ફણસ : એ ફળ જે પાયમાલ થઈ ગયેલા દેશમાં લોકોનો જીવ બચાવી રહ્યું છે

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ (શ્રીલંકાથી) અને સુનીત પરેરા (યુકેથી)
    • પદ, બીબીસી ન્યૂઝ

મોંઘવારી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલ શ્રીલંકાના લોકો માટે ફણસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

ત્રણ બાળકોના પિતા અને મજૂરી કરતા કરુપ્પઇયાકુમાર પ્રમાણે ફણસે તેમના જેવા લાખો લોકોને જીવતા રાખ્યા છે.

એક સમયે નકામું ગણાતું આ ફળ હાલ ત્યાંના લોકો માટે એક ખૂબ મહત્ત્વપૂર્ણ આશરા સમાન છે. બજારમાં પણ હાલ ફણસ 20 રૂપિયા (શ્રીલંકન રૂપિયા) પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.

40 વર્ષીય કરુપ્પઇયાકુમાર જણાવે છે કે, “આ આર્થિક સંકટ અગાઉ, ગમે તે વ્યક્તિ ચોખા અને રોટી ખરીદી શકતી. પરંતુ ખાદ્ય પદાર્થ મોંઘા હોવાને કારણે હવે અસંખ્ય લોકો દરરોજ ફણસ જ ખાઈ રહ્યા છે.”

ભોજન પર ખર્ચાય છે આવકનો 70 ટકા ભાગ

શ્રીલંકામાં હાલ કુલ વસતિના ત્રીજા ભાગના લોકો ભોજનના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. દેશની અડધોઅડધ વસતિ આ સંકટનો સામનો કરી રહી છે અને પોતાની આવકનો 70 ટકા કરતાં વધુ ભાગ ભોજન પર ખર્ચ કરવા મજબૂર બની છે.

ત્રણ બાળકોનાં માતા અને 42 વર્ષીય નદિકા પરેરા જણાવે છે કે, “હવે અમે અગાઉની માફક દિવસમાં ત્રણ વખત ભોજન ન લઈને માત્ર બે વખત જ જમીએ છીએ. ગત વર્ષ સુધી 12 કિલોગ્રામવાળા રસોઈ ગૅસના સિલિન્ડરની કીમત પાંચ ડૉલર હતી.”

ધુમાડાના કારણે આંખમાંથી સતત નીકળી રહેલાં આંસુ લૂછતાં તેઓ કહે છે કે સિલિન્ડરના ભાવ હવે વધીને બમણા થઈ ગયા છે. આવી સ્થિતિને કારણે ભોજન રાંધવા માટેની પરંપરાગત રીત જ એકમાત્ર વિકલ્પ છે.

2022માં ઇતિહાસના સૌથી વિકટ નાણાકીય સંકટ સામે ઝઝૂમ્યા બાદ શ્રીલંકામાં લોકોની આવકમાં ઘટાડો થયો અને ખાદ્ય પદાર્થના ભાવો વધી ગયા. ગત વર્ષે 9 જુલાઈના રોજ, ઘણા મહિનાથી સતત વીજકપાત અને ઈંધણની અછતથી કંટાળેલા લોકોએ તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના સરકારી આવાસ પર કબજો કરી લીધો હતો. જેના કારણે તેમણે પોતાનું ઘર મૂકીને નાસી છૂટવું પડ્યું હતું.

જોકે, એ બાદ સરકાર આઇએમએફ પાસેથી બેલઆઉટ પૅકેજ મેળવવામાં સફળ રહી હતી. છતાં પણ દેશમાં હવે ગરીબીનો દર અગાઉની સરખામણીએ બમણો થઈ ગયો છે.

નદિકા તેમનાં પતિ અને બાળકો સાથે પાટનગર કોલંબોમાં બે બેડરૂમવાળા મકાનમાં રહે છે. તેઓ નેશનલ કૅરમ ચૅમ્પિયનશિપનાં ભૂતપૂર્વ ઉપવિજેતા રહી ચૂક્યાં છે, છતાં તેઓ હાલ પૈસાની તંગીનો સામનો કરી રહ્યાં છે.

કૅરમ એશિયામાં એક લોકપ્રિય રમત છે, પરંતુ હાલની પરિસ્થિતિને કારણે રેફરી તરીકે તેમને થતી કમાણી બંધ થઈ ચૂકી છે. તેમના પતિ હવે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ભાડે ટૅક્સી ચલાવે છે.

નદિકા કહે છે કે, “માંસ કે ઈંડાંની કીમત અગાઉની સરખામણીએ છ ગણી સુધી વધી ચૂકી છે, જેથી એ ખરીદવાનું પરવડતું નથી. બાળકોને બસ મારફતે સ્કૂલે મોકલવાનું પણ મોંઘું પડતું હોઈ હવે તેઓ પણ ઘણી વાર સ્કૂલે નથી જઈ શકતાં.”

તેઓ એક દિવસ ગૅસ અને વીજળી સસ્તાં થશે એવી આશા સાથે પ્રાર્થના કરે છે.

શ્રીલંકામાં મોંઘવારીનો દર હવે ઘટ્યો છે. ફેબ્રુઆરીમાં આ દર 54 ટકા હતો, જે જૂનમાં ઘટીને 12 ટકા થયો. તેમ છતાં વધેલી કીમતોને અંકુશમાં લાવવા માટે સરકારે હજુ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગામડાંમાં રહેતા લોકોની મુશ્કેલી

કોલંબોથી 160 કિલોમિટર દૂર દક્ષિણ દિશામાં રબર અને ચાના બગીચાથી ખીચોખીચ ભરાયેલી ટેકરીઓ વચ્ચે રત્નપુરા શહેર વસેલું છે. ત્યાંના નિવાસી કરુપ્પઇયાકુમાર પેટિયું રળવા માટે નારિયેળી પર ચઢે છે. એક વૃક્ષ પર ચઢવા બદલ તેમને 200 શ્રીલંકન રૂપિયાનું મહેનતાણું મળે છે. તેઓ કહે છે કે, “મોંઘવારી ખૂબ વધુ છે. મારે મારાં બાળકોના ભણતરનું પણ ધ્યાન રાખવાનું છે. આવી સ્થિતિને કારણે મારી પાસે ભોજન માટે ખૂબ ઓછા પૈસા બચે છે.”

કરુપ્પઇયાનાં પત્ની રબર ટૅપિંગનું કામ કરે છે. આ કામ માટે તેમણે રબરના વૃક્ષ પર નળી માફક કાપો મૂકીને રબરનું દૂધ કાઢવાનો ઉપાય કરવાનો હોય છે. પરંતુ વરસાદને કારણે હાલ એ કામ બંધ થઈ ગયું છે.

પોતાના કામ સાથે સંકળાયેલાં જોખમો અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “ભલે વરસાદ પડતો હોય, પરંતુ હું મારા પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે કામે ન જવાની સ્થિતિ બરદાશ ન કરી શકું.”

રત્નપુરા પાસે જ પલેંડા નામક એક ગ્રામીણ વિસ્તાર છે. અહીં લગભગ 150 પરિવાર રહે છે, જે પૈકી મોટા ભાગના ખેડૂત અને મજૂર છે. ત્યાંની સરકારી પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ અને કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓનું વજન માપી રહ્યા છે. ત્યાંના પ્રિન્સિપાલ વજીર ઝહીર કહે છે કે, “અહીંનાં મોટા ભાગનાં બાળકો એવા પરિવારોમાંથી આવે છે જેઓ ગત વર્ષે ગરીબીરેખા નીચે પહોંચી ગયાં હતાં. તેથી અમે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. જેમાં દર અઠવાડિયાનાં બે ઈંડાં પણ સામેલ હતાં.”

પ્રિન્સિપાલ કહે છે કે તેમની સ્કૂલનાં લગભગ અડધોઅડધ બાળકો ઓછું વજન ધરાવતાં કે કુપોષિત છે. પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલ આર્થિક સંકટની દેશની સ્વાસ્થ્યપ્રણાલી પર નકારાત્મક અસર પડી છે.

શ્રીલંકાની 2.2 કરોડની વસતિને મફત સ્વાસ્થ્યસુવિધા અપાય છે. શ્રીલંકા તેની જરૂરિયાત માટેની 85 ટકા દવા આયાત કરે છે. તેથી જ્યારે આર્થિક સંકટને કારણે મુદ્રાભંડારમાં ઘટાડો થયો તો તેના કારણે દેશમાં જરૂરી દવાની અછત પણ સર્જાઈ.

કેન્ડીના ટોચના રાજ્યશાસ્ત્રી 75 વર્ષીય પ્રો. મોઆ ડિ ઝોયસા પર આવી સ્થિતિની સીધી અસર પડી. તેમણે પોતાની ફેફસાંની બીમારી ‘ફાઇબ્રોસિસ’ના ઇલાજ માટે ભારતથી દવા ખરીદવા માટે સંઘર્ષ કરવો પડ્યો. આના કારણે નવ માસ અગાઉ તેમનું મૃત્યુ નીપજ્યું.

બીમાર લોકો અત્યંત પરેશાન

તેમનાં પત્ની માલિની ડી ઝોયસા જણાવે છે કે, “તેઓ આ સ્થિતિના કારણે હતાશ હતા, છતાં તેઓ તેમનું પુસ્તક લખતા રહ્યા. તેમની સ્થિતિમાં સરળતાથી સુધારો ન થવાના કારણે તેમને સમજાઈ ગયું હતું કે તેઓ મરવાના છે.”

તેઓ કહે છે કે, “પરંતુ જો સ્થિતિ સામાન્ય હોત તો તેમના અંતના અમુક મહિના ઓછા તાણભર્યા બની શક્યા હોત. તેમના મૃત્યુ બાદ મસમોટા દેવાના બોજાની ચુકવણી માટે અમારે ઘણું ઝઝૂમવું પડ્યું.”

કોલંબોની એકમાત્ર સ્પેશિયાલિસ્ટ કૅન્સર હૉસ્પિટલમાં પણ આ દર્દભરી સ્થિતિ પ્રતિબિંબિત થતી જોવા મળી. આ હૉસ્પિટલની અંદર બેઠેલાં 48 વર્ષીય સ્તન કૅન્સરનાં રોગી રમાની અશોકા અને તેમના પતિ ગત મહિને થનારી બીજા રાઉન્ડની કીમોથૅરપીને લઈને પરેશાન છે.

રમાની અશોકા કહે છે કે, “અત્યાર સુધી અહીં હૉસ્પિટલ તરફથી મફત દવા મળતી હતી. અહીં સુધી મુસાફરી કરવાનું ઘણું મોંઘું છે. હવે અમારે દવા દુકાનેથી ખરીદવાની રહેશે, કારણ કે હૉસ્પિટલમાં દવાનો સ્ટૉક નથી.”

શ્રીલંકાના સ્વાસ્થ્યમંત્રી રામબુવેલા પ્રમાણે તેમને મોંઘી દવા અને તેની અછતની સ્થિતિની જાણ છે, પરંતુ આ તાત્કાલિક નિવારણ લાવી શકાય એવી સમસ્યા નથી.