દુનિયાનાં સૌથી પ્રદૂષિત શહેર ભારતમાં જ કેમ?

દિલ્હીના અમુક વિસ્તારોમાં હાલના દિવસોમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીના અમુક વિસ્તારોમાં હાલના દિવસોમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે.
    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, સંપાદક, બીબીસી હિન્દી

દિલ્હીની હવા દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની હવાની ગુણવત્તા નવમી નવેમ્બરે 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગઈ હતી.

કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડની વેબસાઇટે જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યે દિલ્હીના બવાના અને મોતીબાગમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એઆઈક્યૂ) 409 પર પહોંચી ગયો હતો. જ્યારે દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં એઆઈક્યૂ 300 થી 400 ની વચ્ચે રહ્યો.

જ્યારે એઆઈક્યૂ 400થી ઉપર જાય છે, ત્યારે હવામાં પ્રદૂષણનું સ્તર 'ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે.

પ્રદૂષણના કારણે દિલ્હીમાં જાહેર આરોગ્ય કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે.

હૉસ્પિટલમાં હજારો દર્દીઓ શ્વાસ સંબંધી રોગોના ઇલાજ માટે આવી રહ્યા છે. આ બધું વિશ્વની સૌથી પ્રદૂષિત આબોહવા ધરાવતા વિસ્તારો પૈકી એકમાં શ્વાસ લેવાને કારણે થઈ રહ્યું છે.

અહીં રહેતા કરોડો લોકો માટે દિલ્હીને 'ગૅસ ચેમ્બર' તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિ ઉત્તર ભારતનાં આ એકમાત્ર શહેરની જ નથી.

વિશ્વના પાંચ સૌથી પ્રદૂષિત શહેરો - ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ભિવાડી અને નોઈડા - દિલ્હીના 80 કિલોમીટરના ઘેરાવમાં છે. હવાની ગુણવત્તાના સંદર્ભમાં, આ 80 કિલોમીટરના ઘેરાવની હવા સૌથી ખરાબ છે.

પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસે 2018માં ભારતીય શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ મુજબ, તે સમયે, વિશ્વનાં 30 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 22 ભારતનાં હતાં.

દિલ્હીમાં ભયંકર વાયુ પ્રદૂષણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એઆઈક્યૂ 400થી ઉપર જાય છે, ત્યારે હવામાં પ્રદૂષણનું સ્તર 'ગંભીર' શ્રેણીમાં ગણવામાં આવે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ અભ્યાસ અનુસાર, આ શહેરોની હવામાં જોખમી કણોનું સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થા – વર્લ્ડ હૅલ્થ ઑર્ગનાઇઝેશન(ડબલ્યુએચઓ)ના સલામત માપદંડોથી ઘણું વધારે હતું.

હવામાં ઓગળેલા આ સૂક્ષ્મ ઝેરી કણોને પાર્ટિક્યુલેટ મેટર 2.5 (પી.એમ 2.5) કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ કણો ધુમાડામાં સામેલ કાર્બન કણો અથવા ધૂળના કણો અથવા આ બંનેનું મિશ્રણ હોઈ શકે છે.

ડબલ્યુએચઓના અંદાજ મુજબ, સમગ્ર વિશ્વમાં લગભગ 70 લાખ લોકો દિલ્હીમાં છે તેવી ધુમ્મસ જેવી સ્થિતિને કારણે અકાળે મૃત્યુ પામે છે. આવી પરિસ્થિતિઓને કારણે સ્ટ્રોક, હાર્ટ ઍટેક, ડાયાબિટીસ, ફેફસાંના કેન્સર અથવા ફેફસાંના રોગનું જોખમ વધી જાય છે.

દિલ્હી અને તેની આસપાસ રહેતા લગભગ ત્રણ કરોડ લોકો એક સપ્તાહ કરતાં વધુ સમયથી રેકૉર્ડ સ્તરના ધુમ્મસ સામે ઝઝૂમી રહ્યા છે. પરંતુ તે માત્ર આ વિસ્તારની સમસ્યા નથી.

દેશનો ઉત્તરીય ભાગ, ખાસ કરીને ગંગાનાં મેદાનો પ્રદૂષણથી ભારે પ્રભાવિત છે. નેપાળ અને બાંગ્લાદેશ જેવા ભારતના પડોશી દેશ પણ જોખમમાં છે કારણ કે પશ્ચિમી પવનો અહીંથી હિમાલય સુધી ધૂળ અને ધુમાડો લઈ જાય છે.

તો સવાલ એ છે કે ભારતમાં હવાની ગુણવત્તા ખાસ કરીને ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં આટલી ખરાબ કેમ થઈ જાય છે?

પરાળ સળગાવવાથી વધતું પ્રદૂષણ

દિલ્હી, પ્રદૂષણ, ભારત

ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પરાળ બાળવાથી થતો ધુમાડો પ્રદૂષણ માટે જવાબદાર ગણવામાં આવે છે.

દિલ્હી તેમજ ઉત્તર ભારતમાં આજુબાજુનાં ખેતરોમાં પડેલા પરાળ બાળવાની પ્રથા પ્રદૂષણ માટે મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવે છે.

પાકની કાપણી કર્યા પછી, ખેડૂતો માટે નવા પાક માટે જમીન તૈયાર કરવાનો શ્રેષ્ઠ અને સસ્તો રસ્તો એ છે કે ખેતરોમાં પડેલા પરાળને બાળી નાખવી.

સમસ્યા એ છે કે પશ્ચિમી પવનો પરાળ સળગાવવાથી પેદા થતા ધુમાડાને દિલ્હી તરફ લઈ જાય છે. જેના કારણે દર વર્ષે આ સમયે દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી જાય છે.

પરાળ સળગાવવાની આ પ્રથાને ઘટાડવાના સરકારના પ્રયાસો સફળ થઈ રહ્યા નથી કારણ કે આ સંદર્ભે બનાવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી. આ સિવાય સરકાર પાસે તેનો નિવેડો લાવવા માટેનો કોઈ અસરકારક વિકલ્પ પણ નથી.

ભારત એક ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. અહીં, પાકની લણણી કર્યા પછી, મોટા પાયે તેમની પરાળને સળગાવવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવાં રાજ્યોમાં એનું ચલણ વધારે છે જે દિલ્હી સિવાય દેશના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાં સામેલ છે.

સુપ્રીમ કોર્ટે આ અઠવાડિયે પાક સળગાવવાની પ્રથા પર પ્રતિબંધની જાહેરાત કરતા કહ્યું હતું કે, 'પ્રદૂષણ ઘટાડવાના નામે સત્તાવાળાઓને નક્કર પગલાં લેવાને બદલે માત્ર 'તમાશો' કરવામાં રસ છે.'

ગાડીઓમાંથી થતું ઉત્સર્જન

દિલ્હી, પ્રદૂષણ, ભારત

ઇમેજ સ્રોત, SAKIB ALI/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં હવા ઝેરીલી થઈ ગઈ છે જે માનવસ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે.

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ધુમ્મસની સ્થિતિને જોતા ભારત સરકારે જાહેર આરોગ્યની કટોકટી જાહેર કરવી પડી છે.

હાલના સંજોગોમાં પ્રદૂષણ ઘટાડવા માટે સૌથી પહેલાં વાહનોમાંથી થતા ખતરનાક ઉત્સર્જનને કાબૂમાં લેવાની જરૂર છે.

દિલ્હીની સરકારનું કહેવું છે કે શહેરના રસ્તાઓ પર દરરોજ લગભગ 30 લાખ વાહનો દોડે છે.

દિલ્હી સરકારે અહીંના રસ્તાઓ પર વાહનોની સંખ્યા મર્યાદિત કરવા માટે ઑડ-ઇવન જેવા પગલાં લીધાં હતા. શર

આ અંતર્ગત, સમ નંબર પ્લેટવાળી ખાનગી કારને એક દિવસ રસ્તા પર ચલાવવાની છૂટ છે, જ્યારે એકી નંબર પ્લેટવાળી કારને બીજા દિવસે ચલાવવાની છૂટ છે.

સરકારનો દાવો છે કે તેના કારણે શહેરના રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટીને 15 લાખ થઈ ગઈ છે.

પરંતુ હવે કેટલાક વધુ આંકડાઓ ધ્યાનમાં લો. 2016માં ભારતના રસ્તાઓ પર 20 કરોડથી વધુ વાહનો દોડતાં હતાં. આ આંકડો હવે વધ્યો હોવો જોઈએ. દેખીતી રીતે, વાહનોથી ફેલાતું પ્રદૂષણ એટલું જ જવાબદાર છે, જેટલું જ પરાળ સળગાવવાથી થતું પ્રદૂષણ.

ડીઝલનો ઉપયોગ ભારતમાં બળતણ તરીકે પણ થાય છે. જેના કારણે પ્રદૂષણ પણ વધે છે.

ઉપરાંત, સરકાર દ્વારા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસ અપવાદોને બાદ કરતાં સફળ થયા નથી. દેશમાં પેટ્રોલ અને પર્યાવરણ માટે અનુકૂળ ગણાતા સીએનજી વાહનો કરતાં ડીઝલ વાહનો વધુ છે.

ભારત સરકારના આંકડા અનુસાર, 2015માં દેશમાં ડીઝલ પર ચાલતા એક કરોડ નેવું લાખ નોંધાયેલા ભારે વાહનો જેવા કે બસ – ટ્રક હતા.

આ સિવાય ડીઝલથી દોડતી લાખો ટૅક્સી અને કાર પણ છે.

સાયન્સ જર્નલના એક અભ્યાસ મુજબ, વિશ્વમાં નાઇટ્રોજન ઑક્સાઇડના કુલ ઍન્થ્રોપોજેનિક ઉત્સર્જનના લગભગ 20 ટકા માટે રસ્તાઓ પર દોડતા ડીઝલ વાહનો જવાબદાર છે. આવા ઉત્સર્જન PM 2.5 માટે પણ મોટી ભૂમિકા ભજવે છે.

ચણતર ગતિવિધિ

દિલ્હી, પ્રદૂષણ, ભારત

ઇમેજ સ્રોત, SANCHIT KHANNA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં પ્રદૂષણ માટે પંજાબ અને હરિયાણામાં ખેડૂતો દ્વારા બાળવામાં આવતા પરાળને જવાબદાર માનવામાં આવે છે.

જ્યારે પણ દિલ્હીમાં ઝેરી ધુમ્મસની ચાદર છવાઈ જાય છે, ત્યારે સરકાર અને અદાલતો રાજધાનીમાં અને તેની આસપાસ ચાલતી તમામ બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે છે.

તેના કારણે હજારો બાંધકામ હેઠળના રહેણાક ઍપાર્ટમેન્ટ, સરકારી ઇમારતો, રસ્તાઓ, શૉપિંગ મૉલ અને ફ્લાયઓવરના બાંધકામનું કામ અટકી જાય છે.

આ એટલા માટે એક મોટી સમસ્યા બની ગઈ છે કારણ કે ઘણી બાંધકામ કંપનીઓ અથવા વહીવટીતંત્ર તેમની બાંધકામ સાઇટ્સમાંથી ધૂળ અને કાટમાળના નિકાલ માટેના નિયમોનું વર્ષોથી પાલન કરતા નથી.

આ ધૂળ ઘણીવાર તેની સાથે વિવિધ પ્રકારનાં રસાયણોને વહન કરે છે. આ ધૂળ હવા સાથે વધે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાંમાં ચેપ જેવી સમસ્યા થાય છે.

ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તેનાથી વધુ વિકસિત અને મોટી અર્થવ્યવસ્થા એટલે કે પડોશી દેશ ચીન સાથે તાલ મેળવવાનો ભરપૂર પ્રયાસ કરી રહી છે. આ વિકાસને આગળ વધારવામાં બાંધકામ કાર્ય તેની ભૂમિકા ભજવી રહ્યું છે.

ભારત સરકારના જણાવ્યા અનુસાર, વર્ષ 2022 સુધીમાં બાંધકામ ઉદ્યોગનું બજાર 738.5 અબજ ડોલરનું હતું. આ ઉપરાંત, સ્ટીલ, પેઇન્ટ અને ગ્લાસ ઉદ્યોગો પણ દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

ભારતમાં હાલમાં કેટલી બાંધકામ પ્રવૃત્તિ ચાલી રહી છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી ન હોવા છતાં, મોટા ભાગનાં નાનાં નગરોમાં રહેણાક ઇમારતો, વ્યાપારી મિલકતો અને માળખાગત તમામ ક્ષેત્રોમાં બાંધકામમાં તેજી આવી છે. જે ભારતીય શહેરોને વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત બનાવવામાં ત્રીજું સૌથી મોટું પરિબળ બની ગયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.