You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : 'પિસ્તાલીસ વર્ષથી રહીએ છીએ, સાત દિવસનો ટાઇમ લખી ગયા', જંગલેશ્વરમાં 1358 મકાનધારકોને ડિમોલિશનની નોટિસ
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
- દ્વારા રિપોર્ટિંગ, રાજકોટથી
રાજકોટ શહેરમાં આજી નદી અને ખોખડદડી નદીના પશ્ચિમ કાંઠે આવેલા જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાળોદાનગર, સિદ્ધાર્થનગર વગેરે વિસ્તારોમાં આવેલા 1358 મકાનધારકોને સરકારે 27 જાન્યુઆરીના રોજ છેલ્લી ડિમોલિશન નોટિસો ફટકારી છે.
રાજકોટ શહેર (પૂર્વ) મામલતદારની કચેરીએ ફાઇનલ ડિમોલિશન નોટિસો ફટકારીને આ મકાનોમાં રહેતા આશરે 7000 કરતાં વધારે લોકોને આદેશ કર્યો છે કે સાત દિવસની અંદર તેમનાં મકાનો જે જમીન પર ઊભાં છે તે જમીન ખાલી કરી દે, અન્યથા સરકાર તેમને ત્યાંથી હઠાવશે.
મામતલદાર દ્વારા મકાનધારકોને અપાયેલી નોટિસોમાં જણાવાયું છે, '... નોટિસ આપીને જણાવવામાં આવે છે કે, આપશ્રીએ નીચે દર્શાવેલ વિગતેની સરકારશ્રીના માલિકીની/હસ્તકની જમીનમાં બિનઅધિકૃત કબજો/અડચણ/બાંધકામ/પેશકદમી કરી ગેરકાયદેસર દબાણ કરેલ છે.'
'આથી, હું મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ) સને 1879ના મુંબઈના જમીન મહેસૂલના કાયદાની કલમ—202માં ઠરાવ્યા પ્રમાણે તમોને આ નોટિસ આપું છું કે, આ નોટિસ મળ્યાથી દિન-7 (સાત)માં સદરહુ જમીન છોડી દેવી અન્યથા આપને આ જમીન પરથી ખસેડવામાં આવશે, જેની તમામ જવાબદારી આપની રહેશે જેની નોંધ લેશો.'
સરકારે ગયા ડિસેમ્બરમાં પણ આ 1358 મકાનધારકોને નોટિસો ફટકારી તેમનાં મકાનો જે જમીન પર ઊભાં છે તેની માલિકી મકાનધારકની હોય તો તેને સાબિત કરવા માટે જરૂરી આધાર-પુરાવા રજૂ કરવા કહ્યું હતું.
મોટા ભાગના મકાનધારકોએ બીબીસીને જણાવ્યું કે તેઓ આ જમીન પર લાંબા સમયથી રહે છે તે સાબિત કરવા માટે વીજળીનાં બિલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાને ભરેલા વેરાની પહોંચો દેખાડી હતી.
તો કેટલાકે જમીન કે મકાન ખરીદ્યાના ત્રાહિત પક્ષો સાથે કરેલા કરારખત રજૂ કર્યા હતા. રહીશોનું કહેવું છે કે સરકારે તે માન્ય ન રાખી હવે જમીન ખાલી કરવાના આદેશ આપ્યા છે.
લોકોનો એક જ સવાલ—'અમને કોણ મકાન ભાડે આપે?'
27 જાન્યુઆરીની નોટિસ બાદ જંગલેશ્વરમાં રહેતા અને શાળા ચલાવતા ઇરફાનભાઈ કુરેશી અને અન્ય કેટલાક લોકો આ નોટિસ સામે સ્ટે મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવવાની તજવીજ હાથ ધરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ કેટલાક લોકોએ નોટિસ માળ્યાના એક દિવસ બાદ પોતાની ઘરવખરી ન્યત્ર ખસેડવાનું ચાલુ કરી દીધું હતું.
જંગલેશ્વરમાં રહેતા સાહિલભાઈ નામની એક 30 વર્ષીય વ્યક્તિએ બુધવારે મકાનમાંથી સમાન ખાલી કરતા કરતા બીબીસીને જણાવ્યું કે તેમના દાદાના વખતથી તેમનો પરિવાર એ મકાનમાં રહેતો હતો, પરંતુ હવે તેમને ભય છે કે તેમનું મકાન તોડી પાડવામાં આવશે.
સાહિલભાઈએ કહ્યું, "મને અગાઉ એક નોટિસ આપી (કહેવામાં આવ્યું કે) તમારી પાસે જે પુરાવા છે તે દર્શાવો. અમે વેરા બિલ અને લાઇટબિલ દર્શાવ્યાં. બીજું તો કશું અમારી પાસે છે નહીં. ત્યાર પછી ગઈ કાલે (મંગળવારે) અમને બીજી નોટિસ આપી કે તમે સાત દિવસમાં ખાલી કરી નાખજો અને જો ખાલી નહીં કરો તો તમારા ભરેલા કબજે પણ અમે ડિમોલિશન કરી નાખશું."
"હવે મકાન શોધીએ છીએ પણ મકાન ક્યાંય મળતા નથી. અશાંતધારો છે... ભાડે ગોતવા જઈએ છીએ પણ ભાડે ક્યાંય મકાન નથી મળતું. બીજો પ્રશ્ન એ કે ભાડું અત્યારે ડબલ થઈ ગયું છે. હવે અમારે ભાડાં ભરવાં કે છોકરાં-પરિવારને સાચવવાં? અત્યારે તો સગાંવહાલાં બધાએ કહ્યું છે કે થોડો-થોડો સમાન નાખી જાઓ."
જંગલેશ્વર અને તેની નજીકની રાજલક્ષ્મી અને અન્ય સોસાયટીઓમાં સરકારે અશાંતધારો લાગુ કર્યો હતો તેથી સરકારની પૂર્વ મંજૂરી સિવાય એક ધર્મના મકાનમાલિક બીજા ધર્મની વ્યક્તિને મકાન વેચી શકાતા નથી.
ખોખડદડીને કાંઠે આવેલા નાળોદાનગરમાં રહેતા અને શાકભાજી વેચતા બકુલભાઈ દાવો કરે છે કે તેમનો પરિવાર 40 વર્ષથી ત્યાં રહે છે.
બકુલભાઈએ કહ્યું, "અત્યારે સરકાર હવે કહે છે કે ખાલી કરો, ખાલી કરો. પણ, ખાલી કરીને અમે જઈ તો ક્યાં જઈ? અમે અહીં રહીએ છીએ અને અને અહીં જ રહેવા દો. અને જો અત્યારે તાત્કાલિક ભાડે ગોતવા જઈ તો પાંચ હાજર ભાડું હોય તેની જગ્યાએ કહે છે કે દસ હજાર ભાડું. અને ભાડું દેતાં છતાં અમને દેવીપૂજકને એમ કહે છે કે તમને મકાન નહીં મળે... માંડમાંડ કરીને મકાન બનાવ્યાં હોય અને આ સરકાર આવીને મકાન પાડી નાખે તો અમારે જાવું ક્યાં?
નાળોદાનગરની બાજુમાં સિદ્ધાર્થનગરમાં રહેતાં અને પશુપાલન કરી દૂધ વેચતાં રજુબહેને પણ કહ્યું કે સાત દિવસની અંતિમ નોટિસ મળતા 10 સભ્યોના તેમના પરિવારનું શું થશે તે બાબતની ચિંતા છે.
રજુબહેને કહ્યું, "અમારે જાવું ક્યાં? સાત દિવસનો ટાઇમ લખી ગયા, સાત દિવસમાં ભેગું થાય અમારે? ઝાઝો, ચાર -છ મહિનાનો ટાઇમ દ્યો. અમે પિસ્તાલીસ વર્ષથી રહીએ છીએ, અમારી પાસે બધા કાગળિયા છે, ફાઇલું છે."
"નાના છોકરા હેરાન થાય છે. કોઈ મકાન નથી દેતું અમને... મકાન ઘેરો એક માણસને (મોટો પરિવાર) દે? બીમારીના ખાટલા હોય, છોકરા નાના હોય, ભરવાડને સાવ નથી દેતા. આ ત્રણ દિવસથી દોડીએ છીએ."
સરકારને 30 વર્ષે પ્લૉટ કેમ યાદ આવ્યા?
રાજકોટ શહેર (પૂર્વ) મામલતદાર નીલેશ અજમેરાએ બીબીસીને જણાવ્યું કે જે મકાનોને નોટિસ પાઠવામાં આવી છે તે રાજકોટની ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમ નંબર-6ના 133, 134, 137 અને 159 નંબરના ફાઇનલ પ્લૉટમાં આવેલી છે.
રાજકોટ મહાનગરપાલિકાના રેકૉર્ડ અનુસાર રાજ્ય સરકારે આ ટીપી સ્કીમને 29 જૂન, 1995ના રોજ મંજૂર કરી હતી. આ ટીપી સ્કીમમાં ફાઇનલ પ્લૉટ નંબર 133, 134, 137 અને 159ને અનામત જાહેર કરી તેની માલિકી રાજ્ય સરકારની ઠરાવવામાં આવી હતી.
પ્લૉટ નંબર 133, 134 અને 137 જંગલેશ્વર મેઇન રોડની પશ્ચિમે આવેલા છે. જંગલેશ્વર નજીક ખોખડદડી અને આજી નદીઓનો સંગમ થાય છે. આ નદીઓના કાંઠે લાંબા પટ્ટા સ્વરૂપે રહેલી જગ્યાને ટીપી સ્કીમના નકશામાં ફાઇનલ પ્લૉટ નંબર 159 તરીકે દર્શાવવામાં આવ્યો છે.
મામલતદારે બીબીસીને જણાવ્યું કે આ ચારેય પ્લૉટનું કુલ ક્ષેત્રફળ 1,05,800 ચોરસ મીટર એટલે કે 14 એકર કરતાં પણ વધારે થાય છે.
ત્રીસ વર્ષથી વધારે લાંબા સમય બાદ સરકાર આ જમીન પરનાં કથિત અનઅધિકૃત મકાનો કેમ દૂર કરવા માગે છે તેવા બીબીસીના સવાલના જવાબમાં મામલતદારે કહ્યું, "આ સરકારી જમીન છે અને વિવિધ પ્રોજેક્ટ માટે જમીન ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દબાણ હઠાવવાની કામગીરી હાથ ધરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા પણ આ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે."
જંગલેશ્વરમાં જ નોટિસો કેમ?
જંગલેશ્વર વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કૉર્પોરેટર અને કૉંગ્રેસના નેતા રહીમ સોરાએ કહે છે, "જંગલેશ્વર, બુદ્ધનગર, નાળોદાનગર આ બધા વિસ્તારમાં ગરીબ અને મજૂર લોકો રહે છે. કોઈ આજી નદીના સામ કાંઠે આવેલી આજી જીઆઇડીસીના (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન) કારખાનાંમાં કામ કરે છે."
"કોઈ છૂટક મજૂરી કરે છે, કોઈ શાકભાજી-ફળ વેચે છે તો કોઈ ઘરકામ કરે છે. જંગલેશ્વર વિસ્તારમાં મુસ્લિમોનાં મકાન વધારે છે, પરંતુ નજીકના અન્ય વિસ્તારોમાં હિંદુઓનાં મકાન વધારે છે. જે 1358 લોકોને નોટિસો અપાઈ છે, તેમાંથી લગભગ 70 ટકા હિંદુ છે અને માત્ર 30 ટકા જ મુસ્લિમ છે, પરંતુ મીડિયામાં બધે એવું જ આવે છે કે જંગલેશ્વરમાં નોટિસો અપાઈ. બીજા વિસ્તારની કોઈ ચર્ચા કરતું નથી."
જંગલેશ્વર અને તેની આજુબાજુના વિસ્તારમાં કથિત દબાણોને હઠાવવા શરૂ કરાયેલી કાર્યવાહીની પત્રકારોને ગુરુવારે માહિતી આપતા રાજકોટ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે કહ્યું કે કથિત દબાણો હઠાવવાની કામગીરી રાજકોટ શહેરમાં જ નહીં, પરંતુ આખા જિલ્લામાં ચાલી રહી છે.
ડૉ. ઓમ પ્રકાશે કહ્યું, "રાજકોટ શહેરમાં મેં જેમ અગાઉ કહ્યું તેમ લગભગ રૂપિયા 221 કરોડની જમીનો અમે છેલ્લા એક વર્ષમાં ખાલી કરાવી છે અને દરેક તાલુકામાં જે છે તે દબાણકર્તાઓને નોટિસ આપવાની, દબાણ દૂર કરવાની, સરકારી જગ્યા ખુલ્લી કરવાની કામગીરી ચાલી રહી છે."
ડૉ. ઓમ પ્રકાશે એમ પણ કહ્યું કે જંગલેશ્વર અને આજુબાજુના લોકોને રાજ્ય સરકાર દ્વારા પૂરતો સમય આપવામાં આવ્યો છે.
કલેક્ટરે કહ્યું, "રાજ્ય સરકારની જેટલી પણ જમીનો છે ત્યાં જેટલા પણ દબાણકારો છે (તેમને) દરેકને સમયસર માહિતી પ્રાપ્ત થતી જ હોય છે કે તંત્ર જે છે (તે) દબાણ દૂર કરી રહ્યું છે. ખાસ કરીને જંગલેશ્વરમાં પણ એકદમ વિસ્તૃત કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું છે."
"દરેકને બેથી ત્રણ નોટિસો આપવામાં આવી છે. દરેકને પુરાવા આપવાની પૂરતી તક આપવામાં આવી છે અને બધા પુરાવાનું ઍક્ઝામિનેશન કરીને પછી 202ની નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. મને ખબર છે કે અમારા તરફથી, તંત્ર તરફથી ખૂબ જ પૂરતી સમયમર્યાદામાં આપી છે અને અત્યારે પણ એમની પાસે સમયમર્યાદા છે જ...."
જોકે કલેક્ટરે ઉમેર્યું કે મકાનોનું ડિમોલિશન એટલે કે પાડી દેવા માટેની કોઈ તારીખ હજુ નક્કી થઈ નથી.
