એ કારણો જેના લીધે હાર્દિક પંડ્યાને કૅપ્ટનશિપ ન મળી અને સૂર્યકુમારનું પ્રમોશન થયું

    • લેેખક, આનંદ વાસુ
    • પદ, રમત-ગમત પત્રકાર

ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થિતિ ઋતુ કરતાં પણ ઝડપી અને કોઈ પણ પ્રકારની ચેતવણી વગર બદલી જાય એવી છે.

હાર્દિક પંડ્યાએ થોડા સમય પહેલાં જ જબરદસ્ત વાપસી કરી હતી.

ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) દરમિયાન તેમણે મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન તરીકે રોહિત શર્માની જગ્યા લીધી હતી. ત્યારબાદ પ્રશંસકોએ પંડ્યાને દરેક ગ્રાઉન્ડ પર નિશાન બનાવ્યા હતા.

જોકે, હાર્દિકે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં જબરદસ્ત પ્રદર્શન કરીને વાપસી કરી હતી અને કેટલાક લોકોએ તેમને વર્લ્ડ કપના 'હિરો' પણ ગણાવ્યા હતા.

વર્લ્ડ કપની આખી ટૂર્નામેન્ટ દરમિયાન હાર્દિકે મહત્ત્પૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાર્દિક પોતાની બૉલિંગ અને મિડલ ઑર્ડરમાં કોઇ પણ સ્થાને બેટિંગ કરવાની ક્ષમતાને કારણે ટીમને એક સંતુલન સર્જતા રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકા સામેના ફાઇનલ મુકાબલામાં મહત્ત્વપૂર્ણ ઓવરોમાં બૉલિંગ કરીને પંડ્યાએ ભારતની જીતમાં યોગદાન આપ્યુ હતું.

એ બાદ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં કેટલાક ખેલાડીઓને આરામ આપવામા આવ્યો હતો.

જોકે, ભારતે શ્રીલંકા સામેની સિરીઝ માટે “ફુલ સ્ટ્રેન્થ” ટીમનું એલાન કર્યું છે, જેમાં કૅપ્ટનના વિકલ્પ તરીકે હાર્દિક પંડ્યાની અવગણના કરવામા આવી છે.

સૂર્યકુમાર યાદવને કૅપ્ટનશિપ આપવા પાછળનું કારણ

સૂર્યકુમાર યાદવની ટી-20 ઇન્ટરનેશનલ ટીમના કૅપ્ટન તરીકે નિમણૂક કરવામા આવી છે, જેને કદાચ થોડો અસામાન્ય જણાય એવો છે.

ટી-20 મૅચોમાં મોટો સ્કોર બનાવવામાં સૂર્યકુમારની ક્ષમતા કામ આવે છે, પરંતુ તેમનું સિલેક્શન વન-ડે અને ટેસ્ટ ટીમ માટે થતું નથી.

જોકે, સૂર્યકુમાર યાદવને વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં થોડી તકો જ મળી છે. પરંતુ તેઓ ટીમમાં પોતાનું સ્થાન જાળવી શકે તેવું ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.

ભારતીય ટીમનો ઇતિહાસ જોઇએ તો એક જ કૅપ્ટનને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કૅપ્ટનશિપ મળતી રહી છે. આ વાત ત્યારે સ્પષ્ટ થઈ હતી જ્યારે વિરાટ કોહલીએ ટી20 કૅપ્ટનશિપ છોડી ત્યારે તેમની પાસેથી વનડેની કૅપ્ટનશિપ પણ લઈ લેવામા આવી હતી. ત્યારબાદ તેમણે ટેસ્ટ ક્રિકેટની કૅપ્ટનશિપ પણ છોડી દીધી હતી.

બીજી તરફ સૂર્યકુમારની ટી20 કૅપ્ટન તરીકે નિમણૂક બીજી એક વાત તરફ પણ ઇશારો કરે છે. હાર્દિકને વનડે અને ટી20માં વાઇસ કૅપ્ટન પણ બનાવામાં આવ્યા નથી. તેમની જગ્યાએ શુભમન ગિલને વાઇસ કૅપ્ટન બનાવવામા આવ્યા છે. શુભમન ગિલ ટી20 વર્લ્ડ કપ ટીમનો ભાગ નહોતા.

આ વાતનો અર્થ સ્પષ્ટ છે કે બીસીસીઆઈ માને છે કે ગિલ ભવિષ્યમાં દરેક ફોર્મેટનાં કૅપ્ટન બની શકે છે.

પંડ્યાની અવગણના કેમ કરવામા આવી?

ફિટનેસને કારણે એક ઑલરાઉંડર તરીકે પોતાની ભૂમિકા ભજવવી પંડ્યા માટે એટલી સરળ નથી.

પંડ્યા ઇજાને કારણે ક્યારેક આખી સિરીઝ ન રમી શક્યા. જોકે, તેમણે ફિટનેસ પર ખૂબ મહેનત કરીને વાપસી કરી હતી. તેઓ ક્યારેક બૉલિંગ છોડીને અને માત્ર એક બૅટ્સમૅન તરીકે રમ્યા.

અહેવાલો પ્રમાણે, ટીમ ઇન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીરે સૂર્યાને કૅપ્ટન બનાવવા માટે આગ્રહ કર્યો ન હતો. જોકે, તેમણે પંડ્યા જેવા ખેલાડી સાથે કામ કરવા માટે અસહજતા વ્યક્ત કરી હતી, જે ફિટનેસ અને ઇજાને કારણે ટીમથી અંદર-બહાર થતા રહે છે.

હાર્દિક પંડ્યાએ શ્રીલંકા સિરીઝ દરમિયાન વનડે મૅચો માટે આરામ માંગ્યો હતો. બીસીસીઆઈએ તેમની આ માંગણી મંજૂર કરી હતી. જોકે, આવનારી ઇન્ટરનેશનલ વનડે મૅચોમાં સ્થિતિ શું હશે તે કહેવું મુશ્કેલ છે.

શું એક ઑલરાઉન્ડર તરીકે હાર્દિક ટીમમાં વાપસી કરી શકશે?

પંડ્યાની ક્ષમતાને જોતાં તો કહી શકાય કે તેમણે ચોક્કસપણે વાપસી કરવી જોઇએ, પરંતુ એ પણ સ્પષ્ટ છે કે ભારત પાસે હાલમાં પહેલાં કરતાં ઘણા ઑલરાઉન્ડરો હાજર છે.

શિવમ દુબે, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર અને રિયાન પરાગ જેવા ઑલરાઉન્ડરો શ્રીલંકા સિરીઝની વનડે અને ટી20 બન્ને ટીમોમાં સામેલ છે.

એ વાત શક્ય છે કે આ ખેલાડીઓ પૈકી કોઈ જબરદસ્ત પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે.

સિલેક્ટરો અને કોચ ભવિષ્યનો વિચાર કરી રહ્યા છે

એ વાત સ્પષ્ટ છે કે સૂર્યકુમાર યાદવની કૅપ્ટન તરીકે નિમણૂક થોડાક સમય માટે જ કરવામા આવી છે.

તેઓ 34 વર્ષના છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક જ ફૉર્મેટ (ટી20)માં રમે છે. તેઓ લાંબા સમય સુધી રમે તેવી શક્યતાઓ નથી.

ગિલ ભવિષ્યમાં સંભવિત કૅપ્ટન બનશે. ઋષભ પંત જેમણે વિકેટકીપર હોવાનો ફાયદો મળે છે અને તેઓ ત્રણેય ફૉર્મેટમાં બૅટ્સમૅન પણ છે. ગિલનું પ્રદર્શન આશા પ્રમાણે નહીં રહે તો ઋષભ પંત પણ ભવિષ્યમાં કૅપ્ટન તરીકે એક ઉમેદવાર રહેશે.

શ્રીલંકા સિરીઝ માટે ભારતીય ટીમનું સિલેક્શન દર્શાવે છે કે સિલેક્ટરો અને કોચ વનડે અને ટી20 ફૉર્મેટમાં ક્રિકેટને નવી દિશા આપવા માંગે છે.

રોહિત, કોહલી અને જાડેજાના ટી20માં સન્યાસની ધોષણા પછી આઈપીએલ અને ડૉમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓ માટે ટી20ના દરવાજા ખૂલી ગયા છે.

આ ઉપરાંત વનડે ટીમમાં સંજૂ સૅમસનનું સિલેક્ટ ન થવું પણ એક રસપ્રદ વાત છે.

30 વર્ષીય સંજૂમાં ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે. તેમણે નવ વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પ ણ કર્યું હોવા છતાં પણ માત્ર 16 વનડે અને 28 ટી20 મૅચો રમી છે.

ટીમમાં સ્થાળ મેળવવા માટે ભારે સ્પર્ધા અને બેટિંગમાં વધારે યોગદાન આપનાર વિકેટકીપરોની હાજરીને કારણે સૅમસનની કારકિર્દી ટૂંકી રહી છે. શ્રીલંકા સિરીઝ માટે ટીમનું સિલેક્શન દર્શાવે છે કે સિલેક્ટરો અને કોચ ભવિષ્ય વિશે વિચારી રહ્યા છે.

અભિષેક શર્માનો કેસ પણ રસપ્રદ છે, તેમણે હાલમાં જ ઝિમ્બાબ્વે વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. જોકે, તેમણે શ્રીલંકા સિરીઝ માટે સિલેક્ટ કરવામા આવ્યા નથી. જોકે, અભિષેક યુવાન છે અને તેમણે રાહ જોવી પડશે.