બ્રિજભૂષણ શરણસિંહની અત્યાર સુધી ધરપકડ શા માટે નથી થઈ?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
છેલ્લાં બાર વર્ષથી ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ અને છ વખત સંસદસભ્ય બનેલા બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ એક મહિના પહેલાં પહેલી પોલીસ એફઆઈઆર નોંધાઈ ત્યારે તેમની ધરપકડ નક્કી છે એવી ચર્ચા થવા લાગી હતી.
તેનું કારણ એ છે કે પોલીસ ફરિયાદમાં મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીની સાથે એક સગીર કુસ્તીબાજની જાતીય સતામણીના આરોપનો પણ સમાવેશ થાય છે. બ્રિજભૂષણસિંહ તમામ આરોપને ખોટા ગણાવી રહ્યા છે.
ભારતીય કાયદા મુજબ, સગીરની જાતીય સતામણીના આરોપને મહિલાઓની જાતીય સતામણી કરતાં પણ વધારે ગંભીર ગણવામાં આવે છે. તેથી આવા મામલાઓ માટે 2012માં વિશેષ પૉક્સો કાયદો બનાવવામાં આવ્યો હતો.
એ કાયદામાં સગીરોને સલામતી પૂરી પાડવા અને વિશેષ અદાલતમાં સીમિત સમયમાં કેસની સુનાવણી જેવી જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ 2019માં આકરી સજા અને મહત્તમ સજા આજીવન કારાવાસથી વધારીને મૃત્યુદંડ સુધીની કરવામાં આવી હતી.
બ્રિજભૂષણસિંહ વિરુદ્ધની એક ફરિયાદ પૉક્સો કાયદા હેઠળ નોંધવામાં આવી છે, પરંતુ બ્રિજભૂષણસિંહની ધરપકડની માગ કરી રહેલાં કુસ્તીબાજોને તેમના પ્રદર્શન સ્થળેથી રવિવારે પોલીસે બળજબરીથી અટકાયતમાં લીધાં ત્યારે તેઓ નવી સંસદના ઉદ્ઘાટનસમારંભમાં હાજરી આપી રહ્યા હતા.

કુસ્તીબાજોના મામલામાં પૉક્સો કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ફરિયાદીઓની ઓળખ છૂપાવવા અને તેમની સલામતીના હેતુસર બ્રિજભૂષણસિંહ સામેની એફઆઈઆરની વિગત જાહેર કરવામાં આવી નથી.
બીબીસીને મળેલી માહિતી મુજબ, એફઆઈઆરમાં જાતીય સતામણી સંબંધી કલમ ક્રમાંક 354, 354એ, 354ડી ઉપરાંત પોક્સો કાયદાની કલમ ક્રમાંક 10 ‘એગ્રિવેટેડ સેક્સુઅલ અસૉલ્ટ’ એટલે કે ગંભીર જાતીય હિંસાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બળાત્કાર અને સામૂહિક બળાત્કાર જેવા અત્યંત ગંભીર ગુનાઓ માટે પોક્સો હેઠળ પોલીસે આરોપીની તત્કાળ ધરપકડ કરવાની હોય છે, પરંતુ ‘ગંભીર જાતીય હિંસા’ તે શ્રેણીમાં આવતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ધારામાં ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષની સજાની જોગવાઈ છે.
બાળ અધિકાર સંબંધી કામ કરતા બિન-સરકારી સંગઠન ‘હક’ સાથે સંકળાયેલા વકીલ કુમાર શૈલભના જણાવ્યા મુજબ, પોક્સો કાયદાની કલમ ક્રમાંક 10માં જામીનની જોગવાઈ છે અને તેમાં એફઆઈઆર નોંધાય ત્યારે આરોપી આગોતરા જામીન મેળવી લેતા હોય છે.
બીબીસી સાથે વાત કરતાં કુમાર શૈલભે કહ્યું હતું કે "આ કલમ હેઠળ પોલીસ માટે આરોપીની ધરપકડ કરવાનું પોલીસ માટે ફરજિયાત નથી. પોલીસને એવું લાગે કે તેના વિના તપાસમાં વિધ્ન આવશે અથવા આરોપી ભાગી જશે તો તે તેના આધારે ધરપકડ કરી શકે છે."
દિલ્હીના જંતરમંતર વિસ્તારમાં ફૂટપાથ પર એક મહિનાથી રાત-દિવસ વિરોધ પ્રદર્શન કરી રહેલાં કુસ્તીબાજોની માગણી છે કે બ્રિજભૂષણસિંહની ધરપકડ થવી જોઈએ.

ધરપકડની માગનું કારણ

ઇમેજ સ્રોત, @SAKSHIMALIK
બ્રિજભૂષણસિંહ સામેની કુસ્તીબાજોની એફઆઈઆર બહુ મુશ્કેલી પછી નોંધવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ પણ એફઆઈઆર નોંધવામાં ન આવી ત્યારે મહિલા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અદાલતે પોલીસને નોટિસ આપી પછી એફઆઈઆર નોંધવામાં આવી હતી.
કોઈ સગીરના જનનાંગોને જાતીય હેતુસર સ્પર્શ કરવો કે તેને પોતાના જનનાંગોને સ્પર્શ કરવા મજબૂર કરવા તે ‘જાતીય હિંસા’ની પરિભાષામાં આવે છે.
આવું વર્તન કરનાર વ્યક્તિ શક્તિશાળી હોય અને પોતાના પદ, નોકરી વગેરેને કારણે તે સગીરના ભરોસાનો ખોટો ઉપયોગ કરી શકે તેમ હોય તો તેને ‘ગંભીર જાતીય હિંસા’ માનવામાં આવે છે.
કુમાર શૈલભ માને છે કે આરોપીની તાકાત અને દબદબાને કારણે તેઓ પીડિતાઓ તથા સાક્ષીઓ પર દબાણ લાવી શકે છે, તેવી કુસ્તીબાજોને શંકા છે. તેથી આરોપીની ધરપકડ થવી જરૂરી છે.
કુમાર શૈલભે કહ્યું હતું કે "આ મામલમાં કોઈ કાર્યવાહી ન થવાથી ખરાબ શંકા સર્જાઈ રહી છે અને પોક્સો કાયદાની નિયત અને મહત્ત્વ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે."

જાતીય સતામણી સંબંધી તપાસમાં શું જાણવા મળ્યું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વીનેશ ફોગટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ દિલ્હીના ગત જાન્યુઆરીમાં જંતરમંતર પર એકઠા થઈને મીડિયા સમક્ષ રજૂઆત કરી ત્યારે બ્રિજભૂષણસિંહ વિરુદ્ધના જાતીય સતામણીના આક્ષેપ બહાર આવ્યા હતા.
એ સમયે ભારતીય કુસ્તી મહાસંઘમાં જાતીય સતામણીની ફરિયાદોના નિવારણ માટે અને જાગૃતિ ફેલાવવા માટે કોઈ આંતરિક સમિતિ ન હતી.
આવી અનેક સમિતિના સભ્ય તરીકે કામ કરી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર લક્ષ્મી મૂર્તિના જણાવ્યા મુજબ, "જાતીય સતામણી નિવારણ અધિનિયમ – 2013 મુજબ દરેક મોટા કાર્યક્ષેત્રમાં આવી સમિતિની રચના કરવી જરૂરી છે, જેથી કામ કરવાનું સ્થળ સલામત બને."
બીબીસી સાથે વાત કરાતં લક્ષ્મી મૂર્તિએ કહ્યું હતું કે "ફરિયાદ થાય તો જ સમિતિ બનાવવાથી તે અસરકારક સાબિત નહીં થાય. સમિતિની સભ્યોની પસંદગી પણ ફરિયાદી અને જેમના પર આરોપ મૂકવામાં આવ્યો હોય એ મુજબ થઈ શકે છે તેમજ સમિતિની સ્વાયતતા સામે પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે."
વિરોધ પ્રદર્શનકર્તાઓની ફરિયાદને ધ્યાનમાં લઈને જાન્યુઆરીમાં ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિએશને એક ઓવરસાઈટ કમિટીની રચના કરી હતી. તેના અહેવાલનો એક નાનકડો હિસ્સો એપ્રિલમાં જાહેર કરવામાં આવ્યો હતો.
રમતગમત મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે તપાસ સમિતિના સૂચનો બાબતે વિચારણા થઈ રહી છે અને કેટલાક પ્રારંભિક તારણ બહાર આવ્યાં છે. "કુસ્તી મહાસંઘમાં જાતીય સતામણી રોકવા અને એ બાબતે જાગૃતિ ફેલાવવા માટે આંતરિક સમિતિ નથી. મહાસંઘ તથા ખેલાડીઓ વચ્ચે બહેતર સંવાદ અને વાતચીતમાં પારદર્શકતા લાવવાની જરૂર છે."

નિર્ણય ન થાય ત્યાં સુધી મહિલા કુસ્તીબાજોની સલામતીનું શું?
લક્ષ્મી મૂર્તિએ કહ્યું હતું કે "સમિતિની કાર્યપદ્ધતિ બાબતે કુસ્તીબાજોએ પહેલેથી જ સવાલ ઉઠાવ્યા છે. સમિતિના બધા સભ્યો એક વહીવટીતંત્રનો હિસ્સો છે, જે બધાની સાથે સંકળાયેલા છે."
"બહારના લોકોને સમિતિના સભ્યો બનાવવામાં આવ્યા હોત તો તે સૌથી અસરકારક હોત."
તેમના જણાવ્યા મુજબ, "વર્તમાન પરિસ્થિતિમાં મહાસંઘ તથા ખેલાડીઓ વચ્ચેના વિશ્વાસને પુર્નસ્થાપિત કરવા સૌથી પહેલાં તો ઓવરસાઈટ કમિટીનો અહેવાલ જાહેર કરવો જરૂરી છે. "
જાતીય સતામણી નિવારણ અધિનિયમ – 2013માં આરોપ સાબિત થાય ત્યારે સજા સ્વરૂપે આરોપીને પદ પરથી હટાવવા કે સસ્પેન્ડ કરવા જેવી જોગવાઈ છે.
બ્રિજભૂષણ શરણસિંહ હાલ તો ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ છે.
જોકે, રમતગમત મંત્રાલયના જણાવ્યા મુજબ, તેમના પર આરોપ મૂકવામાં આવ્યા એ પછી મહાસંઘનું રોજિંદું કામકાજ અગાઉ ઓવરસાઈટ કમિટી કરતી હતી અને હવે બે સભ્યોની વચગાળાની એક સમિતિ કરે છે.
આ વચગાળાની સમિતિ જ કુસ્તી મહાસંઘની આગામી ચૂંટણી કરાવશે.
બ્રિજભૂષણસિંહ છેલ્લા 12 વર્ષથી કુસ્તી મહાસંઘના અધ્યક્ષ છે અને નિયમ મુજબ, આગામી ચૂંટણી લડી નહીં શકે.
તેમ છતાં, બ્રિજભૂષણસિંહના પ્રભુત્વ અને પોતાના વિરોધ પ્રદર્શનને લીધે પોતાની કારકિર્દી ખતમ થઈ જવાનો ભય કુસ્તીબાજો વારંવાર વ્યક્ત કરતા રહ્યા છે.
ઓવરસાઈટ કમિટીનો સીલબંધ રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપી દેવામાં આવ્યો છે, પરંતુ તેને જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી આરોપોની ચકાસણી કે બ્રિજભૂષણસિંહ સામે કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં.














