You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શરીરના કયા ભાગે ટૅટૂ કરાવવાથી સૌથી વધુ પીડા થાય છે?
- છૂંદણાં અર્થાત કે ટૅટૂ સદીઓથી માનવ સભ્યતાનો એક ભાગ રહ્યો છે.
- ટૅટૂ બનાવવાની પ્રક્રિયા પીડાદાયી હોય છે.
- ટૅટૂ કરાવતી વખતે એક વ્યક્તિ જે પીડા અનુભવે છે, તે જરૂરી નથી કે બીજી વ્યક્તિ પણ તેવી જ પીડા અનુભવે. પીડાનું પ્રમાણ વિવિધ લોકોની સંવેદનશીલતા પર આધાર રાખે છે.
- સંશોધકો માને છે કે શરીરના જુદા જુદા ભાગોમાં ટૅટૂ બનાવતી વખતે અલગ અલગ તીવ્રતા અલગ અલગ હોય છે.
- શરીરનું સૌથી અંગ ગણાતી ત્વચા દર 28 દિવસોમાં બદલાઈ જાય છે, તો ત્વચા પર કરવામાં આવેલાં ટૅટૂનો રંગ કેમ નથી બદલાતો?
છૂંદણાં અર્થાત કે ટૅટૂ સદીઓથી માનવ સભ્યતાનો એક ભાગ રહ્યો છે. આજકાલ યુવા વર્ગમાં શરીરના વિવિધ અંગો પર ટૅટૂ પડાવવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. અમદાવાદ, વડોદરા જેવાં મહાનગરોમાં નવા-નવા અને અદ્યતન ટૅટૂ સ્ટુડિયો ખૂલી રહ્યા છે. ઘણા ગુજરાતીઓ ગોવા જઈને શરીર પર ટૅટૂ બનાવી આવે છે.
આ સ્થિતિમાં શરીરના કયા ભાગમાં ટૅટૂ બનાવવું વધુ પીડાદાયક હોય છે એ બાબત જાણી લેવી જરૂરી છે.
બ્રિટિશ સાયન્સ ઍન્ડ બાયૉલૉજીનાં અધ્યાપક નતાલી વિલ્સરે તેમના હાથ પર આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું ટૅટૂ બનાવ્યું છે. તેમણે તેના પગ પર, કાંડા પર અને પગની ઘૂંટીઓ પર પણ અલગ-અલગ ડિઝાઇનનાં ટૅટૂ કરાવ્યાં છે.
આ બધા ટૅટૂમાં, તેમનાં માટે સૌથી વધુ પીડાદાયક હતું પગે અને પગની પિંડી પર ટૅટૂ કરાવવાનું.
તેમણે બીબીસીના પૉડકાસ્ટ 'ટીચ મી અ લેસન'ને કહ્યું, "દર્દ આપણી જાતને સુરક્ષિત કરવાની એક રીત છે અને ચેતા (જ્ઞાનતંતૂઓ)ને કારણે પીડાનો અનુભવ થાય છે."
તેમણે પૉડકાસ્ટ પ્રેઝન્ટર્સ બેલા મૅકી અને ગ્રેગ જેમ્સને કહ્યું, "શરીરના જે ભાગમાં ઓછી ચરબી અને વધુ ચેતા હોય છે તે ભાગ ટૅટૂ કરાવવા માટે સૌથી વધુ પીડાદાયક હોય છે."
નતાલી કહે છે, "પગની પિંડી અને પગની ઘૂંટીઓ સિવાય, આર્મ-પિટ્સ (બગલ), ખભા અને પાંસળીની નજીકનો વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ હોય છે. જો કે તે જે તે વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તેના શરીરનો કયો ભાગ વધુ સંવેદનશીલ છે."
તેમણે કહ્યું, "જે સમયે શરીરના જે ભાગમાં ટૅટૂ કરવામાં આવે છે, એટલે કે જે સમયે સોય ત્વચાને પંચર કરતી હોય છે, તે સમયે ચેતા મગજને પીડાનો સંદેશ મોકલે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ એ સમજવું જરૂરી છે કે ટૅટૂ કરાવતી વખતે એક વ્યક્તિ જે પીડા અનુભવે છે, તે જરૂરી નથી કે બીજી વ્યક્તિ પણ તેવી જ પીડા અનુભવે. પીડાનું પ્રમાણ વિવિધ લોકોની સંવેદનશીલતા પર આધાર રાખે છે.
તેઓ વધુમાં કહે છે કે એક વ્યક્તિની સહન કરવાની ક્ષમતા પણ બીજી વ્યક્તિની સહન કરવાની ક્ષમતાથી અલગ છે. આ કિસ્સામાં, પીડાનું પ્રમાણ અલગ-અલગ હોઈ શકે છે.
