You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ચાર-ચાર વર્ષથી નાહ્યા નહીં', જંગલી હાથીઓ વચ્ચે રહેતા પૂર્વ લડવૈયાનો કેવી રીતે બચાવ થયો?
- લેેખક, રંજન અરુણ પ્રસાદ
- પદ, બીબીસી તામિલ
'લિબરેશન ટાઇગર્સ ઑફ તામિલ ઈલમ'ના એક લડાકુ અંદાજે ચાર વર્ષ સુધી જંગલમાં એકલા રહેતા હતા.
તેઓ શ્રીલંકાના જાફનામાં છેલ્લાં ચાર વર્ષથી બટ્ટીકલોઆ જિલ્લાના પટ્ટીપલાઈ વિસ્તારના તંદમલાઈ વનક્ષેત્રમાં એકલા રહેતા હતા.
શ્રીલંકાની રાજકીય પાર્ટી 'ક્રુસેડર્સ ફૉર ડૅમોક્રેસી'ના ઉપાધ્યક્ષ એન. નાગુલેશે બીબીસી સાથે આ વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું, "જંગલમાંથી પસાર થતા લોકો તેમને બાલા કહેતા હતા."
તેઓ તંદમલાઈ વિસ્તારના રેડપના ગામ પાસે એક વનક્ષેત્રમાં એક તંબુ બાંધીને રહેતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મોટા ભાગે તેઓ ફળ ખાઈને પેટ ભરતા હતા.
જંગલમાંથી પસાર થતા લોકો તેમને ખાવાની વસ્તુઓ આપતા હતા, જેને પોતાના તંબુમાં લાવીને ધોયા વગરનાં વાસણોમાં પકવીને ખાતા હતા.
નાગુલેશે કહ્યું, "તેઓ એકદમ ગંદકીમાં રહેતા હતા. વાસણમાં ભોજન પકવ્યા બાદ તેને ધોયા વગર છોડી દેતા હતા. ફરી વખત એ જ વાસણમાં ભોજન પકવતા. તેઓ માછલી અને ભાત સાથે પકવીને ખાતા હતા."
'વાત કરવામાં ત્રણ દિવસ લાગ્યા'
ચાર વર્ષથી જંગલમાં ઠીક રીતે ઊંઘ્યા કે નાહ્યા વગર રહેતા બાલાને ગંભીર સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વચ્ચે થોડાક સમય માટે બાલા સાથે કેટલાક લોકો હતા પણ તેઓ કોઈને કંઈ કહ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા હતા.
નાગુલેશે કહ્યું કે જંગલમાં હાથીઓનો ખતરો હોવા છતા બાલા એ જ વિસ્તારમાં રહેતા હતા.
તેમણે આગળ કહ્યું, "પાર્ટીના સભ્યોએ મને તેમની સ્થિતિ વિશે કહ્યું. બાદમાં અમે ત્યાં ગયા. જોકે, શરૂઆતમાં તેમની સાથે વાત કરવી ઘણી મુશ્કેલ હતી."
આ મુશ્કેલી વિશે નાગુલેશ જણાવે છે, "અમને તેમની સાથે વાત કરવામાં ત્રણ દિવસ લાગ્યા. પહેલા દિવસે તો તેઓ અમને જોઈને ભાગી ગયા. પણ અમે ત્યાંથી હઠ્યા નહીં."
"બીજા દિવસે અમે તેને બૂમ પાડી અને કહ્યું કે મુલ્લૈતિવુમાં તેઓ અમારી સાથે હતા અને અમે તેમને સારી રીતે ઓળખીએ છીએ. અમારી ઓળખ આપ્યા બાદ તેઓ સમજી ગયા હતા અને ધીરેધીરે અમારી પાસે આવ્યા."
જોકે, તેમણે ચેતવણી આપી હતી કે કોઈને તેમની નજીક ન આવવા દેવામાં આવે. ત્યાર પછી નાગુલેશ અને બાલા વચ્ચે વાતચીત શરૂ થઈ.
સોશિયલ મીડિયામાં ખોટી માહિતી
નાગુલેશ કહે છે, "અમે બાલાને તેમના વાળ કપાવવા માટે પૂછ્યું પણ તેમણે તરત ના પાડી દીધી."
બાલાએ તેમને પૂછ્યું હતું કે શું તેઓ પણ એલટીટીઈના લડવૈયા છે? તો જવાબમાં નાગુલેશે હકારમાં જવાબમાં આપ્યો હતો અને કહ્યું હતું કે જો તમે તમારી સમસ્યાઓ જણાવશો તો અમે ચોક્કસ તેનું સમાધાન શોધી આપીશું.
ત્રણ દિવસ સુધી સાથે રહ્યા બાદ અંતે બાલા તેમની સાથે જવા તૈયાર થયા હતા. નાગુલેશે ઍમ્બ્યુલન્સ બોલાવી અને બાલાને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.
નાગુલેશ કહે છે, "હાલ તેમની સાથે પાર્ટીના એક કાર્યકર છે. જે તમામ બાબતો પર ધ્યાન રાખી રહ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેમની તબિયત સુધારા પર છે."
નાગુલેશ કહે છે કે સોશિયલ મીડિયામાં બાલા વિશે ઘણી ખોટી માહિતી ફેલાઈ રહી છે.
તેઓ જણાવે છે, "બાલા વિશે ઘણા ખોટા વીડિયો શૅર કરાઈ રહ્યા છે. લોકો તેમના પર આંતરરાષ્ટ્રીય સમુદાયો પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવી રહ્યા છે."
તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર કરાઈ રહેલી બદનામીથી પૂર્વ લડવૈયા અને તામિલ સંઘર્ષ બદનામ થઈ રહ્યા છે. આ સાથે નાગુલેશે લોકોને બાલાનું જીવન વધુ સાર બનાવવા અને તેમને આગળ વધવામાં મદદ કરવા અપીલ કરી હતી.