હાર્દિક પંડ્યા -નતાશા સ્ટેન્કૉવિકે છૂટાછેડાની જાહેરાત કરી

ગુજરાતના ક્રિકેટ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા તથા નતાશા સ્ટૅન્કોવિકે પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે.

બંનેએ બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે બંનેએ સંબંધને ટકાવી રાખવા 'પૂરતા અને શક્ય' પ્રયાસ કર્યા હતા, પરંતુ સાથે રહેવું શક્ય બન્યું ન હતું.

આ પહેલાં એવી ચર્ચા હતી કે નતાશાની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી બંને વચ્ચે સુમેળભર્યા સંબંધ ન હોવાના અણસાર ફૉલૉઅર્સને મળ્યા હતા.

હાર્દિક અને નતાશાએ ડાયવૉર્સની જાહેરાત કરી તેના અમુક કલાકો પહેલાં નતાશા મુંબઈના ઍરપૉર્ટ પર દીકરા અગસ્ત્ય અને સામાનની સાથે જોવા મળ્યાં હતાં, જેના કારણે આ અટકળોને વેગ મળ્યો હતો.

એ પછી નતાશા સર્બિયા પહોંચ્યાં હતાં અને પોતાના ઘરની બાલ્કનીમાંથી દેખાતા દૃશ્યની તસવીર પોસ્ટ કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા ઉપર છૂટાછેડાની ચર્ચાને વેગ મળ્યો હતો.

હાર્દિક-નતાશાએ શું કહ્યું?

'ચાર વર્ષ સુધી સાથે રહ્યાં બાદ મેં અને હાર્દિકે પરસ્પર સહમતિથી અલગ-અલગ રસ્તે આગળ વધવાનું નક્કી કર્યું છે. આ સંબંધને ટકાવી રાખવા માટે અમે બંનેએ શક્ય એટલા તમામ પ્રયાસ કર્યા હતા અને અમને લાગે છે કે અમારા બંને માટે છૂટા થઈ જવું જ યોગ્ય હશે.'

'અમને એકબીજાં સાથે ગમતું, આનંદ અને પરસ્પર સન્માન હતા, સાથે જ અમે પરિવાર બન્યા હતા એટલે આ અમારા માટે કપરો નિર્ણય હતો.

અમારો દીકરો અગસ્ત્ય અમારાં બંનેના જીવનનું કેન્દ્ર રહેશે અને તેને બધી ખુશીઓ મળે તે માટે વાલી તરીકેની જવાબદારીઓ અમે બંને સાથે મળીને નિભાવીશું.'

'અમે આ કપરા અને સંવેદનશીલ સમય દરમિયાન તમારા સહકારની અપેક્ષા રાખીએ છીએ અને નિજતા આપશો એવી આશા રાખીએ છીએ.'

ઉલ્લેખનીય છે કે બોલીવૂડના પૂર્વ અભિનેત્રી તથા સર્બિયાના મૉડલ નતાશા અને હાર્દિક વચ્ચે વર્ષ 2018 આસપાસ પ્રેમ પાંગર્યો હતો અને બંને સાથે દેખાતાં.

એ પછી જાન્યુઆરી-2020માં આ પ્રેમીયુગલે સગાઈ કરી લીધી હતી. જુલાઈ-2020માં અગસ્તસ્યનો જન્મ થયો હતો.

ફેબ્રુઆરી-2023માં બંને પરંપરગાત વિધિથી લગ્ન કર્યાં હતાં, પરંતુ એ પછી નતાશાની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે દંપતીના સંબંધમાં તિરાડ વિશે અટકળો થતી રહી હતી.

એક તબક્કે નતાશાએ તેમની લગ્નવિધિના ફૉટોગ્રાફ્સ પણ હઠાવી દીધા હતા. ચાલુ વર્ષે ટી-20 ફાઇનલ સમયે ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનની જેટલી ચર્ચા થઈ હતી, એટલી જ ચર્ચા નતાશાની પોસ્ટ વિશે ચર્ચા રહી હતી.

હાર્દિક પંડ્યાએ સુરતથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી

હાર્દિક પંડ્યા હાલ ભારતીય ક્રિકેટ ટીમમાં રમે છે અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયનના કૅપ્ટન છે.

હાલમાં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાએ નિર્ણાયક ઓવરમાં કરેલા પ્રદર્શન બાદ તેમની ખૂબ સરાહના થઈ હતી. ગુજરાતથી શરૂઆત કરનાર હાર્દિક પંડ્યા મોંઘીદાટ ઘડિયાળ, કાર અને ટ્રાવેલિંગના શોખીન છે. જોકે, બાળપણમાં આ તમામ સવલતોથી વંચિત રહ્યા હતા.

હાર્દિકના પિતા હિમાંશુભાઈએ એક વખત કહ્યું હતું કે તેઓ સાવ ગરીબ પરિવારમાંથી આવતા નથી, પરંતુ આજે એમ કહી શકાય કે હાર્દિકનો પરિવાર સાવ ગરીબ નહીં પણ આર્થિક રીતે થોડા વંચિત પરિવારમાં સામેલ હતો.

તેમ છતાં હાર્દિકનાં માતાપિતાએ બંને દીકરાઓને ક્રિકેટની તાલીમ અપાવી હતી.

સુરત નજીક ચોર્યાસી ગામમાં 1993ની 11મી ઑક્ટોબરે હાર્દિક પંડ્યાનો જન્મ થયો. આ સમયે તેમનો પરિવાર સુરતમાં રહેતો હતો, એટલે સ્વાભાવિકપણે જ તેમનું બાળપણ સુરતમાં પસાર થયું હતું.

ચાર વર્ષના હાર્દિક ટેનિસ બૉલથી તાલીમ લેતા હતા, તો ભાઈ કૃણાલ પંડ્યા સિઝન બૉલથી ટ્રેનિંગ લેતા. રાંદેરના ભાણકી સ્ટેડિયમમાં હાર્દિકની તાલીમ શરૂ થઈ હતી.

એ વખતે સુરત કૉર્પોરેશનના સમીર વ્યાસ કોચિંગ આપતા હતા. જ્યારે તેમની સંસ્થા વડોદરામાં કિરણ મોરેની ઍકેડમી સાથે સંકળાયેલી હોવાથી હાર્દિક તથા પંડ્યા પરિવારે વડોદરા જઈને વસવાટ કરવાનો નિર્ણય લીધો.

આમ હાર્દિકનો બરોડા સાથે નાતો જોડાયો. અત્યારે હાર્દિક એટલે વડોદરાનો અથવા તો વડોદરા એટલે હાર્દિકનું વતન એ વાત જગજાહેર છે. જોકે તેમણે કારકિર્દીનો પ્રારંભ સુરતથી કર્યો હતો.

બરોડાના પૂર્વ રણજી ક્રિકેટર નારાયણ સાઠમ અને ભારતીય ક્રિકેટર કિરણ મોરેએ હાર્દિક પંડયાના ઘડતરમાં ઘણી મોટી ભૂમિકા અદા કરી છે.

18 વર્ષની વય સુધી લેગ સ્પિનર તરીકે રમ્યા બાદ અચાનક જ તેઓ ફાસ્ટ બૉલર બની ગયા. કેમ કે તેમનામાં રહેલી ઝડપી બૉલરની પ્રતિભા બરોડાના કોચ સનતકુમારે પારખી લીધી હતી અને તેમના કહેવાથી જ હાર્દિકે લેગ સ્પિન બૉલિંગ છોડીને ફાસ્ટ બૉલિંગ પર હાથ અજમાવ્યો.