ખેડૂત આંદોલનોની માગણીઓને નબળી પાડવા RSS થકી દિલ્હીમાં ખેડૂતોને એકઠા કરાયા?

- લેેખક, ફૈઝલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
ખેડૂતોની માંગણીઓએ ફરી એકવાર ગર્જના કરી છે. ઑગસ્ટમાં દિલ્હીના જંતર-મંતર બાદ સોમવારે રામલીલા મેદાનમાં ખેડૂતો એકઠા થયા હતા.
બંને સ્થળોએ ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ મોટે ભાગે સમાન હતા, પરંતુ કેટલાક મુદ્દાઓ થોડા અલગ પણ હતા.
સોમવારની કિસાન ગર્જના રેલીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS સાથે જોડાયેલા સંગઠન ભારતીય કિસાન સંઘ દ્વારા બોલાવવામાં આવી હતી.
જ્યારે ઑગસ્ટમાં જંતર-મંતર પર એકત્ર થયેલા ખેડૂતો જેમણે દિલ્હી સરહદ પર લગભગ એક વર્ષ સુધી આંદોલન કર્યું હતું એ ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા હતા.
એ આંદોલન પછી જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા હતા.
ત્યારબાદ સંયુક્ત કિસાન મોરચાએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું હતું.
ત્યારથી કેન્દ્ર સરકાર અને સંયુક્ત કિસાન મોરચા વચ્ચે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીને હટાવવાની માંગ સહિત કેટલાક મુદ્દાઓ પર ઘર્ષણ ચાલી રહ્યું છે.
બીકેએસ એક વર્ષ પહેલા દિલ્હીમાં લાંબા ચાલેલા ખેડૂત આંદોલનથી અળગુ રહ્યું હતું અને સોમવારે દિલ્હીમાં યોજાયેલી રેલીથી સંયુક્ત કિસાન મોરચો દૂર રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીકેએસની અખબારી યાદી મુજબ તેમની મુખ્ય માગ છે:
- પડતરના આધારે નફા સાથે ખેડૂતોને ચૂકવણી કરવી
- ખેતીના સામાન પરનો જીએસટી સંપૂર્ણ નાબૂદ કરવો
- કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી છ હજાર રૂપિયાની સન્માન નિધિમાં વધારો કરવો
- જીએમ પાક માટે પરવાનગી પાછી ખેંચી લેવી
ભારતીય કિસાન સંઘે જાહેરાત કરી હતી કે ગર્જના રેલીમાં દેશના 600 જિલ્લામાંથી 30થી 50 હજાર ખેડૂતોને દિલ્હી પહોંચવાનું આહ્વાન કરાયું છે.
જોકે, છાવણીઓ ખાલી જોવા મળી હતી. પરંતુ રૅલીમાં જમ્મુ-કાશ્મીરથી લઈને આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધીના ખેડૂતો જોવા મળ્યા હતા.

ખેડૂતોની માંગણીઓ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જમ્મુના રિયાસીથી 200 લોકો સાથે બસમાં આવેલા રોમેલસિંહનું કહેવું હતું કે તેમના વિસ્તારમાં સમસ્યા માર્કેટ યાર્ડ નથી તે છે અને એટલે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શક્ય નથી.
રોમેલસિંહ રાજ્યના બીકેએસ એકમના ઉપપ્રમુખ છે.
તેમની સાથે હાજર રહેલા મહેશ્વરસિંહનું કહેવું છે કે, "રાજ્યમાં રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યા બાદ તેઓ આ મામલો સરકારના ટોચના લોકો સાથે ઘણી વખત ઉઠાવી ચૂક્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી."
કેટલાક ખેડૂત નેતાઓએ મંચ પરથી જેને રાજકીય ચેતવણી પણ કહી શકાય એવી વાતો પણ કહી.
જેમ કે મંચ પરથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે ખેડૂત પહાડોને કાપીને તેને ખેતીલાયક બનાવી શકે છે તેને સરકાર ઉખાડી ફેંકતા વાર નહીં લાગે. એવું લાગે છે કે સરકારોને ખેડૂતોની શક્તિનો ખ્યાલ નથી, એવું લાગે છે કે વડા પ્રધાનને ગણિત નથી આવડતું તો અમને પૂછી લે અમે સમજાવી દઈશું.
રાજસ્થાનના ઝાલાવાડના નાનોર ગામમાંથી આવેલા બાલુસિંહ ચૌહાણે પરંપરાગત રાજસ્થાની પાઘડી બાંધી હતી. તેમણે કહ્યું કે વિદેશી કંપનીઓને બિયારણ વેચવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટ ખેડૂતોના શરીર પર કપડાં નહીં રહેવા દે.
બાલુસિંહ ચૌહાણ કહે છે, "ભારતની બહારથી જે બિયારણ આવે છે તે ખોટું છે, બિયારણ તો ખેડૂતો ઉગાડે એનું વાવેતર કરવું જોઈએ. આપણે વિદેશી કંપનીઓના પાકમાંથી બિયારણ કાઢી શકતા નથી, પરિણામે દર વર્ષે આપણે મોંઘા ભાવે બિયારણ ખરીદવું પડે છે."
પાક વીમા અને વીમા કંપનીઓના કથિત કૌભાંડનો મામલો અહીં પણ ગરમાયો હતો.

ખેડૂત વીમા પર સવાલ

રાજસ્થાનથી આવેલા એક ખેડૂતે જણાવ્યું હતું કે, "વીમાની બાબતોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને 18 ટકા પ્રીમિયમ ચૂકવે છે જ્યારે 2 ટકા ખેડૂતો ચૂકવે છે. સરકાર જે નાણાં કંપનીના ખાતામાં નાખે છે તે સીધા જ ખેડૂતોનાં ખાતામાં નાખે તો ખેડૂતે કોઈ વીમા પ્રીમિયમ ભરવાની જરૂર નહીં પડે.”
તો શું એનાથી એ ડર નથી રહેતો કે ખેડૂત વીમો કરાવશે જ નહીં.
આ પ્રશ્નના જવાબમાં ઉત્તર પ્રદેશના એક ખેડૂતનું કહેવું છે કે એકસાથે અનેક એકમોને ભેળવીને વીમો લેવાની નીતિ જ ખોટી છે અને તેના કારણે ઘણા ગામોમાં પાકને નુકસાન ન થાય ત્યાં સુધી ખેડૂતને વીમાના પૈસા મળતા નથી. દરેક એકમનો અલગથી વીમો લેવો જોઈએ.
કાંતિભાઈ પટેલ ગુજરાતના ખેડાથી આવ્યા છે અને તેમના જણાવ્યા મુજબ, તાજેતરમાં 'કેટલીક માંગણીઓ માટે તેઓ 48 દિવસ સુધી ધરણા પર બેઠા હતા પરંતુ તેમને ખાતરી છે કે નરેન્દ્ર મોદી તેમની વાત ચોક્કસ સાંભળશે'.
ઝાલાવાડથી આવેલા બાલચંદ નાઈ કહે છે, "કંપનીઓ બટાકામાંથી થેલીઓમાં ભરીને ચિપ્સ બનાવીને 30-35 રૂપિયા કમાઈ રહી છે, જ્યારે ખેડૂતોને એક કિલો બટાકાના પાંચ રૂપિયા મળે છે."
મધ્યપ્રદેશના એક ખેડૂતે કહ્યું કે કૉંગ્રેસ વચન મુજબ અમારી લૉન માફ કરી શકી નથી, પરંતુ શિવરાજસિંહની સરકાર ઓછામાં ઓછું તેના પર વ્યાજ લેવાનું તો બંધ કરે.
જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું કે આવી જ કેટલીક માગણીઓ સંયુક્ત કિસાન મોરચાની રહી છે તો પછી તેઓ તેમનાથી કેમ દૂર રહ્યા?
તેના પર કેટલાક લોકોએ કહ્યું કે તે આંદોલનમાં દેશભરના ખેડૂતો જોડાયા નહોતા.
બીકેએસના અખિલ ભારતીય મહાસચિવ મોહની મોહન મિશ્રએ પોતાના ભાષણમાં વડા પ્રધાનને યાદ અપાવ્યું કે વર્ષ 2022 આવી ગયું છે, વચનો પૂરા કરવામાં વધુ સમય બચ્યો નથી. તેમણે આમ કહ્યું એ સાથે જ સૂત્રોચ્ચારો થયા – હમ અપના અધિકાર માંગતે, નહીં કીસી સે ભીખ માંગતે.

બીકેએસની રેલી પર સવાલ

જ્યારે બીબીસીએ તેમને પ્રશ્ન પૂછ્યો કે આટલી નારાજગી પછી પણ દરેક ચૂંટણીમાં માત્ર ભાજપ અને વડા પ્રધાન મોદી જ જીતી રહ્યા છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે 'ખેડૂતોનો અવાજ તૂટક તૂટક ઊઠી રહ્યો છે, કેટલાક લોકો માની રહ્યા છે કે માત્ર પંજાબ-હરિયાણા જ દેશ છે. આ દેશમાં માત્ર ડાંગર, ઘઉં, શેરડી જ નથી ઊગતી, અહીં ફૂલો ઊગે છે, માછલી અને દૂધની પણ ખેતી થાય છે.
અળવા રહેવાનો નિર્ણય બીકેએસનો હતો કે સંયુક્ત કિસાન મોરચાનો, એમ પૂછતાં તેમણે આંદોલનને બિનરાજકીય અને અહિંસક રાખવાની તેમની શરત જણાવી અને કહ્યું કે સંયુક્ત કિસાન મોરચો આ નહીં કરી શકે.
સંયુક્ત કિસાન મોરચો દરરોજ પ્રેસ કોન્ફરન્સમાં પોતે બિનરાજનીતિક હોવાની વાતને દોહરાવતો હતો. જોકે તેના કેટલાક સભ્યો પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં ગયા હતા. પાછળથી, સંગઠન સાથે સંકળાયેલા કેટલાક લોકોએ પોતાના રાજકીય પક્ષો પણ બનાવ્યા પણ તેમને બહુ સફળતા મળી ન હતી.
ખેડૂત નેતા પુષ્પેન્દ્રસિંહ ફોન પર બીબીસી સાથે વાત કરતા કહે છે કે બીકેએસની ગર્જના રેલી સરકાર સામે ખેડૂતોની અંદર ચાલી રહેલી વરાળ ઓછી કરવા સિવાય બીજું કંઈ નથી.
તેઓ કહે છે, "હવે આ રેલી થઈ ગઈ છે ત્યારે ઘણા ખેડૂતોને ખબર પણ નહીં હોય કે રેલીનું આયોજન કોણે કરાવ્યું છે; તેમને તો એમ હશે કે ખેડૂત સંગઠને અમારો મુદ્દો ઉઠાવ્યો છે, હવે વારંવાર રસ્તા પર શા માટે ઊતરવું?"

પુષ્પેન્દ્રસિંહ કહે છે, "જો સરકાર તેમણે કૃષિ કાયદાઓને પાછી ખેંચતી વખતે કહી હતી એ ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવા અથવા ટેકાના ભાવ પરની કાનૂની ગેરંટી જેવી બાબતોને પૂર્ણ કરવા માટે તૈયાર નથી તો વાત કેવી રીતે આગળ વધશે."
મોહની મોહન મિશ્રનું માનવું છે કે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓમાંથી ઘણાને તેમનો ટેકો હતો અને તેઓ ઇચ્છતા હતા કે એમાં કેટલાક સુધારા થાય અને પછી તેનો અમલ કરી દેવામાં આવે.
બીકેએસના એક પછી એક નેતાઓએ વારંવાર સંગઠન બિન-રાજકીય હોવાની વાતને દોહરાવી.
બીકેએસની માગણીઓમાં સરકારના મંત્રીને હટાવવા અને તેમના પુત્ર સામેનો કેસ કરવાની કે સંયુક્ત કિસાન મોરચાના દાવા મુજબ અગાઉના આંદોલનમાં માર્યા ગયેલા 750 ખેડૂતોના મૃત્યુ માટેના વળતરનો સમાવેશ થતો નથી, ટેકાના ભાવની કાનુની ખાતરીનો પણ સમાવેશ થતો નથી.
ગર્જના રેલીને લઈને નિષ્ણાતો કહે છે કે વર્ષોથી કિસાન નિધિ વધારવાની વાત ચાલી રહી છે અને શક્ય છે કે સરકાર તેમાં વધારો પણ કરે. પરંતુ આ સંજોગોમાં આનો શ્રેય કોને મળશે તે બધાને ખબર છે.














