You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પ્લીઝ અમ્મીને બચાવી લો', સુરતના ડૉક્ટરે પાકિસ્તાનની મહિલાની જિંદગી કઈ રીતે 'બચાવી?'
- લેેખક, તેજલ પ્રજાપતિ
- પદ, બીબીસી ગુજરાતી
"અહીંના બધા ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા, મારાં માતાના બચવાની કોઈ આશા નહોતી, ત્યારે સુરતના આ ડૉક્ટર અમારી માટે ભગવાન બનીને આવ્યા."
આ શબ્દો પાકિસ્તાનના પંજાબના મુલતાનમાં રહેતાં ઈકરા અજીઝના છે, જેમનાં 62 વર્ષીય માતા સુરૈયાબાનો મ્યુકરમાઇકોસિસથી પીડાતાં હતાં.સુરૈયાબાનોને યોગ્ય સારવાર ન મળવાના કારણે તેઓ અને તેમનો પરિવાર હિંમત હારી ગયાં હતાં.
જોકે એ ખરા વખતે ગુજરાતના સુરતના આયુર્વેદિક તબીબ સુરૈયાબાનોના પરિવારની મદદે આવ્યા હતા.
'મમ્મીના બચવાની કોઈ આશા રહી ન હતી'
સુરૈયાબાનો 2020માં કોરોના વાઇરસથી સંક્રમિત થયાં હતાં. એ વખતે તેઓ કોરોના વાઇરસ અને વધી રહેલા શુગર સામે ઝઝૂમી રહ્યાં હતાં. આ દરમિયાન તેમને મ્યુકોરમાઇકોસિસ પણ થયો.
પરિવારનું કહેવું છે કે સુરૈયાબાનો મ્યુકરમાઇકોસિસની ચપેટમાં આવ્યાં એ બાદ તેમની હાલત સતત કથડી રહી હતી.
સુરૈયાબાનોનાં દીકરી ઈકરાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "ફંગલ ઇન્ફૅક્શન વધી જવાથી તેમના જડબાનો ઉપરનો ભાગ ડૉક્ટરે કાઢી નાખ્યો હતો. તેઓ બોલી પણ શકતાં ન હતાં."
“મારી માતાનું વજન દિવસેને દિવસે ઘટી રહ્યું હતું, બીમાર થયાં તે પહેલાં તેમનું વજન 55 કિલો હતું, પણ બીમાર પડ્યાં એ પછી તેમનું વજન 30 કિલો થઈ ગયું હતું.”
“ડૉક્ટરનું કહેવું હતું કે ફંગલ ઇન્ફૅક્શન આંખ, કાન, દાંત સુધી પહોંચી ગયું હતું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા અને બધી આશા છોડી દીધી હતી." જોકે સુરૈયાબાનોનાં દીકરી ઈકરા હિંમત ન હાર્યાં, તેમણે તેમની માતાની સારવાર માટે સરહદને પાર ભારતમાં ડૉક્ટરોના સંપર્ક કરવાનું શરૂ કર્યું.
'પ્લીઝ મારી અમ્મીને બચાવી લો'
સુરૈયાબાનોને યોગ્ય સારવાર ન મળતાં દીકરી ઈકરાએ સોશિયલ મીડિયાનો સહારો લીધો.
ઈકરા કહે છે કે, “હું સોશિયલ મીડિયામાં ફંગલ ઇન્ફૅક્શન અને મ્યુકરમાઇકોસિસ અંગે સર્ચ કરી રહી હતી અને ત્યારે મને એક વીડિયો મળ્યો.”
“એ વીડિયોમાં એક વ્યક્તિએ તેમના પિતા મ્યુકરમાઇકોસિસમાંથી સાજા થયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં મને ગુજરાતના ડૉક્ટર રજનીકાંત પટેલનું ઇન્સ્ટાગ્રામ આઈડી મળ્યું અને તેના પર મેં મૅસેજ કર્યો.”
“મેં ડૉક્ટર પાસે મદદ માગી અને કહ્યું કે મારાં અમ્મી પણ મ્યુકરમાઇકોસિસથી પીડાઈ રહ્યાં છે.”
જે બાદ ઈકરાનો ડૉ. પટેલ સાથે સંપર્ક થયો હતો. તેમણે ડૉક્ટરને આજીજી કરી હતી કે “પ્લીઝ મારી અમ્મીને બચાવી લો.”
ડૉ. રજનીકાંત પટેલે કઈ રીતે મદદ કરી?
ડૉ. રજનીકાંત પટેલ બીએએમસ ડૉક્ટર છે અને તેઓ સુરતમાં આયુર્વેદિક ક્લિનિક ચલાવે છે.
ઇન્સ્ટાગ્રામ પર ઈકરાનો મૅસેજ જોઈ ડૉ. પટેલે મદદ કરવાની તૈયારી બતાવી હતી.
ડૉ. રજનીકાંત પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “ઈકરાનો મૅસેજ આવ્યો ત્યારે તેમનો પરિવાર ખૂબ જ પરેશાન હતો અને સુરૈયાબાનોની સ્થિતિ અતિસંવેદનશીલ જણાતી હતી.”
“સુરૈયાબાનોના ડૉક્ટરે તેમના પરિવારને કહી દીધું હતું કે હવે સારવારના કોઈ વિકલ્પ નથી, તેમને ઘરે લઈ જાવ અને જેટલા દિવસ સેવા થઈ શકે તેટલી કરો. હવે તે બચી શકે તેમ નથી.”
ડૉ. પટેલ કહે છે કે “એ બાદ મેં તેમના કેસનો અભ્યાસ કર્યો પછી મેં બે-ત્રણ કંપની દ્વારા દવા મોકલવાના પ્રયાસો કર્યા, પણ તેઓ પાકિસ્તાન દવા મોકલી શકે એમ નહોતી.”
“આમ છતાં મેં ત્રણ મહિના સુધી આયુર્વેદિક ઉપચારો પ્રમાણે તેમની સારવાર કરાવી. એ બાદ મેં અને સુરૈયાબાનોના પરિવારે સંપર્કો શોધીને દવા મોકલવાનો રસ્તો કાઢ્યો.”
“તેમના એક પરિવારજનની મદદથી હું દવાઓ અબુધાબી મોકલાવતો અને ત્યાંથી તે દવાઓ પાકિસ્તાનમાં સુરૈયાબાનો સુધી પહોંચતી હતી.”
ડૉ. પટેલના જણાવ્યા પ્રમાણે ત્યાર બાદ સુરૈયાબાનોની સાતથી આઠ મહિના સુધી સારવાર ચાલુ રહી હતી.
ડૉ. પટેલ અને ઈકરા બંનેનું કહેવું છે કે હવે સુરૈયાબાનોની તબિયત સુધરી છે અને હવે તેઓ એકદમ નૉર્મલ થઈ ગયાં છે.
‘ડૉ. પટેલ ભગવાન બનીને આવ્યા’
સુરૈયાબાનોને હજી સાંભળવા અને બોલવામાં તકલીફ થાય છે. બીબીસી ગુજરાતીએ તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ બોલી શકતાં ન હતાં.
સુરૈયાબાનોનાં દીકરી ઈકરા કહે છે કે, “ડૉ. પટેલની સારવાર બાદ જ્યારે ફરી અમે અમ્મીના એમઆરઆઈ અને અન્ય રિપોર્ટ્સ કરાવ્યા તો તેમાં રિકવરી જોવા મળી હતી.”
“મારાં અમ્મીની દવા હજી ચાલી રહી છે, તેમનામાં ઘણી રિકવરી આવી છે અને તેઓ ઘરનું બધું જ કામ પણ કરી શકે છે.”
ઈકરાએ કહ્યું કે, “ડૉક્ટર પટેલ ખરેખર અમારી માટે ભગવાન બનીને આવ્યા છે. તેમણે દેશ કે ધર્મનો કોઈ ભેદભાવ રાખ્યા વગર મારી અમ્મીની સારવાર કરી.”
ડૉક્ટર પટેલ કહે છે કે, “ડૉક્ટર તરીકે અમારે કોઈ ભેદભાવ રાખવા પણ ન જોઈએ. દરદી મુસ્લિમ હોય કે હિન્દુ, અમારી પાસે આવે એ તમામ દરદીની અમે સારવાર કરતા હોઈએ છીએ.”
“તે કયા દેશ, ધર્મ કે જ્ઞાતિના છે, એ અમે જોતા નથી. ડૉક્ટર તરીકે અમારી એક જ ફરજ છે, તેમની સારવાર કરવી.”
ડૉ. પટેલનું કહેવું છે કે સુરૈયાબાનો સાજા થવા લાગ્યાં એટલે હવે તેમના પરિવારે મ્યુકરમાઇકોસિસના અન્ય દરદીઓને પણ ડૉ. પટેલની સારવાર લેવાનું સૂચન કર્યું છે. એટલે હવે ડૉ. પટેલ સરહદને પેલે પાર બીજા દરદીઓની પણ સારવાર કરી રહ્યા છે.
ઈકરા કહે છે કે, “હું એટલી જ પ્રાર્થના કરું છું કે ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ તણાવ ન રહે, સંબંધો સુધરી જાય તો અહીંથી ત્યાં દવાની આપલે થાય અને મારી માતાની જેમ બીજાને પણ સારી સારવાર મળી રહે.”
શું છે મ્યુકરમાઇકોસિસ?
કોરોના વાઇરસનું સંક્રમણ જ્યારે ઝડપથી ફેલાઈ રહ્યું હતું, ત્યારે ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યોમાં મ્યુકરમાઇકોસિસના કેસો નોંધાઈ રહ્યા હતા.
મ્યુકરમાઇકોસિસ એક ફૂગજન્ય બીમારી છે. આ ફૂગજન્ય બીમારીએ કોવિડ-19ની બીજી લહેર દરમિયાન વ્યાપકપણે દેખા દીધી હતી.
મ્યુકરમાઇકોસિસ એ કોરોનાની સારવાર-પદ્ધતિની 'આડપેદાશ' જેવી છે. તબીબોના કહેવા પ્રમાણે, , મ્યુકરમાઇકોસિસના દરદીનાં નાક, મોં, ગળા, આંખ અને મગજને અસર કરે છે અને જો તાત્કાલિક તેની સારવાર હાથ ધરવામાં ન આવે તો દરદીના જીવ પર જોખમ ઊભું થઈ શકે છે.
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા તો તાજેતરમાં બીમારીમાંથી બેઠા થયા હોય, તેમને આ બીમારી વધારે અસર કરી શકે છે.
ગુજરાત સરકારના અનુમાન પ્રમાણે, આ બીમારીમાં મૃત્યુદર 50 ટકા જેટલો ઊંચો હોઈ શકે છે. મતલબ કે દર બેમાંથી એક દરદીનું મૃત્યુ થઈ શકે છે.
શું આયુર્વેદથી મ્યુકરમાઇકોસિસની સારવાર શક્ય છે?
મ્યુકરમાઇકોસિસ જેવી બીમારીની ચપેટમાં આવેલાં સુરૈયાબાનોની તબિયતમાં સુધારો આવ્યો. સુરૈયાબાનો તથા તેમના પરિવારનું કહેવું છે કે ડૉ. પટેલના આયુર્વેદિક ઉપચારથી તેઓ સાજાં થયાં હતાં.
ત્યારે શું ખરેખર આયુર્વેદથી મ્યુકરમાઇકોસિસ જેવી બીમારીનો ઉપચાર શક્ય છે? આ જાણવા માટે અમે કેટલાક તબીબોનો પણ સંપર્ક કર્યો હતો.
ગુજરાતના ચેપી રોગોના નિષ્ણાત ડૉક્ટર તુષાર પટેલે કહ્યું હતું કે “મ્યુકરમાઇકોસિસની સારવાર આયુર્વેદથી શક્ય નથી, મ્યુકરમાઇકોસિસની સારવાર દરમિયાન ઍન્ટિ-ફંગસની દવા અને ઇન્જેકશન આપવામાં આવતાં હોય છે. આ દવાની આડઅસર પણ થતી જોવા મળતી હોય છે, જેમાં કિડની અને લીવર પર વધુ રિએક્શન આવતું જોવા મળે છે.”
અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "હું કોઈ ઉપચાર પદ્ધતિના વિરોધમાં નથી. કોઈ પણ સારવારપદ્ધતિ માટે વૈજ્ઞાનિક પુરાવા હોય એ જરૂરી છે. આધાર પુરાવા વગર કંઈ પણ કહેવું મુશ્કેલ બની જાય છે."
જોકે ડૉ. રજનીકાંત પટેલનું કહેવું છે કે આયુર્વેદથી મ્યુકરમાઇકોસિસ જેવી બીમારીની સારવાર શક્ય છે અને તેમાં કોઈ આડઅસર થતી નથી.
તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમણે આયુર્વેદિક ઉપચારથી અનેક દરદીઓની સારવાર કરી છે.