નવા સંસદભવનનું ઉદ્ઘાટન અને રસ્તા પર ઢસડવામાં આવતાં મહિલા કુસ્તીબાજો : આંખે દેખ્યો અહેવાલ

સાક્ષી મલિક

ઇમેજ સ્રોત, @SAKSHIMALIK

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

રવિવાર, 28 મે. સવારના આઠ વાગ્યાનો સમય.

ટીવી સ્ક્રીન પર દૃશ્ય : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના નવા સંસદભવનના ઉદ્ઘાટનસમારોહ પહેલાં પૂજા-અર્ચનામાં ભાગ લઈ રહ્યા છે, રાજધર્મના પ્રતીક એવા સેંગોલને લોકસભામાં સ્થાપિત કરી રહ્યા છે.

લગભગ ત્રણ કલાક બાદ, સવા 11 વાગ્યે.

સ્થળ : નવા સંસદભવનથી દોઢ કિલોમીટરના અંતરે આવેલ જંતરમંતર.

દૃશ્ય : ઑલિમ્પિક મેડલિસ્ટ સાક્ષી મલિકને મહિલા પોલીસ કર્મચારી કાબૂમાં કરી રહ્યાં છે, ઢસડી રહ્યાં છે; હાથમાં ભારતનો ધ્વજ લીધેલાં પ્રદર્શનકારીઓને પોલીસકર્મી બસોમાં ધકેલી રહ્યાં છે.

આ બંને દૃશ્યોમાં 28મે, 2023ની સમગ્ર કહાણી સમેટાઈને રહી ગઈ.

રવિવારે જંતરમંતરમાં પ્રદર્શન કરી રહેલાં મહિલા પહેલવાનો સુધી પહોંચવું સરળ નહોતું. પ્રદર્શનસ્થળ સુધી જતા રસ્તા પર સવારે નાકાબંધી કરી દેવાઈ હતી. ઘણા મીડિયાકર્મીઓને પણ એ સ્થળેથી પાછા મોકલાઈ રહ્યા હતા.

જેમ તેમ કરીને જ્યારે અમે પ્રદર્શનસ્થળે પહોંચ્યા તો જોયું કે જંતરમંતરનો આખો વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવાયો હતો. અમને સેંકડોની સંખ્યામાં દિલ્હી પોલીસ અને રૅપિડ ઍક્શન ફૉર્સના કર્મચારી નજરે પડ્યા, કંઈક મોટી ઘટના બનવાનો અંદેશો કરાવતો માહોલ હતો.

મહિલા પહેલવાનોના તંબૂમાંથી અવાજો આવવા લાગ્યા. થોડું નજીક જઈને જોયું તો દેખાયું કે હાથમાં ભારતના રાષ્ટ્રધ્વજ સાથે પ્રદર્શનકારીઓ ઇંકલાબ ઝિંદાબાદના નારા પોકારી રહ્યાં હતાંં.

અમુક મિનિટમાં જ આ લોકો પોલીસ બૅરિકેડોના પસાર કરીને મુખ્ય રસ્તા પર આવવાની કોશિશ કરવા લાગ્યા. પોલીસ અને રૅપિડ ઍક્શન ફૉર્સના કર્મચારીઓએ પ્રદર્શનકારીઓની અટક કરવાની શરૂઆત કરી દીધી.

એ જ સમયે અચાનક જાણીતાં પહેલવાન સાક્ષી મલિક ભીડમાંથી બહાર નીકળતાં દેખાયાં.

બરાબર એ જ સમયે મહિલા પોલીસકર્મીઓએ તેમને ચારે બાજુથી ઘેરી લીધાં અને તેમને કાબૂમાં લેવાની કોશિશ કરવા લાગ્યાં. સાક્ષીની આસપાસ પ્રદર્શનકારીઓની ભીડ પણ વધવા લાગી પરંતુ પોલીસકર્મી તેમને કાબૂમાં લેવામાં સફળ થયાં.

ગ્રે લાઇન

કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો

સાક્ષી મલિક

ઇમેજ સ્રોત, @BAJRANGPUNIA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમગ્ર વિસ્તારમાં કોલાહલ સંભળાયો. દિલ્હી પોલીસના એક અધિકારી એક એવી ગાડી વડે સતત ઘોષણા કરતાં દેખાયા જેની છત પર લાઉડસ્પીકર લાગેલું હતું.

એ અધિકારી વારંવાર એક જ વાતનું પુનરાવર્તન કરી રહ્યા હતા, "અમે તમને સૂચિત કરીએ છીએ કે એવું કોઈ પણ કાર્ય ન કરશો જે દેશવિરોધી હોય, ખોટું હશે એ નહીં સ્વીકારાય. યોગ્ય કાર્યવાહી કરાશે."

"તમે લોકો આવું ન કરશો. આપણી નવી સંસદ તૈયાર થઈ અને તેનું ઉદ્ઘાટન થયું એ આપણા માટે ગર્વની ઘડી છે."

"તમને વિનંતી છે કે શાંતિ-વ્યવસ્થા જાળવો, કાયદો તમારા હાથમાં ન લેશો. કોઈ પણ પ્રકારનો દેશવિરોધી પ્રચાર ન કરશો, તમે નારાબાજી ન કરો."

અમુક સમય બાદ સાક્ષી મલિક પોતાના તંબૂ તરફ પરત ફરતાં દેખાયાં. જ્યારે અમે તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, “અમે કોઈ ખોટું કામ નહોતાં કરી રહ્યાં. અમે શાંતિપૂર્વક આગળ વધી રહ્યાં હતાં."

"અમે કહ્યું હતું કે અમે શાંતિપૂર્વક માર્ચ કરીશું. પરંતુ આગળ બૅરિકેડ ગોઠવાયેલા હતા, અમને પરાણે પાછળ ધકેલીને અમારી અટક કરી લેવાઈ."

અમે સાક્ષીને આગળની કાર્યવાહી અંગે પૂછ્યું. તેમનો જવાબ હતો, "આગળની કાર્વયાહીમાં ધરણું ચાલુ રહેશે."

નોંધનીય છે કે આ મામલામાં વિપક્ષ અને નાગરિક સંગઠનોએ પણ પોલીસની કાર્યવાહીની ટીકા કરી છે.

સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો આખો દિવસ છવાયેલો રહ્યો, જોકે, સરકાર અને ભાજપ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા ન આવી.

ગ્રે લાઇન

'સંસદ ચલાવનારા ચૂપ કેવી રીતે રહી શકે?'

કુસ્તીબાજ

ઇમેજ સ્રોત, ANI

આ દરમિયાન ડઝનો પ્રદર્શનકારીઓને બસોમાં ધકેલી દેવાયા હતા, આવા જ એક પ્રદર્શનકારીએ વાહનની બારીમાંથી અમારી સાથે વાત કરતાં કહ્યું કે, "તમે જુઓ. એક લોકશાહી દેશમાં હવે અમે વિરોધ પણ નથી કરી શકતાં."

"અમે પગપાળા સંસદભવન સુધી જવા માગતાં હતાં. અમારો વિરોધ શાંતિપૂર્ણ હતો. પરંતુ અહીં જે કાંઈ પણ ચાલી રહ્યું છે એ લોકશાહીને ખતમ કરી દેવા જેવું છે.”

એ જ બસની બીજી બારી પર, અમે એક યુવાનને જોયો, જેનો કુર્તાનો હાથ પોલીસ સાથેની ઝપાઝપીમાં ફાટી ગયો હતો.

આ યુવકે કહ્યું, "આજે સંસદનું ઉદ્ઘાટન થયું તેના માટે અમે સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા આપી છે. પરંતુ સંસદમાં બ્રિજભૂષણ શરણ સિંહ જેવા સંસદસભ્ય બેસીને આપણી બહેન-દીકરીઓનું યૌન શોષણ કરે છે, તો આ સંસદ ચૂપ કેવી રીતે રહી શકે." આવું કેમ થઇ રહ્યું છે? સંસદ ચલાવનારાઓ જ ચૂપ કેવી રીતે રહી શકે? સંસદમાં બેઠેલી મહિલા સાંસદો કેવી રીતે ચૂપ રહી શકે?"

"આ માટે અમે અમારો અવાજ ઉઠાવી રહ્યા છીએ.અમે એવું તો શું કર્યું છે કે અમને આટલી ખરાબ રીતે હેરાન કરીને અહીંથી લઇ જવામાં આવી રહ્યા છે. અમારા અવાજને દબાવવાનું કામ થઈ રહ્યું છે."

આ યુવકે કહ્યું કે જ્યાં સુધી તેના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તે આ લડાઈ લડતો રહેશે. તેમણે કહ્યું કે, "આ લડાઈ માત્ર સાક્ષી મલિક અને વિનેશ ફોગટની નથી. આ લડાઈ લાખો અને કરોડો દીકરીઓની છે જેઓ દેશ માટે કંઈક કરવા માગે છે, તિરંગાનું સન્માન વધારવા માગે છે."

"આજે આ દેશના ગૌરવનો સવાલ છે. દેશની બહેન-દીકરીઓનો પ્રશ્ન છે. જો તેમને ન્યાય નહીં મળે તો દેશની ભાગ્યે જ કોઈ દીકરી એવી અપેક્ષા રાખી શકશે કે આપણે પણ અન્યાય સામે ઊભા રહી શકીએ."

આ યુવાનનો ગુસ્સો અને પીડા તેના શબ્દોમાં સ્પષ્ટ દેખાતી હતી.

તેમણે કહ્યું કે, "જેઓ 'બેટી બચાવો-બેટી પઢાઓ'ની વાત કરે છે, મહિલાઓનું સન્માન કરે છે, તેઓ જ્યારે જંતર-મંતર પર ધરણાં પર બેઠી દીકરીઓને ન્યાય નથી આપતા અને તેમનું મનોબળ તોડવાનું કામ કરે છે, તો આ માનસિકતા દેશને ખબર પડવી જોઇએ."

"સરકાર ગમે તેટલું દમન કરે, પરંતુ અમે અહિંસાનો માર્ગ અપનાવીને અને તેમની દરેક હિંસાનો જવાબ આપીને આગળ વધતા રહીશું."

વીડિયો કૅપ્શન, દિલ્હીમાં પહેલવાનોનાં ધરણાં, વીનેશ ફોગાટે બ્રિજભૂષણ અંગેની ફરિયાદ પર શું કહ્યું?
બીબીસી ગુજરાતી

'બ્રિજભૂષણ સરકારના માણસ છે, તેથી કોઈ કાર્યવાહી નથી કરાઈ રહી'

પહેલવાનો સાથે ઘર્ષણ

ઇમેજ સ્રોત, ANI

આ પ્રદર્શન દરમિયાન ઉત્તર પ્રદેશના મેરઠ અને મુઝફ્ફરનગરની પણ કેટલીક મહિલાઓ મળી જેઓ મહિલા કુસ્તીબાજોને સમર્થન આપવા ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચી હતી.

આ યુવાનનો ગુસ્સો અને પીડા તેના શબ્દોમાં સ્પષ્ટ દેખાતા હતા.

તેમણે કહ્યું કે, "જેઓ બેટી બચાવો-બેટી પઢાવોની વાત કરે છે, મહિલાઓનું સન્માન કરે છે, તેઓ જ્યારે જંતરમંતર પર બેસી દીકરીઓને ન્યાય નથી આપતા અને તેમનું મનોબળ તોડવાનું કામ કરે છે, તો આ માનસિકતા દેશને ખબર પડવી જોઇએ."

"સરકાર ગમે તેટલું દમન કરે, પરંતુ અમે અહિંસાનો માર્ગ અપનાવીને અને તેમની દરેક હિંસાનો જવાબ આપીને આગળ વધતા રહીશું."

આ પ્રદર્શન દરમિયાન ઉત્તર પ્રદેશના મેરઠ અને મુઝફ્ફરનગરની પણ કેટલીક મહિલાઓ મળી જેઓ મહિલા કુસ્તીબાજોને સમર્થન આપવા ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચી હતી.

મેરઠથી આવેલાં ગીતા ચૌધરી ભારતીય કિસાન યુનિયન સાથે જોડાયેલાં છે. તેમણે કહ્યું, "પોલીસકર્મીઓએ અમારી સાથે ધક્કામુકકી કરી. આ સરકારની તાનાશાહી છે. અમે તેનો જવાબ 2024માં આપીશું."

"જો દેશનું નામ રોશન કરનારા કુસ્તીબાજો સાથે આવું થઈ રહ્યું છે, તો સામાન્ય માણસનું શું થશે? મહિલાઓનું શું થશે? તેમના અધિકારો માટે લડી રહ્યા છે. તેઓ ત્યાં રહેલા ગુનેગારને કેમ પકડી શકતા નથી? બ્રિજભૂષણ સિંહ સરકારના માણસ છે, તેથી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી."

થોડી જ વારમાં મોટાભાગના પ્રદર્શનકારીઓને બસોમાં લઈ જવામાં આવ્યા હતા. જંતર-મંતર પર ભીડ માત્ર પોલીસ અને મીડિયાકર્મીઓની હતી. પણ વાત હજી પૂરી થઈ નહોતી.

મહિલા કુસ્તીબાજો છેલ્લા 35 દિવસથી જે તંબુમાં રહેતા હતા તેને થોડી જ વારમાં ઉખાડી દેવામાં આવ્યો. તે ટેન્ટની અંદરનો સામાન - ધાબળા, ગાદલા વગેરે પણ એક પછી એક કાઢીને લઇ જવામાં આવ્યા.

તે સ્પષ્ટ હતું કે પ્રદર્શનકારીઓને વિરોધ સ્થળે પાછા બેસવા દેવાનો વહીવટીતંત્રનો કોઈ ઈરાદો નહોતો.

વિરોધીઓના સમર્થનમાં એકઠા થયેલા સામાજિક કાર્યકર્તા અતુલ ત્રિપાઠીએ કહ્યું, "જ્યારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તે જ દિવસે દેશની કુસ્તીબાજ દીકરીઓના ગૌરવને કચડી નાખવામાં આવી રહ્યું છે. આ લોકશાહીની હત્યા છે."

"આ ઘટનાને ભારતના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવશે. આજે જ્યારે દેશની દીકરીઓને આ રીતે ઢસડવામાં આવી રહી છે ત્યારે આ જુલમ અને અત્યાચાર જોઈને હૃદય રડી રહ્યું છે. દેશ આ વાતને સ્વીકારશે નહીં."

જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ ગણ્યાગાંઠ્યાં લોકો જંતર-મંતર પર રહી ગયા. એક એવો સન્નાટો હતો જે કદાચ વાવાઝોડાને અંદર છુપાવી રહ્યો હતો.

રેડ લાઇન
રેડ લાઇન