ભારતે 331 રનનો રેકૉર્ડ ટાર્ગેટ આપ્યો છતાં ઑસ્ટ્રેલિયા કેવી રીતે જીતી ગયું?

    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ રમતગમત પત્રકાર, બીબીસી હિંદી માટે

ભારતે આઈસીસી વીમેન્સ વનડે વર્લ્ડકપમાં સળંગ બીજા પરાજયનો સામનો કરવો પડ્યો છે. એલિસા હીલીએ સદી ફટકારી તેના કારણે ભારત હારી ગયું છે. આના કારણે ભારત માટે સેમિફાઇનલમાં પ્રવેશ કરવો હવે થોડો મુશ્કેલ બન્યો છે.

ઑસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટથી વિજય મેળવ્યો તેમાં કૅપ્ટન એલિસા હીલીની મુખ્ય ભૂમિકા રહી. તેમણે 107 બૉલમાં 142 રન બનાવ્યાં જેમાં 21 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. તેના કારણે ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં અત્યાર સુધીનો સૌથી મોટો 331 રનનો ટાર્ગેટ પાર પાડ્યો હતો.

અગાઉ વર્ષ 2004માં શ્રીલંકાએ સાઉથ આફ્રિકા સામે 305 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો હતો અને રેકૉર્ડ બનાવ્યો હતો.

એલિસા હીલી વર્લ્ડકપમાં આ મેચ અગાઉ ફૉર્મમાં દેખાતાં ન હતાં. પરંતુ તેમણે દેખાડી દીધું કે તેમને મહત્ત્વની મૅચમાં જોરદાર પ્રદર્શન કરનારા ક્રિકેટર કેમ ગણવામાં આવે છે.

ભારતે ઑસ્ટ્રેલિયાને વર્લ્ડકપના ઇતિહાસનો સૌથી ઊંચો ટાર્ગેટ આપ્યો, પરંતુ શરૂઆતની બે પાર્ટનરશિપે જ મૅચને ઑસ્ટ્રેલિયાની ફેવરમાં કરી નાખી.

એલિસાએ 142 રન ફટકાર્યા તે દરમિયાન ક્યારેય એવું ન લાગ્યું કે ઑસ્ટ્રેલિયા આ ટાર્ગેટ સુધી નહીં પહોંચી શકે.

હીલીએ અગાઉ 2022ની વર્લ્ડકપ ફાઇનલમાં પણ સદી ફટકારી હતી. વર્લ્ડકપમાં આ તેમની ત્રીજી અને વન-ડે કરિયરની છઠ્ઠી સદી છે. આ પ્રદર્શનના કારણે તેઓ પ્લૅયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યાં.

હીલી મેદાનમાં દરેક ખૂણે શૉટ મારવાની ક્ષમતા ધરાવે છે. તેમને રોકવાનો એકમાત્ર રસ્તો એ હોય છે કે વધુમાં વધુ ડૉટ બૉલ નાખીને તેમના પર દબાણ વધારવામાં આવે, જેથી તેઓ ભૂલ કરીને પોતાની વિકેટ ફેંકી દે.

પરંતુ તેમણે સતત રન લેવાનું ચાલુ રાખીને ભારતીય બૉલરો માટે પરેશાની વધારી દીધી.

આ વિજય માટે એલિસ પેરીને પણ બિરદાવવા પડે. તેઓ ત્રીજા ક્રમે બેટિંગ માટે ઊતર્યાં, પરંતુ 69 રનની ભાગીદારી પછી પગમાં સ્નાયુ ખેંચાઈ જવાથી તેમણે મેદાન છોડવું પડ્યું. એલિસ પેરી ફરીથી મેદાનમાં ઊતર્યાં અને એક વિજયી સિક્સર ફટકારીને ભારત પર ઑસ્ટ્રેલિયાની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો.

સદરલૅન્ડની ભૂમિકા મહત્ત્વની રહી

એનાબેલ સદરલૅન્ડે મહત્ત્વની ક્ષણે પોતાની બૉલિંગમાં કમાલ કરી, જેના કારણે ભારત લગભગ 25થી 30 રન ઓછા બનાવી શક્યું. તેણે ઑસ્ટ્રેલિયાની જીતમાં ભૂમિકા ભજવી.

સદરલૅન્ડ આ વર્લ્ડકપમાં પાંચ વિકેટ ઝડપનારાં પ્રથમ બૉલર બની ગયાં. તેમણે 40 રન આપીને પાંચ વિકેટો ઝડપી.

ભારતનો સ્કોર 192 રન હતો ત્યારે તેમણે પ્રતિકા રાવલને આઉટ કરીને ખાતું ખોલાવ્યું. ત્યાર પછી તેમણે જેમિમા રોડ્રિગ્ઝ અને રિચા ઘોષને આઉટ કરીને ભારતની ખતરનાક બનતી ઇનિંગને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

ત્યાર બાદ તેમણે ક્રાંતિ ગૌડ અને શ્રીચરણીની વિકેટ લીધી. આ સાથે તેમની પાંચ વિકેટો થઈ.

સદરલૅન્ડે ભારતની ઇનિંગમાં બીજી વિકેટ ઝડપી અને તે સાથે જ તેમણે વન-ડે ક્રિકેટમાં પોતાની 50 વિકેટો પૂરી કરી.

ભારતના નીચલા ક્રમે નિરાશ કર્યા

ભારતીય ઇનિંગની જે રીતે શરૂઆત થઈ હતી, તેના પરથી લાગતું હતું કે ભારત ઓછામાં ઓછા 370થી 380 રન બનાવી શકે છે, પરંતુ ત્યાર પછી ભારતીય ક્રિકેટરો વિકેટ પર ટકી શક્યા નહીં.

છેલ્લી ઓવરોમાં બહુ ઝડપથી રન બનાવવાની જરૂર હોય છે, પરંતુ મોટા શૉટ રમવાના પ્રયાસમાં બે-ત્રણ વિકેટો પડી ગઈ.

આવામાં તમામ 50 ઓવર રમવાનો પ્રયાસ કર્યો હોત તો ટીમનો સ્કોર 350 રન સુધી પહોંચી શકે તેમ હતો. આ ભૂલના કારણે આખી ટીમ 49 ઓવરમાં જ આઉટ થઈ ગઈ.

ભારતે છેલ્લી છ ઓવરમાં માત્ર 20 રનમાં છ વિકેટ ગુમાવી દીધી.

ગઈ મેચમાં જોરદાર પ્રદર્શન કરનારાં રિચા ઘોષ આઉટ થતાની સાથે જ ભારતીય ટીમ એવા મોટા સ્કોર સુધી પહોંચી ન શકી, જેની આશા રાખવામાં આવતી હતી.

રિચાએ 22 બૉલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. એવું લાગતું હતું કે તેઓ અગાઉના દિવસ જેવા ફૉર્મમાં છે. પરંતુ ત્યારે જ સિક્સર ફટકારવાના પ્રયાસમાં તેમણે કૅચ આપી દીધો. તેઓ આઉટ થતાં જ ભારતીય બૅટિંગ વિખેરાઈ ગઈ.

ભારતને છઠ્ઠા બૉલરની કમી નડી ગઈ

આ વર્લ્ડકપમાં ભારત બેટિંગને મજબૂતી આપવા માટે પાંચ બૉલર સાથે રમે છે.

પાંચ બૉલર સાથે રમવાથી શું થાય તેની ચકાસણી પહેલી બે મૅચમાં ન થઈ શકી, પરંતુ સાઉથ આફ્રિકા સામેની મૅચમાં આ નબળાઈ ઉજાગર થઈ ગઈ. છતાં ભારત તેમાંથી પાઠ શીખ્યો નહીં.

એલિસા હીલીએ લિચફિલ્ડ અને એલિસ પેરી સાથે આક્રમક શરૂઆત કરીને ક્રાંતિ ગોડ પર દબાણ બનાવી દીધું. ત્યાર પછી સ્પિન બૉલરોની પણ ભારે ધોલાઈ કરી.

તેમણે ઑફ સ્પિનર સ્નેહ રાણાની બૉલિંગમાં ઢગલાબંધ રન બનાવ્યા. પરંતુ કૅપ્ટન હરમનપ્રીતકોર પાસે તેનો કોઈ વિકલ્પ ન હતો. આ કારણે તેમણે સ્નેહ પાસે પૂરી 10 ઓવર ફેંકાવવી પડી જેમાં તેમણે એક પણ વિકેટ લીધાં વગર 85 રન આપ્યા.

ભારતીય ટીમમાં બીજા બૉલર્સ નથી એવું પણ નથી. રાધા યાદવને તક આપી શકાય છે. ભારત માટે હવે એક હાર પણ મોંઘી સાબિત થઈ શકે છે.

મંધાનાએ ઇતિહાસ રચ્યો

સ્મૃતિ મંધાના પહેલી ત્રણ મૅચમાં સંપૂર્ણ ફૉર્મમાં દેખાતાં ન હતાં, પરંતુ આ મહત્ત્વની મૅચમાં તેમણે સારો દેખાવ કર્યો.

તેઓ સદીથી 20 રન દૂર રહી ગયાં, પરંતુ વન-ડે ક્રિકેટમાં એક કેલૅન્ડર વર્ષમાં 1000 રન બનાવનારા પહેલાં ખેલાડી બની ગયા. તેમણે વર્ષ 1997માં બેલિંડા ક્લાર્ક દ્વારા બનાવાયેલો 970 રનોનો રેકૉર્ડ તોડ્યો છે.

મંધાનાએ આ કેલેન્ડર વર્ષમાં 1062 રન બનાવ્યાં છે. તેમણે 18 મૅચમાં આટલા રન બનાવ્યાં છે. તેમાં ચાર સદી અને ચાર અર્ધસદી સામેલ છે.

સ્મૃતિએ પોતાની 80 રનની ઇનિંગ દરમિયાન વન-ડે ક્રિકેટમાં 5000 રન પણ પૂરા કર્યા. આ સિદ્ધિ મેળવનારા તેઓ દુનિયામાં પાંચમા બૅટર છે.

ભારતીય બૅટરોમાં મિતાલી રાજે પણ 5000 રન બનાવ્યા છે.

સ્મૃતિ આ સિદ્ધિ મેળવનારાં સૌથી યુવા ખેલાડી છે. તેમણે સૌથી ઝડપથી આટલા રન બનાવીને સ્ટેફની ટેલરનો રેકૉર્ડ તોડ્યો છે.

સ્મૃતિએ 112 ઇનિંગમાં 5569 બૉલનો સામનો કરીને 5000 રન બનાવ્યા છે. ટેલરે 124 દાવમાં 6182 બૉલ રમીને પોતાનો જૂને રેકૉર્ડ બનાવ્યો હતો.

રેકૉર્ડ પાર્ટનરશિપ પણ વ્યર્થ ગઈ

ભારતના મંધાના અને પ્રતિકાની ઓપનિંગ જોડીએ 155 રનની પાર્ટનરશિપ કરીને ભારતને આ વર્લ્ડકપમાં મજબૂત શરૂઆત અપાવી. વીમેન્સ વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે.

આ અગાઉ વિમેન્સ વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લૅન્ડનાં કેરોલાઈન એટકિન્સ અને સારાહ ટેલરે રેકૉર્ડ ભાગીદારી કરી હતી. તેમણે 2009માં ઓપનિંગમાં 119 રનની પાર્ટનરશિપ કરી હતી.

મંધાનાએ 46 દડામાં અર્ધસદી ફટકારી, જ્યારે પ્રતિકા રાવલે 60 બૉલમાં અર્ધસદી પૂરી કરી હતી. આ જોડીએ સાવધાની સાથે નવી ઇનિંગની શરૂઆત કરવાની રણનીતિ અપનાવી હતી. તેના કારણે તેઓ પ્રથમ સાત ઓવરમાં 25 ડૉટ બૉલ રમ્યાં હતાં.

પરંતુ સ્પિનર્સ આવતાની સાથે જ તેમણે ઝડપથી રન બનાવ્યા અને ઇનિંગને સંભાળી લીધી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન