"મારા ગામ જવું જ પડશે..." સુનીતા વિલિયમ્સે તેમના ગુજરાતી ગામ ઝુલાસણ જવા અંગે શું કહ્યું?

    • લેેખક, દિવ્યા ઉપ્પલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"જ્યારે ઉપરથી તમે પૃથ્વીને જુઓ છો, ત્યારે વાદવિવાદ અને ઝઘડા કરવાનું ખૂબ જ વિચિત્ર લાગે છે."

લગભગ ત્રણ દાયકાની પોતાની કારકિર્દીમાં ભારતીય મૂળનાં નાસા અંતરિક્ષયાત્રી સુનીતા 'સુની' વિલિયમ્સના મનમાં અંતરિક્ષમાંથી દેખાતા દૃશ્યએ એક અદ્‌ભુત છાપ છોડી છે.

એક એવી છાપ જે માનવતા, તકનીક અને પૃથ્વીને જોવાના તેમના દૃષ્ટિકોણને સતત આકાર આપી રહી છે.

નાસામાં 27 વર્ષ કામ કર્યા પછી સુનીતા વિલિયમ્સ ડિસેમ્બરમાં નિવૃત્ત થયાં. તેઓ તાજેતરમાં જ કોઝિકોડમાં સંપન્ન થયેલા કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ભારતમાં આવ્યાં હતાં. લગભગ એક દાયકા પછી તેઓ ભારત આવ્યાં હતાં.

દિલ્હી અને કેરળના પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને ફેસ્ટિવલમાં હાજર રહેલા લોકોને મળ્યાં. આ દરમિયાન તેમણે અંતરિક્ષમાં વિતાવેલા પોતાના જીવન અને પોતાની કરિયરના અકલ્પનીય અંતિમ પ્રકરણ વિશે જણાવ્યું (વાતો કરી).

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઇએસએસ) પર લાંબા સમયગાળાનાં ત્રણ મિશન્સ દરમિયાન વિલિયમ્સે ઑર્બિટમાં 600 કરતાં વધારે દિવસો વિતાવ્યા છે. તેમણે એક મહિલા તરીકે સૌથી વધારે સ્પેસવૉકનો રેકૉર્ડ સ્થાપ્યો છે.

તેમણે કહ્યું, "મેં નાસામાં નોકરી કરવાનું ક્યારેય નહોતું વિચાર્યું. મેં અંતરિક્ષમાં જવાની કલ્પના પણ બિલકુલ નહોતી કરી."

અંતરિક્ષમાં 9 મહિના વિતાવવા પડ્યા

ભૂતકાળમાં પાછા વળીને જોતાં તેઓ કહે છે કે માત્ર મિશન જ યાદગાર નથી. સુનીતા કહે છે કે, "હું એ બધા જ અદ્‌ભુત લોકો વિશે વિચારું છું જેમણે મને માર્ગદર્શન આપ્યું, મને સલાહ આપી અને મને એ પડાવ સુધી પહોંચાડી."

"મારી સૌથી સારી યાદ હકીકતમાં એ બધા જ લોકો સાથે જોડાયેલી છે જેમની સાથે મને કામ કરવાની તક મળી."

2024માં વિલિયમ્સે અંતરિક્ષમાં થોડાક જ દિવસ રહેવાનું હતું, પરંતુ બોઇંગ સ્ટારલાઇનર અંતરિક્ષ યાનમાં તકનીકી ખામીના કારણે તેમણે આઇએસએસમાં નવ મહિના વિતાવવા પડ્યા.

આને તેમણે સહજતાથી સ્વીકારી દીધું.

તેમણે કહ્યું, "મને અંતરિક્ષમાં રહેવું ખૂબ ગમે છે. તેથી ત્યાં હોવું એ જ મારા માટે પૂરતું હતું."

"મને એ બધું કરવાની તક મળી, જે મને ખૂબ ગમે છે. જેમ કે બારીની બહાર જોવું, ડાયરી લખવી, એક્સપરિમેન્ટ કરવા. આ એક અદ્‌ભુત લૅબોરેટરી છે."

તેમના દિવસો સાયન્સના એક્સપરિમેન્ટ્સ, રોબૉટિક આર્મ ટ્રેનિંગ, ઉપકરણોનાં રિપેરિંગ, ગ્રાઉન્ડ પરની ટીમો સાથે કૉન્ફરન્સ અને કલાકો સુધી એક્સરસાઇઝમાં પસાર થતા હતા.

તેમણે કહ્યું, "દરેક દિવસ જુદો હોય છે. અને એ જ તેને સૌથી મજાનો બનાવે છે."

જોકે, ત્યાં લાંબા અરસા સુધી રહેવાથી સંવેદનના સ્તરે થોડીક મુશ્કેલીઓ ઊભી થઈ.

વિલિયમ્સે કહ્યું, "મેં મારા પરિવાર સાથે કેટલાક પ્લાન બનાવેલા. જેમાં મારાં 80 વર્ષનાં માતા સાથે બનાવેલો પ્લાન પણ હતો."

"મને એવું લાગતું હતું, જાણે મારો સમય ખોટો વેડફાઈ ગયો હોય, કેમ કે, હું તેમની સાથે નહોતી. હું મારાં ભત્રીજા-ભત્રીજી સાથે પણ કોઈ કામ નહોતી કરી શકતી."

તેમણે કહ્યું કે તેમના પરિવારના સહકારે તેમને હિંમત આપી.

"તેમણે મને કહ્યું, 'જાઓ, ઉપર ખૂબ મજા કરો, અમને પણ સાથે લઈ જાઓ અને કોઈક દિવસ અંતરિક્ષ યાન દ્વારા સુરક્ષિત પાછાં આવી જજો.' તેનાથી મને ખૂબ આશ્વાસન મળ્યું."

પૈતૃક ગામ ઝુલાસણ જવા વિશે શું કહ્યું?

સુનીતા વિલિયમ્સે જણાવ્યું કે ભારતની તેમની દરેક મુલાકાત અગાઉની મુલાકાત કરતાં બિલકુલ જુદી હોય છે.

તેમણે કહ્યું, "હું અહીં ઘણી વાર આવી ચૂકી છું. દરેક વખતે મને પરિવર્તન જોવા મળ્યું છે. રસ્તા, ફ્લાયઓવર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હવે પહેલાં કરતાં ઘણું સરળ લાગે છે. દરેક જગ્યાએ ટૅક્નૉલૉજી પહોંચી ચૂકી છે."

ખાસ કરીને તેઓ સાયન્સ અને ઇનોવેશનના ક્ષેત્રમાં ભારતની વધતી મહત્ત્વાકાંક્ષાથી પ્રભાવિત થયાં.

તેમણે કહ્યું, "લોકો તકનીકના ક્ષેત્રમાં દરેક પ્રકારના પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. તેમાં અંતરિક્ષ ક્ષેત્ર પણ સામેલ છે."

ભારત સાથે તેમનું ગાઢ જોડાણ છે. ગુજરાતમાંના તેમના પૈતૃક ગામ ઝુલાસણના લોકો લાંબા સમયથી તેમની સિદ્ધિઓને પોતાની સિદ્ધિ જેવી માનતા આવ્યા છે.

તેમણે તેમના ગામ વિશે કહ્યું, "આ ખરેખર ખૂબ સન્માનની વાત છે. એમાં શંકા નથી કે હું મારા પિતા અને પરિવાર સાથે ત્યાં જઈ ચૂકી છું. તેની સાથેનું મારું આ જોડાણ વધુ ગાઢ થતું જાય છે. હું ત્યાંના લોકોને ઓળખું છું."

સુનીતા વિલિયમ્સે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ તેમનાં બહેન અને પરિવારની સાથે પોતાના ગામ જવાની ઇચ્છા રાખે છે.

તેમણે કહ્યું, "કેરળમાં આવીને પણ સારું લાગ્યું. મારા પિતા અહીંનાં ઘણાં વખાણ કરતા હતા. ભારતના એક અલગ ભાગને જોવાની તક મળી. પરંતુ, મારે ઝુલાસણમાં આવેલા મારા ઘરે પાછા જવું જ પડશે."

એક જ ગ્રહ, જેનો આપણે બધા ઉપયોગ કરીએ છીએ

વિલિયમ્સ કહે છે કે ઑર્બિટમાંથી જોતાં સીમાઓ અને સંઘર્ષનું કશું મહત્ત્વ નથી રહેતું.

તેમણે કહ્યું, "જ્યારે તમે (અંતરિક્ષમાંથી) નીચે પોતાના ગ્રહને જુઓ છો, ત્યારે તમને અનુભૂતિ થાય છે કે આપણે બધા એક જ જગ્યાએ સાથે છીએ. એક જ પાણી, એક જ હવા, એક જ જમીન."

તેમનું માનવું છે કે આ અભિગમ મનુષ્યો વચ્ચેના વિભાજનને વિચિત્ર રીતે નાના બનાવે છે.

તેઓ કહે છે, "જ્યારે આપણે અહીં આટલી બધી વસ્તુઓની વચ્ચે હોઈએ છીએ ત્યારે એ બધી વાતોથી આપણું ધ્યાન ભટકતું રહે છે, પરંતુ અંતરિક્ષમાં લોકો સાથે ઝઘડવાની કલ્પના પણ નથી કરી શકતા."

તેમણે કહ્યું, "લોકોના વાદવિવાદ અને ઝઘડા ખૂબ જ વિચિત્ર લાગે છે."

આ અનુભવ વિલિયમ્સને લાગણીના મહત્ત્વની વધારે નજીક લઈ ગયો.

તેમણે કહ્યું, "કદાચ આપણે બધાએ બસ એક પળ થંભીને કુદરતના ખોળે ક્યાંક જવું જોઈએ. એકબીજાની વાત સાંભળવી જોઈએ. કેમ કે, કદાચ દરેકની વાતમાં કશુંક સારું હોય છે."

AI અને ભારતની ક્ષમતા

વિલિયમ્સ એઆઇને વિજ્ઞાન અને અંતરિક્ષ અભિયાનોમાં એક શક્તિશાળી ઉપકરણ ગણાવે છે. પરંતુ તેઓ માને છે કે તેની પણ અમુક મર્યાદાઓ છે.

તેમણે કહ્યું, "એઆઇ ડેટાને ખૂબ ઝડપથી પ્રોસેસ કરે છે. નંબર્સને ઍનલાઇઝ કરી શકે છે અને માહિતીને એકઠી કરી શકે છે. રોબૉટ રિપીટ થતાં કામો કરી શકે છે, જ્યારે માણસ નિર્ણય પર ફોકસ કરી શકે છે."

પરંતુ તેમણે એ વાત પર ભાર મૂક્યો કે એઆઇ એક ઉપકરણ જ રહેવું જોઈએ, તે વિકલ્પ ન બનવું જોઈએ.

તેમણે કહ્યું, "તે બધું જ નથી. તે ફક્ત આપણને આગળ લઈ જવામાં મદદ કરનાર એક સાધનમાત્ર છે."

ભારત માટે ઇમેજિનેશન જ લિમિટ છે. ભારતની પાસે માનવશક્તિ અને ઘણા બધા પ્રતિભાશાળી લોકો છે, જેઓ અદ્‌ભુત કામ કરી શકે છે."

રિટાયર થઈ ચૂકેલાં વિલિયમ્સે જણાવ્યું કે તેમના જીવનનો હવે પછીનો પડાવ પ્રવાસ, પરિવાર અને નવા પડકારોથી ભરેલો હશે.

તેઓ કેરળના સમુદ્રતટોથી લઈને લદ્દાખના પહાડો સુધી ભારતના બીજા ઘણા ભાગોને જોવા માગે છે.

તેમણે કહ્યું, "મને પર્વતો ખૂબ ગમે છે. મારે ક્યારેક ને ક્યારેક ત્યાં જવું જ પડશે."

અંતરિક્ષમાં શીખેલી બાબત પર વિચાર કરતાં તેઓ થોડીક પળ અટક્યાં અને બોલ્યાં, "ધીરજ રાખો અને એકબીજાની વાત સાંભળો."

અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નિવૃત્તિ પછી તેમને સૌથી વધુ શું ઉત્સાહિત કરે છે? ત્યારે તેમણે તરત જવાબ આપ્યો, "પર્વતો પર ચઢવું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન