You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં સર્જાશે નવી સિસ્ટમ, ગુજરાતમાં હજી આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ઓડિશા અને આંધ્ર પ્રદેશના વિસ્તારો પર જે લૉ પ્રેશર એરિયા છે જે આગળ વધી રહ્યો છે અને એના કારણે ગુજરાતમાં આવનારા બેથી ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે.
બીજી તરફ મૉન્સુન ટ્રફ પણ રાજસ્થાનના જેસલમેર, કોટાથી થઈને મધ્ય પ્રદેશ પરથી બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. જેના કારણે ગુજરાત પર હજી ભારે વરસાદનો ખતરો ટળ્યો નથી, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
છેલ્લા ચારથી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દ્વારકા તથા જામનગરના અનેક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદ પણ થયો છે.
રાજ્યમાં વરસાદ ધીમો ક્યારે પડશે?
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં હજી પણ બે દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે, એટલે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી હળવા વરસાદની સંભાવના દેખાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 25 તારીખની આસપાસથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે, રાજ્યમાં સાવ વરસાદ બંધ નહીં થાય અને છૂટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંગાળની ખાડીમાં સતત સર્જાઈ રહેલી સિસ્ટમો મધ્ય ભારત તરફ આવતી હોવાને કારણે ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદની હજી બે દિવસ સુધી શક્યતા છે.
ગુજરાતમાં 22 જુલાઈનાં રોજ કેટલાંક સ્થળોએ અતિ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં 24 જુલાઈના રોજ એક નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમ હજી કઈ તરફ જશે એ નક્કી થયા બાદ ગુજરાતમાં ફરી વરસાદ વધશે કે નહીં તે અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.
ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે?
હવામાન વિભાગની માહિતી પ્રમાણે નવસારી અને ભાવનગર જિલ્લામાં 22 જુલાઈના રોજ રેડ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વધે તેવી શક્યતા છે, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ગીર-સોમનાથ, અમરેલી, અમદાવાદ, આણંદ, ભરૂચના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત તથા નવસારી જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં પણ કોઈ સ્થળે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
23 તારીખના રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, ભરૂચ અને સુરતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મોરબી, વલસાડ તથા નવસારી જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના બાકીના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે અને મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહી છે.
ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો છે?
ગુજરાતમાં આ વખતે સિઝનનો સારો એવો વરસાદ પડી ચૂક્યો છે, જોકે ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ રહ્યો છે.
21 જુલાઈએ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.
દેવભૂમિ દ્વારકામાં 118.6 મિલીમીટર, પોરબંદરમાં 94.7 મિલીમીટર, જામનગરમાં 61.3 મિલીમીટર, જૂનાગઢમાં 71.3 મિલીમીટર, રાજકોટમાં 49.9 મિલીમીટર, તો કચ્છમાં 33.2 મિલી મીટર વરસાદ પડ્યો હતો.
ગીર સોમનાથમાં 41.6 મિલીમીટર વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પ્રમાણમાં ઓછો રહ્યો હતો.