હિંદુ દેવી-દેવતાઓના નામે ચાલતી મુસ્લિમોની શાકાહારી હોટલો પર વિવાદ કેમ?

    • લેેખક, અમિત સૈની, બીબીસી હિંદી માટે, મુઝફ્ફરનગર(યુપી)થી
    • પદ, દિલનવાઝ પાશા, બીબીસી સંવાદદાતા, દિલ્હીથી

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં કાવડયાત્રા દરમિયાન આ યાત્રાના માર્ગમાં આવનારી મુસ્લિમ માલિકો ધરાવતી તમામ હોટલ અને કથિત રીતે બંધ કરાવી દેવામાં આવી. જેમાં માંસાહારી અને શાકાહારી બન્ને પ્રકારની હોટલ સામેલ હતી.

કાવડયાત્રા માર્ગની એ તમામ હોટલો અને ઢાબા લગભગ 15 દિવસ બંધ રહ્યા, જેમના માલિક અથવા સ્ટાફ મુસલમાન હતા. જોકે હવે આ હોટલ અને ઢાબા ધીરે-ધીરે ખુલવા લાગ્યા છે, અને હવે તેમની સામે એક નવો પડકાર છે.

મુઝફ્ફરનગરમાં એક હિંદુવાદી સંતે આ ઢાબા વિરુદ્ધ હવે ધરણાં શરૂ કરી દીધાં છે. બે અઠવાડિયા સુધી હોટલો બંધ રહેવાના કારણે એમના માલિકોને આર્થિક નુકસાન પણ થયું છે.

કાવડયાત્રાના માર્ગો પર પાછલાં કેટલાંક વર્ષોમાં કાવડ યાત્રા દરમિયાન માંસ અથવા માછલીની દુકાનો બંધ કરાવવામાં આવે છે. પરંતુ આ વખતે મુસ્લિમોની માલિકી ધરાવતી શાકાહારી હોટલ પણ બંધ કરાવવામાં આવી હતી.

આ વિશે મુઝફ્ફરનગરના સિટી મૅજિસ્ટ્રેટ વિકાસ કશ્યપે એક નિવેદનમાં કહ્યું કે, “કાવડયાત્રા દરમિયાન ગયા વર્ષે એક ઘટના પ્રકાશમાં આવી હતી. આ વખતે તમામ હોટલ માલિકોની એક બેઠક કરવામાં આવી અને તેમને નિર્દેશ આપવામાં આવ્યો કે જે તમારું નામ છે એ જ ડિસ્પ્લેમાં રાખો. એના સિવાય કશું જ નહીં.”

બીજી બાજુ મુઝફ્ફરનગરના જિલ્લા અધિકારી અરવિંદ બંગારીએ આ વિષય પર કહેતા ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો એમ કહીને કે હવે કાવડયાત્રા પૂરી થઈ ગઈ છે અને કોઈ વિવાદ નથી.

કાવડયાત્રાના માર્ગો પર મુસ્લિમોના શાકાહારી હોટલ અને ઢાબા કેમ બંધ કરાવવામાં આવ્યા? એમને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને કેટલું નુકસાન થયું? આજ સવાલોનો જવાબ તપાસવા અમે મુઝફ્ફરનગરના કેટલાય ઢાબા માલિકોની સાથે વાત કરી.

ઢાબા માલિકોનું શું કહેવું છે?

કાવડયાત્રાના મુખ્ય માર્ગ એનએચ-58 પર બાગો વાલી ચાર રસ્તેસ્થિત પંજાબી ન્યૂ સ્ટાર શુદ્ધ ઢાબા પર અમારી મુલાકાત સોનૂ પાલ અને સાદિક ત્યાગી સાથે થઈ.

સોનૂ પાલ જણાવે છે કે, “હું હોટલનો માલિક છું, પરંતુ મોહમ્મદ યૂસુફ ઉર્ફ ગુડ્ડૂ હોટલમાં પાર્ટનર છે. જમીન પણ મુસલમાનની છે, જેમનું નામ આલમ છે.”

સોનૂ કહે છે કે, “કાવડની સિઝન હતી અને સત્તાધીશોએ અમારી હોટલ બંધ કરાવી દીધી. ફૂડ લાઇસન્સથી લઈને તમામ મંજૂરીઓ મારા એટલે કે સોનૂના નામથી જ છે.”

તેઓ કહે છે, “30-35નો સ્ટાફ છે, તમામ ખાલી બેઠા છે. સિઝનના કારણે પહેલેથી સામાન પણ આવીને પડ્યો છે. બધું જ બગડી ગયું. અમારે લગભગ 3-4 લાખનું નુકસાન વેઠવું પડ્યું.”

સોનૂ દાવો કરે છે, “કોઈ જ પ્રકારની નોટિસ નથી મળી. માત્ર બે-ચાર પોલીસવાળા આવ્યા અને હોટલ બંધ કરાવી દીધી. પૂછ્યું તો જવાબ મળ્યો કે તમે મુસલમાન થઈને હિંદૂના નામ પર હોટલ ચલાવો છો.”

મુઝફ્ફરનગર સત્તાધીશોએ આવી હોટલ બંધ કરાવવાને લઈને કોઈ લેખિત આદેશ બહાર નહોતો પાડ્યો.

જોકે જિલ્લા સત્તાધીશોના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે એવી હોટલ બંધ કરાવવામાં આવી જેના માલિક મુસલમાન છે અને નામ હિંદુ છે. આગળ માટે પણ કોઈ આદેશ અત્યારે બહાર નથી પાડવામાં આવ્યો.

એનએચ-58 પર સ્થિત ‘વેલકમ ટુ પિકનિક પૉઇન્ટ ટૂરિસ્ટ ઢાબા’નું કાવડયાત્રા પહેલાં સુધી નામ ‘ઓમ શિવ વૈષ્ણો’ ઢાબા હતું. પરંતુ કાવડ યાત્રા દરમિયાન થયેલા વિરોધ પછી હવે એનું નામ બદલી નાખવામાં આવ્યું છે.

ઢાબા માલિક આદિલ રાઠોર કહે છે કે, “આ હોટલને પહેલાં કંવરપાલ ઓમ શિવ વૈષ્ણો ઢાબાના નામે ચલાવવામાં આવતો હતો. એને પછી અમે ભાડે લીધો અને આ જ નામ ચાલું રાખ્યું હતું.”

આદિલ કહે છે કે, “અમે શાકાહારી ભોજન બનાવીએ છીએ. સમગ્ર સ્ટાફ મિંટૂ, અમન, સોનૂ, બિજેન્દ્ર અને વિક્કી વગેરે તમામ હિંદુ છે. ઈંડું કે લસણ-ડુંગળી સુદ્ધાનો ઉપયોગ નથી કરતા. તેમ છતાં અમારી હોટલને 4 તારીખે બંધ કરાવી દેવામાં આવી. આજે જ ખોલી છે. અમને લગભગ 4-5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.”

તેઓ કહે છે કે, “કેટલોક સ્ટાફ બાળકો સાથે ઢાબા ઉપર રહે છે. ઢાબો બંધ થયો એ દરમિયાન ખાવા-પિવાની સમસ્યા થઈ. મારું ગામ 30 કિમી દૂર ખતૌલીની પાસે ખોકની નગલા છે, ત્યાંથી મારો ભાઈ જરૂરી સામાન લઈને અહીં આવ્યો.

આદિલ એમ પણ કહે છે કે, “ભાડું, વીજળીનું બિલ અને કામદારોને પગાર આપવાને લઈને ચિંતા થાય છે.”

આદિલ કહે છે કે, “ખબર નહોતી કે એનાથી કોઈ હિંદુને હેરાનગતી થઈ જશે. આની પહેલાં પણ મીરાપુરમાં બાબા અમૃતસરીના નામે ઘણાં વર્ષો હોટલ ચલાવી હતી. ત્યાં કોઈને કોઈ હેરાનગતી નહોતી થઈ.”

‘શાકાહારી ભોજન જ બનાવ્યું છે, આગળ પણ શાકાહારી જ બનાવીશું’

આદિલના પિતા સનવ્વર રાઠોરે પણ આ જ જણાવ્યું, “પહેલાં આ હોટલનું નામ શિવ વૈષ્ણો ઢાબા હતું, જેને કંવરપાલ ચલાવતા હતા. અમને જેમ હતી એમ જ સોંપી દેવામાં આવી અમે એમજ ચલાવતા રહ્યા”

સન્નવર રાઠોર કહે છે કે, “અમે મુસ્લિમ રાજપૂત છીએ. અમે હિંદુ દેવી-દેવતાઓનું સન્માન કરીએ છીએ. અમે જ્યારેથી ઢાબાગીરી કરી છે, ત્યારથી શુદ્ધ શાકાહારી ભોજન જ બનાવ્યું છે અને આગળ પણ શાકાહારી જ બનાવીશું”

સનવ્વર કહે છે કે, “ઇચ્છ્યું હોત તો અમે મુસ્લિમ ઢાબા પણ ચલાવી શક્યા હોત, પરંતુ શાકાહારી ભોજન વેચવામાં જ આનંદ મળે છે. નામને લઈને કોઈને આપત્તિ થઈ તો પોલીસના કહેવા ઉપર અમે બદલીને વેલકમ ટૂ પિકનિક પૉઇન્ટ ટૂરિસ્ટ ઢાબા કરી દીધું. હવે આગળ અમે આજ નામે ચલાવતા રહેશું.”

‘અમે કોઈ ઓળખ છુપાવી નથી’

અમે આજ માર્ગ પર આગળ વધ્યા તો નેશનલ હાઈવે ભોપા રોડ બાયપાસની નજીક ચંદીગઢ દા ઢાબા દેખાયું. અહીં પહોંચતા અમારી મુલાકાત અફસર અલી સાથે થઈ.

અફસર અલીએ જણાવ્યું, “હું અહીં કર્મચારી છું. માલિક કોઈ બીજા છે. અહીં બે મુસલમાન અને સાત હિંદુ કર્મચારી છે. જે મુસલમાન કર્મચારીઓ છે, તેમનું કામ માત્ર બિલિંગ અને સામાન લાવવા લઈ જવાનું છે. બાકી બધું કામ હિંદુ કર્મચારીઓ જ કરે છે.”

તેઓ કહે છે કે, “કોરોનાકાળથી જ હોટલ ઇન્ડસ્ટ્રીમાં ઉપર નીચે થયા કરે છે. ખરચો કાઢવો જ ભારે પડી જાય છે. કાવડયાત્રા અને ગરમીની રજાઓ જેવી મોટી સિઝન આવે છે, હોટલવાળાનું કામ આના પર જ નિર્ભર રહે છે. આ દિવસોમાં જ વર્ષ આખાનો ખરચો કાઢવાનો હોય છે. આમાં અમને લાખો રૂપિયાનું નુકસાન તો થયું જ, કર્મચારીઓને પણ નુકસાન ભોગવવું પડ્યું.”

અફસર કહે છે, “આ શુદ્ધ શાકાહારી હોટલ છે. અહીં અમે ઈંડું પણ નથી બનાવતા. કારણ કે આ હરિદ્વાર જવાનો રસ્તો છે. અમને ખબર છે કે અહીંથી ઘણાં લોકો અસ્થિ લઈને પણ જાય છે. અમે તેમની આસ્થાનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ.”

ઓળખ છુપાવવાની વાત પર અફસર અલી કહે છે, “ચંડીગઢથી પ્રેરણા લઈને જ હોટલનું નામ ચંડીગઢ ઉપર રાખ્યું હતું. અમે કોઈ ઓળખ નથી છુપાવી. કાયદેસર નોંધણી પણ કરાવી છે.”

તેઓ કહે છે, “ચોકીના ઇન્ચાર્જ આવ્યા હતા. માહોલ બગડવાની આશંકા દર્શાવીને અને ઢાબો બંધ કરવાનું કહ્યું. એમના કહેવાથી જ અમે બંધ કરી દીધો હતો.”

જોકે તેઓ દાવો કરે છે કે પોલીસે સત્તાધીશો તરફથી જાહેર નોટિસ નહોતી દેખાડી, માત્ર મૌખિક આદેશ આપ્યા હતા કે ઢાબા બંધ રાખવાના છે.

‘મુસ્લિમ માલિક હોય એનાથી સમસ્યા ન ઊભી થવી જોઈએ’

સોશિયલ મીડિયા પર એવા ઘણાં વીડિયો પણ આવે છે જેમાં મુસલમાનોની હોટલ પર ગંદકી હોવા અને એમના ખોરાકમાં માંસ વગેરે મળવાનો દાવો કરવામાં આવે છે.

અફસર આ પ્રકારના આરોપોને જડમૂળથી વખોડે છે અને કહે છે, “જો કોઈની પાસે પૂરાવા હોય તો તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પરંતુ એ કહેવું સાવ ખોટું છે કે આવું બધાં જ કરે છે.”

જે હિંદુવાદી સંગઠનો મુસલમાન માલિકોની હોટલો વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે તેઓ પણ આવા દાવા કરે છે.

'ચંદીગઢ દા ઢાબા' પર ખાવાનું બનાવનાર ભોજરામ કહે છે, “મને અહીં ખાવાનું બનાવતા ચાર વર્ષ થઈ ગયાં છે. અહીં ઈંડાં, માંસ-માછલી કશું જ નથી બનતું. સંપૂર્ણપણે શાકાહારી છે. જેવા દાવા કરવામાં આવે છે, એવું કશું જ નથી.”

લલિત દીક્ષિત અહીંના નિયમિત ગ્રાહક છે. લલિતે જણાવ્યું કે, “અમે પાછલાં બે-ત્રણ વર્ષોથી અહીં જમવા આવીએ છીએ. મોટાભાગે અમે લંચ અહીં જ કરીએ છીએ. અમે પોતે પંડિત છીએ. અમને ખબર છે કે આ હોટલ શુદ્ધ શાકાહારી અને તેના કારીગર પણ હિંદુ છે. મુસ્લિમ માલિક હોવાથી અમને કોઈ મુશ્કેલી નથી અને અન્ય કોઈને પણ ન હોવી જોઈએ.”

‘આરોપ પાયાવિહોણા અને ઘટિયા છે’

જ્યારે અમે પાછા હરિદ્વાર જવાના રસ્તાથી પાછા ફરી રહ્યા હતા તો અમારી નજર ભગવાન ગણેશની તસવીર લાગેલા બંધ પડેલા ‘ન્યૂ ગણપતિ ટૂરિસ્ટ ઢાબા નંબર-1’ પર પડી. અહીં બઝેડી ગામના રહેવાસી વસીમ મળ્યા, જે અહીં એક મૅનેજર તરીકે કાર્યરત છે.

વસીમે કહ્યું કે, “આ હોટલ લગભગ દસ વર્ષથી આજ નામે ચાલે છે. જમીન બાગોવાળા રહેવાસી નસીમ અહમદની છે. પહેલાં આને વીરપાલ ચલાવતા હતા. એમણે અમને સોંપી દીધી. દેવાના લીધે લગભગ બે વર્ષ પહેલાં મેં હોટલ અમારા ઓળખીતા પુષ્પરાજ સિંહ ઉર્ફ સોનૂને વેચી દીધી.”

વસીમ કહે છે કે, “પુષ્પરાજના કહેવા પર હું હોટલ સંભાળી જરૂર રહ્યો છું, પરંતુ માલિક એ જ છે. હવે કાવડયાત્રા દરમિયાન એક વિવાદ થઈ ગયો. અમુક સત્તાધીશો આવ્યા અને ના પાડવા લાગ્યા, કે તમે મુસલમાન છો. એ કારણે આ નામ અને આ ફોટોને લગાવી હોટલ ન ચલાવી શકો.”

વસીમ કહે છે કે, “અમારી હોટલ દુશ્મનાવટના કારણે બંધ કરાવવામાં આવી. તમામ સ્ટાફ હિંદુ છે. કાવડ દરમિયાન બે-ચાર રૂપિયા કમાણીનો સમય હતો, પરંતુ અમારા લીધે માલિકનું એક-દોઢ લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું.”

વસીમ એમ પણ કહે છે કે, “સંતોષ નામના કર્મચારીએ હોટલ બંધ થઈ તો બહાર ચાની લારી ખોલી નાખી, પરંતુ પોલીસે એને પણ બંધ કરાવી દીધી.”

હિંદુવાદી સંગઠનોના આરોપો પર વસીમ કહે છે કે, “સમગ્ર સ્ટાફ હિંદુ છે. તેઓ એમ કઈ રીતે ખાવામાં કશુંક ભેળવી શકે? તમામ આરોપો ખોટા છે, પાયાવિહોણા છે અને ઘટિયા છે. એવું ન હતું અને ન હશે.”

હોટલનું નામ બદલવા અને ફોટો દૂર કરવાના સવાલ પર વસીમ કહે છે, “હું તો કર્મચારી છું. માલિક જ જાણે કે બંધ કરશે કે ચલાવશે. જોકે મારા મતે લાગતું નથી કે તેઓ નામ બદલશે. નામ તો કદાચ આજ રહેશે. કારણ કે એ પોતે પણ હિંદુ છે. તો શું તેઓ દેવી-દેવતાઓની તસવીરો ન લગાવે?”

‘મુસલમાન પોતાના નામ પર વેપાર કરે, અમને કોઈ મુશ્કેલી નથી’

આ રસ્તા પર આજ હોટલથી મળતા નામ ગણપતિ ટૂરિસ્ટ ઢાબા નંબર-1 છે. આ હોટલના મોટા-મોટા હોર્ડિંગ અને બોર્ડ લાગેલા છે. તમામ પર ‘ગુપ્તાજી’નો ફોટો લાગેલો છે.

અમે હોટલ માલિકની સાથે વાત કરી તો એ બોલ્યા, “મારા મતે મુસલમાનોએ પોતાના નામે હોટલનું નામ રાખવું જોઈએ. મુસલમાનોએ હિંદુઓના નામ પર હોટલ ખોલેલી છે. તેઓ પોતાનું નામ રાખે. પછી એ ગમે તે હોય. આ ખોટું જ તો છે. સરકારે આના પર ઍક્શન લેવી જોઈએ.”

ગુપ્તા કહે છે,“અમારી ગણપતિ હોટલ છે. મુસલમાનોએ પણ પોતાની હોટલનું નામ ગણપતિ જ લગાવેલું છે. નામ બદલીને કામ કરે છે. પોતાને લાલા ગણાવે છે. આવી અનેક હોટલ છે.”

પોતાનું સંપૂર્ણ નામ કહેવાની ના પાડતા ‘ગુપ્તાજી’ કહે છે, “હિંદુ સ્ટાફ રાખવાનો કોઈ અર્થ નથી. પોતાનું નામ રાખે ને, ક્યાં તો પછી પ્રોપરાઇટરમાં પોતાનું નામ લખે જેથી લોકોને ખબર રહે. પછી અમને કોઈ મુશ્કેલી નથી.”

ભારતનું બંધારણ તમામને બરાબરનો અધિકાર આપે છે અને દરેક નાગરિક પાસે વેપાર કરવાનો અધિકાર છે. પછી કોઈને અન્યના વેપારથી શું મુશ્કેલી હોઈ શકે?

આ સવાલ પર ગુપ્તાજી દાવો કરે છે કે, “મુસલમાન નામ બદલીને છેતરપિંડી કરે છે. ખાવામાં થૂંકી દે છે. આ પ્રકારની હોટલ બંધ થઈ હતી. એ પાછી ખુલી ગઈ છે. અમારી આસપાસ પણ એવી ઘણી હોટલ છે.”

જોકે આ પ્રકારના આરોપોના સમર્થનમાં કોઈ પૂરાવા રજૂ નથી કરી શકતા અને બીબીસી આ પ્રકારના દાવાની પુષ્ટિ નથી કરતું. તેઓ એ જરૂર કહે છે કે સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો આવતા રહેતા હોય છે.

તેઓ કહે છે,”બધાં જ પોતાના વેપારને પોતપોતાના નામે ચલાવે. રોજગાર બધાંને જોઈએ છીએ, પરંતુ આ ખોટું થઈ રહ્યું છે. અમારા ભગવાનના નામ પર કેમ કરવામાં આવી રહ્યું છે? જેને માનો છો એ નામ પરથી હોટલ ચલાવો, પછી અમને કોઈ સમસ્યા નથી.”

મુસલમાનોના શાકાહારી ઢાબાઓની વિરુદ્ધ અભિયાન

મુઝફ્ફરનગરમાં મુસલમાનોના શાકાહારી ઢાબાઓ વિરુદ્ધ સ્વામી યશવીરે અભિયાન ચલાવ્યું છે. સંત હોવાનો દાવો કરનારા સ્વામી યશવીરનો આશ્રમ બઘરામાં છે.

સ્વામી યશવીર દાવો કરે છે કે, “અનેક મુસલમાનોની એવી હોટલ છે, જે હિંદુઓ અને હિંદુ દેવી-દેવતાઓનાં નામ પર છે. યાત્રા દરમિયાન હિંદુ નામ અને ફોટો જોઈ આ હોટલો પર ખાવાનું ખાય છે.”

સ્વામી યશવીરે એવાં અનેક ઉદાહરણ આપ્યા અને બોલ્યા, “આ લોકો ખાવામાં થૂંકી પણ રહ્યા છે અને મૂત્ર પણ કરી રહ્યા છે. તો આવા જિહાદિઓ પર અમે વિશ્વાસ નથી કરી શકતા.”

સ્વામી યશવીરે આ હોટલો પર ખાવામાં થૂંકવા, મૂત્ર કરવા અને ગાયનું માંસ નાખવાને લઈને આશંકા પણ વ્યક્ત કરી.

યશવીર કહે છે,”એટલે અમે આમના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ લોકો મુસલમાન થઈ હિંદુ અથવા હિંદુ દેવી-દેવતાઓના નામથી નહીં, પરંતુ પોતાના અને પોતાના ધર્મના નામથી હોટલ ચલાવે તો અમને કોઈ વાંધો નથી.”

કાવડયાત્રા દરમિયાન બંધ થયેલી મુસ્લિમ હોટલો પર હિંદુ સ્ટાફને લઈને સ્વામી યશવીર કહે છે, “આ બધું ભ્રમિત કરનારી વાત છે. આ હોટલોના સંચાલક પણ મુસલમાન છે અને સ્ટાફ પણ મુસલમાન છે.”

કાવડયાત્રા દરમિયાન બંધ થયેલી હોટલો ફરી ખુલવા પર સ્વામી યશવીર મહારાજ કહે છે, “જો નામ ન બદલાયા તો અમે એ જ હોટલોની બહાર શાંતિ પૂર્વક ધરણાં પ્રદર્શન કરવાનું શરૂ કરી દઈશું.”

ગ્રાહક કઈ હોટલમાં ખાશે એ એમની પસંદ છે, પરંતુ મુઝફ્ફરનગરમાં આ પ્રકારના આરોપો અને અભિયાનના ચાલવાથી એક વર્ગને વેપારથી દૂર કરવામાં આવી રહ્યો છે. આને લઈને મુસલમાન હોટલ માલિકોમાં ચિંતા પણ વ્યાપી ગઈ છે.

આદિલ સવાલ ઉઠાવે છે, “અમે ઘણાં વર્ષોથી આ વેપાર કરીએ છીએ. જો અમારી હોટલ બંધ કરાવવામાં આવી તો અમે આગળ શું કરીશું? અમને પણ વેપાર કરવાનો હક છે. અમે એ નથી સમજી શકતા કે અમારી સાથે આવો ભેદભાવ કેમ થઈ રહ્યો છે?”

બીજી બાજુ સ્વામી યશવીર મહારાજ કાવડ યાત્રા પૂરી થઈ પછી ખુલેલા આ ઢાબાઓની વિરુદ્ધ એકવાર ફરી રસ્તા પર ઊતર્યા છે અને હાલ તેઓ મુઝફ્ફરનગર જિલ્લા અધિકારીની ઑફિસની બહાર પોતાના સમર્થકોની સાથે ભૂખ હડતાલ પર બેઠા છે.