COP29: કૉન્ફરન્સ શા માટે યોજવામાં આવે છે અને આ વર્ષે તેનો એજન્ડા શું છે?

કૉપ 29

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કૉપ સંમેલનમાં આબોહવા પરિવર્તન અંગેની રણનીતિ પર ચર્ચા થતી હોય છે.
    • લેેખક, ઇલ્કિન હસનોવ
    • પદ, .

પૃથ્વી પર ગરમી જોખમી હદે વધતી જાય છે ત્યારે તેને રોકવાના પ્રયાસ માટે આ વર્ષે અઝરબૈજાનની રાજધાની બાકુમાં મહત્ત્વની શિખર પરિષદ યોજાઈ રહી છે.

અઝરબૈઝાન એવો દેશ છે જેણે પુષ્કળ પ્રમાણમાં ઑઇલ અને ગેસનું ઉત્પાદન કરીને આર્થિક પ્રગતિ કરી છે.

અઝરબૈજાનને સીઓપી 29 સમિટ યોજવા શા માટે પસંદ કરવામાં આવ્યું અને તેનાથી શું પ્રાપ્ત થઈ શકે?

સીઓપી 29 શું છે?

કૉપ 29

ઇમેજ સ્રોત, Getty Images

યુએનની આબોહવા માટેની વાર્ષિક પરિષદને કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ અથવા ટૂંકમાં સીઓપી કહેવામાં આવે છે. તેની શરૂઆત 1995માં બર્લિનમાં થઈ હતી અને આ વખતે 29મી પરિષદ મળવાની છે.

સીઓપીની પરિષદનો હેતુ કાર્બન ડાયોક્સાઇડ (CO2)ના ઉત્સર્જનને મર્યાદિત કરવાનો અને ગ્લોબલ વૉર્મિંગના સ્તરને ઔદ્યોગિક ક્રાંતિ અગાઉના સ્તરના 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાનો છે.

વિકાસશીલ દેશો માટે ક્લાયમેટ ચેન્જને અનુકૂળ થવા માટે ભંડોળ એકત્ર કરી શકાય તે બાબત આ વર્ષે ચર્ચાનો મુખ્ય વિષય રહેશે. ઘણા દેશો પહેલેથી જ અણધાર્યા હવામાન અને પ્રદૂષિત હવાનો સામનો કરી રહ્યા છે. તેમાં પણ જે વધુ ગરીબ દેશો છે તેઓ સ્વચ્છ ઊર્જા તરફ જવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.

2009માં કોપનહેગનમાં યોજાયેલી સીઓપી 15 દરમિયાન એ બાબતે સહમતિ સાધવામાં આવી હતી કે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે વિકસિત દેશોએ વિકાસશીલ દેશોને વાર્ષિક 100 અબજ ડોલર ફાળવવાના રહેશે.

2015માં આ રકમ 2020-2025 માટે માન્ય હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સંગઠનોના અહેવાલો અનુસાર 2022માં પ્રથમ વખત 100 અબજ ડૉલરનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હતું.

2025 પછી "ન્યૂ કલેક્ટિવ ક્વૉન્ટિટેટિવ ટાર્ગેટ ઓન ક્લાઇમેટ ફાઇનાન્સ" (એનસીક્યુજી) ના નામે એક અલગ પહેલ શરૂ થશે. આ મહિને બાકુમાં યોજાનાર સીઓપી 29માં આ નાણાકીય ધ્યેય એક મુખ્ય વિષય છે.

વિકાસશીલ દેશો કહે છે કે તેમને 1.1 ટ્રિલિયનથી 1.3 ટ્રિલિયન ડૉલર જેટલા ભંડોળની જરૂર છે, પરંતુ વિકસિત દેશો ઇચ્છે છે કે આ રકમ 100 અબજ ડૉલર રાખવામાં આવે.

પણ આ બધો ખર્ચ કોણ ઉપાડશે?

બીબીસીના પર્યાવરણ સંવાદદાતા મૅટ મૅકગ્રા કહે છે, "મુખ્ય પડકાર ડોનર બેઝ વધારવાનો છે જેથી કરીને ચીન, ભારત, સિંગાપોર અને હાલમાં વિકાસશીલ ગણાતા ઘણા દેશો પણ નાણાકીય યોગદાન આપી શકે. આ એક વાસ્તવિક કસોટી હશે અને તેના માટે ઘણા રાજદ્વારી પ્રયાસોની જરૂર પડશે."

અઝરબૈજાન શા માટે?

દરિયાની સપાટીમાં કેટલો વધારે થયો

આબોહવાને લગતી મહત્ત્વની પરિષદના યજમાન તરીકે અઝરબૈજાનની પસંદગી કરવામાં આવી ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. જોકે તાજેતરનાં વર્ષોમાં બાકુએ ઘણી આંતરરાષ્ટ્રીય બેઠકો યોજી છે. તેમાં 2012માં યુરોવિઝન સૉંગ કૉન્ટેસ્ટથી લઈને 2017માં ઇસ્લામિક સૉલિડેરિટી ગેમ્સ અને 2016થી ફૉર્મ્યુલા વન રેસ યોજવાનો સમાવેશ થાય છે.

આ વર્ષે કોઈ પૂર્વ યુરોપિયન દેશને પસંદ કરવામાં આવે તેવી અપેક્ષા હતી. સીઓપી29 ના યજમાન પદ માટે દાવેદારી કરવામાં અઝરબૈજાન સાથે આર્મેનિયા અને બલ્ગેરિયા વચ્ચે પણ રસાકસી ચાલતી હતી. પરંતુ પછી બંને દેશ ખસી ગયા જેથી અઝરબૈજાન માટે રસ્તો સરળ થઈ ગયો.

ઊર્જા અને પર્યાવરણીય અર્થશાસ્ત્રના ક્ષેત્રે ઇટાલીના નિષ્ણાત એન્ઝો ડી ગિયુલિયોના જણાવ્યા અનુસાર બાકુમાં સીઓપી29 યોજવાના નિર્ણયમાં આબોહવા નીતિ કરતા આંતરરાષ્ટ્રીય સંબંધોએ વધુ ભૂમિકા ભજવી છે.

તેઓ કહે છે, "આ એક રાજકીય ઘટના છે જેની વ્યાપક અસરો હોય છે. પહેલી વાત, અઝરબૈજાન એ ઑઇલ અને કુદરતી ગૅસ બંનેનો ઉત્પાદક છે અને હાઇડ્રોકાર્બન ઉદ્યોગની શરૂઆત અહીંથી જ થઈ હતી તેમ કહી શકાય."

આબોહવા પરિવર્તનને કારણે થનાર ખર્ચને લઈને ચર્ચા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1840ના દાયકામાં અઝરબૈઝાન એ દુનિયાની પહેલી જગ્યા હતી ત્યાં જમીનમાંથી ઑઇલ કાઢવામાં આવ્યું હતું.

1991માં સોવિયેત યુનિયનના પતન પછી અઝરબૈજાન સ્વતંત્ર થયું હતું. ત્યારથી તેલ અને ગેસ ઉદ્યોગ તેની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે કારણ કે કાસ્પિયન સમુદ્રની નીચે ઊર્જાનો વિપુલ ભંડાર મળી આવ્યો હતો.

2023નો સત્તાવાર ડેટા દર્શાવે છે કે દેશના જીડીપીમાં ઑઇલ અને ગૅસ ઉત્પાદનનો હિસ્સો એક તૃતિયાંશ કરતા વધુ હતો. 2023ના બજેટમાં તેલ અને ગેસ ક્ષેત્રનો હિસ્સો 50 ટકા કરતા વધુ હતો. આ ઉપરાંત તેની નિકાસમાં ઑઇલ અને ગેસ ઉગૅદનોનો હિસ્સો 90 કરતા વધુ છે.

પર્યાવરણ નિષ્ણાત અને અઝરબૈજાની "ઇકોફ્રન્ટ" સંગઠનના સ્થાપક જાવિદ ગારા કહે છે કે અઝરબૈજાનની પોતાની આબોહવા પ્રતિબદ્ધતાઓ હાલમાં મર્યાદિત છે.

"અઝરબૈજાનને પોતાની જવાબદારીઓને પૂર્ણ કરવામાં બહુ રસ નથી. સીઓપી 29 પહેલાં વધુ મહત્ત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ થવાની અપેક્ષા હતી, પરંતુ તે સાકાર થઈ શકી નથી."

તે જ સમયે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે 2024 ને "ગ્રીન વિશ્વ માટે એકતાનું વર્ષ" જાહેર કર્યું હતું. અઝરબૈજાનના સત્તાવાર લક્ષ્ય પ્રમાણે 1990ની સરખામણીમાં 2030 સુધીમાં ગ્રીનહાઉસ ગૅસનું ઉત્પાદન 35 ટકા સુધી અને 2050 સુધીમાં 40 ટકા સુધી ઘટાડવાનું છે.

અઝરબૈજાન વિશે મહત્ત્વના તથ્યો

અજરબૈજાન

સદીઓથી આ દેશ રશિયન અને પર્શિયન સામ્રાજ્ય વચ્ચે વહેંચાયેલો હતો અને પછી સોવિયેત સંઘનો ભાગ બન્યો. 1873માં નોબેલ બંધુઓએ બાકુમાં એક મોટી ઑઇલ કંપનીની સ્થાપના કરી હતી જે એક સમયે સમગ્ર વિશ્વના અડધા ઑઇલનું ઉત્પાદન કરતી હતી. નોબેલ બંધુઓ ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણી સ્વીડિશ પરિવારના સભ્યો હતા.

હાલમાં અઝરબૈજાન પશ્ચિમ અને રશિયા પ્રત્યે સંતુલિત વિદેશ નીતિ જાળવી રાખે છે, પરંતુ સાંસ્કૃતિક અને ભાષાકીય જોડાણોને કારણે તુર્કી નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. તે ઇઝરાયેલને ઑઇલ વેચે છે અને બદલામાં શસ્ત્રો ખરીદે છે તથા ઈરાન સાથે સાવચેતીભર્યા સંબંધો ધરાવે છે.

અઝરબૈજાને 2000ના દાયકામાં અફઘાનિસ્તાનમાં નાટોની કામગીરીને સમર્થન આપ્યું હતું. યુકેની કંપનીઓએ અઝરબૈજાનમાં 83 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે જેમાં બહુરાષ્ટ્રીય કંપની બીપી મુખ્ય ખેલાડી છે.

અઝરબૈજાને રશિયા અને ચીન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે અને બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની આગેવાની હેઠળના સંગઠન બ્રિક્સમાં જોડાવા માંગે છે.

સાથેસાથે અઝરબૈજાને રશિયા સામેના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાંથી ફાયદો મેળવ્યો છે જે પ્રતિબંધો રશિયાના યુક્રેન પર હુમલા પછી લગાવવામાં આવ્યા હતા. અઝરબૈજાન હવે યુરોપને વધુ ઑઇલ અને ગેસનું વેચાણ કરે છે.

સીઓપી29 માટે યજમાન દેશ તરીકે અઝરબૈજાનની પસંદગી બાદ માનવ અધિકારની ચિંતાઓ પેદા થઈ છે. ઘણાં આંતરરાષ્ટ્રીય સંગઠનોએ આ દેશના માનવાધિકાર રેકૉર્ડની ટીકા કરી છે.

અઝરબૈજાનમાં કથિત રીતે 400થી વધુ રાજકીય કેદીઓ જેલમાં સબડે છે જ્યારે સરકારનો દાવો છે કે કોઈને તેમના વિચારોના કારણે અટકાયતમાં નથી લેવાયા.

અઝરબૈજાનને તેના પાડોશી દેશ આર્મેનિયા સાથે 1991થી નાગોર્નો-કારાબાખ તરીકે ઓળખાતા પ્રદેશ મામલે સંઘર્ષ ચાલે છે. 2020 અને 2023માં બે લડાઈ લડીને તેણે આ પ્રદેશ પર ફરી કબ્જો મેળવ્યો હતો. તેના કારણે લગભગ એક લાખ આર્મેનિયનો વિસ્થાપિત થયા હતા.

અઝરબૈજાનમાં આ પરિષદ માટે કેવી તૈયારી ચાલે છે?

એક કરોડ લોકોની વસતી ધરાવતા આ દેશમાં 23 લાખની વસતી ધરાવતી રાજધાની બાકુમાં સીઓપી 29 યોજાશે.

બાકુમાં તાજેતરના ભારે વરસાદથી અચાનક પૂર આવ્યું અને હવામાનના મોટા ફેરફાર માટે તે સજ્જ નથી તે ઉજાગર થયું હતું. અધિકારીઓએ પૂરને અભૂતપૂર્વ ગણાવ્યું હતું, પરંતુ ટીકાકારોએ આબોહવા પરિવર્તનને બદલે નબળી માળખાકીય સુવિધાને જવાબદાર ઠેરવી હતી.

આ પરિષદની તૈયારી રૂપે બાકુમાં બસ, સાઇકલ માટે ખાસ લેન, ટૂંકા ગાળા માટે ભાડાની સાઇકલો, ઇલેક્ટ્રિક સ્કૂટર વગરે ચાલુ થયા છે. ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશન અને સાઈકલો માટે ટ્રાફિક લાઇટ જેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. કેટલીક શેરીઓ માત્ર રાહદારી માટે રાખવામાં આવી છે. ઇમારતોના રવેશની સાફસફાઈ કરવામાં આવી છે અને સમિટ પહેલાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે.

આ પરિષદથી શું હાંસલ થશે?

કૉપ 29

ઇમેજ સ્રોત, Getty Images

11 નવેમ્બરથી બાકુમાં વિશ્વભરના નેતાઓ એકઠા થવાના છે ત્યારે સીઓપી 29 એ વધુ મહત્ત્વાકાંક્ષી આબોહવા લક્ષ્યો પ્રાપ્ત કરવાની, ખાસ કરીને વિકાસશીલ રાષ્ટ્રોને ધિરાણ આપવા માટે દબાણ કરવાની તક હશે. પરંતુ શું દબાણ સફળ થશે?

બીબીસીના મેટ મેકગ્રા કહે છે કે, "આ એક મોટો પડકાર છે. નવી ભંડોળ વ્યવસ્થા કેવી હોવી જોઈએ અને તેમાં શું સામેલ હોવું જોઈએ તે અંગે કોઈ સહમત નથી."

તેઓ કહે છે કે, "નાણા મામલે કોઈ સફળતા મળે તો તે મહત્ત્વની હશે કારણ કે વિકાસશીલ દેશો કહે છે કે સમૃદ્ધ રાષ્ટ્રોની નાણાકીય મદદ વગર તેઓ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવામાં ખાસ સુધારા નહીં કરી શકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.