You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : 'પૂળા ઉપાડતા તો ઢગલો વીંછી દેખાતા પણ હવે... ' ખેતરોમાંથી વીંછી કેમ ઓછા થઈ ગયા?
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના નાની નાગલપર ગામના 49 વર્ષના ખેડૂત મેઘજીભાઈ હીરાણી કહે છે કે નાનપણમાં તેમને વીંછીનો ડર લાગતો નહીં અને વીંછી ડંખ મારી દે તો પણ ઝેરની બહુ અસર તેમને થતી નહીં.
તેઓ કહે છે, "મેં મારા બાળપણમાં વીંછીને બહુ રમાડ્યા છે. વીંછીની પૂંછડીએ દોરા બાંધી તેને દોડાવ્યા છે અને બાકસમાં ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયો છું. મારાં મોટાં બહેનની તાસીર તો એવી હતી કે વીંછી ડંખ મારે તો બહેનને ઝેર ન ચડતું, બિચારો વીંછી મરી જતો. બે દાયકા પહેલાં મારી વાડીમાં કોઈ પણ સમયે વીંછી જોવો હોય તો માત્ર એટલું જ કરવાનું કે વાડીના શેઢા પર પડેલા પથ્થરોને ઉથલાવવાના, પરંતુ હવે વીંછી સાવ નામશેષ થઈ ગયા છે."
આવી જ વાત કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રાંતના ખેડૂતો કરે છે. તેઓ કહે છે કે આશરે બે દાયકા પહેલાં વાડીમાં કામ કરતી વખતે વીંછીથી સતત સાવચેત રહેવું પડતું હતું, પરંતુ હવે આ જીવડાંની બીક લગભગ રહી નથી.
ખેડૂતો માને છે કે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો વપરાશ વધતા વીંછી ઓછા થઈ ગયા છે. તો નિષ્ણાતો કહે છે કે એના માટે અન્ય કારણો પણ જવાબદાર છે અને ઉમેરે છે કે વીંછી જતા રહેતા ખેડૂતો માટે ખેતી ખર્ચ આંશિક રીતે વધ્યો છે. જોકે કેટલાક ખેડૂતો કહે છે કે પ્રાકૃતિક ખેતી તરફનો ઝોક વધતા વીંછી પાછા આવી શકશે તેવી ધારણા છે.
દુનિયામાં ક્યાં ક્યાં વીંછી દેખાય છે?
નૅશનલ જિયોગ્રાફિકની વેબસાઇટ અનુસાર વીંછી નાના ઝીંગા જેવા દેખાય છે અને સેંકડો કરોડ વર્ષ પહેલાં પાણીમાંથી બહાર આવી જમીન પર સ્થાયી થનાર જીવોમાં કદાચ પ્રથમ હશે. વેબસાઇટ પર લખવામાં આવ્યું છે, 'તેઓ ડાયનાસોરના યુગ પહેલાંના સમયથી અસ્તિત્વમાં છે. સ્કૉટલૅન્ડમાં મળી આવેલા વીંછીના સેંકડો કરોડ વર્ષ જૂના અશ્મિઓ દર્શાવે છે કે લાખો વર્ષો દરમિયાન તેમના દેખાવમાં ફેરફાર થયો નથી, પરંતુ તેમનું કદ તેમના પૂર્વજોની સરખામણીએ અડધું થઈ ગયું છે.'
આ વેબસાઇટ અનુસાર એન્ટાર્કટિક ખંડને બાદ કરતાં પૃથ્વીના બાકીના છ ખંડો પર વીંછી જોવા મળે છે. શીત કટિબંધોને બાદ કરતાં વીંછી પૃથ્વીના લગભગ બધા ભાગોમાં જોવા મળે છે.
2019માં થયેલા એક સંશોધન અનુસાર દુનિયામાં લગભગ 2400 જાતના વીંછી જોવા મળે છે. વીંછીની પૂંછડીના છેડે અણીદાર કાંટો હોય છે અને પોતાના શિકાર તેમજ ખતરારૂપ અન્ય જીવોને તેના વડે ડંખ મારે છે. જો વીંછી માણસને ડંખ મારે તો બળતરા કે પીડા થઈ શકે છે, પરંતુ નૅશનલ જિયોગ્રાફિક અનુસાર દુનિયામાં માત્ર 30 કે 40 પ્રજાતિના જ વીંછી એટલા ઝેરી છે કે તેના ડંખથી માણસનું મૃત્યુ થઈ શકે.
