You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પુત્રીએ પ્રેમસંબંધની આડે આવતાં માતાપિતાને ઇન્જેક્શન આપી મારી નાખ્યાં', લોહીના ડાઘથી મોતનું રહસ્ય છતું થયું
- લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
વિકારાબાદ પોલીસે આપેલી માહિતી અનુસાર, કન્નાકૂથુરે તેનાં માતાપિતાની હત્યાની કબૂલાત કરતાં કહ્યું, "તેઓ કહેતાં હતાં કે, તેમને ખભામાં દુખાવો થતો હતો, પણ આ ઇન્જેક્શન આપી દેવાથી તેઓ ગાઢ નિદ્રામાં સરી જશે."
માતાપિતાએ મનપસંદ યુવક સાથે લગ્નની પરવાનગી ન આપતાં તેમની હત્યા કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વિકારાબાદ જિલ્લાના બંટવારમ મંડલના યાચરમમાં બનેલી આ ઘટના માતાપિતાના મોત અંગે શંકા જતાં પુત્રે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી, તે પછી પ્રકાશમાં આવી હતી.
બંટવારમનાં સહાયક પોલીસ અધિકારી વિમલાએ બીબીસીને જણાવ્યું, "ઘરમાંથી ઇન્જેક્શન્સ મળી આવ્યાં અને તેના પર લોહીનાં નિશાન જોવા મળતાં શંકા થઈ હતી. પૂછપરછ કરાતાં મૃતક દંપતીની પુત્રી સુરેખાએ ગુનો કબૂલી લીધો હતો."
તે ખાનગી હૉસ્પિટલમાં નર્સ છે.
વિકારાબાદના ડીએસપી શ્રીનિવાસ રેડ્ડીએ મીડિયા સમક્ષ જણાવેલી હકીકત અનુસાર, બંટવારમ મંડલના યાચરમ ગામમાં રહેતા દંપતી દશરથ અને લક્ષ્મીને સુરેખા અને અશોક નામનાં પુત્ર-પુત્રી છે.
સુરેખા સાંગારેડ્ડીની એક ખાનગી હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. અશોક વિકારાબાદમાં રહે છે.
24મી જાન્યુઆરીની રાતે સુરેખાએ તેના ભાઈ અશોકને ફોન કરીને માતાપિતાનું અવસાન થયું હોવાની જાણ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસના જણાવ્યા પ્રમાણે, સુરેખાએ અશોકને કહ્યું કે, તેમના પિતા ફસડાઈ પડ્યા અને તે જોઈને તેમની માતાને ધ્રાસ્કો પડ્યો હતો.
જોકે, અશોકને તેમનાં માતાપિતા જે રીતે મૃત્યુ પામ્યાં, તે અંગે સંદેહ જતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરતાં માલૂમ પડ્યું કે, સુરેખાને તેના પ્રેમસંબંધને લઈને માતાપિતા સાથે અવારનવાર બોલાચાલી થતી હતી.
એસઆઇ વિમલાએ જણાવ્યું હતું, "અમે તેમના ઘરે ગયા અને તપાસ કરી. પતિ-પત્નીનું એક જ સમયે મોત નીપજ્યું હોવાથી અમને શંકા હતી અને અમે તે દૃષ્ટિકોણથી તપાસ કરી રહ્યા હતા."
"અમને જાણવા મળ્યું કે, સુરેખાના પ્રેમસંબંધને લઈને ઘરમાં વારંવાર તકરાર થતી હતી."
ઘરની જડતી લેતાં બે ઇન્જેક્શન્સ મળી આવ્યાં, તેના પર લોહી હતું.
'પહેલાં માતાને ઇન્જેક્શન આપ્યું, પછી પિતાને આપ્યું'
વિકારાબાદના ડીએસપી શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું કે, સુરેખાને અટકમાં લઈને તેની પૂછપરછ કરતાં તેના પ્રેમસંબંધની વિગતો ખૂલી હતી.
ડીએસપીએ જણાવ્યું, "24મી જાન્યુઆરીના રોજ સુરેખા સાંજે છ વાગ્યે હૉસ્પિટલથી ઘરે પરત ફરી. તેની માતાએ તે રાત્રે ભાત રાંધ્યો હતો. લક્ષ્મી ઘણી વખત પેટ દુખતું હોવાની ફરિયાદ કરતાં હતાં, આથી સુરેખાને તક મળી ગઈ. તેણે કહ્યું કે, તેણે માતાનો પેટનો દુખાવો દૂર કરવા માટે ડૉક્ટર પાસે ઍનેસ્થેટિક ઇન્જેક્શન મગાવ્યું હતું. વધુ ડોઝનું ઇન્જેક્શન અપાતાં ટૂંક સમયમાં જ લક્ષ્મીનું મોત થઈ ગયું."
"થોડી વાર પછી પિતા ઘરે આવ્યા. સુરેખાએ તેમને કહ્યું, 'માતાને ખભો દુખતો હોવાથી મેં તેમને ઇન્જેક્શન આપ્યું છે. આથી, તેઓ સૂતાં છે. તમને પીઠ દુખે છે, તો હું તમને પણ ઇન્જેક્શન આપી દઉં.'"
આમ કહીને સુરેખાએ દશરથને પણ ઇન્જેક્શન આપ્યું. આમ, દશરથનું પણ મોત નીપજ્યું. પોલીસ કહે છે કે, ઇન્જેક્શનના ઓવરડોઝથી મૃત્યુ થશે, એવી જાણ હોવા છતાં સુરેખાએ આ ગુનો આચર્યો.
ઇન્સ્ટાગ્રામમાં થયેલો પરિચય પ્રેમમાં પરિણમ્યો...
વિકારાબાદ જિલ્લા પોલીસનું કહેવું છે કે, ગયા વર્ષે સુરેખા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સાંગારેડ્ડીના એક યુવકના પરિચયમાં આવી હતી અને પછીથી આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો.
બંટવારમનાં સહાયક પોલીસ અધિકારી વિમલાએ બીબીસીને જણાવ્યું હતું, "યુવકની જ્ઞાતિ અલગ હોવાથી સુરેખાનાં માતાપિતાએ લગ્નનો ઇનકાર કરી દીધો હતો."
પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર, તેમની તપાસમાં માલૂમ પડ્યું કે, લગ્ન આડે અવરોધ ઊભો કરી રહેલાં માતાપિતાને દૂર કરવા માટે સુરેખાએ તેમની હત્યા કરી હતી.
અશોકે મીડિયાને જણાવ્યું હતું કે, તેમની બહેન આવું જઘન્ય કૃત્ય આચરશે, એવી તેમને કલ્પના નહોતી.
જ્યારે સુરેખાને આ મામલે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી, ત્યારે તેણે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો. તેના સંબંધીઓ સાથે ફોન પર સંપર્ક સાધવામાં આવ્યો, પણ તેઓ આ ઘટના વિશે કશું બોલવા તૈયાર નહોતા.
'લોકો પોતાનાં જ માણસોને મારી રહ્યા છે'
મનોવિજ્ઞાનીઓ વિશ્લેષણ કરી રહ્યા છે કે, તાજેતરના સમયમાં પરિવારના જ સભ્યો દ્વારા હત્યા કરાઈ હોવાના ઘણા બનાવો સામે આવ્યા છે. આવી હત્યા કરતા લોકો કોઈ પ્રત્યે પ્રેમની લાગણી પાંગરે, તે સાથે તેમને પોતાના જ પરિવાર પ્રત્યે ઘૃણા થવા માંડે છે.
તેલંગણા સાઇકૉલૉજિસ્ટ્સ ઍસોસિયેશનના ડૉક્ટર રામચંદરે બીબીસીને જણાવ્યું, "લાગણીઓ પર કાબૂ ન રહેતાં તેઓ હત્યા કરી દે છે. તે સમયે તેઓ ભારે માનસિક તણાવ અનુભવતા હોય છે અને મગજ પરનું નિયંત્રણ ગુમાવી બેસે છે."
તેમણે ઉમેર્યું હતું, "મસ્તિષ્કમાં કોર્ટિસોલનું સ્તર ઘટી ગયું છે અને તેઓ સંબંધો પર ધ્યાન પણ આપતા નથી. તેઓ આવેશમાં આવીને સારા-નરસાનું ભાન ભૂલીને પોતાનાં જ લોકોની હત્યા કરી બેસે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન