You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચેતનસિંહ : ચાલુ ટ્રેનમાં ગોળી મારી ચાર લોકોની હત્યાનો આરોપ, કોચ-5માં ખરેખર શું થયું હતું?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
ગત સોમવારે જયપુરથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં આરપીએફના (રેલવે પ્રોટેક્શન ફૉર્સ) જવાને ગોળીબાર કર્યો એ મામલો વિવાદમાં છે.
આ ગોળીબારમાં ત્રણ મુસાફર અને આરપીએફના એએસઆઇ ટીકારામ મીણાનું મૃત્યુ થયું છે.
મૃત્યુ પામેલા અન્ય ત્રણ લોકોમાં પાલઘરના નાલસોપારાના રહેવાસી અબ્દુલ કાદરભાઈ મોહમ્મદહુસૈન ભાણપુરવાલા (48), બિહારના મધુબનીના રહેવાસી અસગર અબ્બાસ શેખ અને સદર મોહમ્મદ હુસૈનનો સમાવેશ થાય છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જેમાં આરપીએફ જવાન ચેતનસિંહ ચૌધરી કથિત રીતે આપત્તિજનક શબ્દો ઉચ્ચારતા જોવા મળે છે.
બીબીસી આ વીડિયોની પુષ્ટિ કરી શક્યું નથી.
આ ટિપ્પણીને આધારે આ ઘટનાને નફરતી હિંસાનો મામલો ગણાવાઈ રહ્યો છે. જોકે, રેલવેનું કહેવું છે કે આ ઘટના પહેલાં કોઈ પ્રકારની બોલાચાલી થઈ ન હતી.
પશ્ચિમ રેલવેનું શું કહેવું છે?
પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે જે આ ઘટના માટે જવાબદાર પરિબળોની તપાસ કરશે.
આ સાથે જ મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 10 લાખની સહાય કરવામાં આવશે અને એએસઆઇ ટીકારામના પરિવારને સર્વિસ નિયમો અનુસાર વળતર આપવામાં આવશે તેમ પશ્ચિમ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રેલવે પોલીસે જણાવ્યું છે કે ચેતનસિંહ ચૌધરી રેલવે સુરક્ષા દળના જવાન છે જે ઘટના બની તે સમયે ટ્રેનમાં તેમની ડ્યૂટી પર જ હતા.
પશ્ચિમ રેલવે પોલીસ કમિશનરે એ પણ જણાવ્યું છે કે ‘તેની તબિયત ખરાબ હતી અને પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું. પહેલા તેમણે ટીકારામને ગોળી મારી અને પછી જે દેખાયા તેના પર ગોળીઓ ચલાવી હતી.’
આ સાથે જ રેલવેએ આ ઘટના પહેલા કોઈ પ્રકારની બોલાચાલી થઈ ન હોવાનો પણ દાવો કર્યો હતો.
ચેતનસિંહ સાથે ટ્રેનમાં હાજર એવા તેના સહકર્મચારી ઘનશ્યામ આચાર્યે પણ એ જણાવ્યું છે કે ગોળી ચલાવ્યા પહેલાં ચેતને તબિયત ખરાબ હોવાની વાત કરી હતી.
ચેતનના પરિવારજનોનું શું કહેવું છે?
ચેતનસિંહ ચૌધરીના પરિવારે જણાવ્યું છે કે તેમને આ ઘટનાની જાણકારી ટીવી ચેનલોના માધ્યમથી જ મળી છે અને આ સમાચાર સાંભળીને સમગ્ર પરિવાર સ્તબ્ધ છે.
આરોપીના ભાઈ લોકેશ ચૌધરીનાં પત્ની પ્રીતિ ચૌધરીએ બીબીસી સાથે ચેતનસિંહ ચૌધરીની તબિયત વિશે વિસ્તારપૂર્વક વાત કરી છે.
પ્રીતિસિંહ જણાવે છે કે, “કેટલાંક વર્ષો પહેલાં ઘરના ઉંબરે પગ લપસવાને કારણે તેમના માથામાં ઈજા થઈ હતી. શરૂઆતમાં તો બધું બરાબર હતું પરંતુ બે-ત્રણ વર્ષ પહેલાં તેમના માથામાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો અને ડૉક્ટર પાસે તપાસ કરાવતા એ સામે આવ્યું હતું કે તેમના મગજમાં લોહીના ગઠ્ઠા થવા લાગ્યા હતા.”
“ત્યાર બાદ તેમની સારવાર પણ ચાલતી હતી અને તેઓ બધું ભૂલી જતા હતા. એ હંમેશાં નિરાશ રહેતા હતા એટલે તેમને કોઈ કંઈ જ કહેતું ન હતું. દવાઓ પણ ચાલતી હતી અને બધું બરાબર હતું પણ અમને એવો સ્વપ્નેય ખ્યાલ ન હતો કે આવું કંઈક થઈ જશે.”
આરોપીના પિતા બચ્ચુસિંહ ચૌધરીનું વર્ષ 2007માં ફરજ પર જ મૃત્યુ થઈ જવાને કારણે ચેતનસિંહને વર્ષ 2009માં રેલવેમાં નોકરી મળી હતી.
પ્રીતિસિંહ જણાવે છે કે, “અગાઉ તેમનો પરિવાર અને બાળકો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રહેતાં હતાં, પરંતુ તેમની પોસ્ટિંગ ગુજરાતમાં થવાને કારણે પરિવારને સાથે લઈ જઈ ન શક્યા અને પરિવારના બીજા લોકો અત્યારે મથુરામાં રહે છે.”
ચેતનના સહકર્મીઓ શું કહે છે?
ચેતનસિંહ સાથે ટ્રેનમાં ફરજ પર હાજર કૉન્સ્ટેબલ ઘનશ્યામ આચાર્યે ગોળી ચલાવતા પહેલાંનો ઘટનાક્રમ પોલીસને જણાવ્યો છે જેને એનડીટીવીએ વિસ્તારથી પ્રકાશિત કર્યો છે.
આચાર્યે જણાવ્યું છે કે તે સુરત રેલવે સ્ટેશનથી ચેતનસિંહ ચૌધરી, એએસઆઈ ટીકારામ મીણા (58), કૉન્સ્ટેબલ નરેન્દ્ર પરમાર (58) સાથે સવારે 2:53 સમયે મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ચડ્યા હતા.
ચેતનસિંહ અને ટીકારામ મીણાની ફરજ એસી કોચમાં હતી અને નરેન્દ્ર પરમાર તથા ઘનશ્યામ આચાર્યની ફરજ સ્લીપર કોચમાં હતી.
તેઓ કહે છે, "ટ્રેનમાં ચડ્યાના અડધા કલાક પછી હું એક રિપોર્ટ આપવા માટે એએસઆઇ મીણાને મળવા તેના કોચમાં પહોંચ્યો. તે સમયે ચેતનસિંહ અને ત્રણ ટિકિટ ઇન્સ્પેક્ટર તેમની સાથે હતા. એએસઆઇ મીણાએ કહ્યું કે ચેતનસિંહની તબિયત સારી નથી. મેં તપાસ્યું કે તેમને તાવ છે કે નહીં પણ હું કંઈ સમજી શક્યો નહીં. ચેતનસિંહ આગળના સ્ટેશને ઊતરી જવા માગતો હતો પણ મીણા કહી રહ્યા હતા કે બે કલાકની ડ્યૂટી બાકી છે."
આચાર્ય કહે છે કે “ચેતનસિંહ કંઈ પણ સાંભળવાની પરિસ્થિતિમાં ન હતા. મીણાએ ત્યાર પછી અમારા ઇન્સ્પૅક્ટરને ફોન કર્યો તો એમને કહેવામાં આવ્યું કે મુંબઈ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવે.”
ત્યાર બાદ મુંબઈ કંટ્રોલ રૂમના અધિકારીઓએ કહ્યું કે ચેતને તેની ડ્યૂટી પૂરી કરીને મુંબઈમાં ઈલાજ કરાવવો જોઇએ. મીણાએ આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કંઈ જ સાંભળવા તૈયાર ન હતા.
ત્યાર બાદ મીણાએ ચેતનસિંહ માટે કૉલ્ડડ્રિંક મંગાવ્યું હતું પરંતુ તેણે તે ન પીધું.
આચાર્ય જણાવે છે કે, “એએસઆઇ મીણાએ મને ચેતનની રાઇફલ લઈને તેને આરામ કરવા લઈ જવાનું કહ્યું એટલે હું તેને લઈને બી4 કોચમાં ગયો હતો અને એક ખાલી સીટ પર તેને આરામ કરવાનું કહ્યું. પરંતુ તેઓ લાંબો સમય ઊંઘી શક્યા નહીં. દસેક મિનિટ પછી ગુસ્સામાં તેણે ઊભા થઈને મારી પાસે રાઇફલ માગી. તેણે મારું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો અને મારી પાસેથી મારી રાઇફલ ઝૂંટવી લીધી.”
જયારે ચેતનસિંહે ઝૂંટવી રાઇફલ
ઘનશ્યામ આચાર્યને જેવો આ વાતનો અહેસાસ થયો કે તરત જ તેમણે તેમના ઉપરી અધિકારીઓને આ વાતની જાણ કરી.
ત્યાર બાદ એએસઆઇ મીણા અને ઘનશ્યામ આચાર્ય ચેતનસિંહ ચૌધરી પાસે ગયા અને રાઇફલ બદલવાની વાત કરી ત્યારે ચેતનસિંહ ચૌધરીએ આચાર્યની રાઇફલ પાછી આપી દીધી.
આચાર્ય કહે છે કે, “ચેતનસિંહનો ચહેરો ગુસ્સામાં લાલ થઈ ગયો હતો. એએસઆઇ મીણા તેમને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ તે દલીલો કરી રહ્યો હતો. તે અમારું કંઈ જ સાંભળવા તૈયાર ન હતો. એટલે હું એ જગ્યાએથી ચાલ્યો ગયો હતો. પરંતુ જતાં-જતાં મેં તેને રાઇફલ સૅફ્ટી ઑફ કરતા જોયો હતો એટલે મને ખબર પડી ગઈ હતી તે ગોળી ચલાવવાની તૈયારી કરી રહ્યો હતો. મેં એએસઆઇ મીણાને આ વાત કરી અને તેણે ચેતનસિંહ ચૌધરીને શાંત થઈ જવા કહ્યું.”
ત્યાર બાદ આચાર્યને સવારે 5:25 મિનિટે આરપીએફમાં કામ કરતી એક અન્ય વ્યક્તિનો ફોન આવ્યો કે એએસઆઇ મીણાને ગોળી મારી દેવામાં આવી છે.
આચાર્ય કહે છે કે, “એએસઆઇ મીણાને ગોળી મારવાની વાત સાંભળતા જ હું કોચ બી-5 તરફ દોડ્યો અને પરંતુ ડરેલા લોકો કોચમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. તેમણે મને કહ્યું કે ચેતનસિંહે એએસઆઇ મીણાને ગોળી મારી દીધી છે. મેં નરેન્દ્ર પરમારને ફોન કર્યો અને તેની ખબર પૂછી તથા કંટ્રોલ રૂમને ઍલર્ટ કર્યું.”
વણઉકેલ્યા છે કેટલાક સવાલો
રેલવે પોલીસ અને તેમના પરિવાર તરફથી જ્યારે ચેતનસિંહની માનસિક પરિસ્થિતિને લઈને જાણકારી અપાઈ રહી છે ત્યારે તેમના વ્યક્તિત્વને લઈને થઈ રહેલા સવાલો અકબંધ છે.
આમાં સૌથી મોટો સવાલ એ છે કે રેલવે દ્વારા તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં આવ્યાં હતાં કે નહીં.
જો આમ કરવામાં આવ્યું હતું તો રેલવે તરફથી અત્યાર સુધી કોઈ માહિતી કેમ સામે આવી નથી.
એ સવાલ પણ છે કે જો રેલવેને જાણ હતી કે ચેતનસિંહ ચૌહાણ માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો તેમને હથિયાર આપવાનો નિર્ણય કયા આધારે લેવામાં આવ્યો.
આ સમગ્ર ઘટનામાં એક વણઉકેલાયેલ પ્રશ્ન એ પણ છે કે બી-5 કોચમાં જે બન્યું તે પોતાની નરી આંખે જોનારા બધા મુસાફરો આજ સુધી કેમ સામે આવ્યા નથી.