શૅરબજારોમાં આટલા બધા IPO કેમ આવી રહ્યા છે અને રોકાણકારોએ શા માટે સાવચેત રહેવું જોઈએ?

    • લેેખક, નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

ભારતમાં શૅરબજારના રોકાણના ઉત્સાહને કારણે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં કંપનીઓ માટે ફંડ એકઠું કરવા માટે દોટ મૂકી રહ્યા છે અને ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ્સ (IPO) બજાર પર ટ્રેડ ટેરિફ કે આર્થિકક્ષેત્રે વૈશ્વિક અસ્થિરતાનો કોઈ પ્રભાવ પડ્યો નથી.

વૈશ્વિક કો-વર્કિંગ કંપની વીવર્ક ઇન્ડિયા અને દક્ષિણ કોરિયન કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સની ભારતીય શાખાથી લઈને ટાટા કૅપિટલ જેવી મોટી કંપનીઓએ આ અઠવાડિયે રેકૉર્ડ બનાવનારી રકમ એકત્ર કરી છે, અને આઈપીઓ દ્વારા રોકાણકારોને તેમના શૅર ઑફર કર્યા છે.

સેકેન્ડરી માર્કેટથી વિપરીત, જ્યાં રોકાણકારો કંપનીઓના હાલના શૅર ખરીદે તેમજ વેચે છે, ત્યારે આઈપીઓનો ઉપયોગ કંપનીઓ દ્વારા પ્રથમ વખત રોકાણકારોને તેમના શૅર વેચવા અને જાહેર બજારોમાં પ્રવેશ કરવા માટે થાય છે.

ઇનવેસ્ટમેન્ટ બૅન્ક કોટક મહિન્દ્રા કૅપિટલ કંપનીના જણાવ્યા અનુસાર, 2025ના પ્રથમ નવ મહિનામાં લગભગ 79 કંપનીઓએ 11.5 બિલિયન ડૉલર (લગભગ 1020 અબજ રૂપિયા) ઊભા કર્યા હતા.

જ્યારે વર્ષના અંતિમ ત્રણ મહિના દરમિયાન વધુ કેટલાક ઇશ્યુ મારફત 10-11 અબજ ડૉલર ઊભા કરે તેવી શક્યતા છે.

આઈપીઓ બજારમાં અંધાધૂંધ તેજી

આમ ચાલુ વર્ષે ભારતનું આઈપીઓ બજાર 20 અબજ ડૉલર પર પહોંચી જશે. જેમાં ભારતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલા ભંડોળ એકત્રીકરણની ગણતરી કરવામાં આવી નથી.

તે સાથે નવી ટૅક કંપનીઓ, ઇ-કૉમર્સ કંપનીઓ, રિટેલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સેક્ટર સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓ આઈપીઓ બજારનો લાભ લઈ રહી છે.

કોટક મહિન્દ્રા કૅપિટલ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર વી જયશંકરે બીબીસીને જણાવ્યું, "આનાથી ભારતીય રોકાણકારોને (રોકાણ માટેની તકોનો) બહુ મોટો વ્યાપ મળ્યો છે જે અન્ય દેશોમાં જોવા મળતો નથી."

વી. જયશંકરે ઉમેર્યું, "સંસ્થાકીય નાણાં સિવાય, મ્યુચ્યુઅલ ફંડ્સમાં મૉમ-ઍન્ડ-પૉપ રોકાણકારો દ્વારા થતા વ્યવસ્થિત રોકાણ પ્લાનોને કારણે આઈપીઓમાં ફ્લો વધુ સારો બન્યો છે."

યુએસ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ જાયન્ટ જેપી મૉર્ગનના ઇન્ડિયા ઇક્વિટી કૅપિટલ માર્કેટ્સના વડા અભિનવ ભારતીએ કંપનીની યુટ્યૂબ ચેનલ પર જણાવ્યું હતું કે રોકાણ માટેની નવી તકો માટે ઉચ્ચ માંગ ઉપરાંત, બજારમાં આ પ્રકારની તેજી આવવાનું કારણ એ પણ છે કે, છેલ્લા એક દાયકામાં ભારતના વિકાસે વિવિધ ઉદ્યોગોમાં એવી મજબૂત કંપનીઓની એક પાઇપલાઇન તૈયાર કરી છે, જે એક ચોક્કસ સ્તર અને પરિપક્વતા સુધી પહોંચી છે."

અભિનવ ભારતીએ કંપનીની યુટ્યૂબ ચેનલ પર જણાવ્યું હતું કે, "આ માત્ર શરૂઆત છે અને આપણે ભારતને નિયમિત રીતે ઓછામાં ઓછા 20 અબજ ડૉલરના આઈપીઓ બજાર તરીકે જોવું જોઈએ"

નિષ્ણાતો શા માટે ચેતવે છે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર "જ્યારે નવી શૅર ઑફરિંગની લહેર ભારતના રોકાણના લૅન્ડસ્કેપમાં પરિપક્વતાનો સંકેત આપે છે, ત્યારે તેને લઈને વધી રહેલો ઉત્સાહ પણ સાવચેતી માંગી લે છે."

વૅલ્થમિલ્સ સિક્યૉરિટીઝના ક્રાંતિ બાથિની કહે છે કે, "બજારમાં ઘણો રોકાણને લઈને હદ કરતાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે રોકાણકારોએ આંધળી દોટ મૂકવાને બદલે તેમણે પસંદ કરેલી કંપનીઓની નાણાકીય બાબતોનો અભ્યાસ કરવાની જરૂર છે."

ભારતીય શૅરબજારના રોકાણકારોએ સામાન્ય જેવું વળતર આપ્યું હોવાથી લોકોમાં આઈપીઓનો ઉન્માદ ટોચ પર પહોંચ્યો છે.

"દેશની સૌથી મોટી અને તરલતા ધરાવતી કંપનીઓનો બૅન્ચમાર્ક નિફ્ટી-50 ઇન્ડેક્સ આ વર્ષે માંડ છ ટકા જેટલો વધ્યો છે, જ્યારે નાની અને મધ્યમ કદની કંપનીઓના ટ્રૅક કરતા ઇન્ડેક્સનું વળતર નકારાત્મક રહ્યું છે."

આ સિવાય વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ભારત પર લાદવામાં આવેલો 50 ટકાનો ટેરિફ તથા શૅરોનાં ઊંચા વૅલ્યૂએશન પ્રત્યે નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરે છે.

જોકે, તેના કારણે જ બજારમાં પ્રવેશી રહેલી નવી કંપનીઓમાં લોકોનો રસ વધી શકે છે.

જયશંકરે જણાવ્યું, "રોકાણકારો હાલમાં આઇપીઓને વધુ સારું વળતર મેળવવાનું સાધન તરીકે જોઈ રહ્યા છે, કારણ કે, શૅર લિસ્ટિંગના દિવસે જ તેની કિંમતમાં 15થી 20 ટકાનો ઉછાળો મળે તેવી શક્યતા હોય છે."

તાજેતરનાં લિસ્ટિંગનું પર્ફૉર્મન્સ

જોકે, કેટલાક અંદાજો સૂચવે છે કે આ વર્ષે ડૅબ્યૂ થયેલા અડધોઅડધ આઈપીઓ તેમના લિસ્ટિંગ ભાવથી નીચે ટ્રેડ કરી રહ્યા છે. કોટકનું પોતાનું વિશ્લેષણ દર્શાવે છે કે, આ વર્ષે લિસ્ટેડ થયેલી 79 કંપનીઓમાંથી માત્ર 43 કંપનીઓએ જ આઈપીઓના ભાવ કરતાં વધુ વળતર આપ્યું છે.

જયશંકર કહે છે, તેનું આંશિક કારણ કદાચ એ પણ હોતાજય શકે છે કે, તેમને ખોટી રીતે (મોંઘા ભાવે) વેચવામાં આવ્યા હતા અથવા ઑવરઑલ બજારનું નબળું સેન્ટિમેન્ટ પણ કારણભૂત હોય શકે છે.

ઉપરાંત, પ્રથમ નવ મહિનામાં બજારમાં પ્રવેશ કરતી મોટાભાગની કંપનીઓ નાના કદની હતી, જેમાં મોટેભાગે અસ્થિરતા જોવા મળતી હોય છે.

જયશંકરે ઉમેર્યું હતું કે, "વર્ષના છેલ્લા ત્રણ મહિનાનો ગાળો બજારમાં આવતી મોટી અને ઉચ્ચ ગુણવત્તાવાળી કંપનીઓ તરફનો ઝોંક ધરાવે છે."

જ્યારે ભારતીયો નવા આઈપીઓને ઉત્સાહભેર ખરીદી રહ્યા છે, ત્યારે ભારતીયો વિદેશી રોકાણકારોના આઈપીઓમાં ઓછો રસ ધરાવતા જોવા મળ્યા છે. વિદેશી રોકાણકારો એ આ વર્ષે 20 અબજ ડૉલરથી વધુ રકમના ભારતીય શૅરોનું વેચાણ કર્યું છે.

ત્યારે બાથિનીએ કહ્યું કે, 'વૈશ્વિક રોકાણકારો હાલમાં 'વેઇટ ઍન્ડ વૉચ'ની સ્થિતિમાં છે.' 'ટેરિફ અને અન્ય અનિશ્ચિતતાઓને કારણે, ભારત છેલ્લા કેટલાક મહિનાઓમાં સૌથી પસંદગીના દેશોમાંથી સૌથી ઓછા પસંદગી ધરાવતા દેશોમાં પ્રવેશ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, "IPO બજારમાં વિદેશી રોકાણકારોની ઓછી ભાગીદારી ભારતમાં રોકાયેલા પોર્ટફોલિયો ફંડ્સના કુલ ઘટાડાને દર્શાવે છે."

"આ સ્પષ્ટ સંકેત આપે છે કે સ્થાનિક મૉમ-ઍન્ડ-પૉપ રોકાણકારો (નાના છૂટક રોકાણકારો) મૂળભૂત બાબતોને ધ્યાનમાં લેવાને બદલે ભાવનાત્મક ઉન્માદમાં તણાઈ રહ્યા છે."

મુંબઈ મિરરના એક લેખમાં અર્થશાસ્ત્રના વિવેચક વિવેક કૌલ લખે છે, "આવા માહોલને પહેલાં બનાવવા અને પછી જાળવી રાખવા માટે એક આખો ઉદ્યોગ કામ કરી રહ્યો છે."

તેમણે કહ્યું કે, "તેમાં ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર્સ, સ્ટૉક બ્રૉકરેજીસના ઍનાલિસ્ટ્સ અને ફંડ મૅનેજર્સનો સમાવેશ થાય છે."

વિવેક કૌલ કહે છે કે, આ ભાવનાત્મક ઉન્માદ ધારણાઓ અને અતિશયોક્તિની એક રમત છે, પરંતુ "તે સામાન્ય રોકાણને કાયમી આર્થિક સુરક્ષામાં ફેરવવા માટે અસક્ષમ છે."

પરંતુ ભારતીય રોકાણકારો સાંભળવાના મૂડમાં નથી.

"વૉલમાર્ટના સમર્થનવાળી ફોનપે, ભારતની સૌથી મોટી મોબાઇલ ટેલિકૉમ જાયન્ટ જિયો અને યુનિકોર્ન (જે ટૅક સ્ટાર્ટ-અપ્સનું મૂલ્ય એક અબજ ડૉલરથી વધુ હોય) જેમ કે, ગ્રૉ અને મિશો જેવી કંપનીઓ આવનારા મહિનાઓમાં બજારમાં આઈપીઓ સાથે પ્રવેશી રહી હોવાથી, ભારતની આઈપીઓ પાર્ટી હજુ થોડો સમય સુધી ચાલુ રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન