આધાશીશીનો ઍટેક આવે એ પહેલાં શું તેની સારવાર શક્ય છે, માઇગ્રેનના ઇલાજમાં રામબાણ સાબિત થઈ શકે તે દવા કઈ?

આધાશીશી

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટને સપ્ટેમ્બર, 2023માં એક એવી જાહેરાત કરી હતી, જેનાથી અનેક લોકોની જિંદગીમાં મોટું પરિવર્તન આવી શકે છે.

દવાઓને મંજૂરી આપતી બ્રિટનની સંસ્થા નેશનલ હેલ્થ એન્ડ કેર ઍક્સેલન્સે (એનઆઈસીઈ કે નાઈસ) માઇગ્રેન (આધાશીશી)થી બચવા માટેની એક નવી દવાને થોડા મહિના પહેલાં મંજૂરી આપી છે.

માઇગ્રેન એટલે કે માથામાં જોરદાર પીડા એક જટિલ બીમારી છે અને દુનિયામાં લગભગ એક અબજ લોકો તેનાથી પીડાય છે.

આ બીમારીમાં માથામાં એટલો જોરદાર દુખાવો થાય છે કે રોજિંદુ કામ કરવાનું સુદ્ધાં મુશ્કેલ બની જાય છે. તેનો પ્રભાવ માનવીય સંબંધો પર પણ પડે છે.

નાઈસે એક ડગલું આગળ વધીને નિર્ણય કર્યો છે કે આ દવા માઇગ્રેનથી પીડિત લોકોને આપી શકાય છે.

આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે શું માઇગ્રેનના ઉપચારમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે?

માઇગ્રેનનાં લક્ષણ

માઇગ્રેનના લક્ષણો બાબતે બીજી અનેક ગેરસમજ પણ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માઇગ્રેનના લક્ષણો બાબતે બીજી અનેક ગેરસમજ પણ છે

અમેરિકાના સ્કૉટ્સડેલ સ્થિત મેયો ક્લિનિકમાં ન્યૂરોલૉજિસ્ટ તથા માથાના દુખાવાના નિષ્ણાત ડૉક્ટર અમાલ સ્ટાર્લિંગના જણાવ્યા મુજબ, માઇગ્રેન માત્ર માથામાં જોરદાર દુખાવો નથી. તે આપણા દિમાગના કામ કરવાની તમામ રીતોને પણ પ્રભાવિત કરે છે.

તેઓ કહે છે, "કોઈ વ્યક્તિને માઇગ્રેનનો ઍટેક આવે તો તેનો ઉપચાર માત્ર ઍસ્પિરિન લેવાથી થતો નથી. માઇગ્રેનનો હુમલો થાય ત્યારે એટલી જોરદાર પીડા થાય છે કે દિમાગની કામ કરવાની ક્ષમતા પર તેની અત્યંત માઠી અસર થાય છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માઇગ્રેનના હુમલાનાં લક્ષણો અનેક તબક્કામાં આવે છે.

ડૉ. અમાલ સ્ટાર્લિંગ કહે છે, "માઇગ્રેનના હુમલાના પહેલા તબક્કામાં કશુંક ખાતા રહેવાની ઇચ્છા થાય છે કે ચીડ આવે છે. વધારે થાક લાગે છે. બગાસાં આવે છે અને ગરદનમાં દુખાવો શરૂ થાય છે."

"પહેલા તબક્કાના કેટલાક કલાક પછી માથામાં જોરદાર દુખાવો શરૂ થાય છે. જોરદાર દુખાવા દરમિયાન પ્રકાશ વધારે પડતો હોય તેવું લાગે છે, શરીરમાં ઝણઝણાટીનો અનુભવ થાય છે અને ગંધની સંવેદના પર અસર થાય છે. ઊબકા આવવા લાગે છે."

ડૉ. સ્ટાર્લિંગના જણાવ્યા મુજબ, "બધા દર્દીઓમાં આ તમામ લક્ષણ જોવા મળે એ જરૂરી નથી. કેટલાક લોકોમાં આ પૈકીનાં અમુક લક્ષણ જ જોવા મળે છે, પરંતુ પીડા શમ્યા પછીના અંતિમ તબક્કામાં દિમાગમાં ધૂંધળાપણાનો અનુભવ થાય છે અને વધારે પડતો થાક લાગે છે."

પુરુષોની સરખામણીએ મહિલાઓ માઇગ્રેનથી વધુ પ્રભાવિત થાય છે. એક સંશોધન અનુસાર, 15થી 49 વર્ષ સુધીની મહિલાઓમાં દિમાગી પરેશાનીનું એક મોટું કારણ માઇગ્રેન હોય છે. એ કારણે દર્દીઓ કામ કરતી શકતા નથી.

ડૉ. સ્ટાર્લિંગના જણાવ્યા અનુસાર, માઇગ્રેનને લીધે કામ ન કરી શકતા લોકોને કારણે અમેરિકામાં 11 અબજ ડૉલરનું નુકસાન થાય છે.

માઇગ્રેનની પીડા ભૂલવી મુશ્કેલ હોય છે અને દર્દના આગામી હુમલાની શક્યતા બાબતે દર્દી કાયમ ચિંતિત રહે છે.

આગલા દિવસે કે બે દિવસ પછી શું કામ કરવું, ક્યાંય જવું હોય તો કેવી રીતે જવું તેનું પ્લાનિંગ દર્દીઓ એ ડરના કારણે કરી શકતા નથી.

ક્રૉનિક અને ઍપિૉડિક માગ્રેન

માઇગ્રેનના ઇૉલાજ માટેની દવાઓ અત્યારે મોંઘી છે અને બધી જગ્યાએ આસાનીથી ઉપલબ્ધ નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માઇગ્રેનના ઇલાજ માટેની દવાઓ અત્યારે મોંઘી છે અને બધી જગ્યાએ આસાનીથી ઉપલબ્ધ નથી

ડૉ. સ્ટાર્લિંગના કહેવા મુજબ, આ બીમારી જેનેટિક એટલે કે આનુવંશિક છે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ તેના હુમલા અસ્થમાના ઍટેક જેવા હોય છે. એ સપ્તાહમાં એક વખત પણ આવી શકે છે અને અનેક વખત પણ આવી શકે છે.

જે લોકોને મહિનામાં આઠથી પંદર દિવસ સુધી માઇગ્રેન થાય છે તેને ક્રૉનિક અથવા નિયમિત માઇગ્રેન માનવામાં આવે છે. જેમને આઠ દિવસ સુધી માથાનો ઓછો દુખાવો થતો હોય તેમને ઍપિસોડિક માઇગ્રેનની શ્રેણીમાં રાખવામાં આવે છે. જોકે, ઘણીવાર તેને જાણવાનું આસાન નથી હોતું.

ડૉ. સ્ટાર્લિંગના જણાવ્યા મુજબ, ઘણા દર્દીઓ એવું વિચારતા હોય છે કે તેમના પરિવારમાં તેમનાં માતા કે બહેનને અથવા બીજા પરિવારજનને પણ માથાનો દુખાવો થતો હતો. તેથી આ કોઈ નવી વાત નથી. માઇગ્રેનની ખબર દર્દી ડૉક્ટર પાસે પહોંચે છે ત્યારે પડે છે.

ઘણા લોકોમાં એવી ગેરસમજ છે કે માથાના એક હિસ્સામાં દુખાવો થતો હોય તેને જ માઇગ્રેન કહેવાય. આ વાત સાચી નથી. માઇગ્રેનમાં મસ્તકના બન્ને હિસ્સામાં પીડા થઈ શકે છે.

માઇગ્રેનનાં લક્ષણો બાબતે બીજી અનેક ગેરસમજ પણ છે. ઘણીવાર ગરદન કે સાઇનસથી થતાં માથાના દુખાવા અને માઇગ્રેન વચ્ચેનો ફરક લોકો પારખી શકતા નથી.

ડૉ. અમાલ સ્ટાર્લિંગ કહે છે, "ઘણીવાર દર્દીઓમાં માઇગ્રેનનાં લક્ષણો સ્પષ્ટ અને તીવ્ર હોતા નથી, પરંતુ માથું ભમતું લાગે તે માઇગ્રેનનું એક સ્થાયી અને મુખ્ય લક્ષણ છે. સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે કાનમાં કોઈ તકલીફને કારણે આવું થાય છે, પરંતુ કાનની તપાસ કરતાં જાણવા મળે છે કે તેમાં કોઈ સમસ્યા નથી."

"વાસ્તવમાં સમસ્યા એ હોય છે કે કાન મગજને સંકેત મોકલે છે ત્યારે માઇગ્રેનથી પ્રભાવિત મગજ તેને યોગ્ય રીતે પ્રોસેસ કરી શકતું નથી. તેને કારણે શરીરના સંતુલનમાં વિક્ષેપ સર્જાય છે કે માથું ભમવા લાગે છે."

"માઇગ્રેનની ઓળખ અને ઇલાજ સમયસર ન કરવામાં આવે તો સ્થિતિ વધારે બગડી શકે છે તેમજ માઇગ્રેન ક્રૉનિક માઇગ્રેનમાં પરિવર્તિત થઈ શકે છે. અત્યાર સુધી માઇગ્રેન માટે ખાસ દવા ઉપલબ્ધ નથી. બીજું, દરેક દર્દીને અલગ પ્રકારનો માઇગ્રેન હોઈ શકે છે. તેથી દર્દીને કઈ દવાથી લાભ થશે તે અમે જાણતા નથી."

સારવારમાં નવા પ્રયોગ

માઇગ્રેનથી બચવા માટે પહેલીવાર એક દવા બની છે જે ઘણી અસરકારક છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માઇગ્રેનથી બચવા માટે પહેલીવાર એક દવા બની છે જે ઘણી અસરકારક છે

ઈરાનના ડૉક્ટર ફરાયદૂન ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીની જ્યૉર્જિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ગ્લોબલ હેલ્થમાં સંશોધનકર્તા તરીકે કાર્યરત છે.

તેમના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે માઇગ્રેનનો ઉપચાર બે પ્રકારનો હોય છે. એક ઉપચારને ઍક્યૂટ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. તેમાં જેમને માઇગ્રેનનો ઍટેક આવતો હોય તેવા દર્દીઓના ઇલાજનો સમાવેશ થાય છે.

બીજો ઉપચાર છે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ. તેમાં જે વ્યક્તિને માઇગ્રેનનો ઍટેક ન આવ્યો હોય, પરંતુ ભવિષ્યમાં તેને માઇગ્રેનથી બચાવવા માટે સારવાર કરવામાં આવે છે. બન્ને પ્રકારના ઉપચારમાં અલગ-અલગ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

તેઓ કહે છે, "માઇગ્રેનને નિયંત્રણમાં રાખવા માટે અમે પેરાસિટામૉલ કે આઈબુપ્રુફેન જેવી દવાઓનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને ઍક્યૂટ માઇગ્રેન મૅનેજમેન્ટ માટે અમે ટ્રિપટેનનો ઉપયોગ કરીએ છીએ."

મગજનો જોરદાર દુખાવો શરૂ થાય ત્યારે ટ્રિપટેન આપવામાં આવે છે, પરંતુ માઇગ્રેનનો ઍટેક ટાળવા માટે ઍન્ટી-ડિપ્રેસન્ટ એટલે કે અવસાદ ઓછો કરતી દવાઓ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખતી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

આ દવાઓ આસાનીથી ઉપલબ્ધ હોય છે, એમ જણાવતાં ડૉ. ફરાયદૂન કહે છે, "હું ઈરાનનો છું અને ત્યાં પણ આ દવાઓ આસાનીથી મળી રહે છે, પરંતુ ખાસ માઇગ્રેન મૅનેજમેન્ટ માટેની દવાઓ દરેક જગ્યાએ આસાનીથી મળતી નથી. તેથી જે દવા ઉપલબ્ધ હોય તેનાથી કામ ચલાવવું પડે છે."

ઍન્ટી-ડિપ્રેસન્ટ અને બ્લડ પ્રેશર નિયંત્રણ માટેની દવાઓ બધા દર્દીઓને આપી શકાતી નથી.

ડૉ. ફરાયદૂન ચેતવણી આપે છે કે બ્લડ પ્રેશર અને અસ્થમાના દર્દીઓ કે ગર્ભવતી મહિલાઓને આ દવા આપી શકાતી નથી.

આ દવાઓ સિવાય પણ માઇગ્રેનને નિયંત્રિત કરવાની બીજી કેટલીક રીત છે, એમ જણાવતાં તેઓ ઉમેરે છે, "નિયમિત કસરત કરવાથી મદદ મળે છે. તેનાથી ગરદનમાં પીડા ઓછી થાય છે. ઍરોબિક ઍક્સર્સાઇઝથી પણ માઇગ્રેનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે, પરંતુ માઇગ્રેનનો ઇલાજ એક-બે વાર ડૉક્ટરને મળવાથી થઈ જતો નથી."

"તેમાં સંયમથી કામ લેવું પડે છે, કારણ કે તેમાં અનેક રીતો અજમાવવી પડે છે. આ પ્રયોગની વાત હોય છે. તેનાથી ખબર પડે છે કે કઈ રીત કામ કરી રહી છે અને કઈ નહીં."

ખાસ માઇગ્રેન માટે જ બની હોય તેવી દવાની ચિકિત્સાજગતના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા છે તેમાં કોઈ શંકા નથી.

નવી દવાની સફળતાથી અપેક્ષા વધી

જે લોકોને મહિનામાં આઠથી પંદર દિવસ સુધી માઇગ્રેન થાય છે તેને ક્રોનિક અથવા નિયમિત માઈગ્રેન માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જે લોકોને મહિનામાં આઠથી પંદર દિવસ સુધી માઇગ્રેન થાય છે તેને ક્રોનિક અથવા નિયમિત માઇગ્રેન માનવામાં આવે છે

પ્રોફેસર પીટર ગોડ્સબી લંડનની કિંગ્સ કૉલેજમાં ન્યૂરોલૉજીના પ્રોફેસર છે અને તેઓ માઇગ્રેનની નવી દવા બનાવવા માટે કરવામાં આવેલા સંશોધન કાર્યમાં સામેલ હતા.

તેમના કહેવા મુજબ, માઇગ્રેનથી બચવા માટે પહેલીવાર એક દવા બની છે, જે ઘણી અસરકારક છે અને તેનાથી દર્દીઓના સ્વાસ્થ્યમાં ઘણી હદે સુધારો થાય છે.

સવાલ એ છે કે આ દવા કેવી રીતે કામ કરે છે?

પ્રોફેસર ગૉડ્સબી કહે છે, "આ દવા સીજીઆરપી નામના રસાયણના પ્રભાવને રોકી દે છે. આ રસાયણને કારણે માથામાં જોરદાર દુખાવો થતો હોય છે. આ દવા ખાસ માઇગ્રેનના ઇલાજ માટે બનાવવામાં આવી છે. આ દવા શરીરમાં ઝડપભેર ભળી જાય છે અને પીડા શરૂ થતા પહેલાં જ તેને અટકાવી દે છે."

પીટર ગૉડ્સબીના જણાવ્યા અનુસાર, આ નવી દવાનો ઉપયોગ માઇગ્રેનનો ઍટેક આવે ત્યારે અથવા તેને ટાળવા માટે પણ કરવામાં આવે છે.

રિમેજીપેન્ટ નામની આ દવાને આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે અને અમેરિકા સહિતના 80 દેશોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

માઇગ્રેનનો ઍટેક ટાળવા અને ઍટેક આવે ત્યારે તેને નિયંત્રિત કરવા માટેની આ દવાને બ્રિટનમાં પણ મંજૂરી મળી ગઈ છે, પરંતુ ડૉક્ટરો આ દવા કેટલીક ખાસ પરિસ્થિતિમાં જ લેવાની સલાહ આપે છે.

પીટર ગૉડ્સબી કહે છે, "આ દવા આમ તો માઇગ્રેનના ઍટેકને ટાળવા માટે જ આપવામાં આવે છે, પરંતુ દર્દીને મહિનામાં ચાર કે તેથી વધુ દિવસ માઇગ્રેનની પીડા થઈ હોય તો જ અને માઇગ્રેન માટે સામાન્ય રીતે આપવામાં આવતી દવાઓ ઉપયોગી સાબિત ન થઈ હોય તો જ આપવામાં આવે છે. ટ્રિપ્ટેનથી થતી સારવાર નિષ્ફળ રહે ત્યારે જ રિમેજીપેન્ટ આપવામાં આવે છે."

રિમેજીપેન્ટ એક મોટી સિદ્ધિ છે, પરંતુ તેનાથી વધારે પડતી અપેક્ષા રાખી શકાય તેમ નથી.

પીટર ગૉડ્સબી કહે છે, "રિમેજીપેન્ટ કોઈ ચમત્કારી દવા નથી. તેનાથી અનેક દર્દીઓને લાભ થયો છે, પરંતુ એ બધા માટે લાભકારક નથી. સારી વાત એ છે કે આ દવાઓની આડઅસર બહુ ઓછી છે."

"પરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દવાનો ઉપયોગ કરનારાઓ પૈકીના માત્ર એક-બે ટકા લોકોને ઊબકા આવવાની તકલીફ થઈ હતી. ઘણા લોકોને માઇગ્રેનના બોજમાંથી મુક્તિ મળી ગઈ છે અને તેમનું જીવન બદલાઈ ગયું છે. પાછલાં કેટલાંક વર્ષથી આ દવા બનાવવા માટેના સંશોધન કાર્યમાં સંકળાવું મારી કારકિર્દીનો સૌથી રોમાંચક દૌર સાબિત થયું છે."

જોકે, માઇગ્રેન નિયંત્રણની દિશામાં હજુ ઘણું કામ થવાનું બાકી છે અને નવી દવાઓ બનાવવાની જરૂર છે.

અનેક સવાલના જવાબ શોધવા બાકી

ખાસ માઇગ્રેન માટે જ બની હોય તેવી દવાની ચિકિત્સાજગતના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખાસ માઇગ્રેન માટે જ બની હોય તેવી દવાની ચિકિત્સાજગતના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા છે

માઇગ્રેનના ઇલાજ માટે ક્યા અન્ય વિકલ્પોની વિચારણા કરવામાં આવી રહી છે એ જાણવા માટે બીબીસીએ નૉર્વેજિયન સેન્ટર ફૉર હેડેક રિસર્ચ (નૉરહેડ)ના સંશોધનકર્તા અને ન્યૂરોલૉજિસ્ટ લીસા રેસ્ટેડ ઓયે સાથે વાત કરી હતી.

લીસા માને છે કે માઇગ્રેનથી પીડાતા લોકોને નવી દવાઓની મદદથી માથાના દુખાવામાંથી મુક્તિ અપાવી શકાય છે.

તેઓ કહે છે, "આપણે માઇગ્રેનના વ્યક્તિગત કિસ્સાઓનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. કેટલાક લોકોને માઇગ્રેન શા માટે થાય છે અને અન્યોને શા માટે થતો નથી, એ આપણે જાણતા નથી."

"માઇગ્રેનનો ઍટેક શા માટે આવે છે, એ શા માટે ટ્રિગર થાય છે તેમજ માઇગ્રેન વિશેના અનેક સવાલના જવાબ આપણી પાસે નથી."

આ સવાલોના જવાબ મળવાથી ઇલાજના બહેતર વિકલ્પ મળી શકે છે.

લીસા રોસ્ટેડ ઓયે કહે છે, "નૉરહેડમાં હું માઇગ્રેનના ઇલાજ માટે દવાઓ સિવાય બીજા વિકલ્પો બાબતે પણ સંશોધન કરી રહી છું. ઘણા લોકો માને છે કે માઇગ્રેનને માનસિક તણાવ સાથે સંબંધ છે અને તણાવને માઇગ્રેનના ઍટેક આવવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અમે માઇગ્રેન નિયંત્રણ માટે તણાવ ઓછો કરવાની રીતો વિશે સંશોધન કરી રહ્યા છીએ."

નૉરહેડ દુનિયાના ઘણા દેશોમાં સંશોધનકર્તાઓ સાથે મળીને કામ કરી રહી છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.

કમ્પ્યુટરમાં માઇગ્રેન સંબંધી માહિતી મોટા પ્રમાણમાં અપલોડ કરીને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જેથી માઈગ્રેનની પેટર્ન અને પ્રારંભિક લક્ષણો બાબતે વધુ માહિતી મેળવી શકાય.

લીસા રોસ્ટેડ ઓયે કહે છે, "દાખલા તરીકે, ઍડવાન્સ્ડ ટેકનૉલૉજીની મદદથી અમે માઇગ્રેનના પ્રભાવને વધુ સારી રીતે જાણી શકીશું. અમે એ પણ જાણી શકીશું કે લક્ષણ આવે એ પહેલાં માઇગ્રેનનો ઇલાજ કરી શકાય?"

લીસા રોસ્ટેટ ઓયેના કહેવા મુજબ, "માઇગ્રેનને કોઈ વિશેષ જિન સાથે સંબંધ છે કે નહીં એ પણ અમે સમજી શકીશું. માઇગ્રેનના દર્દી માટે કઈ દવા વધારે લાભદાયક છે તેની પણ ખબર પડશે."

માઇગ્રેનના ઇલાજ માટેની દવાઓ અત્યારે મોંઘી છે અને બધી જગ્યાએ આસાનીથી ઉપલબ્ધ નથી.

પહેલેથી ઉપલબ્ધ દવાઓમાં આધુનિક ટેકનૉલૉજી વડે ફેરફાર કરીને માઇગ્રેનના ઇલાજ માટે નવી દવાઓ બનાવી શકાય છે.

લીસા રોસ્ટેડ ઓયેના જણાવ્યા મુજબ, આવી એક દવાનો ક્લિનિકલ ટ્રાયલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ દવાનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશરની સારવાર માટે કરવામાં આવે છે. તે સસ્તી પણ અને આસાનીથી ઉપલબ્ધ પણ છે.

આ દવા માઇગ્રેનના ઇલાજ માટે અસરદાર છે, એવું અમે સાબિત કરી દઈએ તો માઇગ્રેનની સારવાર માટે આ દવાનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં શરૂ થઈ શકે છે, એમ લીસા રોસ્ટેટ ઓયે જણાવે છે.

માઇગ્રેન માટે નવી દવા બનાવવાની તુલનામાં જૂની દવાઓમાં ફેરફાર કરીને તેનો માઇગ્રેનના ઉપચારમાં ઉપયોગ કરવાથી પૈસા પણ બચશે અને સમય પણ.

હવે મુખ્ય સવાલ તરફ પાછા ફરીએઃ શું માઇગ્રેનના ઉપચારમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે?

અન્ય બીમારીઓ માટેની દવાઓનો ઉપયોગ માઇગ્રેનની સારવાર માટે દાયકાઓ સુધી કર્યા બાદ હવે ખાસ માઇગ્રેનના ઇલાજ માટેની રિમેજીપેન્ટ દવાને મળેલી મંજૂરી એક મોટી સિદ્ધિ છે.

અલબત, આ દવા દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી અને માઇગ્રેનના બધા દર્દીઓને તેનાથી ફાયદો પણ થતો નથી. હા, માઇગ્રેનની સારવારના વિકલ્પ જરૂર વધ્યા છે.

માઇગ્રેનથી સંપૂર્ણ છૂટકારો મેળવવાની દવા બનાવવામાં હજુ લાંબો સમય લાગી શકે છે, પરંતુ એ દિશામાં સંશોધન ચાલુ છે અને આશા-અપેક્ષા વધી રહી છે.