You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં મોંઘવારી અને અન્ન સંકટ માટે કોણ જવાબદાર – નેતા, સત્તા કે બીજું કંઈ?
- લેેખક, ફરહત જાવેદ
- પદ, બીબીસી ઉર્દૂ ડૉટ કૉમ, ઇસ્લામાબાદ
- ઘણા સમયથી પાકિસ્તાનમાં ઘરવપરાશની વસ્તુઓ ખરીદવામાં પણ સામાન્ય લોકોને તકલીફ પડી રહી હોવાની વાતો સામે આવી હતી
- પાકિસ્તાનમાં ઘણા લોકો રાજકીય સંકટને આર્થિક સંકટ માટે જવાબદાર ગણાવી રહ્યા છે
- પરંતુ આ સંકટનું ખરું કારણ શું છે? શું ખરેખર સત્તાની ઊથલપાથલને કારણે આ સંકટ સર્જાયું છે? લોકો અને રાજકારણીઓ આ અંગે શું વિચારે છે?
“રાજકારણના સંકટે જનતાની હાલત ખરાબ કરી નાખી છે.”
આ શબ્દ દરરોજ મહેનત-મજૂરી કરનારા પાકિસ્તાનના કોઈ સામાન્ય નાગરિકના નથી, પેશાવરના એક મોટા કારોબારી અને ઝકોડી ગ્રૂપ ઑફ કંપનીઝના માલિક અય્યૂબ ઝકોડી દેશની વર્ણવતાં આ વાત કરે છે.
એ વાત તો સાચી છે કે હાલ પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિની અસર દેશના દરેક વર્ગના લોકો પર પડી રહી છે. કથળતી જતી અર્થવ્યવસ્થા માટે લોકો દેશના વર્તમાન રાજકીય સંકટને જવાબદાર ઠેરવી રહ્યા છે.
પરંતુ શું નેતા પણ આ વાત માને છે કે ખરાબ થતી જતી પરિસ્થિતિમાં તેઓ જાતે જ જવાબદાર છે? કે પછી આના માટે સત્તા પોતાની જાતને જવાબદાર ઠેરવે છે?
ખરેખર કોણ જવાબદાર?
દેખીતું છે કે પાકિસ્તાન પર આવી પડેલા આર્થિક સંકટની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી.
કેટલાક વિરોધીઓને આ સમસ્યાનું મૂળ ગણાવે છે તો અમુક સમજાવે છે કે આ બધું સત્તાધારીઓનાં કર્મનું ફળ છે. તેમજ અમુક જગ્યાઓએ ઇશારા-ઇશારામાં જ ન્યાયતંત્રની વાત પણ કરાઈ રહી છે.
આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે અય્યૂબ ઝકોડીના શબ્દ સાચા લાગે છે કે, “જનતાની હાલત ખરાબ થઈ ગઈ છે.” અય્યૂબ પેશાવરમાં ઇમ્પૉર્ટ-ઍક્સ્પૉર્ટનું કામ કરે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે આયાત આધારિત અર્થતંત્ર હોવા છતાં હાલ પાકિસ્તાન પાસે વિદેશી હૂંડિયામણનો ભંડાર એટલો નથી કે કાચો માલ ખરીદી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના અનુસાર હવે રમજાન માસ બાદ સ્થિતિ તેમના હાથમાંથી નીકળી જશે અને પરિસ્થિતિ એટલી બગડી જશે કે તેમણે તેમના કર્મચારીઓને છૂટા કરવા પડશે.
તેઓ કહે છે કે, “અમારી પાસે રહેલ કાચો માલ આ મહિનાના અંત સુધીમાં ખતમ થઈ જશે. હવે આ બાદ મજૂરોને ઘરે મોકલશું કે પછી સરકારના દરવાજે જઈશું.”
નોંધનીય છે કે પાકિસ્તાનમાં હાલના રાજકીય સંકટની શરૂઆત એ સમયે થઈ જ્યારે ગત વર્ષે ઇમરાન ખાને સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો અને તેમની સરકારે સત્તાની બહાર થવું પડ્યું.
એ સમયથી જ દેશમાં પ્રદર્શન, હંગામા અને અવિશ્વાસની સ્થિતિ જોવા મળી રહી છે.
ઘરવપરાશની વસ્તુઓ માટે કલાકો સુધી ઇંતેજાર
આર્થિક સ્થિતિની વાત કરીએ તો એક અમેરિકન ડૉલરની કીંમત વધીને 300 પાકિસ્તાની રૂપિયા સુધી થઈ ચૂકી છે. દેશમાં મોંઘવારી દરમાં રેકર્ડ વધારો થયો છે. માર્ચ 2023માં મોંઘવારી દર 46 ટકા સુધી પહોંચી ગયો હતો.
પરિસ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ છે કે સામાન્ય લોકોએ લોટના એક થેલા માટે કલાકો સુધી લાઇનમાં રાહ જોતાં ઊભા રહેવું પડે છે. રોટી માટે લાગેલી લાંબી કતારોમાં નાસભાગ થવાને કારણે અત્યાર સુધી ઘણા લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.
પરંતુ આ પ્રશ્ન જ્યારે નેતાઓ સામે રખાયો ત્યારે તેમના જવાબમાં ક્યાંય કોઈ જવાબદારી સ્વીકારતા હોય તેવું ન જોવા મળ્યું. ઊલટું એકબીજા પર આ મામલે આરોપ-પ્રત્યારોપ કરવાનું ચાલુ થઈ ગયું.
વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ હાલમાં જ રાષ્ટ્રીય ઍસેમ્બ્લીમાં મુક્ત મને ઇસ્ટેબ્લિશમૅન્ટને નિશાન બનાવી હતી અને કહ્યું કે ઇસ્ટેબ્લિશમૅન્ટનાં કર્મોની સજા નેતાઓ અને દેશને ભોગવવી પડી રહી છે. કંઈક આ જ પ્રકારની વાત રાષ્ટ્રીય ઍસેમ્બ્લીના સભ્ય અલી વઝીરે પણ બીબીસીને જણાવી.
અલી વઝીર કહે છે કે તેઓ ગઠબંધનવાળી એ સરકારના પ્રતિનિધિ છે જે હાલ સત્તામાં છે પરંતુ તેઓ આ સરકારના સિક્યૉરિટી ઇસ્ટાબ્લિશમૅન્ટ સાથેના ગઠબંધનના વિરોધમાં છે.
તેમની વાત માનીએ તો તેઓ વડા પ્રધાનને મળવા માટે ઘણી વાર વિનંતી કરી ચૂક્યા છે જેથી તેઓ તેમને “એ વાયદા યાદ અપાવી શકે જે લોકો સાથે કરાયા છે.”
તેમનો ઇશારો રાજકીય ગઠબંધનના સૈન્ય ઇસ્ટાબ્લિશમૅન્ટ સાથે ગઠબંધન ન કરવાના વડા પ્રધાનના વાયદા તરફ હતો.
અલી વઝીર સમજે છે કે દેશના હાલના સંકટમાંથી નીકળવાનો ઉપાય પણ સૈન્ય પ્રતિષ્ઠાનને રાજકારણથી દૂર કરવાથી મળશે.
તેઓ કહે છે કે, “આપણે ઘરેલુ અને વિદેશ નીતિઓ વિશે જાતે નિર્ણય કરવાના રહેશે. જ્યાં સુધી સંરક્ષણ સંસ્થાઓ આ વસ્તુઓ પર કબજો જમાવી રાખશે આપણે વ્યવસ્થામાં મચેલી અફરાતફરી અને અરાજકતાથી નહીં બચી શકીએ.”
જનતાને ક્યારે રાહત મળશે?
બીબીસીએ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી અને મુસ્લિમ લીગ નવાઝના વરિષ્ઠ સભ્ય ખ્વાજા આસિફને પૂછ્યું કે શું તેમની સરકાર વર્તમાન સંકટ માટે પોતાની જાતને જવાબદાર ઠેરવે છે કે કેમ?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આવું બિલકુલ નથી. તેમણે કહ્યું, “શું તમે ઇમરાન ખાનને એ વાતોની જવાબદારીમાંથી છૂટ આપવાના પ્રયત્ન કરી રહ્યા છો જે તેઓ કરીને ગયા છે.”
જ્યારે ખ્વાજા આસિફને પુછાયું કે સરકાર પોતાના વલણમાં ફ્લેક્સિબિલિટી કેમ નથી દાખવી રહી, તો તેમણે કહ્યું કે આવી કોશિશો ઘણી વાર કરાઈ છે.
તેમણે કહ્યું, “અમે ઇમરાન ખાન વાતચીત કરવા માટે આવે એ માટે ઘણી કોશિશો કરી છે, પરંતુ તેમને આ વાત સમજાતી નથી. તેઓ એવી વ્યક્તિ છે પોતાની જાતને જ સર્વેસર્વા માને છે.”
પરંતુ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સાસંદ બૅરિસ્ટર ઝફર મલિક પોતાની પાર્ટી અને ચૅરમૅન ઇમરાન ખાનની વાત પર અડગ છે. તેઓ કહે છે કે દેશને સમસ્યાઓમાંથી કાઢવો હોય તો એક જ રસ્તો છે.
તેઓ કહે છે કે, “સરકારે ચૂંટણી ક્યારે થશે એ વાતની જાહેરાત જલદી કરવી જોઈએ. માત્ર આ જ સ્થિતિમાં જનતાને રાહત મળી શકશે, આઇએમએફ પણ મદદ માટે આવશે અને પાકિસ્તાનના મિત્ર દેશ પણ સંતુષ્ટ થશે.”
ચૂંટણી થશે કે નહીં, જલદી યોજાશે કે તેમાં મોડું થશે, આ તમા પ્રશ્નોના જવાબ કોઈની પાસે નથી. પરંતુ આ સવાલો વચ્ચે દેશમાં ગરીબ, મિડલ ક્લાસ અને હવે તો સાધનસંપન્ન વર્ગ પણ ઝડપથી આર્થિક સંકટ તરફ આગળ વધતા જઈ રહ્યા છે.
ઇસ્લામાબાદમાં રહેતી એક વ્યક્તિએ કહ્યું કે, “વાત યોગ્ય તો છે પરંતુ વાત ફજેતીની છે.”
તેમજ લોટ લેવા કતારમાં લાગેલા એક શખ્સ પ્રશ્ન કર્યો, “શું અમે આ લોટ માટે પેદા થયા છીએ જે ખાવા યોગ્ય પણ નથી? આ તમામ સત્તાવાળા અમારા ગરીબોના ગુનેગાર છે.”