પાકિસ્તાનના આ વિસ્તારમાં શું થયું કે 50 ગામ ધોવાઈ ગયાં, 100થી વધુ ગામને નુકસાન થયું

ચિત્રાલ અને તેની ઉપરના ભાગમાંના વિસ્તારોમાં ગ્લેશિયર પીગળવાને કારણે કેટલાક સ્થળોએ નદીનું જળસ્તર વધી રહ્યું છે
ઇમેજ કૅપ્શન, ચિત્રાલ અને તેની ઉપરના ભાગમાંના વિસ્તારોમાં ગ્લેશિયર પીગળવાને કારણે કેટલાંક સ્થળોએ નદીનું જળસ્તર વધી રહ્યું છે
    • લેેખક, અઝીઝુલ્લાહ ખાન
    • પદ, બીબીસી ઉર્દૂ, ચિત્રાલ

આ વર્ષના પૂરને યાદ કરતાં આયઝા કહે છે, "અમે ગભરાઈને જાગ્યાં હતાં. ખબર નહીં, શું ચાલી રહ્યું હતું. જે સામાન હાથમાં આવ્યો તે ઉઠાવ્યો અને ઘર છોડીને કાકાના ઘરે ચાલ્યા ગયા હતા."

પછી મોહમ્મદ અલીના આઠ લોકોનો પરિવાર પોતાનું ઘર છોડીને બે ઓરડાવાળા એક નાનકડા ક્વાર્ટરમાં રહેવા ચાલ્યો ગયો. આયઝાનું કહેવું છે કે તેમના માટે આ રીતે રહેવાનું બહુ મુશ્કેલ છે અને "મને મારું ઘર બહુ યાદ આવે છે."

આયઝા કહે છે, "મારા પિતા પર કરજ છે. એટલે પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાડીને અમારું એડમિશન સરકારી સ્કૂલમાં કરાવવામાં આવ્યું છે."

મુહમ્મદ અલી અને તેમના પરિવાર માટે આ નાનકડું ગામ સ્વર્ગથી જરાય ઓછું ન હતું. જોકે, પૂરને કારણે તેઓ કરજના બોજ હેઠળ ડૂબી ગયા છે અને હવે પોતાના દીકરીઓ સાથે મજૂરી કરવા મજબૂર છે.

પહેલાં બેઘર અને પછી કરજમાં ડૂબેલો જમીનદાર

2015માં ગામની સામે નદીની પેલે પારના ગામમાં નદીનો વ્યાપ વધવાને કારણે તમામ ઘર વહી ગયાં હતાં
ઇમેજ કૅપ્શન, 2015માં ગામની સામે નદીની પેલે પારના ગામમાં નદીનો વ્યાપ વધવાને કારણે તમામ ઘર વહી ગયાં હતાં

મુહમ્મદ અલીને બે દીકરા અને ચાર દીકરીઓ છે. એક દીકરીનાં લગ્ન થઈ ગયાં છે, જ્યારે બાકીની પરિવાર સાથે રહે છે.

આજકાલ તેમનું જીવન આકરી પરીક્ષા જેવું છે. માત્ર મુહમ્મદ અલી જ નહીં, પરંતુ આ ગામમાં 16થી વધારે પરિવાર એવા છે, જે થોડા સમય પહેલાં સુધી સંપન્ન હતા, પરંતુ તેમનું જીવન રાતોરાત બદલાઈ ગયું હતું.

આ ગામમાં થોડા સમય પહેલાં નદીનો પટ પહોળો થવાનું શરૂ થયું હતું. 2010થી શરૂ થયેલી એ પ્રક્રિયાનો વ્યાપ ધીમે-ધીમે વધતો ગયો હતો.

મુહમ્મદ અલીના જણાવ્યા મુજબ, 2015માં તેમના ગામની સામે નદીની પેલે પારના ગામમાં નદીનો વ્યાપ વધવાને કારણે તમામ ઘર વહી ગયાં હતાં, "બીજા વર્ષે તેવું કશું થયું નહીં, પરંતુ હવે બધું ખતમ થઈ ગયું છે."

મુહમ્મદ અલીને ડર હતો કે નદીનો પ્રવાહ ક્યાંક તેમના ગામ ભણી ન આવે. 2020 સુધી નદીનો પ્રવાહ વિસ્તરતો રહ્યો હતો અને પછી એક રાતે, જેનો ડર હતો એ ઘટના અચાનક બની હતી. નદીનો પ્રવાહ તેમના ગામ ભણી વળ્યો હતો. બે કાંઠે વહેતી નદીનો પ્રવાહ તેની સાથે બધું લઈ ગયો હતો.

મુહમ્મદ અલીના જણાવ્યા મુજબ, એ પછી તેમના બગીચા, ખેતર, ઢોરઢાંખર કે જંગલ કશું બચ્યું ન હતું. બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

મુહમ્મદ અલીના બગીચામાં સફરજન, દાડમ અને નાસપતીનાં ઝાડ હતાં. ખેતરમાં ઘઉં, મકાઈ અને ચોખાનો પાક લેતા હતા.

એક સુંદર ઘાટી, જે ખંડેર બની ગઈ

અપર ચિત્રાલની ગ્રામ પરિષદ રિશોનમાં 111 ગામ 2010 પછી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં છે. 2019થી અત્યાર સુધીમાં 47 ઘરનો નાશ થયો છે
ઇમેજ કૅપ્શન, અપર ચિત્રાલની ગ્રામ પરિષદ રિશોનમાં 111 ગામ 2010 પછી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં છે. 2019થી અત્યાર સુધીમાં 47 ઘરનો નાશ થયો છે

અપર ચિત્રાલની એક ગ્રામ પરિષદ હેઠળના એક નાના ગામ ગ્રીનલેશ્ટમાં રસ્તાના કિનારે આવેલા એક ઘર પર તાળું લટકતું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ત્રણ વાર પાણી આવવાને કારણે એ ઘર ધસી પડ્યું હતું અને મકાનમાલિકે ત્રણ વખત નદીથી થોડે દૂર નવા ઓરડા બનાવ્યા હતા.

તેમ છતાં એ બધા પડી ગયા. તેથી હવે તેઓ એ ઘર છોડીને બીજે રહેવા ચાલ્યા ગયા છે. મકાનની ચાવી દુકાનદાર પાસે છે, જેથી એ તેની દેખભાળ કરી શકે.

ઘરમાં લાકડાં અને કાટમાળ પડ્યો હતો. મોટા ભાગની દીવાલોમાં તિરાડો પણ દેખાતી હતી.

ઘરમાંથી નીકળતા હતા ત્યાં કોઈએ જણાવ્યું કે અહીં પહેલાં દુકાનો હતી, પરંતુ હવે તેના અવશેષ બચ્યા છે. અહીં એક પેટ્રોલ પમ્પ પણ હતો અને એ પણ નષ્ટ થઈ ગયો છે.

શહાદત બીબીનું ઘર થોડાં વર્ષો પહેલાં પાણીમાં વહી ગયું હતું અને હવે તેઓ તેમનાં પુત્રવધુ તથા દીકરી સાથે ટેન્ટમાં રહે છે
ઇમેજ કૅપ્શન, શહાદત બીબીનું ઘર થોડાં વર્ષો પહેલાં પાણીમાં વહી ગયું હતું અને હવે તેઓ તેમનાં પુત્રવધુ તથા દીકરી સાથે ટેન્ટમાં રહે છે

ગામમાં અનેક ઘર તથા ખેતર છે, પરંતુ એ બધાની વચ્ચે ઊંડા ખાડા છે, જેમાંથી નદી વહે છે. ઘરના ઓરડા ખાઈમાં તૂટી પડતા હોય એવું લાગતું હતું. લોકો તેની પાસે જતાં પણ ડરતા હતા.

શહાદત બીબી એક વિધવા છે. તેમનું ઘર થોડાં વર્ષો પહેલાં પાણીમાં વહી ગયું હતું. હવે તેઓ તેમનાં પુત્રવધુ તથા દીકરી સાથે ટેન્ટમાં રહે છે.

તેઓ બીબીસીને જણાવે છે કે તેમની જિંદગી બહુ કઠીન છે. "રહેવા માટે ઘર નથી અને પેટનો ખાડો પૂરવા આકરી મહેનત કરવી પડે છે." શહાદત બીબીના બે દીકરા પોતાના ઘર પર છત બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

આ ગામમાં થોડા સમય પહેલાં નદીનો પટ પહોળો થવાનું શરૂ થયું હતું. 2010થી શરૂ થયેલી એ પ્રક્રિયાનો વ્યાપ ધીમે-ધીમે વધતો ગયો હતો
ઇમેજ કૅપ્શન, આ ગામમાં થોડા સમય પહેલાં નદીનો પટ પહોળો થવાનું શરૂ થયું હતું. 2010થી શરૂ થયેલી એ પ્રક્રિયાનો વ્યાપ ધીમે-ધીમે વધતો ગયો હતો

પોતાનું ઘર નદીના પ્રવાહમાં તણાઈ ગયું એ પછી મોહિઉદ્દીન આ વિસ્તારમાંથી અન્યત્ર ચાલ્યા ગયા છે. તેમની જન્મભૂમિ હવે બચી નથી. કદાચ એટલે જ ચિત્રાલમાં જમીનની કટાઈને ‘જમીનનું મોત’ માનવામાં આવે છે.

ગ્રીનલેશ્ટના આ વિસ્તારમાં સ્થાનિક લોકો હવે પોતાના જ ગામમાં વિસ્થાપિત થઈ ગયા છે. કેટલાક પાસે માટીનાં ઘર છે, કેટલાક તંબુમાં રહે છે અને કેટલાક અન્યત્ર ચાલ્યા ગયા છે.

મોટી ગ્લેશિયર પીગળશે તો ચિત્રાલનું શું થશે?

એક નાના ગામ ગ્રીનલેશ્ટમાં રસ્તાના કિનારે આવેલા એક ઘર પર તાળું લટકી રહ્યો છે
ઇમેજ કૅપ્શન, એક નાના ગામ ગ્રીનલેશ્ટમાં રસ્તાના કિનારે આવેલા એક ઘર પર તાળું લટકી રહ્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આબોહવા પરિવર્તન પાકિસ્તાનને માઠી અસર કરી રહ્યું છે અને પાકિસ્તાનમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અનેક ગામ બરબાદ થઈ રહ્યાં છે.

ચિત્રાલ અને તેની ઉપરના ભાગમાંના વિસ્તારોમાં ગ્લેશિયર પીગળવાને કારણે કેટલાંક સ્થળોએ નદીનું જળસ્તર વધી રહ્યું છે અને કેટલાંક સ્થળોએ નદીનો વિસ્તાર થઈ રહ્યો છે. ક્યાંક આ નદીઓ પોતાનો માર્ગ બદલી રહી છે.

આબોહવા પરિવર્તન વિશે કામ કરતા એક બિન-સરકારી સંગઠનના પ્રમુખ શાહિદ ઇકબાલના કહેવા મુજબ, અપર ચિત્રાલની ગ્રામ પરિષદ રિશોનમાં 111 ગામ 2010 પછી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં છે. 2019થી અત્યાર સુધીમાં 47 ઘરનો નાશ થયો છે.

ચિત્રાલમાં મૃદા અને જળ સંરક્ષણ વિભાગના પ્રભારી મુજીબુર રહેમાન કહે છે, "ગ્લેશિયર પીગળવાને કારણે નદીનું જળ સ્તર વધી રહ્યું છે અને તિરાડો પડી ગઈ હોય એવી કેટલીક ગ્લેશિયર્સ પણ છે. આગામી ઉનાળામાં તાપમાન વધશે તો તે વધારે વિનાશક સાબિત થઈ શકે છે."

તેમના કહેવા મુજબ, પાછલાં કેટલાંક વર્ષોમાં નદીના કટાવને કારણે લગભગ 50 ગામનો નાશ થયો છે, જ્યારે 100 ગામને આંશિક રીતે નુકસાન થયું છે.

ઍન્ટાર્કટિકા પછી દુનિયામાં સૌથી વધારે ગ્લેશિયર્સ પાકિસ્તાનમાં છે અને એ પૈકીની 550 ગ્લેશિયર્સ ચિત્રાલમાં છે, જે કુલ ક્ષેત્રફળનો 13 ટકા હિસ્સો છે.

અબ્દુલ વલી ખાન યુનિવર્સિટી, મરદાનના પર્યાવરણ વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. શમ્સ અલી બેગના જણાવ્યા મુજબ, ચિત્રાલનો 33 ટકા હિસ્સો આ ગ્લેશિયર્સ અને તેની સાથે જોડાયેલી નદીઓ પર છે. પરિસ્થિતિ આવી જ રહેશે અને તાપમાન વધશે, આબોહવા પરિવર્તન ચાલુ રહેશે તો આગામી વર્ષોમાં આ 33 ટકા હિસ્સો પણ તેની વર્તમાન સ્થિતિમાં રહેશે નહીં.

