You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શેબિયા છેલ્લાં ત્રણ વર્ષથી ગળાથી શ્વાસ લેવા મજબૂર કેમ છે?
- લેેખક, મોહન
- પદ, બીબીસી તામિલ માટે
તામિલનાડુના કોઈમ્બતૂરના સૌરીપાલયમમાં રહેતાં શેબિયા છેલ્લા ત્રણ વર્ષથી નાકથી નહીં, પરંતુ ગળા મારફત શ્વાસ લઈ રહ્યાં છે. તેમણે કોઈમ્બતૂરના જિલ્લા કલેક્ટરને અરજી કરીને જણાવ્યું છે કે ઑપરેશન દરમિયાન તબીબી બેદરકારીને કારણે આવું થયું છે અને તેને વળતર મળવું જોઈએ.
ચેન્નઈમાં રહેતાં ફૂટબૉલ ખેલાડી પ્રિયા સરકારી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન બેદરકારીને કારણે મૃત્યુ પામ્યાં હતાં. આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે.
શું થયું હતું?
શેબિયા સૌરીપાલયમના અન્ના નગરનાં રહેવાસી છે. તેઓ બે પુત્રીની માતા છે. તેમના પતિનું નામ નાગરાજ છે. શેબિયા અને નાગરાજ કોઈમ્બતૂરની એક ખાનગી કૉલેજમાં હાઉસકીપિંગ કર્મચારી તરીકે કામ કરતાં હતાં.
શેબિયાની તબિયત સારી ન રહેતી હોવાથી તેમણે 2019માં નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. નાગરાજની કમાણીમાંથી તેમનું ગુજરાન ચાલતું હતું.
શેબિયાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી હતી કે તેમને થાઈરૉઈડ ગ્રંથિ સંબંધી બીમારી છે. કોઈમ્બતૂરની ઈએસઆઈ હૉસ્પિટલમાં 2019ની 10 ડિસેમ્બરે શેબિયાની થાઈરૉઈડ સર્જરી કરવામાં આવી હતી.
એ ઘટના બાબતે વાત કરતાં શેબિયાએ બીબીસીને કહ્યું હતું કે “એ રાતે મને શ્વાસ લેવામાં બહુ તકલીફ થવા લાગી હતી. હૉસ્પિટલે શ્વાસ લેવામાં મદદ મળે એ માટે મારા ગળામાં એક ટ્યૂબ લગાવી દીધી હતી.”
તેમ છતાં સમસ્યાનું નિવારણ થયું ન હતું. ઑપરેશન દરમિયાન શ્વાસનળીની નસ થોડી દબાઈ ગઈ હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે થોડા મહિનામાં બધું ઠીક થઈ જશે. ત્રણ મહિના પછી ગળામાંથી ટ્યૂબ કાઢી નાખવામાં આવી હતી, પરંતુ શ્વાસ લેવામાં થતી તકલીફ યથાવત રહી હતી.
તેઓ ફરી ઈએસઆઈ હૉસ્પિટલ ગયાં હતાં, પરંતુ એ હૉસ્પિટલને સ્પેશ્યલ કોરોના હૉસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી હોવાથી તેમને કોઈમ્બતૂરની સરકારી હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. તેઓ આસાનીથી શ્વાસ લઈ શકે એટલા માટે ત્યાં તેમના ગળામાં ફરી એક ટ્યૂબ લગાવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શેબિયાના કહેવા મુજબ, “ઈએસઆઈ ડૉક્ટરોએ મને જણાવ્યું હતું કે લાખોમાંથી એક દર્દીને આવું થતું હોય છે. તે અનિવાર્ય છે. તેમાં કશું કરી પણ ન શકાય.”
શેબિયાએ કહ્યું હતું કે “હું છેલ્લા ત્રણ વર્ષથી નાકને બદલે ગળા મારફત શ્વાસ લઈ રહી છું. મારી થાઈરૉઈડની સર્જરી પણ સંતોષકારક રીતે થઈ નથી. ગાંઠ ફરી ઊપસી આવી છે. હવે તેઓ એવું કહે છે કે શ્વાસ લેવાની સમસ્યાનું નિવારણ સર્જરી મારફત કરી શકાય, પરંતુ એ સર્જરી પછી હું બોલી શકીશ કે નહીં તેની કોઈ ગેરન્ટી નથી, એવું પણ તેઓ કહી રહ્યા છે.”
શેબિયા છેલ્લાં ત્રણ વર્ષથી બોલી શકતાં નથી, ખાઈ શકતાં નથી કે સામાન્ય રીતે કામ પણ કરી શકતાં નથી. તેમણે કહ્યું હતું કે “આ બધાની મારી તબિયત પર બહુ માઠી અસર થઈ છે.”
તેમણે ઉમેર્યું હતું કે “અમે તકલીફ ભોગવી રહ્યા છીએ, કારણ કે તેનું નિરાકરણ શું છે કે કઈ રીતે રાહત મળી શકે એ અમે જાણતા નથી. અમે ભાડાના ઘરમાં રહીએ છીએ અને મારા પતિની આવક પર જ અમારું ગુજરાન ચાલે છે.”
શેબિયા લાંબો સમય એકધારા વાત પણ કરી શકતાં નથી.
‘હૉસ્પિટલ તરફથી અસ્પષ્ટ જવાબ’
શેબિયાના પતિ નાગરાજે જણાવ્યું હતું કે હૉસ્પિટલ તેમને યોગ્ય જવાબ આપતી નથી. તેમણે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે પોલીસે તેમને એવું કહ્યું હતું કે આ બાબત તેમના કાર્યક્ષેત્રમાં આવતી નથી.
તેમને આરોગ્ય વિભાગમાં મોકલી આપવામાં આવ્યાં હતાં, પણ આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ઈએસઆઈ હૉસ્પિટલમાં તપાસ કરી શકે નહીં.
“તેથી છેલ્લા ઉપાય તરીકે અમે કલેક્ટરનો સંપર્ક કર્યો છે,” એવું નાગરાજે કહ્યું હતું.
પોલીસ હસ્તક્ષેપ ન કરી શકે?
તબીબી બેદરકારી કે ખોટી સારવારના કિસ્સામાં પોલીસ તપાસ કરી શકે કે કેમ તેવો સવાલ અમે ભૂતપૂર્વ પોલીસ વડા કરુણાનિધિને પૂછ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ખોટી સારવાર કે તબીબી બેદરકારીને કારણે દર્દીનું મોત થાય તો તે ક્રિમિનલ કેસ બની શકે અને પોલીસ હસ્તક્ષેપ કરી શકે.
મેડિકલ કોમ્પ્લિકેશન્શને તબીબી બેદરકારી કહી શકાય?
ડૉક્ટર્સ ઍસોસિયેશન ફૉર સોશિયલ ઈક્વાલિટીના સભ્ય ડૉ. જી. આર. રવિન્દ્રનાથને અમે આ વિશે સવાલ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે થાઈરૉઈડ સર્જરી દરમિયાન કોમ્પ્લિકેશન્શ સર્જાયાં હોવાની ઘટનાઓ બને છે, “પરંતુ એ બધાને તબીબી બેદરકારી તરીકે વર્ગીકૃત ન કરી શકાય. આરોગ્ય વિભાગ ટીમ બનાવીને, આ કિસ્સો બેદરકારીનો છે કે કેમ તેની તપાસ કરાવી શકે.”
‘દુર્લભતમ કિસ્સો’
સરકારી મેડિકલ કૉલેજ અને ઈએસઆઈ હૉસ્પિટલના ડીન ડૉ. એમ. રવિન્દ્રને બીબીસીને જણાવ્યું હતું કે સર્જરી દરમિયાન દુર્લભતમ કિસ્સાઓમાં કૉમ્પ્લિકેશન્શ થતાં હોય છે. “તેથી દર્દીનું જીવન બચાવવા ટ્રેકિયોસ્ટોમી કરવામાં આવે છે અને પછી ગળામાં કાણું બંધ કરી દેવામાં આવે છે. ટ્રેકિયોસ્ટોમી કરવામાં આવી હોય તો મોટાભાગના દર્દી અવાજ ગુમાવી શકે. આ જીવન બચાવવા માટેની સારવાર છે.”