ખેડૂત આંદોલન : ગુજરાત ખેડૂતો માટે એક આદર્શ રાજ્ય છે?

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, VIJAY RUPANI SOCIAL

ઇમેજ કૅપ્શન, ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી
    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી

ઉત્તર ભારતમાં જ્યારે અનેક ખેડૂતો રસ્તાઓ પર છે અને અને આંદોલન કરી મોદી સરકારે પસાર કરેલા ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં અમુક પ્રદર્શનો સિવાય કોઈ ખાસ મોટું આદોલન જોવા મળ્યું નથી.

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના પણ અનેક ખેડૂતોએ દિલ્હી ખાતેના વિરોધપ્રદર્શનમાં ભાગ લીધો છે.

ત્યારે આ આંદોલનો વચ્ચે બીબીસી ગુજરાતીએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે ગુજરાતના ખેડૂતો કેટલા સુખી છે? અને ગુજરાતના ખેડૂતોની સમસ્યા શી છે?

line

'ગુજરાતમાં ખેડૂતોને હાલ કોઈ મુશ્કેલી નથી'

ગુજરાતમાં ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને હાલમાં કોઈ જ સમસ્યા ન હોવાનું જાણકારોનું માનવું છે.

તેમના મતે ગુજરાતના ખેડૂતોની છેલ્લી સમસ્યા વીજળી અને પાકવિમાની હતી, જે રાજ્ય સરકારે હલ કરી દીધી છે.

ગુજરાતમાં મોટાભાગના ખેડૂતોએ પોતાની ખેતપેદાશો વેચી દીધી છે.

કપાસના અમુક ખેડૂતોને બાદ કરતાં મોટાભાગના ખેડૂતોએ પોતાની ખેતપેદાશ માર્કેટમાં વેચી દીધી હોવાની વાત ખેડૂતનેતા સાગર રબારી જણાવે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સાગર રબારી કહે છે, "ગુજરાતનાં ખેડૂતોની હાલની કોઈ એવી સમસ્યા નથી કે જેને કોઈ મોટી સમસ્યા કહી શકાય."

"સીંચાઈ વગેરેની સમસ્યા તો હંમેશાં રહે જ છે, પરંતુ હાલમાં એવી કોઈ મોટી સમસ્યા નથી જે ખેડૂતને પોતાના ઘરથી બહાર નીકળવા માટે પ્રેરે અને કોઈ આંદોલનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે. "

તેમણે એવું પણ કહ્યું કે મોટાભાગના ખેડૂતો ગુજરાતમાં હાલમાં પોતાની ખેતપેદાશ એક કે બીજી રીતે વેચી શકે છે.

જોકે સાગર રબારી આ પરિસ્થિતિ કાયમી નથી ગણતા અને આવનારા સમયમાં નવી સમસ્યાઓ આવી શકે એવી આશંકા પણ સેવે છે.

line

ખેતીની જમીનમાં ઘટાડો અને ખેડૂતોની સંખ્યામાં વધારો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

'ઍગ્રિકલ્ચર સેન્સસ ઑફ ઇન્ડિયા'ના 2015-2016ના આંકડા પ્રમાણે ગુજરાતમાં 99,77,780 હેક્ટર જમીન ઑપરેશનલ હૉલ્ડિંગ છે, એટલે કે તેના પર ખેતી અને ખેતીને લગતાં કામો થાય છે.

જોકે આ જમીનની સંખ્યા 2005-06ના સેન્સસમાં 1,02,69,264 હેક્ટર હતી, અને 1990-91માં 1,02,92,382 હેક્ટર હતી. એટલે કે ખેતીની જમીનમાં સમયાંતરે ઘટાડો થયો છે.

2015-16ના 'ઍગ્રિકલ્ચર સેન્સસ ઑફ ઇન્ડિયા' પ્રમાણે હાલમાં રાજ્યમાં 53,20,626 ઑપરેશનલ હૉલ્ડર એટલે કે ખેડૂત સહિત ખેતી સાથે સંકળાયેલા લોકો છે.

આ સંખ્યા 2010-11ના સેન્સસમાં 48,85,610 હતી, જ્યારે 1990-91માં 35,16,835 હતી. એટલે કે ખેતી કરતા લોકોની સંખ્યા વધી છે, પરંતુ ખેતીની જમીનમાં ઘટાડો થયો છે.

line

ખેડૂતો નથી ઇચ્છતા કે આવનારી પેઢી પણ ખેતી કરે?

સુરેન્દ્રનગરના એક ખેડૂત રાજેન્દ્રસિંહ ઝાલા જણાવે છે કે જો તેમને તક મળે તો તેઓ પોતાના દીકરાને ખેતીના વ્યવસાયમાં નથી સાંકળવા માગતા. તેઓ ઇચ્છે છે કે તેમનો પુત્ર કોઈ ખાનગી કે સરકારી નોકરી કરે.

તેમની આવી ઇચ્છા પાછળનું કારણ પૂછતાં તેઓ કહે છે કે, "ખેતીમાં ખૂબ મહેનત કર્યા બાદ પણ આવક દેખાતી નથી. આખું વર્ષ કામ કરવા છતાંય અમે સારી કમાણી કરી શકતા નથી."

તેમની જેમ જ બીજા અનેક ખેડૂતો આવું જ માને છે.

જુનાગઢના માળિયા તાલુકાના એક ખેડૂત વ્રજલાલ વચ્છાણીના નાના ભાઈ રમણિક વચ્છાણીએ હજી ગયા વર્ષે જ આપઘાત કર્યો હતો.

ખેતીમાં નુકસાન જતાં દેવું વધી જતાં તેમણે આત્મહત્યા કરી હતી. આ આખા વિસ્તારમાં મુખ્યત્વે મગફળીની ખેતી થાય છે. મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં મોખરે છે.

તો શું તેનો સીધો ફાયદો ખેડૂતોને મળે છે?

આ વિશે વાત કરતા વ્રજલાલ બીબીસી ગુજરાતીને જણાવે છે, "અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાને કારણે જ અમે ખેતી કરીએ છીએ. અમને બીજું કંઈ કરતા આવડે નહીં, પરંતુ જો તક મળે તો હું ખેતી છોડી દેવા તૈયાર છું."

નવેમ્બર મહિનાના કમોસમી વરસાદને કારણે તેમને ખેતીમાં નુકસાન થયું છે. તેમણે કહ્યું કે જો તેમનો પાક માર્કેટ સુધી પહોંચ્યો હોત તો તેમને 50,000 રૂપિયા મળ્યા હોત, પરંતુ તે પહેલાં જ પાક બગડી ગયો. જોકે સરકારી સહાય તરીકે તેમને 10,000 રૂપિયાની મદદ મળી હતી.

ગુજરાતના મુખ્ય પાકોમાં વર્ષોથી કપાસ, શેરડી, મગફળી જેવા પાકો મોખરે રહ્યા છે. જોકે સમય વીતતા આ પાકોની ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધી છે, પરંતુ ખેતીની જમીન વધી નથી.

સરેન્દ્રનગરના ખંભલાવ ગામના વતની અને કપાસની ખેતી કરતા અજિતસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, કપાસ જો 1500 રૂપિયે મણ લેવામાં આવે તો જ ખેડૂતને પોસાય અને તે સારું જીવન જીવી શકે, પરંતુ ટેકાના ભાવમાં તે 1000 રુપિયાની આસપાસ જ વેચવો પડે છે, જેને કારણે મોટું નુકસાન થાય છે.

તેમની પાસે 50 વીઘા જમીન છે. તેમનું કહેવું છે એક હેક્ટરની ખેતી માટે 50,000થી 60,000 રુપિયાની જરૂરિયાત હોય છે, જ્યારે આટલી જમીનમાં પાક તૈયાર થઈ ગયા પછી 20,000થી વધારે કોઈનીય આવક થતી નથી.

line

ખેડૂતો નુકસાન છતાં મૌન?

ગુજરાતમાં ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં નીરમા ઇન્ડસ્ટ્રીઝ, મીઠી વીરડી ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ અને ધોલેરા-વિરમગામ 'સર' વખતે મોટાં ખેડૂતઆંદોલનો થયાં હતાં, પરંતુ તે જે તે વિસ્તારના ખેડૂતોની સમસ્યાઓ માટે હતા અને રાજ્યવ્યાપી આંદોલનો ન હતાં.

આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસનેતા લાલજી દેસાઈ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે ખેડૂતોમાં ભયનો માહોલ છે અને ગુજરાતમાં ખેડૂત આંદોલન વેરવિખેર છે.

તેમનું કહેવું છે કે, ગુજરાતમાં ખેડૂતની સમસ્યાઓ તો છે, પરંતુ તેમને સૌને કોઈ એક જ પ્લૅટફૉર્મ પર લાવીને તેમની સમસ્યાઓનો હલ લાવી શકે તેવી કોઈ સંસ્થા કે સંગઠન નથી.

જોકે, ખેડૂતનેતા અને RTI એક્ટિવિસ્ટ ભરતસિંહ ઝાલા આ અંગે વિસ્તૃતમાં સમજાવે છે.

તેઓ કહે છે કે ગુજરાતના ખેડૂતોને ખેતીનો અધિકાર 1960થી મળ્યો.

ઝાલા જણાવે છે, "શરૂઆતનો એક દાયકો તો જમીનને સુધારવામાં જ લાગી ગયો હતો અને ત્યારબાદ 1980 સુધીના દાયકાઓમાં ખેડૂતોને સારી કમાણી થઈ, પરંતુ 1988 બાદ રાજકીય સમીકરણો, ખેતીના નિયમો, જમીનની કિંમતો વગેરેને કારણે ખેતી માટે સારો સમય ન રહ્યો."

"1991 પછી ખેતીમાં ખૂબ સારી સમૃદ્ધિ આવી. ત્યારબાદ 2001થી 2012ના સમયગાળામાં ગુજરાતમાં સૌથી વધારે ખેડૂતોએ પોતાના જીવ લીધા જેનું મુખ્ય કારણ આર્થિક તંગી અને ખેતી માટેની લૉન હતી."

"ત્યારબાદ દુષ્કાળ અને અતિવૃષ્ટિ વચ્ચે ગુજરાતના ખેડૂતની સમસ્યાઓ વધી છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો