You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેખાવ અને આત્મવિશ્વાસ બગાડી નાખતી વાળ ખરવાની સમસ્યા કેમ થાય છે, તેની સારવાર શું છે?
મહિલા હોય કે પુરુષ ખરતા વાળ એ સહુને એકસરખી ચિંતા કરાવે છે. આખરે વાળ ગુમાવીને ટાલ પડી જાય એ સ્થિતિ કોઈને નથી ગમતી. કારણકે તેનાથી માત્ર દેખાવ જ નહીં, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ બન્ને પર અસર પડે છે.
દરરોજ માથા પરથી 50 થી 100 જેટલા ખરવા સામાન્ય છે. જો આનાથી વધુ વાળ ખરી રહ્યા હોય તો તમને બ્રશમાં, કપડાં પર અને સિંક અને બાથરૂમમાં વધારે પ્રમાણમાં વાળનો જથ્થો જોવા મળે છે.
વાળ શા માટે ખરે છે, તેના લક્ષણો શું છે, કેટલા પ્રમાણમાં વાળ ખરે તો ચિંતા કરવી જોઈએ, વાળ ખરતા કેવી રીતે અટકાવવા, વાળ ખરવાનું કારણ કેવી રીતે જાણવું? વાળ ખરે નહીં તેના માટે પહેલાં શું કાળજી લેવી અને ડૉક્ટર પાસે ક્યારે જવું? આ સ્વાભાવિક પ્રશ્નોના સચોટ જવાબ સહેલાઈથી મળે તો વાળ ખરવાની સ્થિતિને યોગ્ય રીતે સમજી શકાય છે.
વાળ ખરવાની સમસ્યામાં આછા વાળ થવાથી લઈને સંપૂર્ણ ટાલ પડવા સુધીની હોઈ શકે છે. વિવિધ કારણોસર વાળ ખરી શકે છે.
વાળ ખરવાની સમસ્યા કિશોરાવસ્થાથી લઈને ગમે તે ઉંમરે લાગુ પડી શકે છે. પણ વાળ ખરવા પાછળના મુખ્ય ત્રણ કારણો છે: વારસાગત ટાલ પડવી, પુરૂષ હોર્મોન્સ અને વધતી ઉંમર.
રાજકોટના વાળ અને સ્કિન સ્પેશિયાલિસ્ટ ડર્મેટોલૉજિસ્ટ ડૉ. સ્મિત ઠક્કર બીબીસી સાથે વાત કરતા કહે છે, “વાળ ખરવા પાછળના ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. ચેપથી થાય, રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી થાય, અસંતુલિત ખોરાકથી, વાળ શુષ્ક થઈ જવા, આનુવંશિક કારણો વગેરેથી પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. વાળ ખરવા પાછળનું કારણ જોઈને આગળની સારવાર ચાલું કરી શકાય.”
વાળ ખરવાના કારણો શું હોઈ શકે?
હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અનુસાર, સામાન્ય રીતે શરીરમાં લાંબી માંદગી, મોટી સર્જરી અથવા ગંભીર ચેપ જેવી ભારે તણાવની સ્થિતિમાં બે થી ત્રણ મહિના પછી વાળ ખરે છે.
હોર્મોનના સ્તરોમાં અચાનક ફેરફાર પછી પણ વાળ ખરવાની સમસ્યા ઊભી થઈ શકે છે. મહિલાઓમાં બાળજન્મ પછી વાળ ખરવાની સમસ્યા ઊભી થઈ શકે છે.
- વાળ ખરવા પાછળ અમુક દવાઓની આડઅસર પણ જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને લિથિયમ, બીટા-બ્લોકર્સ, વોરફારીન, હિપેરિન, એમ્ફેટામાઈન અને લેવોડોપા જેવી દવાઓનું સેવન.
- વધુમાં, કૅન્સરની કીમોથેરાપીમાં વપરાતી ડોક્સોરુબિસિન જેવી દવાઓ આખા માથાને અસર કરતા અચાનક વાળ ખરી જાય છે.
- વાળનું ખરવું એ માત્ર વાળની જ સમસ્યા નહીં પરંતુ શરીરના અન્ય ભાગમાં બીમારીનાં લક્ષણોમાંનું એક હોઈ શકે છે.
- જેમ કે સિફિલિસ, હાઇપોથાઇરોડિઝમ કે હાઇપરથાઇરોઇડિઝમ જેવા થાઇરોઇડ ડિસઓર્ડરના કિસ્સામાં, સેક્સ-હોર્મોન અસંતુલનમાં અથવા શરીરમાં પ્રોટીન, આયર્ન, જસત કે બાયોટીનની ઊણપની સ્થિતિમાં વાળ ખરે છે.
- આ સમસ્યા નિષિદ્ધ આહાર અને ખૂબ જ ભારે માસિક સ્રાવના કારણે સર્જાઈ શકે છે.
- ખોપરી ઉપરની ચામડીમાં ફૂગનો ચેપ લાગવાથી પણ વાળ ખરે છે. આનાથી માથાની ચામડીની સપાટી પર વાળ તૂટી જાય છે અને માથાની ચામડી ફાટી જાય કે ભીંગડાંવાળી બની જાય છે.
- ઑટો-ઇમ્યુન ડિસીઝ ધરાવતા લોકોમાં પણ વાળ ખરવાની સમસ્યા સર્જાઈ શકે છે.
- મહિલાઓમાં સૌન્દર્ય પ્રસાધનોનો અવિવેકી ઉપયોગ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે. જેમકે ટાઈટ બ્રેડિંગ કે કોર્નરોઈંગ જેવી હૅરડ્રેસીંગ તકનીકોને કારણે વાળને નુકશાન થાય છે, કર્લિંગ આયર્ન અથવા હોટ રોલર્સ દ્વારા વાળને ભારે ગરમી આપવાથી અને વાંકડિયા બનાવવાથી વાળ ખરવાની સમસ્યા ઊભી થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાળ ખરવા પાછળના કારણોનું નિદાન
હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અનુસાર, તમારા ડૉક્ટર તમને થયેલી ભૂતકાળની બીમારીઓ, તમે લીધેલી દવાઓ, તમારા આહાર-વિહાર, તમારી હૅરડ્રેસીંગની આદતો અને શરીરની તપાસના આધારે તમારા વાળ ખરવાના કારણનું નિદાન કરી શકે છે.
જો તમારા ડૉક્ટરને તમારી ખોપરી ઉપરની ચામડીના ફૂગના ચેપની શંકા હોય તો લૅબોરેટરી માટે વાળના નમૂના મોકલી શકે છે.
જો થાઈરોઈડની સમસ્યા, આયર્નની ઉણપ અથવા સેક્સ-હોર્મોન અસંતુલનની શંકા હોય તો લોહીના નમુનાની લૅબોરેટરી કરવાની પણ જરૂર પડી શકે છે.
ક્યાં સુધી વાળ ખરવાનું ચાલુ રહે છે?
વાળ કેટલા લાંબા સમય સુધી ખરશે તેનો આધાર વાળ ખરવાના કારણ પર છે.
દવાની આડઅસરને કારણે વાળ ખરતા હોય તો દવા બંધ થઈ જાય પછી વાળની વૃદ્ધિ મોટેભાગે સામાન્ય થઈ જાય છે.
જો હૅરડ્રેસીંગની ખોટી પદ્ધતિને કારણે વાળ ખરતા હોય પદ્ધતિ બદલવા સાથે વાળ ખરવાનું બંધ થઈ જાય છે.
ફૂગના ચેપની સારવારમાં ઓછામાં ઓછા 6 થી 12 અઠવાડિયાનો સમય લાગે છે અને તે પછીથી વાળનો ફરીથી વિકાસ ધીમો થઈ શકે છે.
વાળ ખરવાની સમસ્યાથી કેવી રીતે બચવું?
વાળ ખરવાના કેટલાક કારણોને તણાવ ઓછો કરીને, તંદુરસ્ત આહાર શૈલી અપનાવીને અને હૅરડ્રેસીંગની સમજદાર તકનીકોનો ઉપયોગ કરીને રોકી શકાય છે.
ફૂગના ચેપથી વાળ ખરતા અટકાવવા વાળની સફાઈ રાખવી અને કાંસકો, ટોપી કે બ્રશને બીજા સાથે શેર ન કરવા.
વારસાગત ટાલ પડવાને પણ ક્યારેક સારવાર દ્વારા અટકાવી શકાય છે.
વાળ ખરવાની સમસ્યાની સારવાર
દવાની આડ અસરોના પરિણામે વાળ ખરતા હોય તો એ દવાને બંધ કરવા સિવાય અન્ય કોઈ સારવારની જરૂર નથી.
બ્લો ડ્રાયર, હૅર સ્ટ્રેટનર, કલરિંગ અથવા પર્મ્સનો ઉપયોગ મર્યાદિત કરીને વાળ ખરવાનું મર્યાદિત અથવા બંધ કરી શકાય છે.
તંદુરસ્ત આહારશૈલીથી બીમારીને કારણે ઊભી થતી વાળ ખરવાની સમસ્યાને કાબુમાં લઈ શકાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અનુસાર, ફૂગની બિમારીમાં ટેરબીનાફાઇન કે ઇટ્રાકોનાઝોલ, સેલેનિયમ સલ્ફાઇડ અથવા કેટોકોનાઝોલ ધરાવતા શેમ્પૂની સારવાર લઈ શકાય છે.
વાળ ખરવાની વારસાગત સમસ્યામાં મોટેભાગે લોકો વાળ ખરવાની સારવાર લેતા નથી. પરંતુ આ સમસ્યાના પ્રારંભિક ઉપચારમાં સામાન્ય રીતે મિનોક્સિડીલ આપવામાં આવે છે. ફિનાસ્ટેરાઇડ કે ડ્યુટાસ્ટેરાઇડ દ્વારા પણ સારવાર આપી શકાય છે અથવા તેઓ હૅર ટ્રાન્સપ્લાન્ટ અથવા સ્કાલ્પ રિડક્શન સર્જરીનો સહારો લઈ શકે છે. મેનોપોઝની વય પહેલાની સ્ત્રીઓને એસ્ટ્રોજન અથવા સ્પિરોનોલેક્ટોન સાથે સારવાર આપી શકાય છે જ્યારે મેનોપોઝ પછીની સ્ત્રીઓ માટે ફિનાસ્ટેરાઇડની ભલામણ કરવામાં આવી શકે છે.
ડૉક્ટર પાસે ક્યારે જવું?
તમને વાળ ખરવાને લઈને ચિંતા થાય અને વાળ ખરવાના કારણો ન સમજાય તો ડૉક્ટરને બતાવવું.
અમેરિકન એકૅડેમી ઑફ ડર્મેટોલોજી ઍસોસિયેશન અનુસાર, ધૂમ્રપાનથી આખા શરીરમાં બળતરા થાય છે, જેનાથી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. ડૉક્ટર ધૂમ્રપાન છોડવાની સલાહ આપી શકે છે.
વાળ વધારવા માટે કોઈ સપ્લિમેન્ટ લેતા પહેલાં એ જોઈ લેવું કે તે વિટામિન કે ખનીજ તત્વોને તમે આહારમાં પુરતી માત્રામાં લો છો કે નહીં. લોહીના રિપોર્ટથી પણ તે જાણી શકાય છે. કારણ કે અમેરિકાના ખોરાક અને ઔષધ નિયમનતંત્ર અનુસાર, વધારે પડતા પોષક તત્વો વાળ ખરવાની સમસ્યા સાથે જોડાયેલા છે.
ઘરેલું ઉપચારમાં યોગ, પ્રાણાયામ, માથામાં ઍલોવેરા લગાવવું મદદ કરી શકે છે એમ ડૉ. સ્મિત ઠક્કરનું માનવું છે. તેઓ કહે છે, “પરંતુ જો આ ઘરેલું ઉપાયોથી ફાયદો ન થાય તો ડર્મેટોલૉજિસ્ટને બતાવવું.”
વાળ ખરે નહીં તે માટેની કાળજી લેવા વિશે ડૉ. સ્મિત ઠક્કર કહે છે, “માઇલ્ડ શેમ્પૂ વાપરવું, અઠવાડિયામાં એક કે બેવાર માથામાં તેલ નાખવું. મસાજ ન કરવો. મસાજ કરવાથી માથાના વાળ ખેંચાય છે. ઘરગથ્થુ ઉપચારો કારગત નીવડવાને બદલે ઊંધી અસર બતાવે તો તત્કાલ બંધ કરવા.”