દિલ્હીનું જંતરમંતર ધરણાં પ્રદર્શનોનું ‘એપિ-સેન્ટર’ કઈ રીતે બન્યું?

સાક્ષી મલિક

ઇમેજ સ્રોત, @sakshimalik/twitter

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતરમંતર ખાતે ધરણાં-પ્રદર્શન કરી રહેલાં મહિલા પહેલવાનોએ જ્યારે રવિવારે નવા સંસદભવન તરફ કૂચ કરવાની કોશિશ કરી ત્યારે તેમની જંતરમંતર ખાતે જ અટકાયત કરી દેવાઈ હતી.

મહિલા કુસ્તીબાજો પાછલા ઘણા સમયથી અહીં ભાજપના સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડની માગણીને લઈને ધરણાં કરી રહ્યાં હતાં. ઉત્તર પ્રદેશના કૈસરગંજથી લોકસભા સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ સામે મહિલા પહેલવાનોએ જાતીય સતામણીના આરોપો લગાવ્યા છે. જોકે બ્રિજભૂષણ શરણ સિંહે આ બધા આક્ષેપોને ફગાવ્યા છે.

જંતરમંતર ખાતેથી પહેલવાનોનાં ધરણાં માટે બાંધવામાં આવેલા તંબુ અને તેમના માલસામાન હઠાવી દેવાયાં હતાં.

એક સમયે જયપુરના મહારાજાએ તૈયાર કરાવેલી સૂર્ય ઘડિયાળ અને ખગોળીય વેધશાળાને કારણે દેશભરમાં જાણીતું દિલ્હીનું જંતરમંતર છેલ્લાં એક-બે દાયકાઓથી જાહેર વિરોધ પ્રદર્શનો અને આંદોલનોના સ્થળની ઓળખ પામ્યું છે.

દેશના વિવિધ પ્રદેશોમાંથી અહીં લોકો આવે છે અને પોતાનો માંગણીઓને લઈને અવાજ ઉઠાવે છે.

ભૂતકાળમાં પણ જંતરમંતર દેશમાં નોંધપાત્ર રાજકીય-સામાજિક પરિવર્તનો લાવનારાં અગત્યનાં આંદોલનો અને પ્રદર્શનોનું સાક્ષી રહ્યું છે.

દેશમાં લોકશાહી અને તેના પ્રેશર વાલ્વ તરીકે શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારને અસરકારક રીતે લાગુ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા આ સ્થળ અંગે જાણવા માટે કુતૂહલ હોય એ સ્વાભાવિક છે.

ગ્રે લાઇન

શું છે જંતરમંતર?

જંતર મંતર

ઇમેજ સ્રોત, Getty Images

જયપુરના મહારાજા જયસિંહે દિલ્હી, જયપુર, મથુરા, વારાણસી અને ઉજ્જૈન સહિત દેશનાં પાંચ શહેરોમાં વેધશાળાઓ બનાવી હતી. દિલ્હી ખાતેની વેધશાળાનું નિર્માણ વર્ષ 1724માં કરાયું.

જે જંતરમંતર તરીકે ઓળખાય છે.

દિલ્હી ટુરિઝમની વેબસાઇટ પર મુકાયેલી માહિતી અનુસાર જંતર એટલે કે યંત્રનો અર્થ સાધન અને મંત્ર એટલે કે મંતરનો અર્થ ફૉર્મ્યુલા પરથી આ નામ પડ્યું છે.

મહારાજા જયસિંહને એ સમયે એવું લાગ્યું હતું કે હયાત ખગોળીય ઉપકરણો વિવિધ ગણતરીઓ કરવામાં ટૂંકી પડે છે તેથી તેમણે વેધશાળાઓ અંતર્ગત ખૂબ મોટાં સાધનો બનાવ્યાં.

અહીંનાં ઉપકરણો ખૂબ ચોક્કસ અવલોકનો આપી શકે તેવાં છે, પરંતુ હાલમાં આસપાસ બહુમાળી બિલ્ડિંગને કારણે તે ઉપયોગી નથી રહ્યાં.

એક વેધશાળા કે દિલ્હીમાં પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતું આ જંતરમંતર જે રીતે ધરણાંપ્રદર્શનોનું સ્થળ બન્યું એ વાત ખૂબ રોચક છે.

જાણકારોના મત પ્રમાણે પાછલાં 30 વર્ષોથી સતત જંતરમંતરની ભૂમિએ ‘લોકશાહીનાં મૂળિયાં મજબૂત’ કરવાનું કામ કર્યું છે.

બીબીસી ગુજરાતી

કઈ રીતે જંતરમંતર બન્યું ધરણાં માટેનું અધિકૃત સ્થળ?

જંતર મંતર બીબીસી ગુજરાતી ધરણાં આંદોલન

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નવી દિલ્હીના ટોલ્સ્ટોય માર્ગ અને સંસદ માર્ગની નજીક જંતર મંતર આવેલું છે. હરિયાળીભર્યો આ વિસ્તાર સંસદ ભવનથી ખૂબ નજીક આવેલો છે.

લોકતંત્રનું પાવરહાઉસ ગણી શકાય તેવો આ વિસ્તાર છે જેના લીધે તેનું મહત્ત્વ વધી જાય છે.

એક સમયે મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓ બોટ ક્લબમાં રેલીઓ કરતા હતા. એ સ્થળ તો વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના નિવાસસ્થાનથી વધુ નજીક હતું.

1988માં એવું બન્યું કે ખેડૂત નેતા મહેન્દ્ર સિંહ ટિકૈતે રાજીવ ગાંધી સરકાર વિરુદ્ધ તેમના પ્રશ્નોને લઈને આંદોલન છેડ્યું હતું.

આ આંદોલનમાં લગભગ પાંચેક લાખ જેટલા ખેડૂતો દિલ્હીના રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને સાથે પોતાનાં ઢોર-ઢાંખર પણ લઈ આવ્યા હતા.

સમગ્ર દિલ્હી જાણે કે આ આંદોલનથી થંભી ગયું હતું અને ખેડૂતો પોતાના પશુઓ સાથે છેક વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના નિવાસસ્થાન સુધી પહોંચી ગયા હતા, જે સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર મામલો હતો.

ત્યારપછી 1993માં બાબરી મસ્જિદ અને રામ-જન્મભૂમિ મામલો જોર પકડી રહ્યો હતો. તેથી ખેડૂત આંદોલન જેવું કંઈ ન થાય એટલા માટે રાજીવ ગાંધીની સરકારે બોટ ક્લબ પર ધરણાં-પ્રદર્શન કરવા પ્રતિબંધ મૂક્યો અને જંતરમંતરને ધરણાં-પ્રદર્શનો માટે અધિકૃત સ્થળ જાહેર કરવામાં આવ્યું.

જંતર મંતર

જંતરમંતરનું મહત્ત્વ કેમ?

જંતર મંતર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં નાગરિક પ્રદર્શનોનો લાંબો અને સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે. ગાંધીજીની અહિંસાના પાયા પર થયેલી લડતો, ચપટી મીઠું ઉપાડીને કરેલો સત્યાગ્રહ વગેરે તેની સાક્ષી પૂરે છે.

એક પ્રદર્શન સ્થળ તરીકે જંતરમંતર 1993ની સાલથી અસ્તિત્વમાં આવ્યું.

સૅન્ટ્રલ દિલ્હીમાં 35 વર્ષોથી રિપોર્ટિંગ કરતા વરિષ્ઠ પત્રકાર વિવેક શુક્લ કહે છે, “કનોટ પ્લૅસ જેવા વિસ્તારમાં આવેલું હોવાથી એવું કહી શકાય કે જંતરમંતર એ દિલ્હીના દિલમાં આવેલું છે. બોટ ક્લબ પછી વર્ષોથી જંતરમંતરમાં હજારો પ્રદર્શનો થતાં આવ્યાં છે. 1993માં તેને સરકાર દ્વારા અધિકૃત રીતે ધરણા સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.”

બે એન્ટ્રી અને ઍક્ઝિટ પૉઇન્ટ, મર્યાદિત સંખ્યામાં પ્રદર્શન કરનારા લોકો, હરિયાળીભર્યું વાતાવરણ, ચહલપહલભર્યો વિસ્તાર, સંસદથી ખૂબ નજીક, રાજકીય નેતાઓ અને મીડિયા માટે અનુકૂળ જગ્યા વગેરે મુદ્દાઓ જંતરમંતરને મહત્ત્વનું બનાવે છે.

પત્રકારત્વ અને રાજકારણના વિદ્યાર્થીઓ માટે આ સ્થળ ‘લર્નિંગ ગ્રાઉન્ડ’ બની રહે છે.

વધુમાં વિવેક શુક્લ કહે છે, ‘ઐતિહાસિક રીતે પણ આ વિસ્તાર મહત્ત્વનો છે. અંગ્રેજોના જમાનાની ઘણી જૂની ઑફિસો અને ભવનો અહીં આવેલાં છે. અહીં આવેલી સાત નંબરની ઑફિસ એ 1947 થી 1971 સુધી કૉંગ્રેસનું હેડ ક્વાર્ટર હતી. દેશના ભાગલાનો પ્રસ્તાવ અહીં જ મંજૂર થયો હતો.”

“અહીં એ આર્કિટેક્ટ્સનાં પણ ઘર આવેલાં છે જેમણે દિલ્હી બનાવ્યું છે. અનેક સરકારી અને બિનસરકારી ઑફિસો આવેલી હોવાને કારણે અહીં હંમેશાં વધુ અવરજવર રહે છે.”

“ભારતના સૌથી વધુ બૅન્કકર્મીઓ નજીકમાં આવેલા સંસદ માર્ગ પર એકઠા થાય છે, કારણ કે અહીં લગભગ બધી જ બૅન્કોની ઑફિસ આવેલી છે.”

જંતરમંતર એ લંડનના સ્પીકર્સ કૉર્નર, વૉશિંગ્ટનના મેકફર્સન સ્કેવર અને ઑસ્ટ્રેલિયાના અબોરિજનલ ટૅન્ટ ઍમ્બેસીની યાદ અપાવે છે. આ સ્થળો પણ જે-તે દેશે જાહેર કરેલાં અધિકૃત પ્રદર્શનસ્થળો છે.

અહીં હજારોની ભીડમાં પણ પ્રદર્શન થયાં છે અને કોઈ એકલો માણસ પણ પ્રદર્શન કરી શકે છે.

થોડાં વર્ષો પહેલાં રતનલાલ સાહુ નામના એક સ્વઘોષિત 'બાબા'એ જંતરમંતર પર તંબુ સ્થાપિત કરી દીધો હતો. પર્યાવરણને થઈ રહેલા નુકસાનને લીધે ખેડૂતોને પડતી તકલીફોને લઈને તેઓ એકલા જ કેન્દ્ર સરકાર સામે વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા.

જંતર મંતર

પ્રદર્શન માટે પોલીસે આપી જાહેરાત

એક રસપ્રદ વાત એ છે કે 2014માં દિલ્હી પોલીસે જંતરમંતર પર ધરણાંપ્રદર્શન કરવા માટે એક જાહેરાત પ્રકાશિત કરી હતી. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, “શું તમારે વિરોધપ્રદર્શનો કરવાં છે? તો તમારું જંતરમંતરમાં સ્વાગત છે. દિલ્હી પોલીસનો સંપર્ક કરો.”

તાજેતરમાં પીટીઆઈએ છાપેલા અહેવાલ પ્રમાણે વર્ષ 2022માં જંતરમંતર પર 661 પ્રદર્શનો અને 189 ધરણાં થયાં છે.

2021ની સરખામણીએ ધરણાંપ્રદર્શનોની સંખ્યામાં 23 ટકા વધારો થયો છે.

વિશેષ આંદોલનો જેનું જંતરમંતર સાક્ષી રહ્યું

જંતરમંતર અણ્ણા હજારે બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દિવસ હતો 5 એપ્રિલ, 2011નો. સમાજસેવી અન્ના હજારેએ લોકપાલ બિલ માટે જંતરમંતર પર ઉપવાસ શરૂ કર્યા હતા.

ત્યારે કૉંગ્રેસની સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા. આ આંદોલનને સમાજના દરેક વર્ગનો ખૂબ સહયોગ મળી રહ્યો હતો અને યુવાનોની તેમાં ખૂબ મોટી ભાગીદારી હતી.

આ આંદોલન પછી ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ આંદોલનનો જન્મ થયો અને દેશમાં નવી રાજકીય પરિસ્થિતિઓના નિર્માણ માટે આ આંદોલન સૌથી મહત્ત્વનું નીવડ્યું હોવાનું કહેવાય છે.

આ સિવાય ‘વન-રેન્ક-વન-પેન્શન’ માટેની લડત 2015માં અહીંથી જ શરૂ થઈ હતી અને સમયાંતરે તેને લઈને જંતરમંતર પર ઘણાં પ્રદર્શનો થયાં હતાં. તાજેતરમાં જ ફરી પૂર્વ સૈનિકો તેમની માંગોને લઈને ફરી અહીં એકઠા થયા હતા.

જંતર-મંતર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'વન-રેન્ક-વન-પેન્શન' યોજના માટે વિવિધ માંગણીઓ કરી રહેલા પૂર્વ સૈનિકો

નાગરિકતા સુધારા કાયદાને લઈને જ્યારે સમગ્ર દેશમાં વિરોધ ફાટી નીકળ્યો હતો ત્યારે જંતરમંતર પર લાંબા સમય સુધી દરરોજ મોટાં વિરોધપ્રદર્શનો થયાં હતાં.

તાજેતરમાં જોવા મળેલ ખેડૂત આંદોલન સમેટાયા પછી પણ 2022માં ખેડૂતો ફરી લઘુતમ ટેકાના ભાવને લઈને પોતાની માંગણીઓ સાથે જંતરમંતર પર હજારોની સંખ્યામાં એકઠા થયા હતા.

2017માં તામિલનાડુના ખેડૂતોએ જંતરમંતર પર કરેલું પ્રદર્શન ધ્યાનાકર્ષક પ્રદર્શનોમાંથી એક ગણાય છે.

તેઓ જંતરમંતર પર લગભગ બે મહિનાથી દુષ્કાળનું પૅકેજ જાહેર કરવાની માગને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા પરંતુ તેમની માંગણીઓ ‘સંતોષાઈ નહોતી.’

પોતાની માગો તરફ ‘ધ્યાન ખેંચવા’ દસેક જેટલા ખેડૂતોએ કથિતપણે પોતાનો જ મળ ખાઈ લીધો હતો અને પછી તેમણે પોતાનું આંદોલન વધુ ઉગ્ર બનાવવા માટે આગામી પગલારૂપે તો ધરણાં સ્થળે માણસનું માંસ જાહેરમાં જ ખાવાની જાહેરાત કરી હતી.

હાલની પરિસ્થિતિ વિશે જણાવતા વિવેક શુક્લ કહે છે, “છેલ્લા 10-15 વર્ષોમાં સોશિયલ મીડિયા આવ્યા પછી અહીં પત્રકારો અને કૅમેરાનો જમાવડો ખૂબ વધ્યો છે. એ સાથે એવું પણ લાગે છે કે પ્રદર્શનકારીઓની ભીડ ઘટી રહી છે. દિલ્હીની પ્રજા માટે તો આ પ્રદર્શનો નવી વાત નથી."

તેમણે વધુમાં કહ્યું, "એવું પણ જોવા મળ્યું છે કે સંસદ સત્ર જ્યારે ચાલતું હોય ત્યારે આ પ્રદર્શનોમાં વધુ ઊછાળો આવે છે. અહીં સિવિલ ડ્રેસમાં પોલીસ પણ જોવા મળે છે જે પ્રદર્શનકારીઓ પર નજર રાખે છે. અહીં સસ્તું ખાવાનું, ત્રિરંગા, શાંતિપૂર્ણ વાતાવરણ, મીડિયાકર્મીઓ આ બધું સહેલાઈથી ઉપલબ્ધ હોવાને લીધે તે ધરણાં માટે પ્રિય સ્થળ બન્યું છે.”

જંતર મંતર

જ્યારે એનજીટીએ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો

જંતર-મંતર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજનાથ સિંહ જંતરમંતર ખાતે યોજાયેલા વિરોધપ્રદર્શનમાં (17 ઓગસ્ટ, 2009)

અહીં આવતા લોકો દ્વારા પર્યાવરણીય કાયદાઓના કથિત ભંગ અને કથિતપણે ગંદકી ફેલાવી પર્યાવરણને નુકસાન પહોંચાડવાની વાતે ઑક્ટોબર, 2017માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT) એ જંતરમંતર પર પ્રદર્શનો કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

વરુણ શેઠ અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં એનજીટીએ આ ચુકાદો આપ્યો હતો.

આ અરજીમાં વરુણ શેઠે એવું કહ્યું હતું કે, “અહીં યોજાતાં પ્રદર્શનોને કારણે ખૂબ ધ્વનિ પ્રદૂષણ થાય છે અને લોકો અહીં ખૂબ ગંદકી ફેલાવે છે. આસપાસના રહેવાસીઓ તેનાથી કંટાળી ગયા છે.”

જોકે સુપ્રીમ કોર્ટે એનજીટીના આ ચુકાદાને રદબાતલ ઠેરવ્યો હતો અને જંતરમંતર પર પ્રદર્શનો આયોજિત કરવા પરનો પ્રતિબંધ 2018માં ઉઠાવી લીધો હતો. કોર્ટે સરકારને તેના માટે નવી ગાઇડલાઇન ઘડવાનો આદેશ આપ્યો હતો.

નવા નિયમો શું છે?

કોર્ટના આદેશ બાદ દિલ્હી પોલીસે જંતરમંતર પર ધરણાંપ્રદર્શનો કરવા માટે નવી વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરી હતી.

ગાઇડલાઇન પ્રમાણે પ્રદર્શનકારીઓ માટે લાગુ પડતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ પીવાનું પાણી, મેડિકલ કિટ, ટૉઇલેટ, સફાઈ અને સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવી પડશે અને એનઓસી આપવાનું રહેશે.

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જંતરમંતર પર પોલીસની લેખિત પરવાનગી વિના પ્રદર્શન નહીં કરી શકાય.

મોટા ભાગે નજીકના કનોટ પ્લૅસ અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનથી અહીં પ્રદર્શન કરવાની પરવાનગી મળે છે.

નિયમ પ્રમાણે સાત દિવસ અગાઉ પ્રદર્શન કરવાની પરવાનગી લેવાની હોય છે. નાનકડું પ્રદર્શન હોય તો એ પછી પણ મંજૂરી મળે છે પણ વહેલા તે પહેલાના ધોરણે.

પરવાનગી આપતી વખતે પોલીસ ટ્રાફિક, ત્યાંથી પસાર થતા લોકોની સુરક્ષા વગેરે ધ્યાનમાં રાખે છે. વીઆઇપી મૂવમૅન્ટ, ઇન્ટેલિજન્સ ઇનપુટ વગેરેને ધ્યાનમાં રાખીને આ મંજૂરી પાછી ખેંચવાની સત્તા પણ દિલ્હી પોલીસ પાસે છે

એક હજારથી વધુ પ્રદર્શનકારીઓ હોવા ન જોઈએ તથા 25થી વધુ બસ પ્રદર્શન સ્થળે લાવી શકાતી નથી.

ટ્રેક્ટર, ટ્રૉલી, પશુઓ, બળદગાડાં, સાઇકલ રિક્ષા, લાઠીઓ, તલવારો કે અન્ય હથિયારો લઈને અહીં પ્રદર્શન કરી શકાતું નથી.

આ સ્થળેથી કોઈ પણ પ્રકારના જાતિ, ધર્મ, ભાષા આધારિત ઉશ્કેરણીજનક ભાષણો કરવા પર પ્રતિબંધ છે.

લાઉડસ્પીકર માટે પણ પરવાનગી લેવી અનિવાર્ય છે અને તેનો પણ સવારે દસથી સાંજે પાંચ વાગ્યાની વચ્ચે જ ઉપયોગ કરી શકાશે.

જંતરમંતરની જેમ જ મુંબઈનું આઝાદ મેદાન, હૈદરાબાદનો ધરણા ચોક, ચંડીગઢનું રેલી મેદાન, ચેન્નઈનો ચેપોક સ્ટેડિયમ રોડ પણ ધરણાંપ્રદર્શનો માટેના જાણીતાં સ્થળો છે.

ગુજરાતમાં પણ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી અને હેલિપેડ ગ્રાઉન્ડમાં વિરોધપ્રદર્શનો થતાં રહે છે, જોકે કોઈ પ્રદર્શનો માટે કોઈ અધિકૃત જગ્યા નથી.

રેડ લાઇન
રેડ લાઇન