પાકિસ્તાનમાં ચૂંટણી અને ઇમરાન ખાન જેલમાં, કેવી રીતે ચૂંટણી જીતશે?

    • લેેખક, કેરોલિન ડેવિસ
    • પદ, બીબીસી ન્યૂઝ, સિયાલકોટ (પાકિસ્તાન)

પાકિસ્તાનમાં ઇમરાન ખાન વિના ચૂંટણી થઈ રહી છે. ઇમરાન ખાન પાકિસ્તાનના લોકપ્રિય નેતા છે, પરંતુ હાલ જેલમાં છે અને ચૂંટણી લડી શકે તેમ નથી.

પાકિસ્તાનમાં 2018ની ચૂંટણી નવાઝ શરીફ વિના થઈ હતી.

ઇમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)નું કહેવું છે કે તેણે હજુ પણ ભરોસો ખોયો નથી.

પીટીઆઈ માને છે કે ઇમરાન ખાનને રાજકારણ પ્રેરિત કેસ હેઠળ જેલમાં ગોંધી દેવામાં આવ્યા છે. તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પીટીઆઈનું લક્ષ્ય સોશિયલ મીડિયા અને નવા ઉમેદવારોની મદદથી અધિકારીઓની કડકાઈને નિયંત્રિત કરવાનું છે.

અપક્ષ ઉમેદવારોને કેમ ગણાઈ રહ્યા છે પીટીઆઈના ઉમેદવાર?

લગભગ 70 વર્ષનાં રેહાના ડાર સિયાલકોટના રસ્તાઓ પર ફરીને ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે.

પંજાબ પ્રાંતના આ શહેરની શેરીઓમાં તેમનાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે. ઢોલની થાપના અવાજથી તેમનો રસ્તો સાફ થઈ જાય છે. તેમના પર ગુલાબની પાંખડીની વર્ષા કરવામાં આવે છે.

તેઓ કહે છે, “હું ઇમરાન ખાનની સાથે છું અને ઇમરાન ખાન સાથે જ રહીશ. મને લોકોની વચ્ચે એકલી પાડી દેવામાં આવશે તો પણ હું ઇમરાન ખાનનો ઝંડો લઈને રસ્તા પર ઊતરીશ.”

ડારની સાથે જે લોકો છે તેમની પાસે ઇમરાન ખાનના ફોટોગ્રાફ્સ છે અને તેઓ પીટીઆઈનો ઝંડો લહેરાવી રહ્યા છે.

આમ છતાં તેઓ પીટીઆઈના સત્તાવાર ઉમેદવાર નથી. ટેકનિકલી તેઓ એક અપક્ષ ઉમેદવાર છે, કારણ કે ચૂંટણીપંચે પીટીઆઈનું ચૂંટણીચિહ્ન ક્રિકેટ બેટ જપ્ત કરી લીધું છે.

પહેલી નજરે આ એક નાનો નિર્ણય લાગે, પરંતુ 58 ટકા નિરક્ષરતા દર ધરાવતા પાકિસ્તાનમાં મતપત્ર પર ઉમેદવારોની ઓળખ માટે એક ચૂંટણીચિહ્ન હોવું મહત્ત્વપૂર્ણ છે.

હવે દરે ઉમેદવાર પાસે અલગ-અલગ ચૂંટણીચિહ્ન છે. ડારનું ચૂંટણીચિહ્ન બાળકનું પારણું છે. બીજા ઉમેદવારો પાસે કીટલીથી માંડીને અલગ-અલગ ચૂંટણી ચિહ્ન છે.

પીટીઆઈનું કહેવું છે કે ચૂંટણીચિહ્ન જપ્ત કરવાનો નિર્ણય તેમની અનેક અડચણ પૈકીની એક અડચણ છે, જે આઠમી ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીના માર્ગમાં તેમની સામે ઊભી કરવામાં આવી છે.

જોકે, રેહાના ડારની માફક રસ્તા પર ઊતરેલા ઉમેદવાર હોય કે કોઈ નેતાને જેલની કોટડીમાંથી રેલી સુધી પહોંચાડતી ટેકનિક હોય, તેમની લડાઈ ચાલુ છે. આ સાબિત કરે છે કે પીટીઆઈ આ લડાઈમાં પોતાનું સર્વસ્વ હોમી દેવા તૈયાર છે.

પીટીઆઈના નેતાઓની ધરપકડ અને સજા

ગત ચૂંટણીમાં ડારના પુત્ર ઉસ્માન સિયાલકોટમાં પીટીઆઈનું નેતૃત્વ કરતા હતા. તેઓ પીટીઆઈના વરિષ્ઠ નેતા હતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની સરકારમાં યુવા મામલાઓના વિશેષ સલાહકાર હતા.

તેમના પરિવારના જણાવ્યા મુજબ, ઑક્ટોબરની શરૂઆતમાં તેઓ ત્રણ સપ્તાહ સુધી ગાયબ થઈ ગયા હતા. પછી ટેલિવિઝન પર દેખાયા ત્યારે તેમણે 9 મેના હુલ્લડના માસ્ટરમાઇન્ડ ઇમરાન ખાન હોવાનું જણાવ્યું હતું.

ગત વર્ષે ઇમરાન ખાનની ધરપકડ પછી દેશભરમાં વિરોધપ્રદર્શન શરૂ થયું હતું. એ પૈકીનું કેટલુંક હિંસક બન્યું હતું. લાહોરમાં સૈન્યના વરિષ્ઠ અધિકારીઓના આવાસ સહિત સૈન્યની બીજી ઇમારતો પર હુમલાના આરોપસર ઇમરાન ખાનને સેંકડો ટેકેદારોની ધરપકડ કરવામાં આવી હતી.

એ પછી ઇમરાન ખાનને મુકત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં પક્ષ સામેની કાર્યવાહી ચાલુ રહી હતી.

વિરોધપ્રદર્શન પછીના સપ્તાહો અને મહિનાઓમાં પીટીઆઈના નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપવાની કે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેમાં પક્ષના વરિષ્ઠ નેતાઓનો પણ સમાવેશ થતો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ એ વાતનો સંકેત છે કે ઇમરાન ખાનના જૂના ટેકેદારો અશાંતિ માટે જવાબદાર પીટીઆઈ સાથે જોડાયેલા રહેવા ઇચ્છતા ન હતા.

આ સંદર્ભે પીટીઆઈના નેતાઓએ જણાવ્યું હતું કે તેમનાં રાજીનામાં બળજબરીથી લઈ લેવામાં આવ્યાં હતાં.

સત્ય ભલે ગમે તે હોય, પણ રેહાના ડાર તેનાથી પ્રભાવિત થયાં ન હતાં.

તેઓ કહે છે, “ઉસ્માન ડારે આપેલા નિવેદન સાથે હું સહમત ન હતી. મેં તેને કહ્યું હતું કે મારો દીકરો મરેલો પાછો આવ્યો હોત તો સારું થાત. તેં ખોટું નિવેદન આપ્યું છે.”

પીટીઆઈ સમર્થિત ઉમેદવારો કેવી રીતે કરે છે પ્રચાર?

જે રીતે રેહાના ડાર ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે એ રીતે પ્રચાર કરવાનું પીટીઆઈના બધા ઉમેદવારો માટે શક્ય નથી.

કેટલાક ઉમેદવારો જેલમાંથી પ્રચાર કરી રહ્યા છે. આ એ ઉમેદવારો છે, જેમને કોઈ અપરાધ માટે દોષી ઠરાવવામાં આવ્યા નથી. આવા ઉમેદવારો જેલમાં હોવા છતાં ચૂંટણી લડી શકે છે.

બીજી તરફ તેના કેટલાક અન્ય ઉમેદવારો પોલીસની નજરથી બચીને, ગુપચુપ પોતાનું પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે.

આતિફ ખાન ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની સરકારમાં પ્રધાન હતા. હવે ચૂંટણીપ્રચાર દરમિયાન તેઓ ત્રણ મીટરના સ્ક્રીન પર વીડિયોમાં જોવા મળે છે. તેમની ટીમે પીટીઆઈના ટેકેદારોને સંબોધિત કરવા માટે સ્ક્રીન લગાવેલાં વાહનો શહેરના ચોકમાં ઊભાં રાખ્યાં છે.

તેમનું કહેવું છે કે મતદારો સુધી પોતાની વાત પહોંચાડવાની આ એકમાત્ર રીત છે, કારણ કે આતિફ ખાન મે મહિનાથી જ છુપાયેલા છે. અધિકારીઓ તેમને વૉન્ટેડ વ્યક્તિ ગણાવે છે. તેઓ માને છે કે તેમની સુનાવણી નિષ્પક્ષ નહીં હોય.

તેમણે બીબીસીને કહ્યું હતું, “આ અલગ જ અનુભવ છે. ભીડની વચ્ચે હું નથી. મંચ પર નથી. લોકોની વચ્ચે નથી, પરંતુ અમે બધું સંભાળવાના પ્રયાસ કરી રહ્યા છીએ.”

તેઓ કહે છે, “પીટીઆઈને યુવા મતદાઓ તરફથી સૌથી વધુ સમર્થન મળી રહ્યું છે. યુવાઓ ડિજિટલ મીડિયા, મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. એટલે તેમની સાથે આ રીતે જોડાઈ શકીએ એવું અમને લાગ્યું. આ એકમાત્ર ચીજ અમે કરી શકીએ તેમ છીએ. અમે ડિજિટલ મીડિયા મારફત ચૂંટણીપ્રચાર કરી શકીએ છીએ.”

સોશિયલ મીડિયા પર પીટીઆઈની હાજરી

પીટીઆઈના ચૂંટણીપ્રચારમાં ટેકનોલૉજીનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ છે.

પક્ષના સત્તાવાર એક્સ, ઇન્સ્ટાગ્રામ અને ટિકટૉક પેજ છે. પ્રત્યેક પેજના લાખો ફોલૉઅર્સ છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના સોશિયલ મીડિયા પર જેટલા ફોલૉઅર્સ છે, તેના કરતાં અનેક ગણા વધારે ફોલૉઅર્સ પીટીઆઈના છે.

આ ત્રણેય પક્ષ પૈકી ઇમરાન ખાન એકમાત્ર એવા નેતા છે, જેમનું ત્રણેય પ્લૅટફૉર્મ્સ પર એક પર્સનલ એકાઉન્ટ પણ છે. તેનો અર્થ એ થયો કે તેમનો સંદેશો લોકો સુધી સીધો પહોંચી રહ્યો છે.

પીટીઆઈ સમર્થિત ઉમેદવાર કોણ છે એ મતદારોને જણાવવા માટે પણ ટેકનોલૉજીના ઉપયોગનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પીટીઆઈએ એક વેબસાઇટ બનાવી છે. તેમાં મતદારો તેમના મતવિસ્તારના પીટીઆઈ સમર્થિત ઉમેદવારનું ચૂંટણીચિહ્ન શોધી શકે છે. આ વેબસાઇટ પર પક્ષનું ચૂંટણીચિહ્ન બેટ-બૉલ દર્શાવાયું નથી.

ક્રિકેટના મેદાનમાંથી રાજકારણના મેદાનમાં આવેલા ઇમરાન ખાનનો સમાવેશ પાકિસ્તાનના એવા નેતાઓમાં થાય છે, જેમની ચૂંટણી સભાઓમાં હજારો લોકો સામેલ થતા હોય છે.

જોકે, ઇમરાન ખાન ગત ઑગસ્ટથી જેલમાં કેદ છે. આ સપ્તાહે ફરમાવવામાં આવેલી બે-ત્રણ અલગ-અલગ સજા પછી તેઓ આગામી 14 વર્ષ સુધી જેલમાં રહેશે તેવી આશંકા છે.

પીટીઆઈનું કહેવું છે કે તેને જાહેર સભાઓ યોજવામાં મુશ્કેલી પડી રહી છે. જાન્યુઆરીના અંતમાં કરાચીમાં પીટીઆઈના સેંકડો સમર્થકોને વિખેરી નાખવા માટે પોલીસે ટીયર ગૅસનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, કાર્યકરોને ત્યાં એકઠા થવાની પરવાનગી ન હતી.

પીટીઆઈનું કહેવું છે કે અમને ચૂંટણીપ્રચાર કરતા કઈ રીતે અટકાવવામાં આવે છે તેનું આ તાજું ઉદાહરણ છે. બીબીસીએ જેટલા ઉમેદવારોની પ્રચાર ટીમ સાથે વાત કરી એ બધાએ જણાવ્યું હતું કે તેમના ટેકેદારોને ડરાવવામાં-ધમકાવવામાં આવે છે.

પીટીઆઈનો આક્ષેપ છે કે પક્ષને ચૂંટણી લડતો રોકવા માટે તેના ઉમેદવારોની પજવણી તથા અપહરણ કરવામાં આવે છે, જેલમાં ધકેલવામાં આવે છે અને હિંસાનો સહારો લેવામાં આવે છે.

પીટીઆઈના આક્ષેપો સામે સરકારની દલીલ

કાર્યવાહક સરકારના માહિતી મંત્રી મુર્તજા સોલાંગીએ બીબીસીને કહ્યું હતું, “અમને આ આરોપ નિરાધાર અને વાહિયાત લાગે છે. કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ પૈકીના કેટલાકની ધરપકડ નવમી મેની ઘટના સંબંધિત હતી અને કેટલાક અન્ય લોકો ફોજદારી કેસોમાં સંડોવાયેલા હતા.”

તેઓ કહે છે, “અલબત્ત, પીટીઆઈને વિરોધ કરવાની અને આક્ષેપ કરવાની છૂટ છે, ભલે તે નિરાધાર હોય. મીડિયા તેનું પ્રસારણ કરે છે. એ ઉપરાંત તેમની પાસે દેશની સૌથી મોટી અદાલતો સહિતના કાયદાકીય વિકલ્પો પણ ઉપલબ્ધ છે.”

પીટીઆઈની સોશિયલ મીડિયા વિંગના વડા જિબ્રાન ઇલિયાસ અમેરિકાના શિકાગોમાં રહે છે. તેમણે ફોન પર બીબીસીને કહ્યું હતું, “આ સસ્તું, સલામત અને ઝડપી છે. ચૂંટણી સભાઓ કરતાં તે ઓછું પ્રભાવશાળી હશે, પરંતુ લોકો સુધી સંદેશો પહોંચાડવાના પ્રયાસ અમે કરી રહ્યા હતા.”

ઇલિયાસે કહ્યુ હતું, “અમે અગાઉ ઇમરાન ખાન વિના કોઈ રાજકીય રેલી કરી નથી.”

ઇમરાન ખાન વિના કોઈનું કામ ચાલી શકશે? આ સવાલ બાબતે તેઓ બહુ આત્મવિશ્વાસુ જણાતા નથી.

ઇલિયાસના કહેવા મુજબ, સમસ્યા એ છે કે લોકો ઇમરાન ખાનના સંદેશા માટે તલપાપડ છે ત્યારે લોકો સુધી સંદેશો પહોંચાડવો કઈ રીતે?

ગયા વર્ષે ડિસેમ્બરમાં એક ઑનલાઇન રેલીનું ભાષણ તૈયાર કરવા માટે તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કર્યો હતો.

ઇન્ટરનેટ પર નજર રાખતા ‘નેટબ્લૉક્સ’ સમૂહના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં વિવિધ પ્લૅટફૉર્મ્સ પર અનેક વખત વિક્ષેપ સર્જાયો હતો, જે પીટીઆઈની કેટલીક રેલીઓ વખતે જ સર્જાયો હતો.

પીટીઆઈના નેતાઓને શી આશા છે?

માઈકલ કુગલમેન અમેરિકન થિંક ટૅન્ક વિલ્સન સેન્ટરમાં દક્ષિણ એશિયા સંસ્થાનના ડિરેક્ટર છે.

તેઓ કહે છે, “પાકિસ્તાનની માત્ર 30 ટકા વસ્તી સક્રિય રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેના પરથી સમજાય છે કે પીટીઆઈ સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કરવામાં સક્ષમ છે, પરંતુ તેના ઑનલાઇન અભિયાનની પહોંચની મર્યાદા પણ છે.”

આવું પહેલાં પણ જોવા મળ્યું હતું. ખાસ કરીને ગત ચૂંટણીમાં નવાઝ શરીફ જેલમાં હતા ત્યારે.

મોટા ભાગના રાજકીય વિશ્લેષકોની માફક કુગલમેન પણ આ પ્રકારના ફેરફાર પાછળ પાકિસ્તાનના શક્તિશાળી સૈન્યનો હાથ હોવાનું માને છે. એ સૈન્ય, જેના સહકાર વડે ઇમરાન ખાને સત્તા મેળવી હતી.

તેઓ કહે છે, “વ્યાપક સ્તરે દમન અને ચાલાકી કરવામાં આવી હતી. પીએમએલ-એનના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. ચૂંટણી નજીક આવી ત્યારે કારાવાસની સજા કરવામાં આવી હતી. તેમાં નવાઝ શરીફની 10 વર્ષની જેલસજાનો પણ સમાવેશ થાય છે.”

પીટીઆઈએ ઇમરાન ખાન કે પોતાના ચૂંટણી અભિયાન પરના પ્રત્યેક હુમલાનો ઉપયોગ પોતાના લાભ માટે કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તે સાર્થક સાબિત થશે?

પાકિસ્તાનની ટીવી ચેનલોમાં પીએમએલ-એનના નવાઝ શરીફ અને પીપીપીના બિલાવલ ભુટ્ટોની ચૂંટણી સભાઓનું કવરેજ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

કુગલમેનના કહેવા મુજબ, અનેક મતદાતાઓને એવું લાગી શકે કે મતદાન કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે પીટીઆઈની જીતની કોઈ શક્યતા નથી એવું તેઓ માને છે.

તેઓ કહે છે, “ઇમરાન ખાન સાથે જે કંઈ થઈ રહ્યું છે એ પછી પણ પોતાના સમર્થકોને ઘરની બહાર લાવીને મતદાન માટે કેવી રીતે પ્રેરિત કરવા એ સવાલ પીટીઆઈના નેતૃત્વ સામે છે. પીટીઆઈમાં કેટલાક લોકો એવું માને છે કે તેઓ મતદારોને બહાર લાવી શકે અને મતદાનની ટકાવારી વધી જાય તો ચમત્કાર થઈ શકે છે અને તેઓ જીતી શકે છે.”