ભારત 119 રનમાં ઑલઆઉટ, છતાં પાકિસ્તાન હાર્યું, બુમરાહની એ ઓવર જેણે હારેલી મૅચ જિતાડી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી-20 વર્લ્ડકપની ગ્રૂપ સ્ટેજની મૅચમાં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું છે.
વરસાદના વિધ્નને કારણે મૅચ નિર્ધારિત સમય કરતાં મોડી શરૂ થઈ હતી. આ મૅચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવી દીધું.
ભારતનો ગ્રૂપ સ્ટેજનો આ બીજો મુકાબલો હતો. પહેલા મુકાબલામાં ભારતે આયર્લૅન્ડને હરાવ્યું હતું.
વર્લ્ડકપમાં ટકી રહેવા માટે પાકિસ્તાન માટે આ મૅચ જીતવી અગત્યની હતી. કારણ કે આ પહેલાંની મૅચમાં પણ તેની યુએસએની ટીમ સામે હાર થઈ હતી.
અમેરિકાની ધરતી પર રમાઈ રહેલા આ વર્લ્ડકપમાં ભારતનું નેતૃત્વ રોહિત શર્મા અને પાકિસ્તાનનું નેતૃત્વ બાબર આઝમ કરી રહ્યા હતા.
આ મૅચના હીરો જસપ્રીત બુમરાહ રહ્યા હતા અને તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.
બેટિંગમાં ભારતની નબળી શરૂઆત અને ખરાબ પ્રદર્શન
ન્યૂયૉર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં પાકિસ્તાને ટોસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી.
પાકિસ્તાનનો આ નિર્ણય અત્યંત સચોટ સાબિત થયો હતો. ભારતની શરૂઆત અત્યંત નબળી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોહિત શર્મા અને વિરાટ કોહલી ઇનિંગની શરૂઆતની ત્રણ ઓવરોમાં જ પોતાની વિકેટો ગુમાવી બેઠા હતા. એ સમયે ભારતનો સ્કોર 19 રનમાં બે વિકેટ થઈ ગયો હતો.
ત્યારબાદ રિષભ પંત અને અક્ષર પટેલની જોડીએ ભારતની ઇનિંગને સ્થિરતા આપવાની કોશિશ કરી હતી.


ઇમેજ સ્રોત, Getty Images
રિષભ પંતે સૌથી વધુ 31 બૉલમાં 42 રન બનાવ્યા હતા, જેમાં તેમણે છ ચોગ્ગા ફટકાર્યા હતા. અક્ષર પટેલ 20 રન બનાવીને આઉટ થયા હતા.
એક તબક્કે ચાર વિકેટે 89 રનનો સ્કોર ધરાવતી ભારતીય ટીમની એક પછી એક વિકેટો પડવા લાગી હતી અને 112 રનમાં નવ વિકેટ પડી ગઈ હતી.
પાકિસ્તાનના ફાસ્ટ બૉલરોની ધારદાર બૉલિંગ સામે ભારતીય બૅટ્સમૅનોએ જાણે કે શરણાગતિ જ સ્વીકારી લીધી હતી.
અંતે ભારતની ટીમ પૂરી 20 ઓવરો પણ રમી શકી ન હતી અને 119 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હારિસ રઉફે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટો ઝડપી હતી.
...પણ ભારતના બૉલરોએ રંગ રાખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માત્ર 120 રનના પડકારનો પીછો કરી રહેલાં પાકિસ્તાને ધીમી અને મક્કમ શરૂઆત કરી હતી. જોકે,કૅપ્ટન બાબર આઝમને જસપ્રીત બુમરાહે પોતાની બૉલિંગમાં 13 રનના વ્યક્તિગત સ્કોર કૅચઆઉટ કરાવીને પહેલો ઝટકો આપ્યો હતો.
ત્યારબાદ રિઝવાન અને ઉસ્માન ખાને ઇનિંગને આગળ ધપાવી હતી. જોકે, ઉસ્માન પણ ક્રિઝ પર ખાસ ટકી શક્યા નહોતા અને 13 રન બનાવીને જ અક્ષર પટેલની બૉલિંગમાં આઉટ થઈ ગયા હતા.
વિકેટકીપર બૅટ્સમૅન રિઝવાને એક છેડો સાચવી રાખ્યો હતો અને પાકિસ્તાનની ઇનિંગને આગળ ધપાવતાં 31 રન બનાવ્યા હતા. જોકે, બુમરાહનો એક સ્વિંગ થતો બૉલ ટપ્પો પડ્યા બાદ નીચો રહી જતા તેઓ બૉલ્ડ થઈ ગયા હતા.
મૅચ દરમિયાન પીચની પણ વર્તણૂંક સામાન્ય નહોતી. કેટલીક વાર બૉલ વિરુદ્ધ દિશામાં સ્વિંગ થતા હતા તો ક્યારેક ટપ્પો પડ્યા બાદ તેમને ઉછાળ જ મળતો ન હતો. જેના કારણે બંને ટીમના બૅટ્સમૅનોને સંઘર્ષ કરવો પડ્યો હતો.
પાકિસ્તાનના બૅટ્સમૅનોએ પણ એક-એક રન કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો તથા બીજી તરફ તેમની વિકેટો પડવાની ચાલુ રહી હતી.
અંતિમ ઑવરોમાં મૅચ રોમાંચક તબક્કામાં પ્રવેેશી હતી અને છેક છેલ્લા બૉલ સુધી રોમાંચ યથાવત્ રહ્યો હતો.
અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 16 રન કરવાના હતા, પરંતુ તેઓ કરી શક્યા ન હતા અને ભારત છ રને વિજેતા બન્યું હતું.
ભારત તરફથી જસપ્રીત બુમરાહે ચાર ઑવરમાં માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
કયા રેકૉર્ડ સર્જાયા?

ઇમેજ સ્રોત, Getty Images
ટી-20 વર્લ્ડકપની વાત કરવામાં આવે તો ભારતનો આ ચોથો સૌથી ઓછો નોંધાયેલો સ્કોર છે જેમાં ભારત 119 રનમાં ઑલઆઉટ થઈ ગયું હોય.
ટી20 વર્લ્ડકપમાં સૌથી ઓછો સ્કોર બચાવીને મૅચ જીતવાનો રેકર્ડ ભારતે આ મૅચમાં બનાવ્યો છે.
ભારતનો સૌથી ઓછો સ્કોર ન્યૂઝીલૅન્ડ સામે 79 રન નોંધાયેલો છે.
આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં આ મૅચમાં પાકિસ્તાને ભારતને પહેલીવાર ઑલઆઉટ કરી દીધું હતું.
ભારતની હવે પછીની મૅચ અમેરિકા સામે 12મી જૂને આ જ સ્ટૅડિયમમાં રમાશે. ત્યારપછી ભારતની એક મૅચ કૅનેડા સામે પણ છે.












