You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં થતી ઊથલપાથલ ભારત માટે ચિંતાનું કારણ કેમ?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
દક્ષિણ એશિયાના મામલાઓના એક વિખ્યાત અમેરિકન નિષ્ણાત ઘણાં વર્ષો પહેલાં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એક સ્થાનિક વિશ્લેષક સાથે તેમની વાતચીત થઈ હતી. તેઓ કહે છે કે આજે પણ તેમને એ વાત યાદ આવે છે.
વૉશિંગ્ટનની વિલ્સન સેન્ટર થિંક ટૅન્કમાં સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર માઈકલ કુગલમેનના જણાવ્યા મુજબ, સ્થાનિક વિશ્લેષકે તેમને કહ્યું હતું કે “પાકિસ્તાન તબાહીના ગર્તમાં સરી પડે તો આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે એ તેની સાથે આપણને પણ ન ડૂબાડી દે.”
તાજેતરના દિવસોમાં પાકિસ્તાન ભયાનક આર્થિક તથા રાજકીય સંકટ સામે ઝઝૂમી રહ્યું છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ભ્રષ્ટાચારના આરોપ બદલ ધરપકડ પછી આખા દેશમાં જોરદાર હિંસા ફાટી નીકળી હતી.
પાકિસ્તાન એ પહેલાંથી જ સખત મોંઘવારી અને લગભગ શૂન્ય વિકાસ દર જેવા પડકારોનો સામનો કરી રહ્યું હતું.
ઇમરાન ખાનનો આક્ષેપ છે કે પાકિસ્તાની સૈન્ય તેમની હત્યા કરાવવાના પ્રયાસ કરી રહ્યું છે.
માઈકલ કુગલમેન કહે છે, "પાકિસ્તાન જેવો પાડોશી તમારો દુશ્મન હોય અને પોતાના સૌથી સારા સમયગાળામાં પણ ત્યાં ઊથલપાથલ થતી હોય તેમજ ભયંકર રાજકીય સંકટ, વ્યાપક હિંસા, તોડફોડ તથા ખાસ કરીને સૈન્ય તથા રાજકીય પક્ષો વચ્ચેની ટક્કરનો શિકાર થયો હોય તો તમને નિશ્ચિત રીતે ચિંતા થવી જોઈએ."
તેઓ કહે છે, "પાકિસ્તાનમાં થતી ઊથલપાથલ ભારત સુધી ફેલાશે એવું નથી, પરંતુ ખરી ચિંતાની વાત એ છે કે પોતાના આંતરિક ઝંઝાવાત સામે ઝઝૂમી રહેલું પાકિસ્તાન ભારત માટે ભયંકર જોખમ હોય તેવી બાબતોને અંકુશમાં રાખવા પર ધ્યાન નહીં આપી શકે, ભારત સામે જેહાદ કરતા ઉગ્રવાદીઓ પર અંકુશ નહીં રાખી શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1947માં આઝાદ થયા પછી ભારત અને પાકિસ્તાન ત્રણ મોટાં યુદ્ધ લડી ચૂક્યાં છે. તેમાંથી એકને બાદ કરતાં બાકીનાં બન્ને યુદ્ધ કાશ્મીરના મુદ્દે થયાં છે.
2019માં ભારતીય સલામતી દળો પરના હુમલા પછી ભારતે પાકિસ્તાનની સીમામાં ઘૂસીને હવાઈ હુમલા કર્યા હતા.
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન માઈક પૉમ્પિયોએ તાજેતરમાં પ્રકાશિત તેમના પુસ્તકમાં દાવો કર્યો હતો કે 2019ની એ ઘટના પછી બન્ને દેશ અણુયુદ્ધની અત્યંત નજીક પહોંચી ગયા હતા, પરંતુ 2021માં બન્ને દેશે સીમા પર શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધવિરામની સંધિ કરી હતી. તેને લીધે પરિસ્થિતિ અત્યાર સુધી તો અંકુશ હેઠળ છે.
સવાલ એ છે કે પાકિસ્તાનમાં ચાલી રહેલી ઊથલપાથલથી ભારતે ચિંતિત થવું જોઈએ?
પાકિસ્તાનમાં ઊથલપાથલનો ઇતિહાસ
ઇતિહાસનાં પાનાઓમાંથી તેના કેટલાક સંકેત મળે છે. 1971માં પાકિસ્તાનમાં થયેલી આંતરિક ઊથલપાથલના પરિણામે ભારતીય ઉપ-મહાદ્વીપમાં એક લોહિયાળ જંગ અને પછી એક નવા દેશ બાંગ્લાદેશનો જન્મ થયો હતો.
2008માં એક લોક આંદોલને પાકિસ્તાનના લશ્કરી શાસક પરવેઝ મુશર્રફનું શાસન ખતમ કરી નાખ્યું હતું.
એ વખતે પરવેઝ મુશર્રફે ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
તેના થોડા મહિના પછી જ પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદીઓએ મુંબઈ પર મોટો આતંકવાદી હુમલો કર્યો હતો.
જોકે, ઇતિહાસના આ ઉદાહરણ, પાકિસ્તાન આજે જે સંકટનો સામનો કરી રહ્યું છે તેની સામે બહુ ઝાંખા લાગે છે.
અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા હુસેન હક્કાની હવે વૉશિંગ્ટનની હડસન ઇન્સ્ટિટ્યૂટ અને અબુધાબીની અનવર ગરમાશ ડિપ્લોમેટિક એકેડમી સાથે જોડાયેલા વિદ્વાન છે.
હુસેન હક્કાની કહે છે, "પાકિસ્તાન તેના ઇતિહાસમાંના સૌથી ખરાબ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ત્યાં આવી ઊથલપાથલ ચાલી રહી છે. આ મુશ્કેલ સમયમાં પાકિસ્તાનનું શાસક એટલે કે સૈન્ય નિર્બળ અને આંતરિક રીતે વિભાજિત હોય એવું લાગે છે."
ભારત સાથેના સંબંધ પરની અસરની બે શક્યતા
આ ઊથલપાથલ તેની ચરમસીમાએ પહોંચશે ત્યારે બે સંભાવના સર્જાઈ શકે છે. જોકે, માઈકલ કુગલમેન જેવા નિષ્ણાત તેનો ઇનકાર કરે છે.
પહેલી શક્યતા એ છે કે પાકિસ્તાન મતભેદના અંત માટે ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવી શકે છે. જોકે, "ભારતને તેમાં રસ નહીં હોય એ અલગ વાત હશે."
બીજી શક્યતા એ છે કે ભારત પર નજર તાકીને બેઠેલા ઉગ્રવાદીઓને સીમા પારથી કોઈ મોટો હુમલો કરવા માટે પાકિસ્તાન ઉશ્કેરે.
જોકે, માઈકલ કુગલમેન કહે છે, "વર્તમાન સંજોગોમાં પાકિસ્તાન વધુ એક સંઘર્ષની કે ભારત સાથે કોઈ નવી ટક્કરની હિંમત કરે તેવી બહુ જ ઓછી સંભાવના છે."
અલબત, આ બન્ને શક્યતાની વચ્ચેની સંભવિત સ્થિતિ બાબતે ભારતે ચિંતા કરવી જોઈએ.
માઈકલ કુગલમેન કહે છે, "એ સ્થિતિ આંતરિક ઊથલપાથલનો શિકાર બનેલા પાકિસ્તાનના નિયંત્રણમાં નહીં હોય."
"પાકિસ્તાનનું ધ્યાન અનેક બાબતો પર કેન્દ્રીત હોવાથી તે, કોઈ પણ સંભવિત હુમલા પર નિયંત્રણ રાખવાની સ્થિતિમાં નહીં હોય."
લંડનની એસઓએએસ યુનિવર્સિટીમાં રાજનીતિ તથા ઇન્ટરનેશનલ સ્ટડીઝનો વિષય ભણાવતા અવિનાશ પાલીવાલ પણ આવો અભિપ્રાય વ્યક્ત કરે છે.
તેમના જણાવ્યા મુજબ, "પાકિસ્તાનનું આર્થિક તથા રાજકીય સંકટ સીમા પર યુદ્ધવિરામ જાળવી રાખવામાં નડતરરૂપ બની શકે છે."
અવિનાશ પાલીવાલ કહે છે, "વર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાની સૈન્યના વડા સીમા પર આતંકવાદને પ્રોત્સાહન આપે તો તેમને અનેક ફાયદા થઈ શકે."
"તેઓ લોકોનું ધ્યાન અન્યત્ર દોરી શકે, કાશ્મીર મુદ્દે પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે અને એ ઉપરાંત એવું દેખાડવાના પ્રયાસ પણ કરી શકે કે સૈન્ય પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ છે."
તેઓ કહે છે, "મર્યાદિત સંસાધન હોવા છતાં આ જોખમ યથાવત જ છે, કારણ કે પાકિસ્તાન તરફથી જેણે યુદ્ધવિરામની ગેરન્ટી આપી હતી તે સૈન્ય પોતે આજે મુશ્કેલીથી ઘેરાયેલું છે."
ભારત અને ચીન વચ્ચેનો સંબંધ વધુને વધુ તંગ થઈ રહ્યો છે એ પણ ધ્યાનમાં રાખવું પડશે. બન્ને દેશ વચ્ચે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે.
