકે છે. જોકે વિશેષજ્ઞ માને છે કે પેજરને હૅક કરવા અને તેને ગરમ કરવા માત્રથી સામાન્ય રીતે આવા વિસ્ફોટો ન થાય.

બ્રિટિશ આર્મીમાં હથિયાર સામગ્રીના એક ભૂતપૂર્વ વિશેષજ્ઞ નામ ન છાપવાની શરતે બીબીસીને જણાવ્યું છે કે એવી શંકા છે કે પેજર્સમાં નકલી ઇલેક્ટ્રોનિક સામાન બનાવીને તેમાં 10 ગ્રામથી 20 ગ્રામ સૈન્યસ્તરનો વિસ્ફોટક છુપાવવામાં આવ્યો હોય.

વિશેષજ્ઞો કહે છે કે જ્યારે ડિવાઇસ પર સિગ્નલ આવ્યો હશે, જેને અલ્ફઆન્યૂમેરિક ટેક્સ્ટ મૅસેજ કહેવામાં આવે છે, ત્યારે આ ડિવાઇસનો ઉપયોગ કરવાથી તેમાં વિસ્ફોટ થયો હશે.

બ્રિટનસ્થિત ચૅટમ હાઉસ થિંક ટૅન્કમાં મિડલ ઇસ્ટનાં વિશેષજ્ઞ લીના ખાતિબે બીબીસીને જણાવ્યું, “ઇઝરાયલ ઘણા મહિનાઓથી હિઝબુલ્લાહ સામે સાઇબર ઑપરેશન ચલાવે છે, પરંતુ આ મોટા પાયે સુરક્ષામાં ચૂક છે.

અમેરિકન થિંક ટૅન્ક ધ ઍટલાન્ટિક કાઉન્સિલના બૈરુતના સિનિયર ફૅલો નિકોલસ બ્લેનફોર્ડે કહ્યું, “ઇઝરાયલે આ લડાઈમાં એક જ ઝટકે હિઝબુલ્લાહના હજારો નહીં તો સેંકડો લડવૈયાઓને બેઅસર કરી નાખ્યા છે. કેટલાકને તો હંમેશા માટે (નિષ્ક્રિય) કરી દીધા છે.”

હિઝબુલ્લાહ પર વધશે દબાણ?

હિઝબુલ્લાહના લડવૈયાઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નિકોલસ એ પણ ચેતવણી આપે છે કે હિઝબુલ્લાહના નેતાઓ પર તેનો જવાબ આપવા માટે હવે સમર્થકો તરફથી દબાણ હશે. તેમણે આ પળને હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચેના વિવાદને ઑક્ટોબર પછી સૌથી ભયાનક ગણાવી.

મંગળવાર સાંજે ઇઝરાયલી સેનાનું એક નિવેદન સામે આવ્યું. જેમાં પેજર વિસ્ફોટોને લઈને કોઈ ટિપ્પણી નહોતી કરવામાં આવી, પરંતુ જણાવ્યું કે ચીફ ઑફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ હેર્જી હેલ્વીએ સ્થિતિની સમીક્ષા કરવા કમાન્ડર કક્ષાના અધિકારીઓની બેઠક યોજી છે. આ બેઠક જંગ માટે તમામ મોરચે તૈયાર રહેવા માટેની રણનીતિ પર કેન્દ્રિત હતી.

એવું પણ કહેવાયું કે ઇઝરાયલની જનતા માટેની સુરક્ષા માર્ગદર્શિકામાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. પરંતુ તમામને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

તેના એક દિવસ પહેલાં ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે ઇઝરાયલની સીમા નજીક લેબેનોનમાં એક ઍરસ્ટ્રાઇકમાં ‘હિઝબુલ્લાહના ત્રણ આતંકવાદીઓ’ને મારી નાખવામાં આવ્યા.

લેબોનોનના આરોગ્ય મંત્રાલયે આ સમાચારની પુષ્ટિ કરી છે કે ઇઝરાયલી સ્ટ્રાઇકમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. ત્યાં હિઝબુલ્લાના મીડિયા કાર્યાલયે જણાવ્યું કે ઇઝરાયલના સૈનિકો અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવા મિસાઇલ અને ડ્રૉન હુમલાઓ કરવામાં આવ્યા હતા.

ઇઝરાયલની શિન બેત સુરક્ષા સેવાએ જણાવ્યું કે હિઝબુલ્લાહના બૉમ્બને નાકામ કરી દેવામાં આવ્યા છે. આ હુમલો ઇઝરાયલના ભૂતપૂર્વ સુરક્ષા અધિકારીને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. હિઝબુલ્લાહે આ આરોપ વિશે કોઈ ટિપ્પણી નથી કરી.

આ એ સમયે થયું છે જ્યારે ઇઝરાયલની સરકારે હિઝબુલ્લાહ સામે સેના ઉતારવાની ધમકી આપી છે.

મંગળવારે સવારે ઇઝરાયલની સુરક્ષા કૅબિનેટે 60 હજાર વિસ્થાપિતોની સુરક્ષિત વાપસી કરાવી, જેઓ હિઝબુલ્લાહના હુમલાને કારણે ઉત્તરમાં વિસ્થાપિત થયા હતા.

સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેંટે અમેરિકાના રાજદૂત એમોસ હોચસ્ટાઇન સાથે સોમવારે મુલાકાત કરી હતી તે વખતે તેમણે કહ્યું હતું કે ઉત્તરમાં રહેતા લોકોને માત્ર સૈન્યકાર્યવાહી દ્વારા જ પરત લાવી શકાય છે.

તેમના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સમજૂતિની સંભાવના દૂર થતી જાય છે, કારણકે હિઝબુલ્લાહે પોતાને હમાસ સાથે જોડાયેલું રાખ્યું છે અને વિવાદ ખતમ કરવા માટે ઇન્કાર કર્યો છે.

જ્યારથી ઑક્ટોબરમાં યુદ્ધ શરૂ થયું છે, લગભગ 598 લોકો લેબેનોનમાં માર્યા ગયા છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તે પૈકી સૌથી વધારે હિઝબુલ્લાહના લડવૈયાઓનો સમાવેશ થાય છે.

ઇઝરાયલ સરકારે જણાવ્યું કે ઇઝરાયલ તરફથી 35 નાગરિકો અને 21 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે.

ફ્રાંસેસ માઓએ પણ આ અહેવાલનું રિપોર્ટિંગ કર્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.