આ ગામમાં 16થી વધારે પરિવાર એવા છે, જે થોડા સમય પહેલાં સુધી સંપન્ન હતા, પરંતુ તેમનું જીવન રાતોરાત બદલાઈ ગયું હતું.

તેમના જણાવ્યા અનુસાર, "આ વિસ્તારમાં અનેક મોટી ગ્લેશિયર્સ છે. અત્યાર સુધી તો નાની ગ્લેશિયર્સ પીગળી રહી છે. "મોટી ગ્લેશિયર્સ પીગળશે તો સમગ્ર ચિત્રાલ પર જોખમ સર્જાશે.

સરકાર આ સંબંધે પગલાં લઈ રહી છે, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે નદી અને તેની કટાઈને કારણે અસ્તિત્વ પર જોખમ હોય તેવા અનેક ગામ હજુ પણ છે.

અપર ચિત્રાલમાં ગ્રામ પરિષદ રિશોનના પ્રવાસ દરમિયાન, એક વખતના હર્યાભર્યા ગામમાં તબાહીનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો. અહીંનાં ઘર, બગીચાઓ, દુકાનો અને પાક એમ બધાંનો નાશ થયો છે.

ગ્રીનલેશ્ટમાં આખો રસ્તો પાણીમાં બે વાર તણાઈ ગયો હતો. તેને લીધે બોની અને મસ્તૂજ માટે એક વૈકલ્પિક માર્ગ ખુલ્યો છે.

સ્થાનિક ગ્રામ પરિષદના અધ્યક્ષ અશફાક અફઝલ બીબીસીને કહે છે, "રસ્તાના કિનારે ઘર હતાં, દુકાનો હતી અને આપણે જે રસ્તા પરથી જઈ રહ્યા છીએ ત્યાં પણ ઘર છે. હવે આ એક વૈકલ્પિક માર્ગ છે."

તેમના જણાવ્યા અનુસાર, સરકારે અહીં સુરક્ષા દીવાલ બનાવી હતી, પરંતુ તેનો એક મોટો હિસ્સો હવે ધસી પડ્યો છે. તેઓ આ બાબતે અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પગલું લેવામાં આવ્યું નથી. આ પરિસ્થિતિને કારણે રિશોનમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

સ્થાનિક રહેવાસી મંસૂરે જણાવ્યું કે, "સામાન્ય રીતે સરકારી કામ માપદંડ અનુસારનાં હોતાં નથી. તેને કારણે અહીં આપદા આવે છે. તેમણે કૉન્ક્રિટની દીવાલ બનાવવાની માગણી કરી હતી.

"ચિત્રાલમાં મોસમનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. તેથી અહીં બધાં કામ માટે સપ્ટેબરથી ડિસેમ્બર સુધીનો સમય જ સારો હોય છે, પરંતુ આ વિસ્તાર માટે બજેટ ફાળવવામાં આવે ત્યાં સુધીમાં મોસમ બદલાઈ ગઈ હોય છે."

સરકાર શું કરે છે?

 ચિત્રાલનો 33 ટકા હિસ્સો આ ગ્લેશિયર્સ અને તેની સાથે જોડાયેલી નદીઓ પર છે
ઇમેજ કૅપ્શન, ચિત્રાલનો 33 ટકા હિસ્સો આ ગ્લેશિયર્સ અને તેની સાથે જોડાયેલી નદીઓ પર છે

લોઅર ચિત્રાલથી અપર ચિત્રાલ સુધી નદીના કિનારે થોડા-થોડા અંતરે ધ્વસ્ત કે નષ્ટ થયેલાં ઘરોના અવશેષ જોવા મળે છે. આવા અવશેષ દારોશ અને એવન ઉપરાંત અન્ય સ્થળોએ પણ જોવા મળે છે.

ચિત્રાલના સ્થાનિક પત્રકાર સૈફુર રહમાનનું કહેવું છે કે અપર ચિત્રાલમાં મસ્તોજની સાથે બર્પ ક્ષેત્રમાં પણ ગંભીર અસર થઈ છે. ત્યાં અનેક ઘર ક્ષતિગ્રસ્ત થયાં છે.

ચિત્રાલમાં ખૈબર પખ્તૂનખ્વાના સિલેસ તથા જળ સંરક્ષણ વિભાગના પ્રભારી મુજીબુર રહેમાને આ સંદર્ભે જણાવ્યું કે નદીનો કટાવ રોકવા અને પીડિતોની મદદ માટે અનેક ઠેકાણે પગલાં લેવામાં આવ્યાં છે, પરંતુ અહીં મુખ્ય સમસ્યા મોસમી પરિવર્તનની છે. આ વર્ષે જાન્યુઆરી તથા ફેબ્રુઆરીમાં બરફવર્ષા થઈ ન હતી, પરંતુ એપ્રિલ અને મેમાં થઈ હતી.

તેમના જણાવ્યા મુજબ, મોસમને કારણે સુરક્ષાના કામ થઈ શકતાં નથી. બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ પૈસા રિલીઝ ન કરવામાં આવતા હોવાને કારણે પણ સમસ્યા સર્જાય છે.

આયઝાને પોતાનું ઘર ગુમાવી દેવાનું દુ:ખ છે
ઇમેજ કૅપ્શન, આયઝાને પોતાનું ઘર ગુમાવી દેવાનું દુ:ખ છે

અશફાક અહમદે જણાવ્યું હતું કે સરકારે રૂ. 6 કરોડ ફાળવ્યા હતા. તેનો ઉપયોગ ગ્રીનલેશ્ટ અને આસપાસનાં ગામમાં કરવામાં આવ્યો છે. તેમાં એક સ્થળે 400 ફૂટની કૉન્ક્રીટની દીવાલના નિર્માણનો સમાવેશ થાય છે. એક સ્થળે 700 ફૂટ લાંબી સુરક્ષા દીવાલ બનાવવામાં આવી છે.

તેમના જણાવ્યા અનુસાર, આ દીવાલો બહુ મજબૂત ન હતી. તેથી તેનો કોઈ અર્થ ન હતો. તેનાથી વિપરીત આગાખાન એજન્સીએ બનાવેલી એક દીવાલ બહેતર છે.

અધિકારીઓનું કહેવું છે કે સરકાર એક મોટા ક્ષેત્ર અને વધારે જગ્યામાં કામ કરવાનું છે, પરંતુ પૂર ઉપરાંત ખાડીમાંથી આવતા પાણીની પ્રકૃતિ અને નદીના કિનારાની ભૂમિની પ્રકૃતિ અલગ-અલગ હોય છે.

ખૈબર પખ્તૂનખ્વાના મુખ્ય પ્રધાનના પર્યાવરણ સલાહકાર પીર મસવરનો સંપર્ક સાધવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

 પાછલા કેટલાક વર્ષોમાં નદીના કટાવને કારણે લગભગ 50 ગામનો નાશ થયો છે, જ્યારે 100 ગામને આંશિક રીતે નુકસાન થયું છે
ઇમેજ કૅપ્શન, પાછલાં કેટલાંક વર્ષોમાં નદીના કટાવને કારણે લગભગ 50 ગામનો નાશ થયો છે, જ્યારે 100 ગામને આંશિક રીતે નુકસાન થયું છે

પ્રાંતીય સરકારના પ્રવક્તા બૅરિસ્ટર સૈફે, તેમનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે, પર્યાવરણ વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી જ આપી હતી.

તેમના કહેવા મુજબ, ગ્લેશિયર્સમાંથી આવતા પાણીથી બચાવ માટેની દીવાલો નિયમિત ઍન્જિનિયરિંગ પ્રક્રિયા અનુસાર બનાવવામાં આવે છે. એ ઉપરાંત સ્થાનિક લોકોનાં સૂચનોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ દીવાલો પ્રાકૃતિક આપદાઓ સામે ઝીંક ઝીલી શકે તેમ નથી, પરંતુ જોખમમાં ઘટાડો જરૂર કરી શકે છે અને એક હદ સુધી સલામતી પ્રદાન કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

તેમના જણાવ્યા અનુસાર, આ દીવાલોના નિર્માણમાં કોઈ માળખાકીય ખામી હોવાની માહિતી હજુ સુધી મળી નથી.

વૈશ્વિક પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનમાં પાકિસ્તાનની હિસ્સેદારી એક ટકાથી પણ ઓછી છે, પરંતુ આબોહવા પરિવર્તનની હાનિકારક અસર અને વિનાશનો ભોગ બનતા ટોચના પાંચ દેશોમાં પાકિસ્તાનનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારોના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આબોહવા પરિવર્તનની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે, પરંતુ તેના નિરાકરણ માટે વૈશ્વિક સ્તરે કોઈ પગલા લેવાતા નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.