પાકિસ્તાનમાં ઊથલપાથલ બાબતે ભારતમાં પ્રતિભાવ
ઘણા લોકો માને છે કે ભારતે પાકિસ્તાન પ્રત્યેના તેના ‘ઝનૂન’માંથી મુક્ત થવાની જરૂર છે.
ભારતે તેના પાડોશી દેશમાં સમસ્યાઓ તથા સંઘર્ષના કારણે સર્જાતા સંકટ બાબતે વધુ ચિંતા કરવાની જરૂર નથી.
પાકિસ્તાનની મુશ્કેલીને કારણે ભારતમાં અનેક લોકોને આનંદ થતો હોય એવું પણ લાગે છે. આ તો બીજાની તકલીફ જોઈને રાજી થવા જેવી વાત છે.
અવિનાશ પાલીવાલ કહે છે, “ભારતનું અર્થતંત્ર આખરે તો પાકિસ્તાન કરતાં દસ ગણું મોટું છે. મુશ્કેલીથી ઘેરાયેલા પાકિસ્તાનના અર્થતંત્રનું કદ તો ભારતના સૌથી સમૃદ્ધ રાજ્ય મહારાષ્ટ્રના અર્થતંત્રના કદ કરતાં પણ નાનું છે.”
માઈકલ કુગલમેનના જણાવ્યા મુજબ, આવો પ્રતિભાવ એકદમ વાજબી છે. "પોતાનો દુશ્મન, ખાસ કરીને સીમા પારથી આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપતો હોય તેવો અને કારણ વિના યુદ્ધ કર્યાં હોય તેવો દુશ્મન મુશ્કેલીથી ઘેરાયેલો રહે એવું બધા દેશ ઇચ્છે."
માઈકલ કુગલમેન ઉમેરે છે, "ભારત સંબંધે પાકિસ્તાની સૈન્યના પડકારોને જોઈને લોકોને વિશેષ સંતોષ થાય છે, કારણ કે પાકિસ્તાની સૈન્ય ભારત પર હુમલા કરવા માટે આતંકવાદીઓનું પાલનપોષણ કરતું રહ્યું છે એ છેલ્લા ત્રણ દાયકાથી ભારતના લોકો નિહાળતા રહ્યા છે."
તેઓ કહે છે, "પાકિસ્તાનને મુશ્કેલીમાં ઘેરાયેલું જોઈને ભારત બહુ રાજી થતું હોય અને અસ્થિર પાકિસ્તાનને લીધે સર્જાનારા જોખમ બાબતે ભારત બેદરકાર રહે તો એ પણ બહુ ખતરનાક સાબિત થઈ શકે છે."
જોકે, "પાકિસ્તાન વિનાશના સમુદ્રમાં ડૂબી જશે," એવું પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા શરત સભરવાલ જેવા વિશ્લેષક માનતા નથી.
તેઓ એવું માને છે કે પાકિસ્તાન તેના ઊથલપાથલના ઇતિહાસનું પુનરાવર્તન કરતાં આ રીતે જ ઠોકર ખાઈને આગળ પણ પોતાની સફર ચાલુ રાખશે.
અવિનાશ પાલીવાલ કહે છે તેમ પાકિસ્તાનનું ઉદાહરણ "વૈચારિક અને ધાર્મિક ઉન્માદના સમર્થકો માટે બહુ સારો બોધપાઠ છે" અને તેનાથી સાબિત થાય છે કે ધાર્મિક રાષ્ટ્રવાદ પર કાબૂ મેળવવાની જરૂર છે.
ભારતે શું કરવું જોઈએ?
પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા ટીસીએ રાઘવન કહે છે, "પારસ્પરિક સંબંધની બાબતમાં ન્યૂનતમ સંપર્કની સ્થિતિ જાળવી રાખીને બન્ને દેશ સીમા પર યુદ્ધવિરામનું પાલન કરતા રહે તે વર્તમાન પરિસ્થિતિમાં બહુ જ જરૂરી છે."
બીજી તરફ હુસેન હક્કાની જેવા જાણકારો માને છે કે ભારત હાલ થોભો અને રાહ જુઓની વ્યૂહરચના અપનાવીને સીમા પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
પાકિસ્તાનની અસ્થિરતાનું પૂર પોતાની તરફ આગળ વધે તો પોતાની હાલત બેખબર અને દિગ્મૂઢ થઈ જવા જેવી ન હોય તેના પર હાલત ભારતનું ધ્યાન કેન્દ્રીત છે.
માઈકલ કુગલમેન કહે છે, "ભારતે સતર્ક રહેવાની જરૂર છે અને તેણે સતર્કતા બાબતે જરાય બેદરકાર ન રહેવું જોઈએ."