વધારે માહિતી માટે બીબીસીએ ડૉ. ઓમ પ્રકાશનો ફોન દ્વારા સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.
બીબીસીએ એસએમએસ દ્વારા કલેક્ટરને પૂછ્યું કે 'રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થવાના ભણકાર વાગી રહ્યા છે તેવે ટાણે આ કામગીરી કેમ હાથ ધરાઈ?' અને '30 વર્ષ સુધી કેમ કોઈ પગલાં ન લેવાયાં?' પરંતુ આ પ્રશ્નોના જવાબ પણ કલેક્ટર તરફથી મળ્યા ન હતા.
આજી રિવરફ્રન્ટ માટે જમીનો ખાલી કરાવાઈ રહી છે?
રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર પરેશ અઢિયાએ બીબીસીને જણાવ્યું કે જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર અને નાળોદાનગર નજીક હાલ આજી રિવફ્રન્ટનું કોઈ કામ ચાલી રહ્યું નથી.
તેમણે કહ્યું, "રાજ્ય સરકારે આજી નદીમાં આવેલા રામનાથ મહાદેવ મંદિરથી દક્ષિણે 500 મીટર અને ઉત્તરે 500 મીટર એમ કુલ 1.1 કિલોમીટરમાં રિવરફ્રન્ટ વિકસાવવા અને રામનાથ મહાદેવ મંદિર પાસેથી ગટરનું પાણી વહે છે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા રૂપિયા 200 કરોડ ફાળવ્યા છે."
"એ કામ માટે રૂપિયા 187 કરોડની વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે, પરંતુ નદીનો તે ભાગ જંગલેશ્વરથી આશરે બે કિલોમીટર જેટલો દૂર છે. જંગલેશ્વર તરફ ખોખડદડીના કાંઠે રિવરફ્રન્ટની હાલ કોઈ કામગીરી ચાલી રહી નથી કે નજીકના ભવિષ્યમાં ચાલુ કરવાની કોઈ યોજના નથી."
સિટી એન્જિનિયરે જણાવ્યું કે આખો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કે છે.
તેમણે કહ્યું, "શુદ્ધ કર્યા વગરનું ગટરનું પાણી વોંકળાઓ વાટે સીધું આજી નદીમાં ન ઠલવાય તે માટે નદીના પૂર્વ અને પશ્ચિમ એમ બંને કાંઠે સિવર ઇન્ટરસેપ્ટાર (ગટરના પાણીને આંતરવા માટેની લાઇન) નાખવામાં આવી છે, પરંતુ તેના કેટલાક કટકા બાકી હોવાથી આ કામ હજુ પૂર્ણ નથી."
"રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેના કન્સલ્ટન્ટ દ્વારા રિવરફ્રન્ટનો ઇન્સેપ્શન પ્લાન તૈયાર કરી રાજકોટ મહાનગરપાલિકાને સોંપ્યો છે. તેમાં કેટલોક લૅન્ડ રિક્લેમેશન (જમીનનું પુનઃસ્થાપન) અને કાંઠે વસતા લોકોના પુનર્વસનનો પ્રસ્તાવ છે. અમે તેમાં કેટલાંક સુધારા-વધારાનાં સૂચનો કર્યાં છે."
અત્રે એ નોંધનીય છે કે આજી નદીમાં પૂરના સમયે જંગલેશ્વરમાં મકાનોમાં પાણી ભરાઈ જાય છે અને લોકોની સલામતી માટે નદીના કાંઠે કથિત રીતે સરકારી જમીન પર બંધાયેલાં 992 મકાનોમાં રહેતા લોકોને રાજકોટ મહાનગરપાલિકાએ 2024માં નોટિસો ફટકારી હતી.
પરંતુ તેમાંથી કેટલાય લોકોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી વૈકલ્પિક આવાસની માગણી કરી હતી. કોર્ટે મહાનગરપાલિકાને નિર્દેશ આપ્યો હતો કે સરકારની 2013ની પૉલિસી હેઠળ અરજદારો આવા વૈકલ્પિક આવાસ માટે પાત્ર છે કે નહીં તે ચકસવામાં આવે.
ત્યાર બાદ કેટલાક લોકોને મહાનગરપાલિકાએ વૈકલ્પિક આવાસો ફાળવી દીધા છે, તેમ રહીમ સોરાએ જણાવ્યું.
2025માં મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં એક ટીપી રોડ ખુલ્લો કરવા 495 જેટલા કથિત ગેરકાયદેસર મકાનોમાં રહેતા લોકોને પણ નોટિસો આપી હતી, પરંતુ તે લોકોએ પણ વૈકલ્પિક આવાસોની માગણી કરી છે અને હજુ સુધી કોઈ ડિમોલિશન મહાનગરપાલિકાએ હાથ ધર્યું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન