એ મુસલમાન તરવૈયા, જે જીવના જોખમે કાવડિયાઓને નદીમાં ડૂબતા બચાવે છે

    • લેેખક, શહબાઝ અનવર
    • પદ, બીબીસી માટે

ભારતનાં અલગઅલગ રાજ્યોમાંથી આવતા કાવડયાત્રી દર વર્ષે ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાંથી પસાર થાય છે.

આ કાવડયાત્રીઓ પોતાની યાત્રામાં યમુનામાં સ્નાન કરે છે અને અહીં રહેતા મુસલમાન તરવૈયા તેમની રક્ષા કરે છે.

આ કહાણી એ મુસલમાન તરવૈયાની છે જે અંદાજે દસ વર્ષથી કાવડયાત્રાળુઓ માટે યમુનાસ્નાનને સુરક્ષિત બનાવી રહ્યા છે.

આ મુસ્લિમ મલ્લાહ તરવૈયાઓ છેલ્લાં દસ વર્ષથી પણ વધુ સમયથી યમુનાના અલગઅલગ ઘાટો પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

શામલી જિલ્લાના કૈરાના તાલુકાના સ્ટેશન ઇનચાર્જે કહ્યું કે “આ તરવૈયા છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક લોકોનો જીવ બચાવી ચૂક્યા છે.”

તેમણે ઉમેર્યું, "કૈરાનામાં યમુનાના અલગઅલગ ઘાટો પર તહેનાત આ મુસલમાન તરવૈયા છેલ્લા એક દાયકામાં અનેક લોકોનો જીવ બચાવી ચૂક્યા છે. જોકે, અત્યાર સુધીમાં બચાવેલા લોકોનો સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી."

કેવી રીતે બચાવાય છે કાવડિયાને?

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કૈરાના તાલુકાની યમુના નદી પર અનેક ઘાટ છે. દર વર્ષે ભારતનાં અલગઅલગ રાજ્યોથી કાવડયાત્રા કરનારા લોકો આ ઘાટથી પસાર થાય છે.

સ્થાનિક રહેવાસી નવદીપકુમાર કહે છે "ગરમીના સમયમાં સામાન્ય રીતે એવું થાય છે કે કાવડિયા આ કાંઠા પર નાહવા માટે રોકાય છે. એવામાં તેમની સાથે ઘટના પણ ઘટે છે. પ્રશાસન તરફથી અહીં પોલીસના જવાનો, ગામ મવી એહતમાલ તિમાલી અને રામડાના 25 મુસલમાન તરવૈયાને સુરક્ષાની દૃષ્ટિએ મુકાય છે. "

આ તરવૈયાને જિલ્લા પંચાયત તરફથી તહેનાત કરાય છે. જિલ્લા પંચાયતના કૉન્ટ્રાક્ટર પ્રતાપસિંહે બીબીસીને કહ્યું "આ વખતે અને કોરોનાકાળ પહેલાંથી પણ હું જ આ 25 મુસલમાન તરવૈયાને ડ્યૂટી પર તહેનાત કરતો આવ્યો છું. તેમને તહેનાત કરવાનો કૉન્ટ્રાક્ટ શામલીની જિલ્લા પંચાયત તરફથી અપાય છે. તેમને યોગ્ય મહેનતાણું પણ અપાય છે."

એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, "આ બધા જ તરવૈયા પોતાના કાર્યમાં નિપુણ છે. આ વખતે તેમની ડ્યૂટી ચાર જુલાઈથી લઈને 15 જુલાઈ સુધી લગાવાઈ છે. આ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને કાવડિયાની રક્ષા કરે છે."

તેમણે ઉમેર્યું "આસપાસનાં ગામડાંમાં અન્ય કોઈ આટલા કુશળ તરવૈયા નથી. માટે આ ગામના યુવાનોને જ તરવાની તાલીમ અપાય છે. આ બધા જ ખેવટ મલ્લાહ સમુદાયમાંથી આવે છે."

કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક મૌર્ય કહે છે કે "સુરક્ષાની દૃષ્ટિએ આ ખાનગી યુવાન તરવૈયાઓની ડ્યૂટી લગાવાઈ છે. જો કોઈ અસુરક્ષિત સ્થાન પર પહોંચી જાય તો તેમને ત્યાં ન જવાનો નિર્દેશ અપાય છે. ઘાટ પર ફ્લ્ડ પીએસી પણ તહેનાત રહે છે."

'રૂપિયા નહીં માણસોના જીવની ચિંતા'

મવી એહતમાલ તિમાલી ગામ અંગે બધા જ લોકોને ખબર છે કે અહીં મલ્લાહ સમુદાયના લોકો રહે છે.

ગામનાં સરપંચના પતિ ઝાહિદ કહે છે કે "આ ગામની સંખ્યા અંદાજે ત્રણ હજાર છે. ગામમાં મુસ્લિમ બહુમતી છે. આ ગામમાં દરેક ઘરમાં એક તરવૈયો છે અને તેઓ પોતાના આ કામના કારણે દૂરદૂર સુધી ઓળખાય છે."

"માત્ર કાવડયાત્રા જ નહીં પણ યમુનાકિનારે ભરાતા મેળામાં પણ આ લોકોને સુરક્ષા માટે લગાવાય છે. પૂર જેવી સ્થિતિમાં પણ તેમને તહેનાત કરાય છે. દર વર્ષે આ તરવૈયા અનેક લોકોને બચાવે છે."

તેઓ કહે છે કે "તેમને મળતાં 300 કે 400 રૂપિયાનાં મહેનતાણાંની વાત નથી. પણ પરસ્પર સૌહાર્દ જાળવી રાખવા માટે આ યુવાનો આ ઘાટ પર તહેનાત રહે છે. આટલા રૂપિયામાં શું થાય, પરંતુ આ યુવાનો જે રીતે માનવતાની સેવા કરે છે તે મોટી વાત છે."

'અમે પરસ્પર સૌહાર્દ માટે જીવ જોખમમાં મૂકીએ છીએ'

યુવા તરવૈયાના ટીમ લીડર દિલશાદ અહમદ અને અન્ય તરવૈયા સાથે બીબીસીએ વાત કરી છે. તેમણે કહ્યું કે "તેમને મળતા રૂપિયા ના બરાબર હોય છે. પણ જે સૌહાર્દ છે, તે મહત્ત્વનું છે."

દિલશાદ અહમદે બીબીસીને કહ્યું, "જુઓ જેટલા રૂપિયા અમને અહીં ડ્યૂટી કરવાના મળે છે, તેનાથી પણ વધુ અમને પરંપરાગત કામોથી કમાઈ શકીએ છીએ. પણ અમે એ વિચારીએ છીએ કે ગંગાસ્નાન કરનારા લોકો માણસ છે. તેમનો જીવ જો અમે બચાવીએ છીએ તો તે અમારા માટે નસીબની વાત છે."

"અમારા બાપ-દાદા પણ આ જ કામ કરતા હતા. પણ છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી હું ખુદ તમામ લોકોનો જીવ બચાવી ચૂક્યો છું. નદીમાં ડૂબેલા મૃતદેહોને પણ અમે બહાર કાઢીએ છીએ. જ્યારે કોઈનો જીવ અમે બચાવીએ છીએ અને જ્યારે ખુશીથી તે અમારા ગળે વળગે છે તો અમને ખૂબ ખુશી થાય છે."

એક અન્ય તરવૈયા ગુલશાદ બીબીસીને કહે છે કે "અમારાં ઘરોમાં તો બાળકો પણ શાનદાર તરવૈયા છે. અમે પાણીની અંદર એકથી દોઢ મિનિટ સુધી પોતાના શ્વાસ રોકી રાખીએ છીએ. કેટલાક તો તેનાથી પણ વધુ."

"નદીમાં ઘણે ઊંડે જઈને પણ લોકોને પાણીની અંદરથી બહાર કાઢીએ છીએ. અમારી આ આવડતના કારણે જ્યારે પણ કોઈ ઘટના ઘટે તો અમને બોલાવાય છે. અમે બીજા લોકોનો જીવ બચાવવા માટે પોતાના જીવની પરવા નથી કરતા. જોકે, અમારાં માતા, પત્ની આ કામ છોડવા માટે જીદ કરે છે."

"જિંદગી બચાવવામાં અમે હિંદુ કે મુસલમાન નથી જોતા. અમારા માટે માણસાઈ સૌથી મોટી વાત છે. અમે 100થી પણ વધુ લોકોનો જીવ બચાવી ચૂક્યા છીએ. જેમાં બાળકો અને યુવાઓની સંખ્યા સૌથી વધુ છે."

તેઓ એ પણ કહે છે કે અનેક વાર નદીમાં ડૂબનારા લોકોની સંખ્યા વધુ હોય છે.

અન્ય એક તરવૈયા દિલશાદ કહે છે કે "અત્યારે યમુનામાં પાણી વધુ છે. પાણીનું વહેણ વધુ છે. પાણીનો અવાજ અને ચીસો ડરાવવાં પૂરતાં છે."

"પણ જ્યારે લોકોને બચાવવાની અને કર્તવ્યની વાત આવે તો અમે બિલકુલ નથી ડરતા. જોકે અનેક વાર અમને પણ ભય રહે છે કે ખબર નહીં પાણીની નીચે શું હશે. નીચે કોઈ જાળમાં, રેતીમાં કે અન્ય કોઈ વસ્તુમાં ફસાઈ ન જઈએ. છતાં પણ અમારું અભિયાન ચાલુ છે."

દિલશાદ કૉમર્સ ગ્રેજ્યએટ, અફઝાલ પૉલિટેક્નિક

આ 25 તરવૈયામાં સામેલ દિલશાદ અહમદે કૉમર્સમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે, તો અફઝાલે પૉલિટેકનિકનો.

દિલશાદ બીબીસીને કહે છે કે "મેં કૉમર્સમાં સ્નાતક કર્યું છે. પણ રૂપિયાના અભાવે હું વધુ ભણી ન શક્યો. આર્થિક સ્થિતિ વધુ સારી નથી."

"અમે પોતાનાં બાળકોને ભણાવવા તો માગીએ છીએ પણ રૂપિયા ન હોવાના કારણે તેમને આગળ વધારવાની હિંમત નથી કરી શકતા."

અફઝાલ અહમદે હરિયાણાના કૈથલમાં એક સરકારી કૉલેજથી પૉલિટેકનિકનો અભ્યાસ કર્યો છે. જોકે, બીજા વર્ષમાં જ તેમણે અભ્યાસ છોડી દીધો, કારણ કે તેઓ પણ ઘરની આર્થિક સ્થિતિને કારણે આગળ ભણી ન શક્યા.

અફઝાલે બીબીસીને કહ્યું "મેં પૉલિટેકનિકનો અભ્યાસ બીજા વર્ષથી છોડી દીધો. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી, કારણ કે મારે હરિયાણામાં રહીને અભ્યાસ કરવો પડતો હતો. ત્યાં ભાડે ઘર લેવું અને આ તમામ અન્ય ખર્ચ ઘરવાળા ઉઠાવી ન શક્યા. પણ હું મારાં બાળકોને ભણાવીને મોટા માણસ બનાવીશ."

બચાવાયેલા લોકોના આંકડા નથી ઉપલબ્ધ

પાણીપતમાં રહેતાં પ્રેમલતા હરિદ્વારથી કાવડ લઈને પરત આવ્યાં છે.

તેમણે કહ્યું, "જુઓ અહીં તરવૈયાની સારી વ્યવસ્થા છે. જોકે, તરવૈયાની જ બચાવવાની જવાબદારી નથી હોતી. પરંતુ ગંગાસ્નાન કરનારા લોકોએ પોતે પણ સુરક્ષિત સ્થળોએ જ ગંગાસ્નાન કરવું જોઈએ."

અલગઅલગ સ્થળોએ તહેનાત આ તરવૈયા ઘણા લોકોના જીવ તો બચાવી ચૂક્યા છે, પણ તેનો કોઈ સત્તાવાર આંકડો ન તો પોલીસ પાસે છે અને ન તો આ તરવૈયા પાસે.

કૈરાનાના સીઓ અમરદીપ મૌર્ય પણ આ તરવૈયાઓ લોકોને બચાવે છે તેની પુષ્ટિ કરે છે. પણ બચાવેલા લોકોની સંખ્યા તેમની પાસે પણ નથી.