પહેલું ટૅટૂ 5000 વર્ષ જૂના આઇસમૅનના શરીર પર જોવા મળ્યું
છૂંદણા અર્થાત કે ટૅટૂ સદીઓથી માનવ સભ્યતાનો એક ભાગ રહ્યો છે. વિશ્વના જુદા જુદા ભાગોમાં અલગ-અલગ નામે ટૅટૂ કરાવવાની પરંપરા રહી છે. પરંતુ દુનિયાનું સૌથી જૂનું જ્ઞાત ટૅટૂ ઉત્ઝીના શરીર પર મળી આવ્યું હતું. જેને હિમપુરુષ (આઈસમૅન) પણ કહેવામાં આવે છે.
વર્ષ 1991માં આ મમી ઇટાલીના આલ્પ્સ ક્ષેત્રના એક દૂરના વિસ્તારમાંથી મળી આવ્યું હતું. તે 5000 વર્ષથી બરફમાં દટાયેલું હતું.
નતાલી સમજાવે છે, "ઉત્ઝીનું ટૅટૂ બહુ નાનું હતું. તે બિંદુઓ અને રેખાની મદદથી બનેલી આકૃતિ જેવું હતું. માનવ-વિજ્ઞાનીઓ માને છે કે તે કેટલાક તબીબી હેતુ માટે ઍક્યુપંક્ચરની સારવારના નિશાન પણ હોઈ શકે છે."
તેઓ આગળ કહે છે, "તે જાણવું રસપ્રદ અને આશ્ચર્યજનક છે કે પથ્થર યુગમાં અને ધાતુ યુગમાં તે સમયે પણ લોકો ટૅટૂનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા હતા અને લોકો તેનો એકદમ યોગ્ય રીતે ઉપયોગ કરતા હતા."
ત્યારબાદ ટૅટૂ ધીમે ધીમે કહાણીઓ કહેવાની રીત બની ગઈ.
નતાલી અનુસાર, "દંતકથા અનુસાર કૅપ્ટન જેમ્સ કૂક 18મી સદીના અંતમાં ઘણા લોકોને મળ્યા હતા. પેસિફિકમાં તેમના પ્રવાસ દરમિયાન તેઓ જેમણે શરીર પર ટૅટૂ પડાવ્યાં હતાં તેવા ઘણા લોકોને મળ્યા હતા. તેમના ક્રૂના 90 ટકા સભ્યોએ પ્રવાસ દરમિયાન મળેલા અનુભવોની યાદ યાદ રૂપે ટૅટૂ કરાવ્યાં હતાં."
નતાલી કહે છે, "બ્રિટિશ નૌકાદળના સૈનિકોને આ પરંપરા વારસામાં મળી હતી અને તેઓએ તેમના પ્રવાસમાં ટૅટૂ બનાવવાનું શરૂ કર્યું હતું. તેઓ ટૅટૂ બનાવવા માટે પેશાબ અને ગનપાઉડરનો ઉપયોગ કરતા હતા."
ટૅટૂ મશીન 19મી સદીના અંતમાં અસ્તિત્વમાં આવ્યું હતું. જે વાસ્તવમાં થૉમસ એડિસનના પ્રિન્ટર પર આધારિત હતું.
"એ મશીન 1875માં બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી લઈને આધુનિક મોડેલમાં બહુ બદલાવ આવ્યો નથી. તેમાં લગાડેલી સોય આજે પણ એક મિનિટમાં 50થી 3,000 વખત ત્વચાને વીંધે છે."
શરીરની ત્વચા બદલાઈ જાય પણ ટૅટૂનો રંગ કેમ નથી બદલાતો?
ત્વચા શરીરના આંતરિક ભાગો માટે આવરણ તરીકે કામ કરે છે. દર 28 દિવસે આપણી ત્વચા નવી બની જાય છે.
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જો ત્વચા નવી બની જાય છે તો પછી ટૅટૂનો રંગ એવો જ કેમ રહે છે?
પ્રોફેસર વિલ્સર અનુસાર ત્વચાના ત્રણ મુખ્ય સ્તર હોય છે. સૌથી બહારની એપિડર્મિસ ત્વચા, જ્યાં રક્ત-વાહિનીઓ, પરસેવાની ગ્રંથિઓ, રોમ-છિદ્રો અને ચેતાઓ હોય છે તે મધ્યમાં આવેલી ડર્મિસ ત્વચા. સૌથી અંદરનું સ્તર હાઇપોડર્મિસ સ્તર છે.
તેઓ કહે છે, "ટૅટૂની શાહી ત્વચાના તે ભાગમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, જ્યાં ચેતા હોય છે. ટૅટૂનો રંગ એટલે ફિક્કો નથી પડતો કારણ કે તે બાહ્ય ત્વચા દ્વારા રક્ષિત હોય છે."
નતાલી કહે છે કે જ્યારે શાહી ઇન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારે ચેતા મગજને સંદેશો મોકલે છે કે તેમને ઈજા થઈ રહી છે. ત્યારબાદ મગજ શરીરના તે ભાગનો સંદેશ પ્રાપ્ત કરે છે અને રક્ષણાત્મક વલણ અપનાવતા અને શ્વેત-રક્ત-વાહિનીઓ (શ્વેતકણો)ને તે સ્થાનનું રક્ષણ કરવા સૂચના આપે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો