શ્રીલંકા : મુસ્લિમ ડૉક્ટર પર 4,000 બૌદ્ધ મહિલાઓની નસબંધીનો આરોપ લાગ્યો, એ પછી શું થયું?

    • લેેખક, સુનેથા પરેરા
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

નસબંધી થઈ જાય એવી કોઈ ટેબ્લેટ હોય શકે? સ્ત્રીના અંડરવેરમાં લગાવી શકાય એવું કોઈ જેલ (સ્નિગ્ધ પદાર્થ) હોય છે જેનાથી નસબંધી થઈ જાય? કોઈ ડૉક્ટરે સિઝેરિયન ડિલિવરી દરમિયાન મહિલાની ગુપ્ત રીતે નસબંધી કરી હોય એવું તમે સાંભળ્યું છે?

આવી બધી ષડયંત્રકારી વાતો શ્રીલંકામાં મુસ્લિમવિરોધી બૌદ્ધ કટ્ટરપંથીઓમાં સાંભળવા મળી રહી છે.

શ્રીલંકામાં એવી વાતો ફેલાવવામાં આવી રહી છે કે બહુમતિ બૌદ્ધ સમુદાયની મહિલાઓની નસબંધી કરીને શ્રીલંકાના લઘુમતી મુસ્લિમો વસ્તીમાં પોતાનો હિસ્સો વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉત્તર-પશ્ચિમના કુરુનેગલા શહેરના એક ડૉક્ટર પર આ જ સંદર્ભમાં આક્ષેપ કરવામાં આવ્યા છે.

ડૉ. મોહમ્મદ શફીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું,"હું મુસ્લિમ છું અને મારા પર 4,000 બૌદ્ધ મહિલાઓની ગુપ્ત રીતે નસબંધી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો."

ડૉ. શફી પર સિઝેરિયન ડિલિવરી દરમિયાન મહિલાની ફેલોપિયન ટ્યુબને એક સાધન વડે સંકોચીને, એ મહિલાઓને વધુ બાળકોને જન્મ આપતી અટકાવવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2019ની 24 મેએ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આતંકવાદ સંબંધી કાયદા હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.

ડૉ. શફીએ કહ્યું હતું, "મને ગુનેગારો સાથે જેલમાં રાખવામાં આવ્યો હતો. મારા મનમાં સવાલ હતો કે તેઓ મારી સાથે આવું શા માટે કરી રહ્યા છે? હું મારાં પત્ની તથા સંતાનો માટે જીવવા ઇચ્છતો હતો."

ત્રણ બાળકોના પિતા ડૉ. શફીએ જેલના સળિયા પાછળ 60 દિવસ વિતાવ્યા હતા. જુલાઈ, 2019માં અદાલતે તેમને જામીન પર મુક્ત કર્યા હતા, પરંતુ તપાસ ચાલુ હોવાથી તેમને ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા.

શ્રીલંકાના આરોગ્ય મંત્રાલયે પુરાવાના અભાવે, ધરપકડનાં ચાર વર્ષ પછી ડૉ. શફીને નોકરી પર પાછા લીધા હતા.

ઈસ્ટર સન્ડે બૉમ્બ ઘડાકા

શ્રીલંકાની લગભગ 2.2 કરોડ લોકોની વસ્તીમાં લગભગ 70 ટકા બૌદ્ધ, 12 ટકા હિન્દુ, સાત ટકા ખ્રિસ્તી અને લગભગ 10 ટકા મુસ્લિમો છે.

આરોપ મૂકવામાં આવ્યો તે પહેલાં ડૉ. શફીએ તમામ ધાર્મિક સમુદાયના સંખ્યાબંધ દર્દીઓની સારવાર કરી હતી, પરંતુ 2019ની 21 એપ્રિલે, ઈસ્ટર સન્ડેના રોજ શ્રીલંકામાં શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકા થયા હતા અને તેમાં અનેક ચર્ચ તથા હોટેલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં 250થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. તે વિસ્ફોટોને પગલે ડૉ. શફીનું જીવન કાયમ માટે બદલાઈ ગયું હતું.

ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) સાથે સંકળાયેલા કટ્ટરપંથી ઉગ્રવાદીઓના એક જૂથ દ્વારા તે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. અલગતાવાદી તમિલ ટાઇગર સામેનું ગૃહ યુદ્ધ સમાપ્ત થયું તે પછી શ્રીલંકામાં થયેલો આ સૌથી ભયંકર હુમલો હતો.

આ બૉમ્બ ધડાકાઓને પગલે સમગ્ર શ્રીલંકામાં મુસ્લિમ વિરોધી લાગણી ફેલાઈ હતી. તેના વળતા હુમલા તરીકે મસ્જિદો અને મુસ્લિમોનાં ઘરો તથા દુકાનોને સળગાવી દેવામાં આવી હતી. ટોળાએ એક મુસ્લિમને રહેંસી નાખ્યો હતો.

ખોટો આરોપ

ઈસ્ટર સન્ડે બૉમ્બ વિસ્ફોટના એક મહિના પછી 2019ની 23 મેએ મુખ્યધારાના અખબાર ‘ડિવાયના’એ પહેલા પાને એક લેખ પ્રકાશિત કર્યો હતો.

તેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે "તૌહીદ જમાતના ડૉક્ટરે 4,000 સિંહાલી બૌદ્ધ માતાઓની નસબંધી કરી નાખી હોવાની વિગત પુરાવા સાથે જાહેર થઈ છે. ડૉક્ટરની ધરપકડ માટે વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે."

નેશનલ તૌહીદ જમાત જૂથ, બે સ્થાનિક ઇસ્લામી જૂથોમાંનું એક હતું અને ઈસ્ટર સન્ડેના બૉમ્બ ધડાકા માટે મુખ્યત્વે તે જવાબદાર હતું.

પોતાના દાવાના સમર્થનમાં કે ડૉ. શફીની ઓળખ છતી કરવા સંબંધે અખબારે માહિતીનો સ્રોત જણાવ્યો ન હતો, પરંતુ બૌદ્ધ મહિલાઓની નસબંધીના આરોપ સાથે ડૉ. શફી તથા તેમના લોકેશનના ફોટોગ્રાફ્સ ટૂંક સમયમાં ફેસબૂક પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.

ડૉ. શફીએ કહ્યું હતું, "મારા પર કોઈ આક્ષેપ થયો હોય તેવી એ પહેલી ઘટના હતી."

તેમના જણાવ્યા મુજબ, "સોશિયલ મીડિયા પર કરવામાં આવતા ખોટા આક્ષેપોની જાણ કરવા તેમજ પોતાના જીવ પરના જોખમ બાબતે ચિંતા વ્યક્ત કરવા તેમણે, વૉર્ડ કન્સલ્ટન્ટે તથા સાથી વરિષ્ઠ અધિકારીઓએ કુરુનેગલા ટીચિંગ હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. સરથ વીરાબંદરાની મુલાકાત લીધી હતી.

જોકે, ડૉ. વીરાબંદરાએ તેમને જણાવ્યું હતું કે તેમની જવાબદારી હૉસ્પિટલના અંદર બનતી ઘટનાઓ પૂરતી મર્યાદિત છે.

બે દિવસ પછી ડૉ. શફીની ધરપકડ કરવામાં આવી હતી.

ડૉ. શફીએ કહ્યું હતું, "જાહેર શાંતિ ડહોળાય નહીં એટલે પોલીસે વૉરંટ વિના મારી ધરપકડ કરી હતી અને જેલમાં પૂરી દીધો હતો."

‘ઝેરીલાં પ્રસારમાધ્યમો’

ટેલિવિઝન ચેનલોએ આ સમાચાર પ્રસારિત કર્યા અને ખોટા આક્ષેપો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી આ મુદ્દો વધુ ચગ્યો હતો.

ડૉ. શફીએ કહ્યું હતું, "મને ફસાવવામાં આવ્યો હતો. મને સાર્વજનિક રીતે આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ઝેરીલી ટેલિવિઝન ચેનલો અને સોશિયલ મીડિયા પરના ફેક ન્યૂઝે મારું જીવન બરબાદ કરી નાખ્યું હતું."

ડૉ. શફીનાં પત્ની ફાતિમા ઈમારા જે હૉસ્પિટલમાં કામ કરતાં હતાં તે હૉસ્પિટલની બહાર બૌદ્ધ સાધુઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

"મારાં પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેને અમારાં સંતાનોના જીવની ચિંતા હતી," એમ જણાવતાં ડૉ. શફીએ ઉમેર્યું હતું કે "મારાં પત્ની નોકરી ગૂમાવવાની અણી પર હતાં. મારી મોટી દીકરી પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને સ્કૂલે જવા ઇચ્છતી હતી, પરંતુ અમારા પ્રત્યેના લોકોના ગુસ્સાને કારણે અમે એવું કરી શકીએ તેમ ન હતાં."

"એ હતાશ થઈ ગઈ હતી. અમારાં સંતાનોને બીજી સ્કૂલમાં પ્રવેશ અપાવવો પડ્યો હતો."

ડૉ. શફીની ધરપકડ પછી તેમનાં પત્ની અને ત્રણ સંતાનો કોલંબો ચાલ્યા ગયાં હતાં. એ પછી તેમના સંતાનો ત્રણ અલગ-અલગ સ્કૂલોમાં અભ્યાસ કરે છે.

ડૉ. શફીએ કહ્યું હતું, "મારાં પત્ની તથા સંતાનો એક ઠેકાણેથી બીજા ઠેકાણે ભાગતા ફરતાં હતાં. મારાં બૅન્ક અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવાયાં હતાં, એટલે મારી પાસે પૈસા પણ ન હતા."

ડૉ. મોહમ્મદ શફી સામે 2019ની 27 જૂન સુધીમાં લગભગ 800 મહિલાઓએ નિવેદન નોંધાવ્યા હતાં, (જેને હૉસ્પિટલના સત્તાવાળાઓએ ‘ફરિયાદ’ ગણ્યા હતાં) પરંતુ શ્રીલંકાના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગે અદાલતને જણાવ્યું હતું કે ગુપ્ત નસબંધી સંબંધે ડૉ. શફી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

એ ઉપરાંત સરકારી ગુપ્તચર સેવા સહિતની વિવિધ કાયદા અમલીકરણ તથા ગુપ્તચર એજન્સીના અહેવાલમાં પણ જણાવવામાં આવ્યું હતું કે ડૉ. શફી આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તેવો એકેય પુરાવો નથી.

ચૂંટણીપ્રચાર

ભૂતપૂર્વ સંરક્ષણ વડા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્સાના ભાઈ ગોટાબાયા રાજપક્સાએ ઈસ્ટર સન્ડે બૉમ્બ વિસ્ફોટ બાદ જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાગ લેશે અને ઇસ્લામી ઉગ્રવાદનો પ્રસાર અટકાવશે.

નવેમ્બર-2019માં યોજાયેલી ચૂંટણી દરમિયાન મુસ્લિમ-વિરોધી ભાવના ચરમસીમાએ પહોંચી હતી.

ડૉ. શફીએ કહ્યુ હતું, "જાતિવાદ એક વ્યસન છે. કમનસીબે જાતિવાદના વ્યસની લોકો તેના વિશે ગર્વભેર વાત કરે છે. શ્રીલંકાના રાજકારણીઓએ મને બદનામ કર્યો. તે અકલ્પનીય આઘાત છે."

‘નસબંધીની ગોળીઓ અને જેલ’

મુસ્લિમો શ્રીલંકાને કબજે કરવા માટે નસબંધીનાં શસ્ત્રનો ઉપયોગ કરી રહ્યા હોવાની કૌભાંડકારી થિયરીનો ઉલ્લેખ અગાઉ પણ કરવામાં આવ્યો હતો.

2018માં મુસ્લિમ રેસ્ટોરાંના એક માલિકને બૌદ્ધ ગ્રાહકોએ નિશાન બનાવ્યા હતા અને તેમના પર ભોજનમાં ‘નસબંધીની ગોળીઓ’ ઉમેરવાનો આદેશ આપ્યો હતો. તેને પગલે પૂર્વ શ્રીલંકાના અમ્પારામાંના રેસ્ટોરાં તથા મુસ્લિમોની માલિકીની દુકાનો પર બૌદ્ધ ટોળાઓએ હિંસક હુમલા કર્યા હતા.

ડૉ. શફીની ધરપકડ પછી એક અગ્રણી બૌદ્ધ સાધુ વરકાગોડા શ્રી જ્ઞાનરથને, મુસ્લિમો પર પથ્થરમારાનું જાહેરમાં સમર્થન કર્યું હતું અને મુસ્લિમોની માલિકીની દુકાનો તથા ખોરાકનો બહિષ્કાર કરવા બૌદ્ધોને વિનંતી કરી હતી.

બીજો દાવો એવો હતો કે મુસ્લિમોની માલિકીની વસ્ત્રોની દુકાનો મહિલાઓ માટેના અન્ડરગાર્મેન્ટ્સમાં ‘સ્ટરિલાઈઝેશન જેલ’ મૂકી દે છે.

સોશિયલ મીડિયા પર આ અફવા ફેલાતાની સાથે જ બૌદ્ધ કટ્ટરપંથીઓએ મુસ્લિમોની માલિકીની દુકાનોના બહિષ્કારની હાકલ કરી હતી અને તેમાંથી ખરીદી કરતા કેટલાક લોકો પર હુમલા પણ કર્યા હતા.

અમ્પારામાં હિંસાને પગલે સંયુક્ત રાષ્ટ્રસંઘે એવું નિવેદન બહાર પાડવું પડ્યું હતું કે નસબંધીની ગોળીઓ કે જેલ જેવી કોઈ ચીજનું અસ્તિત્વ જ નથી.

મીડિયા નીતિશાસ્ત્ર

શ્રીલંકાના યુવા પત્રકારોના સંગઠન સહિત કેટલાક અન્ય જૂથોએ સ્થાનિક અખબારો, ટેલિવિઝન ચેનલો અને વેબસાઇટ્સ્ના ટિપિકલ રિપોર્ટિંગ સામે અવાજ ઉઠાવ્યો હતો.

યુવા પત્રકારોના જૂથના અધ્યક્ષ થરિન્દુ જયવર્દનાના જણાવ્યા અનુસાર, તે સમયે ઘટના બાબતે બહુ ઓછા વાસ્તવદર્શી ઇન્વેસ્ટિગેટિવ આર્ટિકલ પ્રકાશિત થયા હતા.

બીબીસીએ સ્થાનિક પત્રકારો સાથે વાત કરી હતી, જેમના "ઇન્વેસ્ટિગેટિવ આર્ટિકલમાં બંને બાજુની વાત કરવામાં આવી હતી", તે આર્ટિકલ છપાયા નહોતા. તેઓ કહે છે કે તેમના લેખો ન છપાયા તેનું કારણ હતું કે સંપાદકોને લાગ્યું કે "આનાથી વાચકો ગુસ્સે થશે અને તેની અસર અખબારોના વેચાણ પર થશે."

જયવર્દનેએ જણાવ્યું હતું કે મુખ્યધારાના મીડિયા અને સોશિયલ મીડિયાની ડૉ. શફી વિરુદ્ધની નફરતની ઝુંબેશને કારણે જ બૌદ્ધ સાધુઓએ મુસ્લિમોને પથ્થર મારીને ખતમ કરવાની હાકલ કરી હતી. તે બધું સંપૂર્ણપણે પાયાવિહોણું હતું.

જયવર્ધનેએ ઉમેર્યું હતું, "અમારી તપાસમાં જાણવા મળ્યું હતું કે જે મહિલાઓએ ડૉ. શફી વિરુદ્ધ નિવેદન નોંધાવ્યાં હતાં, એ પૈકીની 168 સ્ત્રીઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડી હતી."

"અન્ય આ સમાચાર સાંભળીને આગળ આવી હતી. તેઓ માત્ર પોતાની તપાસ કરાવવા ઇચ્છતી હતી. અમારી પાસે તમામ ફરિયાદીનાં નામની યાદી છે અને ડૉ. શફીની ધરપકડ પછી એ પૈકીની લગભગ 120 મહિલાઓએ સંતાનોને જન્મ આપ્યો હોવાની પુષ્ટિ થઈ હતી."

નિર્દોષ પૂરવાર થયા

આક્ષેપોને સમર્થન આપતા પુરાવાના અભાવે ડૉ. શફીએ મે, 2023થી કુરુનેગલા ટીચિંગ હૉસ્પિટલમાં પોતાનું કામ ફરીથી શરૂ કર્યું હતું.

તેમને ત્રણ વર્ષના બાકી પગાર પેટે 27 લાખ રૂપિયા મળ્યા હતા, જે ડૉ. શફીએ બહુ જરૂરી દવાઓ ખરીદવા માટે આરોગ્ય મંત્રાલયને દાનમાં આપી દીધા હતા.

શ્રીલંકામાં આર્થિક સંકટ હોવાથી દેશના ઘણા ડૉક્ટર સારા જીવનની શોધમાં સ્થળાંતર કરી રહ્યા છે, પણ ડૉ. શફી કુરુનેગેલા ટીચિંગ હૉસ્પિટલમાં કામ કરતા રહેવા પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું હતું, "મારા પરિવારના સભ્યો મને એવું ન કરવાનું કહે છે, પરંતુ મારી નિર્દોષતા પુરવાર કરવાનો એકમાત્ર માર્ગ એ જ હૉસ્પિટલમાં પાછા ફરીને એ જ પદ પર કાર્યરત રહેવાનો છે."