You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરના નેતાઓ સાથે બેઠકમાં 370 પર ચર્ચા નહીં, મહેબૂબા મુફતીએ કહ્યું 'પાકિસ્તાન સાથે વાત કરો'
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુરુવારે નવી દિલ્હીમાં જમ્મુ, કાશ્મીરના 14 નેતાઓની સાથે થયેલી સર્વદલીય બેઠક બાદ કહ્યું કે "આ બેઠક વિકસિત અને પ્રગતિશીલ કાશ્મીરના સંપૂર્ણ વિકાસની દિશામાં એક મહત્ત્વનું પગલું છે."
આ બેઠક લગભગ સાડા ત્રણ કલાક ચાલી હતી.
દેશના વિભિન્ન રાજકીય દળોની સાથે જમ્મુ-કાશ્મીરના ગુપકાર ગઠબંધના પૂર્વ મુખ્યમંત્રી ડૉ ફારૂક અબ્દુલ્લાહ, ઉમર અબ્દુલ્લાહ, મહેબૂબા મુફ્તી અને ગુલામ નબી આઝાદ પણ આ બેઠકમાં સામેલ થયાં.
'370 પર ચર્ચા ન કરાઈ'
બેઠક પછી પૂર્વ ઉપમુખ્ય મંત્રી મુઝફ્ફર બેગે જણાવ્યું કે "બેઠકમાં સરકારે આર્થિક વિકાસની વાત કરી. સૌથી વધારે પુન:સીમાંકનની વાત કરવામાં આવી. ધારા 370ની ફરિયાદ તો લોકોએ કરી પરંતુ આ મામલો અદાલતમાં હોવાને કારણે આની પર ચર્ચા ન થઈ."
બેઠક પછી જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યું, "આજે સારા વાતાવરણમાં વાત થઈ. બધાએ વિસ્તારથી પોતાની વાત રજૂ કરી. વડા પ્રધાન અને ગૃહમંત્રીએ બધાની વાત સાંભળી. વડા પ્રધાને કહ્યું કે પુન:સીમાંકનની પ્રક્રિયા ખતમ થશે ત્યારે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે."
કૉંગ્રેસની પાંચ માગ
કૉંગ્રેસ તરફથી ગુલાબ નબી આઝાદ આ બેઠકમાં સામેલ થયા.
તેમણે કહ્યું, "અમે કહ્યું કે જે રીતે પૂર્ણ રાજ્યનો દરજ્જો હઠાવવામાં આવ્યો તે પગલું નહોતું લેવું જોઈતું. અમે પાંચ મોટી માગની રજૂઆત કરી છે. અમે પૂર્ણ રાજ્યનો દરજ્જો જલદી આપવાની માગ કરી છે."
સાથે એ પણ માગ કરી છે કે ત્યાં જલદીમાં જલદી વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે ત્યાંના લોકોને ડૉમિસાઇલની ગૅરંટી આપવાની માગ પણ કરી છે."
"અમે સરકારને કહ્યું છે કે તે કાશ્મીરી પંડિતોને પાછા લાવે અને અમે રાજકીય કેદીઓને મુક્ત કરવાની માગ પણ કરી છે."
મોદીનું 'અડધું ડગલું પાછળ'
શ્રીનગરથી બીબીસી સંવાદદાતા રિયાઝ મસરૂર મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરની બેઠકમાં શું વાત થઈ, તેની 'મિનિટ્સ' કરતાં 'ટાઇમિંગ' વિશે વધુ ચર્ચા થઈ રહી છે.
રાજ્યના ચાર પૂર્વ મુખ્ય મંત્રીઓમાંથી ત્રણને 'શાંતિ જાળવવા' માટ તેમના ઘરમાં આઠ મહિના સુધી બંધ કરી દેવામાં આવ્યા હતા અને આજે પૂર્વ મુખ્ય મંત્રીઓ અને રાજ્યના 10 દિગ્ગજ નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે ફોટોગ્રાફ પડાવ્યા હતા.
કાશ્મીર મુદ્દે ભાજપની સરકારે અક્કડ વલણ અપનાવ્યું હતું, શાહે જમ્મુ-કાશ્મીરના નેતાઓને 'ગુપકાર ગૅંગ' ઠેરવી હતી. તાજેતરના ઘટનાક્રમથી તા. 5મી ઑગસ્ટ 2019 પછીથી હાંસિયામાં ધકેલાઈ ગયાનો અનુભવ કરી રહેલા નેતાઓને રાજકીય પુનર્જીવન મળ્યું છે અને તેમનું મનોબળ વધશે.
મોદી સરકારે જમ્મુ કાશ્મીરની શાંતિ અને સમૃદ્ધિ માટે 'નવા નેતૃત્વ'ની વાત કરી અબ્દુલ્લાહ તથા મુફ્તીને બાજુએ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખાસ કંઈ હાંસલ થયું ન હતું.
પીડીપીના નેતાઓનો એક સમૂહ મહેબુબા મુફ્તીથી અલગ થઈ ગયો. તેમણે કથિત રીતે મોદીતરફી 'અપની પાર્ટી'ની સ્થાપના કરી, પરંતુ ખાસ કંઈ હાંસલ ન થયું.
મહેબૂબા મુફ્તી સરકારમાં પૂર્વ પ્રધાન અલ્તાફ બુખારી, હુર્રિયતના પૂર્વ નેતા સજ્જાદ લોન, તથા 2010ની આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના અધિકારી શાહ ફૈઝલને 'નવા કાશ્મીર'ના ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા.
નવી દિલ્હી તથા જમ્મુ-કાશ્મીરમાં ભાજપના કાર્યકરોમાં નવા નેતૃત્વની વાતથી ખુશીની લહેર ફરી વળી હતી. કેન્દ્ર સરકારની તાજેતરની પહેલથી તેઓ નારાજ છે.
મોદીના અચાનકના વલણથી "વૈકલ્પિક નેતૃત્વ"ની ચર્ચા ઉપર અંત આવી ગયો છે અને જૂના નેતૃત્વ સાથે ફરી ચર્ચા ચાલુ કરી છે. તો આવું શા માટે થયું ?
'કાશ્મીર ટાઇમ્સ'ના અનુરાધા ભસીનના કહેવા પ્રમાણે આ બધું આંતરરાષ્ટ્રીય દબાણને કારણે થઈ રહ્યું છે.
તેઓ કહે છે, "અમેરિકા અફઘાનિસ્તાનમાંથી સરળતાપૂર્વક નીકળવા માગે છે. ભારત અને પાકિસ્તાને લાઇન ઑફ કંટ્રોલ ખાતે સંઘર્ષવિરામને પુનઃસ્થાપિત કર્યું છે. સરહદ પર ચીન પણ છે. આથી વધુ ચિંતાજનક બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કાશ્મીરમાં શાંતિ જળવાય રહે તેમ ભારત ઇચ્છે છે."
બેઠક બાદ કોણે શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક અંગે કહ્યું કે "કાશ્મીરના નેતાઓ સાથેની બેઠક વિકસિત અને પ્રગતિશીલ કાશ્મીરના સંપૂર્ણ વિકાસની દિશામાં એક મહત્ત્વનું પગલું છે."
ત્યારે બેઠક વિશે પીડીપીનાં વડાં અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું, "તા. પાંચમી ઑગસ્ટ 2019 પછીથી કાશ્મીરીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
"તેઓ ગુસ્સે છે, અશાંત છે અને ભાવનાત્મક રીતે ભાંગી પડ્યા છે. તેમને લાગે છે કે તેમનું અપમાન થયું છે."
"મેં વડા પ્રધાનને જણાવ્યું કે જે રીતે ગેરબંધારણીય, ગેરકાયદેસર તથા અનૈતિક રીતે અનુચ્છેદ 370ની નાબૂદી કરવામાં આવી, તે જમ્મુ-કાશ્મીરની જનતાને સ્વીકાર્ય નથી."
"મહિનાઓ લાગે કે વર્ષો જમ્મુ-કાશ્મીરની જનતા બંધારણીય, લોકશાહી તથા શાંતિપૂર્ણ રીતે તેમની ચળવળ ચાલુ રાખશે."
"અનુચ્છેદ 370એ અમારી ઓળખનો મુદ્દો છે. અમને એ પાકિસ્તાને નહોતો આપ્યો, અમારા દેશે આપ્યો હતો. જવહારલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યો હતો."
"મેં પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવા બદલ તેમને અભિનંદન આપ્યા. સંઘર્ષવિરામ થયું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ ઘટી છે."
"જો જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે તેમને પાકિસ્તાન સાથે ફરી વાટાઘાટો કરવી પડે તો હાથ ધરવી જોઈએ."
"પાકિસ્તાન સાથેનો વેપાર સ્થગિત થઈ ગયો છે, તેને ફરીથી શરૂ કરવા માટે પણ પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ. તે અનેકને માટે રોજગારનું માધ્યમ છે."
મુફ્તીએ રાજ્યના પર્યટન, વેપારી તથા હૉટ્રિકલ્ચર માટે પૅકેજની માગ કરી હતી.
અમિત શાહે શું કહ્યું?
બેઠક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, "આજની બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. દરેક પક્ષકારે લોકશાહી અને બંધારણને માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયાને સુદ્રઢ કરવા ઉપર બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો."
"અમે જમ્મુ-કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. રાજ્યના ભાવિ વિશે પણ વાતથઈ હતી અને પુનઃસીમાંકન અને ચૂંટણી જેવા પૂર્ણ રાજ્યના દરજ્જા માટેના તબક્કા વિશે પણ વાત થઈ હતી."
રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે કહ્યું, "તા. 5મી ઑગસ્ટે જે કંઈ થયું, તેની સાથે અમે નથી તથા તે અમને અસ્વીકાર્ય છે. અમે વડા પ્રધાનને જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વિશ્વાસનો ભંગ થયો છે અને તેને પુનઃસ્થાપિત કરવાની જવાબદારી કેન્દ્રની છે."
"અમે માગ કરી હતી કે કેટલાક નિર્ણયોને તત્કાળ પલટવાની જરૂર છે. રાજ્યની પ્રજાને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પસંદ નથી અને તેનો પૂર્ણ રાજ્યનો દરજ્જો તત્કાળ બહાલ થવો જોઈએ તથા જમ્મુ-કાશ્મીર કૅડરને પણ બહાલ કરવી રહી."
"તમામ નેતાઓએ પૂર્ણ રાજ્યના દરજ્જાની માગ કરી હતી. વડા પ્રધાન તથા ગૃહ પ્રધાને કહ્યું કે ચૂંટણી તથા રાજ્યના દરજ્જાને બહાલ કરવાની કામગીરી તત્કાળ શરૂ થશે. (ગુલામ નબી) આઝાદસાહેબે કહ્યું કે પહેલાં રાજ્યનો દરજ્જો બહાલ થવો જોઈએ અને પછી ચૂંટણીઓ યોજાવી જોઈએ. આના વિશે વડા પ્રધાન કશું બોલ્યા ન હતા."
બેઠક બાદ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના યુસૂફ તારીગામીએ કહ્યું, "આજે અમે વડા પ્રધાન તથા ગૃહ પ્રધાનને અમારી ચિંતા, માગો અને અપેક્ષાઓથી વાકેફ કર્યા હતા, પરંતુ આ અંગે અમને કોઈ નક્કર ખાતરી આપવામાં નથી આવી."
બેઠકમાં કોણ-કોણ સામેલ થયું?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે બેઠકની પૃષ્ઠભૂમિ બાંધી હતી તથા ગત લગભગ બે વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ અને નાગરિકલક્ષી કેવા પગલાં લેવામાં આવ્યા, તેની પૃષ્ઠભૂમિ બાંધી હતી.
એ પછી બેઠકમાં સામેલ વિવિધ પક્ષના નેતા ફારૂક અબ્દુલ્લાહ (નેશનલ કૉન્ફરન્સ), રવિન્દ્ર રૈના (ભારતીય જનતા પાર્ટી), મહેબૂબા મુફ્તી (પીપલ્સ ડૅમોક્રૅટિક પાર્ટી), ગુલામ નબી આઝાદ (કૉંગ્રેસ) ઉપરાંત કવિન્દ્ર ગુપ્તા, નિર્મલસિંહ, ભીમસિંહ અને સજ્જાદ લોન સહિતના નેતાઓ સામેલ થયાં હતાં.
આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, રાજ્યના ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા પણ આ બેઠકમાં સામેલ છે.
રાજ્યના પ્રતિનિધિઓને સાંભળ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિચાર અને યોજના રજૂ કરશે.
બેઠક પૂર્વે ફારૂક અબ્દુલ્લાહે કહ્યું હતું કે, "વાટાઘાટો કે કોઈપણ રીતે તણાવને દૂર કરવાની જરૂર છે. હું પાકિસ્તાનની વાત નહીં ઉઠાવું. મારે મારા દેશની સાથે વાત કરવી છે અને મારા દેશના વડા પ્રધાન સાથે વાત કરવી છે." જ્યારે પીડીપીના મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઈએ.
બેઠકના એક દિવસ અગાઉ રાજ્યની વિધાનસભા બેઠકોનું પુનઃસીમાંકન કરવાની ચર્ચા થઈ હતી.
જેમાં 20 ડેપ્યુટી કમિશનરોએ ભાગ લીધો હતો. ચર્ચા મુજબ નવી સાત બેઠક ઉમેરવામાં આવશે અને કેટલીક બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવશે.
આમ કરવાથી રાજ્યની કુલ બેઠક સંખ્યા 83થી વધીને 90 થઈ જશે.
જમ્મુ કાશ્મીર અને વિશેષ દરજ્જો
તા. 5મી ઑગસ્ટ 2019ના દિવસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દીધો હતો. તે પછી રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રીઓ ફારુક અબ્દુલ્લાહ, મહેબુબા મુફ્તી તથા ઓમર અબ્દુલ્લાહ સહિત અનેક અગ્રણી નેતાઓને મહિનાઓ સુધી નજરબંધ રાખવામાં આવ્યા હતા.
એ ઘટનાક્રમના બે વર્ષ બાદ રાજ્ય સરકારે અનેક પક્ષના સ્થાનિક નેતાઓ સાથે વાટાઘાટો હાથ ધરી છે.
ભાજપની પૂરોગામી ભારતીય જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીના સમયથી ભાજપે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ કરવાની વાત કરી હતી અને તેને પોતાના ચૂંટણીઢંઢેરામાં પણ સ્થાન આપ્યું હતું.
પાકિસ્તાનમાં 'અજંપો'
આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરનાં ત્રણ પૂર્વ મુખ્ય મંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લાહ, મહેબૂબા મુફતી અને ગુલામ નબી આઝાદ સામેલ થઈ રહ્યાં છે.
પાંચ ઑગસ્ટ, 2019ના રોજ મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરી નાખ્યો હતો અને એ બાદ મહેબૂબા મુફતી અને ફારૂક અબ્દુલ્લાહ જેવાં કેટલાંય નેતાઓ મહિનાઓ સુધી નજરકેદ કરી લેવાયાં હતાં.
હવે લગભગ બે વર્ષ બાદ મોદી સરકારે એ જ નેતાઓને બોલાવીને વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે. મોદી સરકારની આ પહેલની ચર્ચા પાકિસ્તાની મીડિયામાં પણ થઈ રહી છે.
પાકિસ્તાનના મહત્ત્વના અંગ્રેજી અખબાર 'ડૉન'માં આ અંગે એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરાયો છે. અખબારે મોદી સરકારની આ પહેલને તેની હાર્ડલાઇન નીતિથી અલગ ગણાવી છે.
અખબાર લખે છે, "ભારતીય વડા પ્રધાન ભારતના સમર્થક કાશ્મીરી નેતાઓને મળવા જઈ રહ્યા છે, જેથી કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયાનો પ્રાંરભ કરાવી શકાય. જોકે, આ પગલાથી કાશ્મીરી લોકોને ભાગ્યે જ કંઈ મળશે."
આ બેઠકમાં હુર્રિયત કૉન્ફરન્સના નેતાઓને ન બોલાવાયા હોવાની વાત પણ અખબારે નોંધી છે.
પાકિસ્તાની અખબારોનું માનવું છે કે પાંચ ઑગસ્ટે વેલાયેલા નિર્ણયને સ્વીકાર્ય બનાવવાની રણનીતિ પર મોદી ચાલી રહ્યા છે અને આ બેઠક એનો જ ભાગ છે.
પાકિસ્તાની અખબાર 'એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના જણાવ્યા અનુસાર બુધવારે દેશની સેનેટમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ભારત સમક્ષ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને પરત આપવાની માગ કરાઈ હતી.
આ પ્રસ્તાવને સેનેટમાં પાકિસ્તાનના શાસક પક્ષ પીટીઆઈ અને સેનેટર ડૉ. ઝર્કા તૈમુરે રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવની કૉપી પાકિસ્તાનની સેનેટના ચૅરમૅને તમામ દૂતાવાસોને મોકલી આપવા કહ્યું છે.
કાશ્મીરમાં શેની ચર્ચા થઈ રહી છે?
જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ થઈ તે પછી આશા વ્યક્ત થઈ રહી હતી કે વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ પણ તરત શરૂ થઈ જશે. આ પહેલાં ચૂંટણી ક્યારે યોજાશે તે વિશે શંકાઓ હતી.
પરંતુ હવે બેઠક યોજાઈ રહી છે તેવા સમાચારો પછી એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોનું સીમાંકન વગેરેની ચર્ચાઓ પ્રથમ રાજકીય પક્ષો સાથે કરી લેવા માગે છે.
શ્રીનગરથી માજિદ જહાંગીરે જણાવ્યું કે એક તરફ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ખામોશી છે તે દૂર કરવાની જરૂર છે અને સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક સંદેશ જશે કે કાશ્મીરમાં સ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે.
તેમનું કહેવું છે કે આ બધી પ્રક્રિયાઓ સ્થાનિક નેતાઓને સાથે રાખીને જ કેન્દ્ર સરકાર કરવા માગે છે. સ્થાનિક પક્ષોના સહયોગ વિના રાજકીય ગતિવિધિઓ આગળ વધારવી શક્ય નથી.
ગયા અઠવાડિયે ગુપકાર ગઠબંધનની બેઠક થઈ હતી અને તે પછી નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
મોદી સરકારનું નરમ વલણ?
અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, જે 14 નેતાઓને વાતચીતનું નિમંત્રણ અપાયું છે. તેમાં પીડીપીનાં મહબૂબા મુફ્તી સિવાય, નૅશનલ કૉન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા, પીપલ્સ કૉન્ફરન્સના સજ્જાદ લોન અને મુઝફ્ફર હુસૈન બેગ, સીપીએમના એમવાય તારિગામી, કૉંગ્રેસના જીએ મીર અને ગુલામ નબી આઝાદ અને જેકે અપની પાર્ટીના અલ્તાફ બુખારી સામેલ છે.
તેમજ, જમ્મુના નેતાઓને પણ આ બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ અપાયું છે, જેમાં નિર્મલ સિંહ, રવિંદ્ર રૈના, ભીમ સિંહ, કવિંદ્ર ગુપ્તા અને તારાચંદ સામેલ છે.
બીજી તરફ એવું મનાઈ રહ્યું છે કે કેન્દ્રની મોદી સરકાર હવે કાશ્મીરને લઈને નરમ વલણ અપનાવી રહી છે.
કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધા બાદ ઘણા રાજનેતાઓની ધરપકડ કરાઈ હતી. જેમને બાદમાં ધીમે ધીમે છોડી મુકાયા હતા પરંતુ હજુ પણ કેટલાક નેતાઓ નજરકેદ છે.
ગત શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જમ્મુ-કાશ્મીર માટેની ઘણી વિકાસ યોજનાઓ માટેની બેઠક કરી હતી.
તે વખતે તેમણે કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશના બધા જ લોકોનો વિકાસ અને કલ્યાણ એ મોદી સરકારની અગ્ર હરોળની પ્રાથમિકતા છે.
આ બેઠકમાં અમિત શાહ ઉપરાંત ગવર્નર મનોજ સિંહા, એનએસએ અજિત ડોભાલ, ગૃહસચિવ અજય ભલ્લા, આઈબીના વડા અરવિંદ કુમાર, રૉના વડા સમંતકુમાર ગોયલ, સીઆરપીએફના ડિરેક્ટર જનરલ કુલદીપ સિંહ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહ પણ હાજર હતા.
ગુપકાર ડિક્લરેશન શું છે?
પાંચ ઑગસ્ટ 2019ના રોજ રાજ્યનો વિશેષ દરજ્જો કલમ 370ની નાબુદી સાથે રદ થયો તે પછી ભૂતપૂર્વ ત્રણ મુખ્ય પ્રધાનો સહિત ઘણા નેતાઓને નજરકેદ કરાયા હતા.
ધીરેધીરે ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના સાત મુખ્ય રાજકીય પક્ષોએ પીપલ્સ એલાયન્સ ફૉર ગુપકાર ડિક્લરેશન (PAGD) તૈયાર કર્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યને ફરીથી વિશેષ દરજ્જો આપવાનો છે.
તો ગૃહમંત્રી અમિત શાહ અગાઉ ગુપકાર ગઠબંધનમાં સામેલ નેતાઓને 'ગુપકાર ગૅંગ' કહી ચૂક્યા છે.
તો મોદીએ પણ કહ્યું હતું કે તેઓ કાશ્મીરને વંશવાદી તાનાશાહોથી મુક્ત કરાવશે, તેમનો આ ઈશારો સીધી રીતે અબ્દુલ્લા પરિવાર પર હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો