ગુજરાતમાં ફરી સિસ્ટમ સર્જાઈ, કયા જિલ્લામાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે?

હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદે વિરામ લીધો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારો છે.

જોકે, હવે આવતા અઠવાડિયે ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ ગુજરાતમાં ફરીથી વરસાદની ગતિવિધિ વધે તેવી શક્યતા છે.

હાલ દક્ષિણ ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે દક્ષિણના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

રાજ્યમાં 1 જૂનથી 14 જૂન સુધીમાં માત્ર બે જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. આવનારા દિવસોમાં હજી પણ આપણે ત્યાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદનો રાઉન્ડ?

હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં આવતા અઠવાડિયે ફરીથી વરસાદનું જોર વધી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાતમાં 18 જુલાઈની આસપાસ ફરીથી વરસાદી ગતિવિધિ વધે તેવી શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં 18થી 19 જુલાઈની આસપાસ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

સૌપ્રથમ ગુજરાત રિજન એટલે કે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધે તેવી શક્યતા છે. જેની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા છે.

જે બાદ વરસાદનું જોર વધવાની સાથે વરસાદનો વ્યાપ પણ વધવાની શક્યતા છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ ફરીથી શરૂ થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યા બાદ મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે જણાઈ રહી છે.

ગુજરાતમાં હવે ક્યાં વરસાદની શક્યતા છે?

ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે, કેટલાક વિસ્તારોમાં ગરમી તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે.

આવનારા બેથી ત્રણ દિવસો સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમ કે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લામાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે.

એ સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહે તેવી શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત દસ દિવસ જેટલી મોડી થઈ હતી પરંતુ તે બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ થયો છે. ચોમાસું ગુજરાતમાં પહોંચે તે પહેલાં બિપરજોય વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

વાવાઝોડાના કારણે કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તથા ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડ્યો હતો અને અનેક ખેડૂતોએ ચોમાસું પહોંચે તે પહેલાં જ વાવણી કરી દીધી હતી.

ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો?

ભારતીય હવામાન વિભાગે 1 જૂનથી 14 જુલાઈ સુધી ગુજરાતમાં પડેલા વરસાદના આંકડા જાહેર કર્યા હતા.

આ સમયગાળા દરમિયાન રાજ્યનાં મોટાં શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે અનુક્રમે 278.8 મિમી, 552.8 મિમી, 270.2 મિમી અને 501.5 મિમી વરસાદ પડ્યો હતો.

સામાન્યની સરખામણીએ આ પ્રમાણ અનુક્રમે 39 ટકા, 21 ટકા, એક ટકા અને 136 ટકા વધુ હતો.

રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આ સમય દરમિયાન અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા ખાતે અનુક્રમે 380.4 મિમી, 201.4 મિમી, 326.4 મિમી, 435.7 મિમી, 228.4 મિમી અને 350 મિમી વરસાદ નોંધાયો હતો.

આ સિવાય ભરૂચમાં 262.9 મિમી, છોટા ઉદેપુરમાં 294.5 મિમી, દાહોદમાં 187.3 મિમી, ડાંગમાં 681.4 મિમી, ખેડામાં 341.1 મિમી, મહિસાગરમાં 318.8 મિમી, નર્મદામાં 304.2 મિમી, નવસારીમાં 910.1 મિમી, પંચમહાલમાં 278.7 મિમી, તાપીમાં 569 મિમી અને વલસાડમાં 951.7 મિમી વરસાદ ખાબક્યો હતો.

સૌરાષ્ટ્રના અમરેલીમાં 420.4 મિમી, ભાવનગરમાં 302.5 મિમી, બોટાદમાં 415.8 મિમી, દેવભૂમિ દ્વારકામાં 462.7 મિમી, ગીર સોમનાતમાં 681.2 મિમી, જામનગરમાં 521.5 મિમી, જૂનાગઢમાં 828 મિમી, મોરબીમાં 292.6 મિમી, પોરબંદરમાં 477.5 મિમી, રાજકોટમાં 501.5 મિમી, સુરેન્દ્રનગરમાં 274.1 મિમી અને કચ્છમાં 504.9 મિમી વરસાદ નોંધાયો હતો.

આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં નોંધાયો હતો.

તેમજ સામાન્ય કરતાં સૌથી વધુ એટલે કે લગભગ 413 ટકા વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો.