You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન ચૂંટણીમાં ધર્મનું રાજકારણ કરનારી પાર્ટીનું વલણ કેવું છે?
- લેેખક, શુમાઇલા જાફરી
- પદ, બીબીસી ન્યૂઝ, લાહોર
લાહોરના મંસૂરામાં આવેલી જમાન-એ-ઇસ્લામીના મુખ્યાલયની મસ્જિદમાં ઠંડી અને ધૂંધળી એક બપોરે સેંકડો લોકો અસરની નમાજ માટે ભેગા થયા છે. તેમાં જમાત-એ-ઇસ્લામીના સચિવ અમીર-ઉલ-અઝીમ પણ સામેલ છે.
નમાજ બાદ આ લોકો કાર, મોટરસાઇકલ અને રિક્ષામાં એક રેલીના રૂપમાં પાસેના બજારમાં ચૂંટણીપ્રચાર માટે ગયા.
જમાત-એ-ઇસ્લામી આઠ ફ્રેબુઆરીએ થનારી સામાન્ય ચૂંટણી લડી રહી છે. તેણે સંસદ અને વિધાનસભા માટે 774 ઉમેદવારો ઉતાર્યા છે.
અમીર-ઉલ-અઝીમ ચૂંટણીપ્રચાર પર નીકળતા પહેલાં બીબીસીને કહ્યું,"લોકો અમારી સાથે છે, અમે તેમના સારા-નરસા પ્રસંગમાં સામેલ રહ્યા છીએ. મહામારી, પૂર અને અન્ય કુદરતી આફતોમાં લોકોએ અમારું કામકાજ જોયું છે. મને વિશ્વાસ છે કે મને મત આપશે."
તેઓ કહે છે, "અમારા દરવાજા બધા માટે ખુલ્લા છે. અમે સાંપ્રદાયિક પાર્ટી નથી. અમે નથી ઇચ્છતા કે ઇસ્લામ લગ્ન, અંતિમવિધિ અને તલાક જેવા મામલામાં સીમિત રહે. અમે ઇચ્છીએ છીએ કે દેશ ઇસ્લામિક રાજનીતિક સિસ્ટમથી ચાલે. જો અમે સરકારમાં આવ્યા એનું કારણ એ જ છે કે અમે બદલાવ કરનારા છીએ."
જમાત-એ-ઇસ્લામનું રાજકારણ
જમાત-એ-ઇસ્લામની સ્થાપના 1941માં ઇસ્લામિક વિદ્વાન અને ધર્મશાસ્ત્રી સૈયદ અબ્દુલ આલા મૌદુદીએ કરી હતી. સ્થાપના બાદ જમાત-એ-ઇસ્લામી એક સામાજિક અને રાજકીય આંદોલન રહ્યું છે.
એ પહેલી વાર ચૂંટણી નથી લડી રહી. અગાઉ અલગઅલગ દળો સાથે ગઠબંધનથી ચૂંટણી લડી છે. તે સંઘીય અને પ્રાંતીય સરકારોમાં પણ સામેલ રહી છે. પરંતુ તે મોટી બની શકી નથી. આથી આ વખતે એ એકલી ચૂંટણી લડી રહી છે.
અમીર ઉલ અઝીમ કહે છે, "પહેલાં જમાત-એ-ઇસ્લામીની અલગ પ્રાથમિકતા હતી. શરૂમાં અમે દાવત-એ-ઇસ્લામી પર ધ્યાન આપ્યું, અમે સાહિત્ય-સામગ્રી તૈયાર કરી અને ઇસ્લામના સંદેશને ઇજિપ્તથી લઈને આફ્રિકા સુધી પહોંચાડ્યો. હવે પછી અમે નીચલાવર્ગના લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે જમાત-એ-ઇસ્લામીની પરોપકારી શાખાના રૂપમાં અલ-ખિદમત ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ તેને સ્વચ્છ વિરાસતનો આકાર આપ્યો છે. હવે અમારું ધ્યાન જમાત-એ-ઇસ્લામીને રાજકારણની મુખ્ય ધારામાં લાવવાનું છે. બની શકે કે શરૂમાં અમને સફળતા ન મળે, પણ ધીમેધીમે અમે તે હાંસલ કરીશું."
બજારમાં જમાત-એ-ઇસ્લામીનું પ્રતિનિધિમંડળ અમીર ઉલ અઝીમના નેતૃત્વમાં દરેક દુકાને ગયું. તેમણે દુકાનદારોને ચોપાનિયાં આપીને જમાતના ઉમેદવારો માટે મતની અપીલ કરી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી અને કેટલાક લોકોએ તેમને મોંઘવારીની ફરિયાદ કરી.
પોતાની પાસે એકઠી થયેલી ભીડને અમીર ઉલ અઝીમ કહે છે કે અમે દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીને વિશેષાધિકાર અને પ્રોટોકૉલની સંસ્કૃતિને હતોત્સાહિત કરશું. અમે દેશને વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર કાઢીશું.
જમાત-એ-ઇસ્લામીની વિચારધારા
જમાત-એ-ઇસ્લામી એક ભારતવિરોધી પાર્ટી છે. તે અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં જેહાદમાં સામેલ રહી છે. તેનું માનવું છે કે કાશ્મીર અને પેલેસ્ટાઈન જેવી સમસ્યાનું સમાધાન એકમાત્ર આ રીત છે.
જમાત-એ-ઇસ્લામીએ ગાઝાના લોકોના સમર્થનમાં અનેક રેલીઓ આયોજિત કરી અને ચૂંટણીફંડનો એક મોટો ભાગ ત્યાં મોકલ્યો છે.
જોકે ઘણા વિશ્લેષકોનું માનવું છે કે જમાત-એ-ઇસ્લામી પોતાની કટ્ટરવાદી છબિ બદલીને ઉદાર રાજકીય શક્તિના રૂપમાં રજૂ થવાની કોશિશ કરી રહી છે.
આ અંગે સવાલ કરતા અમીર ઉલ અઝીમે પોતાનો દૃષ્ટિકોણ જણાવ્યો.
તેઓ કહે છે, "લોકોને લાગતું હતું કે અમે કટ્ટરપંથી છીએ અને જો સત્તામાં આવીશું તો હાથ કાપી નાખીશું. કેટલાક લોકોને લાગે છે કે અમને અમરિકાનું સમર્થન છે અને અમે સેનાની બી ટીમ છીએ."
તેમણે કહ્યું, "લોકોએ મીડિયાના લીધે અમારા અંગે આ ધારણા બાંધી છે. પરંતુ સોશિયલ મીડિયાએ અમને એક પ્લૅટફૉર્મ આપ્યું છે, જ્યાં અમે અમારા વિશે અને અમારા વિચાર લોકોને જણાવી શકીએ છીએ."
કોણે બનાવી હતી ટીએલપી અને એમએમએલ
લાહોરના મુલતાન રોડ પર મંસૂરાથી થોડે દૂર મસ્જિદ રહમતુલ-લિલ-આલેમીનસ્થિત છે. એ તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના સંસ્થાપક ખાદિમ હુસેન રિઝવીની દરગાહ છે. ત્યાં તેમના વિદ્યાર્થીઓનું એક જૂથ એકઠું થયું હતું. તેઓ નારા પોકારી રહ્યા હતા, “લબ્બૈક લબ્બૈક લબ્બૈક યા રસૂલ અલ્લાહ.”
લગભગ 83 વર્ષ જૂની જમાત-એ- ઇસ્લામીથી અલગ તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી) એક નવી પાર્ટી છે. તેની સ્થાપના ખાદિમ હુસેન રિઝવીએ 2015માં કરી હતી.
રાજકીય ટિપ્પણીકાર સલમાન ગનીનું માનવું છે કે ટીએલપી સ્વાભાવિકપણે નથી બની. તેની શરૂઆત વર્ષ 2015માં લાહોરમાં એક પેટાચૂંટણી પહેલાં એક અન્ય ધાર્મિક રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ) સાથે થઈ હતી.
મિલ્લી મુસ્લિમ લીગ હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવાની રાજકીય શાખા હતી.
સલમાન કહે છે કે, “એનો હેતુ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમ નવાઝના વોટ તોડવાનો હતો. તેઓ લાહોર પેટાચૂંટણીનાં ઉમેદવાર હતાં. ટીએલપી અને એમએમએલએને 15-15 હજાર મત લાવવાનું લક્ષ્ય અપાયું હતું. પરંતુ બંને પાર્ટીઓ એવું ન કરી શકી. પરંતુ આ બંને દળોએ પ્રથમ ચૂંટણી થયા બાદ પણ સારું પ્રદર્શન કર્યું.”
આ બંને પાર્ટીઓની શરૂઆત કોણે કરી, આ સવાલ અંગે ગની સીધેસીધાં નામ નથી લેતા. તેઓ ઇશારામાં જણાવે છે કે જે લોકોએ આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, તેઓ જ આની પાછળ હતા.
મિલ્લી મુસ્લિમ લીગ ચૂંટણીપંચમાં પોતાનું રજિસ્ટ્રેશન ન કરાવી શકી. હાફિઝ સઈદ સહિત જેયૂડીના ઘણા નેતા જેલમાં હતા. એમએમએલ ક્યારેય આગળ ન વધી શકી અને દૃશ્યમાંથી જ ગાયબ થઈ ગઈ.
તેમજ બીજી તરફ ટીએલપી વર્ષો સુધી ટકી રહી. આ પક્ષ પયગંબર મહમૂદના સન્માનના મુદ્દે મત એકઠા કરે છે. તેણે ઘણી વાર ધરણાં-પ્રદર્શનો થકી સરકારને ઝુકાવી દીધી છે. પયગંબર મહમૂદનું કાર્ટૂન છાપવા પર ફ્રાન્સ સાથે સંબંધ તોડવાની માગો પૈકી વિવાદાસ્પદ માગો સાથે તેનું નામ જોડાયેલું છે.
ટીએલપીએ વર્ષ 2017મેં તત્કાલીન પીએમએલ-એન સરકારમાં એક સંઘીય મંત્રીને રાજીનામું આપવા મજબૂર કર્યા હતા.
તેની સ્થાપનાનાં ત્રણ વર્ષ બાદ 2018માં ટીએલપીએ પોતાની પ્રથમ સામાન્ય ચૂંટણી લડી. તેને લગભગ 22 લાખ મત મળ્યા હતા. જોકે, આનાથી તેને કોઈ રાજકીય સફળતા ન મળી. તે સિંધની ઍસેમ્બલીમાં માત્ર ત્રણ જ બેઠક મેળવી શકી. આ ચૂંટણીમાં ટીએલપી દેશમાં પાંચમી સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી.
તેમજ મતોના મામલામાં તે પંજાબ પ્રાંતમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી હતી. આ વાત ઘણા રાજકીય પક્ષો અને ચૂંટણી પંડિતો માટે આઘાત સમાન હતી.
ટીએલપીમાં યુવાઓની ભરમાર
ટીએલપીના મીડિયા મૅનેજર સદ્દામ બુખારીએ કહ્યું કે આ વખતની ચૂંટણીમાં તેમની પાર્ટીને પૂરતી બેઠકો મળશે.
તેઓ કહે છે કે, “પીએમએલ-એન અને પાકિસ્તાન તહરીકે ઇન્સાફના જે નેતાને ટિકિટ નથી મળી, તેઓ અમારા સંપર્કમાં છે. ઉમેદવાર નક્કી કરવામાં અમને મહિનાઓ લાગી ગયા. અમે તેમનાં ઇન્ટરવ્યૂ લીધાં. અમે અમારી પાર્ટીની વિચારધારા સમજવાની સાથોસાથ જીતવાની ક્ષમતા ધરાવતા હોય તેવા ઉમેદવારોની પસંદગી કરી છે.”
ટીએલપીએ નૅશનલ ઍસેમ્બલીની 223 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. આ પીએમએલ-એન અને પીટીઆઈની સંખ્યા કરતાં વધ છે. એ એ પાર્ટીઓમાં સામેલ છે, જેણે 18-35 વર્ષા લોકોને ટિકિટ આપી છે. ટીએલપીને આ આયુ વર્ગના લોકોએ 36 ટકા મત આપ્યા છે.
નૅશનલ ઍસેમ્બલીમના ઉમેદવારો પૈકી એક આબિદ હુસેને બીબીસીને જણાવ્યું કે ટીએલપીનો પ્રભાવ આખા દેશ પર છે.
તેઓ કહે છે કે, “અમારી પહોંચ સંઘીય પરિષદ સુધી છે. અમે ઇમામો અને ઉલેમાઓના સંપર્કમાં છીએ. અમને તેમના સમર્થનનું આશ્વાસન મળ્યું છે. તેઓ પાયાના સ્તરે અમારું અભિયાન ચલાવશે.”
પોતાના આંદોલનકારી ભૂતકાળ અંગેના સવાલ પર આબિદ હુસેન કહે છે કે, “લોક સમજે છે કે ટીએલપીએ પયગંબર મહમૂદના સન્માન માટે રસ્તા પર ધરણાં કર્યાં છે. અમારા વિરોધીઓ અમને ચરમપંથી કહે છે, પરંતુ નિષ્પક્ષ મતદારો એ વાતને સમજે છે કે અમે દેશહિતમાં પ્રદર્શન કરીએ છીએ.”
મૌલવી ફઝલુર રહમાનની જમીયત-એ-ઇસ્લામ
મૌલાના ફઝલુર રહમાનની જમીયત-એ-ઇસ્લામ કે જેયૂઆઈ-એફનો મામલો થોડો અલગ છે. મૌલાના એ ગઠંબધનમાં સૌથી આગળ પડતા છે, જેણે ઇમરાન ખાનની સરકાર પડાવી હતી. તેઓ ઇમરાન ખાનને સત્તા પરથી હઠાવાયા બાદ સત્તાધારી પાકિસ્તાન ડેમૉક્રેટિક મૂવમૅન્ટ ગઠબંધનનો ભાગ હતા.
જેયૂઆઈ-એફનો પ્રભાવ ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં ઝાઝો છે. પંજાબમાં તેમનું ચૂંટણી બાદ પીએમએલ-એન સાથે ગઠબંધન થાય તેવી સંભાવના છે. મૌલાના ફઝલુર રહમાન અને તેમની પાર્ટી સામે સૌથી મોટો પડકાર દાએશ (આઈએસ)થી સુરક્ષાના ખતરાનો છે.
ગત વર્ષે જુલાઈમાં બાજોર જિલ્લામાં થયેલા એક ધડાકામાં લગભગ 50 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 100 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટ એ સ્થળે થયો હતો જ્યાં જેયૂઆઈ- એફની એક રેલી થઈ રહી હતી.
જેયૂઆઈ-એફના ઘણા ઉમેદવારો અને નેતાઓને ચૂંટણી પહેલાંથી નિશાન બનાવાયા. આ વાતને જોતાં મૌલાના ફઝલુર રહમાન ચૂંટણી સ્થગિત કરવાની માગ કરી રહ્યા હતા. પરંતુ તેમને અન્ય પક્ષોનું સમર્થન ન મળ્યું.
કાર્યવાહક સરકારનો ભાગ હોવાને કારણે જેયૂઆઈ-એફ તેના પ્રદર્શનની ટીકા નથી કરી શકતી. તેથી તે પોતાના રૂઢિવાદી મતદારોનું સમર્થન હાંસલ કરવા માટે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના મુદ્દાને આગળ ધરી રહી છે.
ખૈબર પખ્તૂનખ્વાના લક્કી મારવાર્ટ વિસ્તારમાં આયોજિત એક રેલીમાં મૌલાનાએ કહ્યું, “અલ્લાહે અમને તાકત આપી છે, કતાર જઈને હમાસના પ્રતિનિધિઓ કોઈ પણ જાતના ખચકાટ વગર મળનારો હું એકલો હતો. અમે વિશ્વને જણાવી દીધું કે અમે યહૂદીઓ વિરુદ્ધ મુસ્લિમો સાથે ખભાથી ખભો મિલાવીને ઊભા છીએ. અમને કોઈ વાતનો ખેદ નથી. શું અમારા રાજકીય વિરોધીઓમાં આવું કરવાનું સાહસ છે?”
નાની-નાની પાર્ટીઓનું રાજકારણ
આ ત્રણેય પ્રમુખ પક્ષો સિવાય અલગ-અલગ સંપ્રદાયોમાં વહેંચાયેલાં ઘણાં ધાર્મિક નાના-મોટા સમૂહ પણ ચૂંટણીમેદાને છે. પોતાના વૈચારિક મતભેદો છતાં તેઓ શરિયા પ્રમાણે શિક્ષણ, ન્યાય અને આર્થિક પ્રણાલી સ્થાપિત કરવાના વાયદા પર મત માગી રહ્યા છે.
સલમાન ગનીનું માનવું છે કે આ પૈકી કોઈનીય સત્તામાં આવવાની સંભાવના ખૂબ ઓછી છે. તેઓ માને છે કે આ રાજકીય દળો મુખ્યપ્રવાહ દળોના ખાસ કરીને પીએમએલ-એનના મત કાપી શકે છે. આ પૈકી કોઈનેય સરકાર બનાવવા જરૂરી બહુમતી મળવાની કોઈ સંભાવના નથી.
તેઓ કહે છે કે, “અગાઉ ધાર્મિક સમૂહ રાજકીય સ્વરૂપે વધુ પ્રાસંગિક હતા, પરંતુ હવે આવું નથી. તેઓ સરકારનો ભાગ ત્યારે જ બની શકશે જ્યારે તેઓ ચૂંટણી બાદ કોઈ ગઠબંધનમાં સામેલ થાય. અન્યથા તેમની પાસે કોઈ તક નથી.”
પાકિસ્તાનમાં જ્યારે લોકો માટે ધાર્મિક ઓળખ આટલી મહત્ત્વપૂર્ણ છે, તો લોકો ધાર્મિક પાર્ટીઓને મત કેમ નથી આપતા?
આ સવાલ અંગે સલમાન ગનીએ કહ્યું કે જ્યારે મતદાનનો સમય પાકે છે ત્યારે લોકો એવો ઉમેદવાર ચૂંટવા માગે છે, જેના અંગે તેઓ એવું માને છે કે એ સંસદ સુધી પહોંચી શકે છે. જો ધાર્મિક સમૂહોની વાત કરાય, તો લોકો તેમનું સન્માન કરે છે, પરંતુ હવે લોકોની એવી ધારણા બનતી જઈ રહી છે કે તેઓ મુખ્ય પ્રવાહનાં દળોની નિકટ જતા રહે છે.