'વન નેશન, વન ઇલેક્શન'ને કેન્દ્રીય કૅબિનેટની લીલીઝંડી, તેના અમલમાં કેવી મુશ્કેલીઓ આવી શકે છે?

ઇમેજ સ્રોત, EPA
બુધવારે મળેલી કેન્દ્રીય કૅબિનેટની બેઠકમાં 'વન નેશન, વન ઇલેક્શન'ના અંગેની બનાવેલી ઉચ્ચસ્તરીય કમિટીની ભલામણોને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આના વિશે પત્રકારોને માહિતી આપી હતી.
સરકારનું કહેવું છે કે અલગ-અલગ વિચારધારા ધરાવતા અનેક રાજકીયપક્ષોએ આ પ્રસ્તાવને આવકાર્યો છે અને તેનાથી લાંબાગાળે દેશને લાભ થશે.
જોકે, અગાઉ કૉંગ્રેસ સાર્વજનિક રીતે આ પ્રસ્તાવનો વિરોધ કરી ચૂકી છે. આ સિવાય આંધ્ર પ્રદેશમાં ટીડીપી અને બિહારમાં જેડીયુ જેવા વર્તમાન એનડીએ સરકારના સહયોગીદળો બંને ચૂંટણીઓને સાથે યોજાવા માટે સહમત થશે કે નહીં, તેના ઉપર રાજકીય વિશ્લેષકોની મીટ મંડાયેલી રહેશે.
આ સિવાય બંધારણીય, રાજકીય અને વ્યવહારૂ સમસ્યાઓ આ પ્રસ્તાવની સફળતામાં અવરોધ ઊભા કરી શકે છે.
આઝાદી પછી શરૂઆતનાં વર્ષો દરમિયાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, પરંતુ સરકારોની બરતફરી તથા રાજીનામાંના કારણે આ ક્રમ ખોરવાઈ ગયો હતો.
વર્ષ 1983માં ઇંદિરા ગાંધી સમક્ષ સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણીઓ યોજવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને તેમણે નકારી કાઢ્યો હતો.
વર્ષ 2014માં ભાજપે તેના ચૂંટણીઢંઢેરામાં 'વન નેશન, વન ઇલેક્શન'નો ઉલ્લેખ કર્યો હતો. એ પછી સમયાંતરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતા આ મુદ્દો ઉઠાવતા રહ્યાં છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમણે ચાલુ વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.
કોને ફાયદો, કોને નુકસાન

ઇમેજ સ્રોત, ANI
આઝાદી પછી પહેલી ચૂંટણીઓ એકસાથે થઈ હતી. તેના પછી 1957,1962 અને 1967માં પણ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહે અગાઉ બીબીસીને આ વિશે જણાવ્યું હતું કે 'વન નેશન, વન ઈલેક્શન' એ આજની વાત હોય એવું નથી. તેના પ્રયાસો 1983થી શરૂ થયા હતા પણ ત્યારે ઇંદિરા ગાંધીએ તે માંગને ફગાવી દીધી હતી. જ્યારથી નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા છે ત્યારથી આ મુદ્દો ઊઠી રહ્યો છે. ભાજપના 2014ના ઘોષણાપત્રમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પ્રદીપ સિંહ કહે છે, "ચૂંટણીમાં કાળાં નાણાંનો મોટા પાયે ઉપયોગ થાય છે અને જો ચૂંટણી એકસાથે યોજાય તો તેમાં નોંધપાત્ર ઘટાડો થશે. બીજું, ચૂંટણી ખર્ચનો બોજ ઓછો થશે, સમયનો વ્યય ઓછો થશે અને પક્ષો અને ઉમેદવારો પર ખર્ચનું દબાણ પણ ઓછું થશે."
તેઓ કહે છે, "પાર્ટીઓ પર સૌથી મોટો બોજ ચૂંટણી ફંડનો છે. આવી સ્થિતિમાં નાની પાર્ટીઓને તેનો ફાયદો મળી શકે છે કારણ કે તેમને વિધાનસભા અને લોકસભા માટે અલગ-અલગ પ્રચાર કરવાની જરૂર નહીં પડે."
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સાથે ચૂંટણી કરાવવાથી ભાજપ અને કૉંગ્રેસ જેવા મોટા રાષ્ટ્રીય પક્ષોને સૌથી વધુ ફાયદો થશે. નાના પક્ષો માટે એકસાથે અનેક રાજ્યોમાં સ્થાનિક અને લોકસભા ચૂંટણી પ્રચાર કરવાનું મુશ્કેલ બની શકે છે.
મુખ્ય વિરોધ પક્ષ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (આઈએનસી)એ કહ્યું છે કે તે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના વિચારની જ વિરુદ્ધ છે અને તેમણે આ વિચાર જ પડતો મૂકવામાં આવે તેવી માગણી કરી છે.
કેટલાક રાજકીય નિષ્ણાતોના મતે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ્ પાર્ટી અથવા બિહારમાં જનતાદળ યુનાઇટેડ કે નીતીશકુમાર પોતાની વિધાનસભા ભંગ કરવા અને પછી તેને 2029 અગાઉ સામાન્ય ચૂંટણી સાથે જોડવા માટે તૈયાર થાય તેવી શક્યતાઓ છે કે નહીં તે હવે પછી ખબર પડશે.
સરળ નહીં હોય સરકારની સફર

ઇમેજ સ્રોત, x/rashtrapatibhvn
આ પહેલાં રાજકીય વિશ્લેષક વિનોદ શર્માએ બીબીસી સંવાદદાતા માનસી દાશ સાથે વાત કરતા કહ્યું હતું, "એક દેશ, એક ચૂંટણી માટે, બંધારણમાં ઘણા ફેરફારો કરવા પડશે. આ સિવાય, તે સંઘીય માળખા પર પ્રહાર છે અને એટલે જ આ મામલો કોર્ટમાં જશે. મને તેની પાછળ કોઈ મહાન કે જોરદાર હેતુ દેખાતો નથી. રાજ્યો પાસેથી પણ અનુમતિ લેવી પડશે અને રાજ્યોની વિધાનસભાઓને ભંગ કરવી પડશે."
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતના મતે, "આ મુદ્દો પહેલાં પણ ઊઠતો રહ્યો છે અને બંધારણમાં સંશોધન કર્યા પછી તેનો અમલ શક્ય છે."
બીજી તરફ વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહનું માનવું છે કે 'વન નેશન, વન ઈલેક્શન' શક્ય છે અને એ જરૂરી નથી કે તેના માટે તમામ વિધાનસભાઓનું વિસર્જન કરવું પડે.
તેમના મતે, "બંધારણમાં સુધારો કરવા માટે, બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી હોવી જોઈએ. સરકાર પાસે લોકસભામાં બહુમતી છે અને સરકાર રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતી જીએસટીની જેમ મૅનેજ કરવાનો પ્રયાસ કરી શકે છે."
પરંતુ બંધારણીય સુધારા સિવાય આ બિલ ઓછામાં ઓછી અડધાં રાજ્યોની વિધાનસભાઓમાં પણ પસાર થવો જોઈએ. રાજ્યોની મંજૂરી મેળવવી મોદી સરકાર માટે મુશ્કેલ નહીં હોય, પરંતુ કૉંગ્રેસના ટેકા વગર તેને રાજ્યસભામાં પસાર કરાવવું મુશ્કેલ હશે.
આ સિવાય વર્ષ 2011 પછી વસતિગણતરી નથી થઈ. બંધારણીય નિષેધ ઉઠતા લોકસભા અને વિધાનસભાની બેઠકોનું પુનઃસીમાંકન કરવાની જરૂર પડશે, નવી વસતીગણતરીને આધારે મહિલા અનામત બિલને લાગુ કરવાનો પડકાર પણ ઊભો થશે.
જો એકસાથે ચૂંટણી કરાવવા પર સર્વસંમતિ સધાય તો મોટા પાયા પર સંસાધનોને ભેગા કરવાના પડકારનો સામનો કેવી રીતે કરવામાં આવશે. તમામ સ્થળોએ એક જ સમયે ચૂંટણી કરાવવા માટે મોટા પ્રમાણમાં ઇવીએમ અને વીવીપીએટી મશીનોની જરૂર પડશે.
દેશના ઘણા ભાગો ખૂબ જ સંવેદનશીલ છે જ્યાં વધારાની સુરક્ષા વ્યવસ્થાની જરૂર પડશે. આગળ વધતા પહેલાં સરકારે આ સવાલોના જવાબ પણ શોધવા પડશે.
કોવિંદ સમિતિ અને તેની ભલામણો

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિ (સપ્ટેમ્બર 2023માં સ્થાપિત)એ સરકારના “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” અભિયાન અંગે ચાલુ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
આ વિચારની તપાસ કરવા માટે સરકાર દ્વારા રચાયેલી સમિતિએ તેની ભલામણ કરતા કહ્યું કે “પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવી જોઈએ. બીજા તબક્કામાં નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓને તેની સાથે એવી રીતે સમન્વયિત કરવામાં આવે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થાય તેના 100 દિવસની અંદર આ ચૂંટણીઓ પણ યોજાઈ જાય.”
આ સમિતિમાં કોવિંદ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં પૂર્વ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, 15મા નાણાપંચના પૂર્વ ચૅરમૅન એન.કે. સિંહ, લોકસભાના પૂર્વ સૅક્રેટરી જનરલ સુભાષ કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, પૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર સંજય કોઠારી, તત્કાલીન કાયદો અને ન્યાય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અર્જુનરામ મેઘવાલ સહિતના સભ્યો સામેલ થયા હતા.
જેમણે રાજકીયપક્ષો, હિતધારકો અને જાહેરજનતા પાસેથી સૂચનો મંગાવ્યા હતા અને તેમને સાંભળ્યા હતા. ગત વર્ષે સરકારે અચાનક જ પાંચ દિવસનું સંસદનું વિશેષસત્ર બોલાવ્યું હતું, ત્યારે એવી વ્યાપક ચર્ચા હતી કે સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શનની દિશામાં કોઈ જાહેરાત કરવામાં આવશે, પરંતુ એવું થયું ન હતું.
કયા દેશોમાં એકસાથે ચૂંટણી થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વમાં એવા બહુ ઓછા દેશો છે જ્યાં સામાન્ય ચૂંટણીઓ સાથે જ સ્થાનિક ચૂંટણીઓ પણ યોજવામાં આવે છે.
યુરોપના બે દેશો કે જે એકસાથે ચૂંટણી યોજે છે તે બેલ્જિયમ અને સ્વીડન છે અને ત્રીજો દેશ દક્ષિણ આફ્રિકા છે. પરંતુ વસ્તીની દૃષ્ટિએ આ દેશો ભારત કરતાં ઘણાં નાનાં છે.
જો ભારત એકસાથે ચૂંટણી યોજવા તરફ આગળ વધે છે, તો તે આ ક્લબમાં જોડાનાર વિશ્વનો ચોથો દેશ હશે.
આ સિવાય ભારતના પાડોશી દેશ નેપાળને પણ એકસાથે ચૂંટણી યોજવાનો અનુભવ છે. ત્યાં જ્યારે 2015માં નવાં બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો, ત્યારે ઑગસ્ટ 2017માં એકસાથે પ્રથમ ચૂંટણીઓ યોજાઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