ગુજરાતમાં વીંછી કેટલા ઘટ્યા છે?
ગુજરાત સરકાર સંચાલિત ગુજરાત ઇકૉલૉજિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશનમાં સંશોધક તરીકે કામ કરી ચૂકેલા અમદાવાદના જીવવિજ્ઞાની ડૉ. ધ્રુવ પ્રજાપતિએ વીંછીના માસિયા ભાઈ તેવા કરોળિયા વિષે ઘણું સંશોધન કર્યું છે અને કરોળિયાની નવી પ્રજાતિઓ પણ શોધી કાઢી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "પહેલાંની કમ્પેરિઝન (સરખામણીએ)માં વીંછી ઓછા તો થયા છે, પરંતુ ગુજરાતમાં તેના વિષે બહુ સંશોધન નથી થતું. તેથી ખેતીવાડી વિસ્તારોમાં વીંછીની સંખ્યા કેટલા પ્રમાણમાં ઘટી છે તે વિષે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી."
પરંતુ બીબીસીએ જે ખેડૂતો સાથે વાત કરી તેમણે જણાવ્યું કે વીંછીની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.
કચ્છના 49 વર્ષના ખેડૂત મેઘજીભાઈ કહે છે કે હવે તેમની વાડીમાં વીંછી દેખાતા નથી. તેઓ કહે છે, "હું 1994થી ખેતી કરું છું. પહેલાં શેઢા પર પડેલા પથ્થર નીચે અને ખાતરના ઉકરડામાં વીંછી હોવા સાવ સામાન્ય હતું. મારી વાડીમાં નાના કાળના વીંછી, દિલ આકારના વીંછી, નાના પીળા વીંછી, મોટા પીળા વીંછી, કાળા વીંછી, મોટા ચીપિયાવાળા વીંછી, સફેદ વીંછી એમ દસેક પ્રકારના વીંછી દેખાતા, પરંતુ રાસાયણિક ખાતરો અને દવાઓએ વીંછીનો હવે ખાત્મો બોલાવી દીધો છે."
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ગામના ખેડૂત નારણભાઈ લકુમ કહે છે કે આજથી વીસેક વર્ષ અગાઉ વાડીમાં કામ કરતી વખતે વીંછી દેખાઈ જવા સાવ સામાન્ય હતું.
તેઓ કહે છે, "વીસ વર્ષ પહેલાં અમે ચોમાસામાં ચારા માટે વાવેલા જુવાર વાઢવા જઈએ ત્યારે વીંછી જુવારનાં પાંદડાં પર પણ બેઠેલા જોવા મળતા. ખાસ કરીને ઑગસ્ટથી નવેમ્બર મહિનાઓ દરમિયાન વધારે દેખાતા. જુવાર વાઢીને તેના પથરાને સુકાવા દેવા વાડીમાં જ પડ્યા રહેવા દેતા તો તે પથરાની નીચે પણ વીંછી આવી જતા. પાથરામાંથી પૂળા વાળી તેને પડ્યા રહેવા દઈએ તો તેની નીચે પણ વીંછી સંતાઈને બેસી રહેતા. તે જમાનામાં જો દસ પૂળા ફેરવીએ તો બે-ત્રણ વીંછી દેખાઈ જતા, પરંતુ રાસાયણિક દવાઓ અને ખાતર આવી જતા વીંછીની સંખ્યામાં ધીમે ધીમે ચોક્કસ ઘટાડો થયો છે. હવે 100 પૂળા ફેરવીએ ત્યારે માંડ બે-ત્રણ વીંછી દેખાય છે."
ચૂડા ગામની લાંબીધાર તરીકે ઓળખાતી સીમમાં નારણભાઈની 35 વીઘા જમીન આવેલી છે અને તેઓ કહે છે કે આ સીમમાં વીંછીનો ઉપદ્રવ ખૂબ વધારે રહેતો. 45 વર્ષના નારણભાઈ કહે છે, "અમારી સીમમાં વીંછીની બીકે મજૂર કામે આવતા ડરતા હતા, કારણ કે તલ, બાજરી, જુવાર કે મગફળીના પાથરમાં વીંછી અચૂક હોય અને જો માણસો ધ્યાન ન રાખે તો પાથરા, પૂળા કે પૂળાનાં ઓઘામાં રહેલા વીંછી ડંખ મારી દેવાની શક્યતા રહેતી. મને પોતાને ત્રણ વાર આ રીતે ડંખ મારી દીધેલો. હવે વીંછી જતા ખેડૂતોમાં રાહતની લાગણી છે અને સીમમાં કામ કરવા જતા બીક નથી લાગતી."
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તાલુકાના ડીસા તાલુકાના રાજપુર ગામે ખેતીની જમીન ધરાવતા 58 વર્ષના ખેડૂત મોહનલાલ માળી કહે છે કે તેમના વિસ્તારમાં પણ સ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છ જેવી જ છે.
તેઓ કહે છે, "અમારે ત્યાં શેઢે-પાળે અને ઘરમાં અવાવરું જગ્યાએ વીંછી માળી જ જતા. મેં એક વાર મકાન બનાવવા ઈંટો મંગાવી, પરંતુ ચણતર ન થઈ શકતા ઈંટો એક વર્ષ પડી રહી. પછી જ્યારે ચણતર ચાલુ કર્યું અને ઈંટો ઉપાડી ત્યારે તેની નીચેથી અઢળક વીંછી નીકળેલા. ઘરની અંદર અવાવરું જગ્યાએ તેમજ પડતર જગ્યાએ વીંછી દેખાઈ જતા, પરંતુ પંદર-વીસ વર્ષથી વીંછી સાવ ગયા છે."
કેવી જમીનમાં વીંછી વધારે દેખાતા?
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકાના રાજપરા ગામના 48 વર્ષના ખેડૂત દાદભા ખુમાણ કહે છે કે તેમના પંથકમાં અમુક પ્રકારની જમીનોમાં વીંછી વધારે દેખાતા હતા. તેઓ કહે છે, "રાતી તેમજ કાકરાવાળી જમીનોમાં વીંછી વધારે દેખાતા હતા, જ્યારે કાળી જમીનોમાં વીંછી પ્રમાણમાં ઓછા દેખાતા હતા. મગફળી, સોયાબીન, જુવાર વગેરેના પાથરા નીચે, પથ્થરો નીચે, વાડીમાં ચણેલાં મકાન વગેરેમાં વીંછી દેખાતા. ચોમાસામાં વધારે દેખાતા અને શિયાળા ઉનાળા દરમિયાન પ્રમાણમાં ઓછા, પરંતુ હવે માંડ ત્રીસ-ચાલીસ ટકા બચ્યા છે."
ડૉ. ધ્રુવ પ્રજાપતિ દાદભા ખુમાણના અવલોકન સાથે સંમત થાય છે. તેઓ કહે છે," વીંછીને અર્ધશુષ્ક કે શુષ્ક પ્રકારના વિસ્તારો વધારે અનુકૂળ આવે છે. રેતાળ માટીમાં તે વધારે દેખાય, કારણ કે વીંછી દરમાં રહેનાર જીવ છે. તે જમીનમાં કે પથ્થર નીચેની માટીમાં દર કરીને કે વૃક્ષની છાલ નીચે રહે છે. જે પ્રકારની જમીનમાં આવા દર સહેલાઈથી થઈ શકે ત્યાં વીંછી વધારે જોવા મળે."
જંતુનાશક દવાઓ વીંછીનો કેવી રીતે ખાત્મો બોલાવી રહી છે?
વડોદરા પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટર રહી ચૂકેલા ડૉ. રાજુ વ્યાસ એક હર્પિટોલૉજિસ્ટ છે અને સરીસૃપો અને ઉભયજીવીઓના નિષ્ણાત છે. તેઓ કહે છે કે જંતુનાશક દવાઓએ એક વિષચક્ર ઊભું કર્યું છે જે વીંછીની વસ્તીને મોટા પાયે ઘટાડી રહ્યું છે.
તેઓ કહે છે, "વીંછી કીટકભક્ષી જીવ છે, પરંતુ ખેતીમાં ઈયળો અને કીટકોને મારવા પેસ્ટિસાઇડ (ઇયળનાશક દવા) અને ઇન્સેક્ટિસાઇડ (કીટનાશક દવા) બહુ છાંટાવા લાગી. આવી દવાઓના બેફામ છંટકાવથી કીટકો મરવા લાગ્યા. પરિણામે વીંછીને મળતો ખોરાક ઘટ્યો. ખોરાક ઓછો મળવાથી વીંછીઓનું પ્રજનન ઘટ્યું. આમ, તેનું જીવનચક્ર ડિસ્ટર્બ થઈ ગયું અને છેવટે તેની સંખ્યા પણ ઘટી."
જૂનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકાના રાજપરા ગામના 48 વર્ષના ખેડૂત દાદભા ખુમાણ કહે છે કે જ્યાં ઉધઈ વધારે થતી તેવા વિસ્તારોમાં વીંછી વધારે દેખાતા. તેઓ કહે છે, "અમારા વિસ્તારમાં જો સાંજે શણનો કોથળો જમીન પર મૂકી દેવામાં આવે તો સવાર સુધીમાં ઉધઈ તેને ખાઈ જતી અને જાળી કરી નાખતી, પરંતુ હવે ઉધઈ પણ નથી રહી અને વીંછી પણ નથી રહ્યા."
મેઘજીભાઈ કહે છે કે ખેડૂતો વીંછી જેવા જંતુઓને રહેવાની જગ્યાનો પણ સફાયો કરી રહ્યા છે. તેઓ કહે છે, "શેઢે થોર વગેરેની વાડો હતી તેમાં વીંછી જેવા જંતુઓને આશરો મળી રહેતો, પરંતુ હવે ખેડૂતો વાડો કાઢીને તેની જગ્યાએ તાર-ફેન્સિંગ કરી રહ્યા છે. તેના લીધે જંતુઓનાં આશ્રયસ્થાન પણ ઘટી ગયાં છે."
ડૉ. વ્યાસ ઉમેરે છે કે જંતુનાશકો ઉપરાંત અન્ય કારણો પણ વીંછીની સંખ્યા ઘટવા પાછળ જવાબદાર છે. તેઓ કહે છે, "પહેલાં આપણે ત્યાં મોટા વિસ્તારોમાં ખેતી વરસાદ આધારિત હતી અને આખા વર્ષમાં એક જ પાક લેવાતો, પરંતુ હવે પિયતની સુવિધા વધતા ત્રણેય સિઝનમાં પાક લેવાય છે. સિંચાઈ વીંછી માટે મુશ્કેલી ઊભી કરે છે."
વીંછી જવાથી ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે?
ડૉ. વ્યાસ કહે છે મોટા ભાગે નિશાચર એવા વીંછી આહાર શૃંખલામાં એક મહત્ત્વની કડી છે. તેઓ કહે છે, "કીટકભક્ષી હોવાને કારણે વીંછી કીટકોની વસ્તીને કુદરતી રીતે નિયંત્રણમાં રાખે છે. તેઓ એક બાયૉકેન્ટ્રોલ એજન્ટ (જૈવિક નિયંત્રક) છે, પરંતુ વીંછી ન રહેતા આ બાયૉકેન્ટ્રોલ (જૈવિક નિયંત્રણ) નથી રહ્યું. પરિણામે કીટકોની સંખ્યા વધે અને તેને મારવા માટે ખેડૂતોએ કીટનાશક દવા વધારે પ્રમાણમાં છાંટવી પડે. હવે ખેડૂતો પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી બધી વસ્તુ મળી રહે તેવા વિવિધ પાકો વાવવાને બદલે રોકડિયા પાકો લેવા માંડ્યા છે એટલે તેઓ બીજા જીવનચક્રો વિષે બહુ વિચારતા નથી."
ડૉ. વ્યાસના આ અવલોકન સાથે સહમતી દર્શાવતા નારણભાઈ કહે છે, "પહેલાં અમારા વિસ્તારમાં લોકો પોતાના પશુઓ માટે જુવાર વાવતા અને તે ઉપરાંત બાજરી, મગ, તલ, મગફળી, કપાસ વગેરે પણ વાવતા. એટલે દરેક ખેડૂતની વાડીની અંદર જ અલગ-અલગ પાકો વવાતા અને પરિણામે વીંછીને જગ્યા મળી રહેતી, પરંતુ પાછલા બે દાયકાથી રોકડિયા પાકોનું ચલણ વધતા આખી વાડીમાં એક જ પાક વાવી દેવાની પ્રથા આવી છે. અમારા પંથકમાં હવે ચોમાસા દરમિયાન બધે કપાસ જ દેખાય છે."
પરંતુ નારણભાઈ અને મેઘજીભાઈએ પ્રાકૃતિ ખેતી પદ્ધતિ અપનાવી જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડ્યો છે અને બંનેને આશા છે તેના કારણે જીવાતોને નુકસાન થતું અટકશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન