You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુજીસીના નવા નિયમોનો ભાજપની અંદર જ વિરોધ, શિક્ષણમંત્રીના નિવેદન પછી પણ વિરોધનો વંટોળ શાંત કેમ નથી થઈ રહ્યો ?
- લેેખક, રાજેશ ડોબરિયાલ
- પદ, બીબીસી માટે
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવનો અંત આણવા માટે યુજીસીના નવા નિયમોને લઈને દેશભરમાં વિરોધ અને સમર્થને વેગ પકડ્યો છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં વિદ્યાર્થીઓએ નવા નિયમો સામે દેખાવો કર્યા હતા, તો બીજી તરફ ઘણા નેતાઓએ પણ આ નિયમો પાછા ખેંચી લેવાની કે તેમાં સુધારો કરવાની માગણી કરી હતી.
આ મામલાથી ખુદ ભાજપમાં પણ હલચલ મચી ગઈ છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ ખાતરી આપી રહ્યા છે કે, આ નિયમોથી કોઈના પ્રત્યે ભેદભાવ દાખવવામાં નહીં આવે, પણ સ્થાનિક સ્તરના ઘણા કાર્યકરો અને કેટલાક આગેવાનો તેનો વિરોધ કરી રહ્યા છે.
ભાજપના વિવિધ હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધાં હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. સમગ્ર મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી જઈ પહોંચ્યો છે.
આ મુદ્દાનું એક ધ્યાનપાત્ર પાસું એ છે કે, તેના સમર્થન અને વિરોધમાં ભાજપ, કૉંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોના લોકો જોવા મળી રહ્યા છે. તેનો અર્થ એ કે, આ મુદ્દો હવે પક્ષથી પર થઈ ગયો છે.
વિરોધ અને દેખાવો
13મી જાન્યુઆરીના રોજ યુજીસીએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન રેગ્યુલેશન્સ 2026 પ્રસિદ્ધ કર્યાં હતાં. કમિશન અનુસાર, આ પાછળનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમતાને પ્રોત્સાહન પૂરું પાડવાનો તથા કોઈ પણ વર્ગના વિદ્યાર્થીઓ સામે ભેદભાવ થતો અટકાવવાનો છે.
નોટિફિકેશન પ્રમાણે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ અટકાવવા માટે એક ઈક્વિટી કમિટિ (સમતા સમિતિ) બનાવવામાં આવશે, જેમાં ઓબીસી, દિવ્યાંગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ રહેશે. આ સમિતિ ભેદભાવ અંગેની ફરિયાદોની તપાસ કરશે.
આ જાહેરનામાનો વિરોધ કરી રહેલા લોકો એવી દલીલ કરે છે કે, તે જનરલ કેટેગરીમાં આવતા લોકોની વિરુદ્ધ છે, કારણ કે, તેમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ સામે ખોટા આરોપો લગાવી શકાય છે, જેની તેમની કારકિર્દી પર ગંભીર અસર ઉપજી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના અલીગઢ, સંભલ, કુશીનગર જેવા ઘણા જિલ્લાઓમાં વિદ્યાર્થી સંગઠનો તથા જૂથોએ નવા યુજીસી નિયમો સામે વિરોધ નોંધાવ્યો હતો અને તેને તાકીદે પાછા ખેંચી લેવાની માગણી કરી હતી.
નવા નિયમોના વિરોધમાં અલીગઢમાં રાષ્ટ્રીય છાત્ર સંગઠન તથા ક્ષત્રિય મહાસભાએ હાથરસના ભાજપના સાંસદ અનૂપ પ્રધાનના કાફલાને અટકાવ્યો હતો. દેખાવકારોએ યુજીસીનું પૂતળું બાળ્યું હતું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રો પોકાર્યાં હતાં.
શિવસેના (ઉદ્ધવ જૂથ)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું, "આ માર્ગદર્શિકામાં એક જજમેન્ટ છે... એક વર્ગને શોષિત અને બીજા વર્ગને શોષણખોર બતાવાઈ રહ્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે. ધારી લો કે, સાત કેસ એસસી, એસટી, ઓબીસીમાંથી આવે અને બે કે એક કેસ જનરલ કેટેગરીમાંથી આવે છે... તો કોણ નક્કી કરશે જ્ઞાતિ આધારિત ભેદભાવ થઈ રહ્યો છે કે કેમ?"
આવા મામલાઓનો દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરતાં તેમણે સવાલ કર્યો હતો, "ખોટા મામલાના કિસ્સામાં શું થશે? દોષ કેવી રીતે નક્કી કરવામાં આવશે?" સાથે જ તેમણે જણાવ્યું હતું, "અસમાનતા દૂર કરવાના નામે આપણે કેમ્પસમાં વધુ અસમાનતા લાવી રહ્યાં છીએ. આ નિયમન રદ કરવું જોઈએ, સમગ્ર દેશમાંથી આ જ માગણી ઊઠી રહી છે."
આ મામલે ભાજપ તેના ખુદના જ કાર્યકરો અને નેતાઓના વિરોધનો સામનો કરી રહ્યો છે. રાય બરેલીમાં બીજેપી કિસાન મોરચાના પ્રમુખ શ્યામ સુંદર ત્રિપાઠીએ યુજીસીના નવા નિયમનના વિરોધમાં પદ પરથી રાજીનામું આપી દીધું છે.
બીજી તરફ, ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ અજય રાયે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સત્તા પર રહેવા માટે તડાં પાડી રહ્યો છે. પહેલાં તેણે હિંદુ-મુસલમાનના નામે લોકોના મનમાં વૈમનસ્ય ઊભું કર્યું અને હવે હિંદુઓને જ જ્ઞાતિમાં વિભાજિત કરે છે. રાયે કહ્યું હતું કે, યુજીસી નિયમનને લગતી સ્થિતિ કૉંગ્રેસના શાસનમાં હતી, તેવી જ હોવી જોઈએ.
'દુરુપયોગ કરવાનો કોઈને અધિકાર નથી'
ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસે યુજીસીની નવી માર્ગદર્શિકા સામે વાંધો ઊઠાવ્યો હતો, જ્યારે કર્ણાટકમાં તેણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અસમાનતા દૂર કરવા માટે વિધેયક લાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
કર્ણાટકના ઉચ્ચ શિક્ષણ મંત્રી એમસી સુધાકરે જણાવ્યું હતું, "ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ જૂની સમસ્યા છે. હૈદરાબાદનો રોહિત વેમુલાનો કિસ્સો જાણીતો છે. આપણા નેતા રાહુલ ગાંધી પણ કહે છે કે, આ સમસ્યાને નાથવા માટે કોઈ વિધેયક હોય, એ જરૂરી છે. "
"પરંતુ, કેટલાક લોકોએ યુજીસી દ્વારા રજૂ કરવામાં આવેલાં નવાં નિયમનો અંગે ચિંતા વ્યક્ત કરી છે. આપણે તેમનું નિવારણ લાવવું જોઈએ અને સાથે જ એસસી, એસટી અને ઓબીસી સહિતના સીમાંત સમુદાયોનાં હિતોનું રક્ષણ કરવું, એ આપણી ફરજ છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ આ પ્રકારના વિવાદોથી દૂર રહેવું જોઈએ અને આપણે તમામ લોકો સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ. અમારી સરકાર પણ આ સમસ્યાઓનું નિવારણ કરતું બિલ તૈયાર કરી રહી છે."
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આ નિયમોનો બચાવ કરતાં લખ્યું હતું, "બંધારણની કલમ 14 આ દેશમાં જ્ઞાતિ, વર્ગ, વર્ણ, ધર્મ કે સંપ્રદાયના આધાર પર કોઈપણ પ્રકારના ભેદભાવની વિરુદ્ધ છે. તમે નિશ્ચિંત રહો, યુજીસીનો આ નિયમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગોની સાથે-સાથે સવર્ણો પર સમાન રીતે લાગુ પડશે. આ રાજકારણ નથી, દેશ બાબા સાહેબ આંબેડકરના બંધારણથી જ ચાલે છે."
એ જ રીતે, આઝાદ સમાજ પાર્ટીના નેતા અને એમપી ચંદ્રશેખર આઝાદે તેમના એક્સ એકાઉન્ટમાં લખ્યું હતું, "ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના હિતધારકોમાં સંપૂર્ણ સમાનતા અને સમાવેશકતાને ઉત્તેજન આપવાનો આશય ધરાવતા યુજીસી (ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાના સંવર્ધન માટે) નિયમન, 2026નું ભીમ આર્મી - આઝાદ સમાજ પાર્ટી (કાંશી રામ) પૂર્ણ સમર્થન કરે છે."
આ તમામ સ્થિતિમાં, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજસ્થાનમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું, "હું ખાતરી આપવા માગું છું કે, કોઈની પજવણી નહીં થવા દેવાય. કોઈ ભેદભાવ નહીં થાય. કોઈપણ વ્યક્તિને ભેદભાવના નામે આ નિયમોનો દુરુપયોગ કરવાનો અધિકાર નથી. આ માટેની જવાબદારી યુજીસી, ભારત સરકાર અને રાજ્ય સરકારોની રહેશે. જે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, તે બંધારણની સીમામાં રહીને બનશે અને આ કાર્ય સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થયું છે."
મામલો સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો
આ દરમિયાન સમગ્ર મામલો સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો છે, જ્યાં ઍડવોકેટ વિનીત જિન્દાલે નવા નિયમોને પડકાર્યા છે.
તેમણે તેમના એક્સ એકાઉન્ટ પર લખ્યું હતું, "જ્ઞાતિ આધારિત ભેદભાવ સામાન્ય જ્ઞાતિની વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. કાયદા સમક્ષ સમાનતા સુનિશ્ચિત કરવા માટે આ યાચિકા નિયમ 3(સી)ને દૂર કરવાની કે તેમાં સુધારો કરવાની માગણી કરે છે. સાથે જ યાચિકા જ્ઞાતિ આધારિત ભેદભાવના ખોટા આરોપો લગાવનારા લોકો સામે ઉચિત કાર્યવાહી કરવાની પણ માગણી કરે છે. ન્યાય જ્ઞાતિ આધારિત ન હોવો જોઈએ."
મામલો સુપ્રીમમાં જતાં કેટલાક નેતાઓ તે અંગે અભિપ્રાય આપવાથી બચી ગયા છે. બીજુ જનતા દળના નેતા પ્રસન્ના આચાર્યએ આ અંગે કહ્યું હતું, "આપણો દેશ ધર્મનિરપેક્ષ અને અહીં લોકશાહી પ્રવર્તે છે. સમાજના તમામ વર્ગોને સમાન ન્યાય મળવો જોઈએ. હું જાણું છું, ત્યાં સુધી આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. માનનીય અદાલત હવે તેની ચકાસણી કરીને આખરી નિર્ણય લેશે."
તો, સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ ઈન્દિરા જય સિંહે આ મુદ્દાને લઈને આવેલી પ્રતિક્રિયાઓ પર આશ્ચર્ય વ્યક્ત કરતાં પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું, "આ મામલાના પ્રત્યાઘાતો જોઈને હું સ્તબ્ધ છું. એસસી, એસટી અને ઓબીસી સમુદાયો સાથેના ભેદભાવને નિવારવાના પ્રયાસો સામેનું આ અત્યંત 'અપર કાસ્ટ રિએક્શન' આવ્યું છે. આથી, તે વ્યથિત કરી દેનારું પણ છે."
તેમણે કહ્યું હતું કે, હાલમાં આ કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાથી તેઓ તેના પર વધુ ટિપ્પણી કરવા માગતાં નથી. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે, સુપ્રીમ કોર્ટ સમગ્ર મામલાને તર્કસંગત દ્રષ્ટિથી ચકાસશે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે, ઘણી બધી રીતે આ નિયમો તેમને અપૂર્ણ લાગ્યા છે અને તેઓ અદાલત સમક્ષ તેની રજૂઆત કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.