You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિલાવલ ભુટ્ટો : 'વાતચીત માટે માહોલ ઊભો કરવાની જવાબદારી ભારતની'
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, ગોવાથી
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે "એ જવાબદારી ભારતની છે કે તેઓ એવો માહોલ ઊભો કરે જે વાતચીત માટે સહાયરૂપ બની શકે."
બિલાવલ ભુટ્ટોએ બીબીસી સાથે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ)ની બેઠક પહેલાં વાત કરી હતી. એ વાતચીતમાં તેમણે કહ્યું કે "કાશ્મીરને લઈને પાકિસ્તાનના વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી."
બિલાવલની ભારત મુલાકાત ઘણા લોકો માટે ચોંકાવનારી હતી, કારણ કે આ પહેલાંની બેઠકોમાં પાકિસ્તાની મંત્રીઓ વર્ચ્યુઅલી ભાગ લેતા હતા.
કોઈ પાકિસ્તાની વિદેશમંત્રી 12 વર્ષ બાદ ભારત મુલાકાતે આવ્યા છે. તેમનાં દરેક પગલાં, એક-એક વાક્ય, અહીં સુધી કે તેમના હાવભાવ પર પણ મીડિયાની નજરો ટકેલી હતી.
પહેલેથી મીડિયા રિપોર્ટ કરી રહ્યું હતું કે કેવી રીતે ભારતીય વિદેશમંત્રીએ પાકિસ્તાની વિદેશમંત્રી સાથે હાથ ન મિલાવ્યા. એસસીઓની બેઠક પૂર્ણ થયા બાદ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનના વિદેશમંત્રીને આતંકવાદના 'વકીલ અને પ્રવક્તા' ગણાવ્યા હતા.
'ન તો મદદ માગી છે, ન તો તેઓ હાથ લંબાવી રહ્યા છે'
હાલમાં પાકિસ્તાન ભારે રાજકીય અસ્થિરતા અને ભયાનક આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. એવી હાલતમાં શું પાડોશી દેશ ભારત, પાકિસ્તાનની કોઈ મદદ કરી શકે છે?
આ સવાલ એટલા માટે પણ ઊઠી રહ્યો છે કે ચર્ચા ચાલી રહી છે કે ભારતે થોડાક સમય પહેલાં સંકટમાં ફસાયેલા અફઘાનિસ્તાન અને ભૂંકપમાં ફસાયેલા તુર્કીની મદદ કરી હતી. એવામાં શું પાકિસ્તાનની પણ મદદ કરવામાં આવશે?
પાકિસ્તાનના વિદેશમંત્રીને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે હસતાં-હસતાં કહ્યું, "ન તો અમે (મદદ) માગી રહ્યા છે, ન તો હાથ લંબાવી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાશ્મીરનો પ્રશ્ન
ભારતનું કહેવું છે કે "પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાર સુધી તેની સાથે વાતચીત ન થઈ શકે."
બીજી બાજુ પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ બીબીસીને કહ્યું, "જ્યાં સુધી ભારત પાંચ ઑગસ્ટ 2019ના પોતાના નિર્ણયને રિવ્યૂ નહીં કરે ત્યાં સુધી સફળ વાતચીત ન થઈ શકે."
પાંચ ઑગસ્ટ 2019ના રોજ ભારતે કાશ્મીરના વિશેષ રાજ્ય તરીકેના દરજ્જાને સમાપ્ત કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દીધું હતું. ત્યારપછી પાકિસ્તાને ભારત સાથેના રાજનૈતિક સંબંધો ઘટાડી દીધા હતા.
ગોવામાં બિલાવલ ભુટ્ટો ઝરદારીને કહ્યું, "હાલની સ્થિતિમાં ભારત પર જવાબદારી છે કે તેઓ એક એવો માહોલ પેદા કરે જે વાતચીત માટે સહાયરૂપ હોય એટલે કે પાકિસ્તાન પ્રમાણે પાંચ ઑગસ્ટ 2019ના રોજ ભારતે જે કાર્યવાહી કરી, તે ઘણી ગંભીર હતી અને જ્યાં સુધી તેને રિવ્યૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી દ્વિપક્ષી વાતચીતનો કોઈ અર્થ કાઢવો મુશ્કેલ પડશે."
બિલાવલ ભુટ્ટોને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ભારત આવ્યા જ છે, તો શું દ્વિપક્ષી વાતચીત પણ કરશે?
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ માત્ર એસસીઓની બેઠક માટે આવ્યા છે અને તેમણે "યજમાન સાથે કોઈ દ્વિપક્ષી વાતચીતની રજૂઆત કે માગ કરી નથી."
ભારત આવવાને લઈને પાકિસ્તાનમાં થઈ રહેલી ટીકા વિશે પૂછવા પર બિલાવલ ભુટ્ટોએ કહ્યું, "કાશ્મીર મુદ્દે અમારા વલણમાં કોઈ ફેરફાર થયો નથી."
શુક્રવારની પ્રેસ-કૉન્ફરન્સમાં વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે "કલમ 370 હવે ઇતિહાસની વાત છે."
આતંકવાદના સવાલ પર
એસસીઓની બેઠક બાદ યોજાયેલી પત્રકારપરિષદમાં ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે ભારતને આતંકવાદથી પીડિત ગણાવ્યું. તેમણે કહ્યું, "આતંકવાદથી પીડિત, આતંકવાદના ગુનેગારો સાથે આતંકવાદ વિશે વાત કરતા નથી."
બીબીસી સાથેની વાતચીતમાં બિલાવલ ભુટ્ટોએ કહ્યું, "પાકિસ્તાન આતંકવાદથી પીડિત રહ્યું છે, આતંકવાદના કારણે એસસીઓના તમામ સભ્યદેશો પૈકી સૌથી વધુ લોકોનાં મૃત્યુ પાકિસ્તાનમાં થયાં છે."
તેમણે પોતાનાં માતા બેનઝીર ભુટ્ટોની હત્યાનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું, "હું ખુદ આતંકવાદથી પીડિત થયો છું. તેનું દુખ હું અંગત રીતે સમજી શકું છું."
તેમણે કહ્યું, "જો આપણે હકીકતમાં ઇચ્છતા હોઈએ કે આતંકવાદનો ઉકેલ લાવવો જોઈએ તો સૌથી પહેલાં નિવેદનબાજીઓ અને વ્યાજબી ચિંતાઓને અલગ રાખવી પડશે. આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાન બંનેની વાજબી ચિંતાઓ છે. અમે પણ ઇચ્છીએ છીએ કે તેનો નીવેડો આવે."
વર્ચ્યુઅલી કેમ નહીં, ગોવામાં કેમ?
પાકિસ્તાનમાં જ્યાં ઘણા વિસ્તારોમમાં બિલાવલ ભુટ્ટોની ભારતયાત્રાને આવકારવામાં આવી, ત્યાં ઘણા વિસ્તારોમાં તેની ટીકા પણ થઈ.
એક વિચાર હતો કે જ્યારે એસસીઓ બેઠકમાં પાકિસ્તાની મંત્રી શેરી રહમાન વર્ચ્યુઅલી સામેલ થયા, કે પછી એસસીઓ સંરક્ષણમંત્રીઓની બેઠકમાં પાકિસ્તાન વર્ચ્યુઅલી સામેલ થયા તો પછી બિલાવલ ભુટ્ટો ઝરદારી ભારત કેમ આવ્યા, અને તેઓ ઇચ્છતા તો ગોવાની બેઠકમાં પણ વર્ચ્યુઅલી સામેલ થઈ શકતા હતા.
પાકિસ્તાનમાં બિલાવલ પર સવાલ ઉઠાવનારા લોકોનું માનવું છે કે તેમણે ભારત જઈને પાકિસ્તાનના પરંપરાગત સ્ટૅન્ડને કમજોર કરી દીધું છે.
બીબીસી સાથેની વાતચીતમાં બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે તેમની આ મુલાકાત એક સંદેશ છે કે પાકિસ્તાન આ સંગઠન (એસસીઓ)માં પોતાના સ્થાનને કેટલી ગંભીરતાથી લે છે.
તેમણે કહ્યું, "જ્યાં સુધી અન્ય લોકોની વર્ચ્યુઅલ હાજરી અને મારી રૂબરૂમાં હાજરીની વાત છે, અન્ય કેટલાક ઇવેન્ટ્સ સંગઠનનો ભાગ તો છે, પણ કાઉન્સિલ ઑફ ફૉરેન મિનિસ્ટર્સ અને હેડ્સ ઑફ સ્ટેટના સંમેલન જેટલા મહત્ત્વપૂર્ણ નથી."
"તેને જોઈને એક મહત્ત્વપૂર્ણ ફૉરમમાં પાકિસ્તાનના વિદેશમંત્રીનું પાકિસ્તાન માટે પ્રતિનિધિત્વ કરવું અને દેશના વિચારોને રજૂ કરવા મારા મત મુજબ જરૂરી હતા."
એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશમંત્રીની ગોવા મુલાકાત વિશે જ્યારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, "તેઓ અહીં આવ્યા કારણ કે તેઓ એસસીઓના સભ્ય છે. તમે એમાં એનાથી વધારે કંઈ ન જુઓ. તેનો અર્થ પણ તેનાથી વધારે ન હતો."