ગુજરાતનું એ ગામ, જેનું નામ બદલવું છે, કેમ કે કોઈ લગ્ન માટે છોકરી આપવા રાજી નથી

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમારા માટે અમારા ગામનું નામ એટલું બધું અપમાનજનક છે કે શરમ આવે છે. અમે ક્યાંક જઈએ અને અમે ચુડેલ ગામથી આવ્યા છીએ એવું કહીએ તો લોકો અમારી મજાક ઉડાવે છે."

આ શબ્દો છે સુરતના માંડવી તાલુકાના ચુડેલ ગામના હંસાબહેન ચૌધરીની.

લગભગ 1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામના લોકોને પોતાના ગામનું નામ પસંદ નથી અને તેઓ એક દાયકા કરતાં વધુ સમયથી તેનું નામ બદલવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત આ ગામમાં 100 ટકા આદિવાસીઓની વસ્તી છે. ગામલોકો કહે છે કે ગામનું નામ ચુડેલ કેમ રાખવામાં આવ્યું હશે તેની અમને ખબર નથી, પરંતુ અમારી ઇચ્છા છે કે તેનું નામ શક્ય એટલી ઝડપથી બદલી નાખવામાં આવે.

'દીકરા-દીકરી માટે પાત્ર નથી મળતાં'

ગામનાં એક મહિલા શારદાબહેન ચૌધરીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "અમને કોઈ અમારા ગામનું નામ પૂછે તો અમે કોઈ પડોશના ગામનું નામ આપી દઈએ છીએ, કારણ કે 'ચુડેલ' શબ્દનો અર્થ 'ડાકણ' થાય અને અમારા માટે તે શરમજનક છે."

તેઓ કહે છે "મારી દીકરી હૉસ્ટેલમાં ભણે છે ત્યારે ત્યાં બધા તેની મજાક ઉડાવે છે અને કહે છે કે તમારા ગામનું નામ બદલવા માટે તમારે કંઈક કરવું જોઈએ. અમે બસમાં જતા હોઈએ અને ટિકિટ લેવી હોય ત્યારે અમે શરમના કારણે નજીકના બીજા ગામનું નામ કહીને ટિકિટ લઈએ છીએ."

શારદાબહેન કહે છે કે "સામાજિક પ્રસંગોમાં તથા દીકરા-દીકરીઓ માટે પાત્ર શોધવામાં પણ ગામના નામના કારણે તકલીફ પડે છે. અમારા છોકરાઓ માટે યુવતીઓ નથી મળતી, કારણ કે બધા કહે છે કે ચુડેલ ગામમાં અમે દીકરી નહીં આપીએ. આ ઉપરાંત અહીંની દીકરીઓ માટે પણ બહાર પાત્ર શોધવું મુશ્કેલ બને છે. બહારના છોકરાઓ આ ગામમાં છોકરી જોવા આવવાની ના પાડી દે છે."

મહિલાઓને સૌથી વધુ તકલીફ

ગામના સરપંચ મનસુખભાઈ ચૌધરીએ બીબીસીને જણાવ્યું કે ચુડેલ શબ્દના કારણે મહિલાઓને સૌથી વધારે સંકોચ અનુભવાય છે. આ નામ જેટલી ઝડપથી બદલવામાં આવે એટલું સારું.

તેઓ કહે છે કે, છોકરા ભણી ગણીને બહાર નોકરી કરવા જાય ત્યારે ગામનું નામ ચુડેલ કહે એટલે સામેની વ્યક્તિ તેને ઉપરથી નીચે સુધી જુએ છે. 'ચુડેલ' અને 'ડાકણ' બહુ ખરાબ વિશેષણ છે, કારણ કે તેની સાથે ઘણી અંધશ્રદ્ધા જોડાયેલી છે. આદિવાસીઓમાં કોઈના ઉપર 'ચુડેલ'નું બિરુદ લાગી જાય પછી જીવન મુશ્કેલ બની જાય છે અને તેના મામલે હત્યાઓ પણ થઈ હોવાના દાખલા છે.

કાંતાબહેન ચૌધરીએ નામનાં મહિલાએ જણાવ્યું કે "અમે ચુડેલ ગામથી આવ્યા છીએ એવું કહીએ એટલે અમને અલગ રીતે જોવામાં આવે છે. છોકરીનો વ્યવહાર કરવો હોય ત્યારે સૌથી વધારે તકલીફ પડે છે. અમારા છોકરાઓ પણ અમને સવાલ કરે છે કે આપણા ગામનું નામ આવું કેમ છે, તેને બદલવામાં કેવું નથી આવતું."

'ઠરાવ કર્યો, રજૂઆત કરી, પણ પરિણામ શૂન્ય'

ગામના ભૂતપૂર્વ સરપંચ અમૃતભાઈ ચૌધરી કહે છે કે "અમે લગભગ એક દાયકા પછી સૌથી પહેલાં ગ્રામપંચાયતમાં ગામનું નામ ચુડેલથી બદલીને ચંદનપુર કરવા માટે ઠરાવ પસાર કર્યો ત્યાર પછી ઉપરના સ્તરે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ગામનું નામ બદલવામાં આવ્યું નથી. અમે અમારી જાતે ગામની બહાર ચંદનપુરનાં પાટિયા મારી દીધાં છે, પરંતુ સરકારી રેકૉર્ડ પર હજુ અમે ચુડેલ ગામના નાગરિકો જ છીએ. રોડ પર લગાવેલા પથ્થર પર પણ ચુડેલ જ લખેલું જોવા મળે છે."

ગામના એક રહેવાસી તુલસીભાઈ ચૌધરી તલાટી તરીકે નોકરી કરી ચૂક્યા છે અને હાલમાં નિવૃત્ત જીવન ગાળે છે. તેઓ માને છે કે "ચુડેલનો અર્થ અમારા આદિવાસી સમુદાય માટે ઘણો ખરાબ થાય છે."

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "મેં મારા પિતાને પણ પૂછ્યું હતું કે આપણા ગામનું નામ ચુડેલ કેવી રીતે પડ્યું. તેઓ કહેતા કે કોઈ લોકવાયકાના કારણે આવું નામ પડ્યું હોય તેવું લાગે છે. હું નોકરી કરતો ત્યારે લોકો મજાકમાં કહેતા કે તમે ચુડેલ ગામના છો, તો તમારા ગામમાં ચુડેલ રહે છે કે શું. અમારા માટે આ અપમાનજનક વાત છે."

તેઓ કહે છે કે "બહાર છોકરી જોવા જઈએ અને કહીએ કે અમે ચુડેલ ગામથી આવ્યા છીએ, તો લોકો સીધી ના પાડી દે. તેઓ નથી ઇચ્છતા કે અમારા છોકરા સાથે તેમની છોકરીની સગાઈ કરવામાં આવે."

તુલસીભાઈએ કહ્યું કે "તલાટી-કમ-મંત્રી તરીકે મેં લગભગ દશેક ગામમાં નોકરી કરી, તેમાં કેટલીક જગ્યાએ મને ગામના નામના કારણે કડવા અનુભવ થયા. અમારા છોકરા બસમાં મુસાફરી કરતા હોય અને ગામ આવે તો બસ કન્ડક્ટર કહે કે 'ચુડેલ, ઊતરી જા'. આ રીતે કટાક્ષ કરવામાં આવે છે."

અન્ય એક રહેવાસી અમૃતભાઈ ચૌધરી 15 વર્ષ સુધી ચુડેલના સરપંચ હતા અને હાલમાં દૂધ મંડળીના મંત્રી છે. તેઓ કહે છે કે "કોઈનું બાળક બીમાર પડે તો કેટલીક વખત કોઈની નજર લાગી ગઈ તેવી શંકા કરવામાં આવે છે. તેથી આ ગામની મહિલાઓને બહાર જવામાં ઘણી તકલીફ પડે છે. બધા જ લોકો અમને કહે છે કે તમારા ગામનું નામ બદલો. હું સરપંચ હતો ત્યારથી અમે ગામનું નામ બદલીને ચંદનપુર કરવા પ્રયાસ કરીએ છીએ, પરંતુ હજુ સફળતા નથી મળી."

સુરતના માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ આના વિશે બીબીસીને જણાવ્યું કે "ગામનું નામ ચુડેલથી બદલીને ચંદનપુર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ માટેની ફાઇલ કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે. હાલમાં તેનો નિર્ણય પૅન્ડિંગ છે. આ અંગે ગૅઝેટ બહાર પાડવાનું બાકી છે, પરંતુ તેના પર પૉઝિટિવ વલણ હોવાથી વાંધો નહીં આવે."

જોકે, આ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે તે કહી શકાય નહીં તેમ એમ તેમણે કહ્યું હતું.

જોકે ટીડીઓ આરએલ સોલંકીએ બીબીસીને જણાવ્યું કે "ચુડેલ ગામનું નામ બદલવા વિશે સામાન્ય સભામાં દરખાસ્ત કરીને જિલ્લામાં મોકલી આપી છે. તેનું હાલમાં શું સ્ટેટસ છે તે જાણીને જણાવીશ."

ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય

ચુડેલ ગામ ચારે બાજુએ હરિયાળા ખેતરોની વચ્ચે આવેલું છે. જમીન ફળદ્રુપ છે અને વરસાદ સારો પડે છે, પરંતુ ચુડેલના સરપંચ મનસુખભાઈ ચૌધરી કહે છે કે, "અહીં સિંચાઈની વ્યવસ્થા ન હોવાના કારણે માત્ર એક પાક લઈ શકાય છે અને ખેતી માટે બોરવેલ પર આધાર રાખવો પડે છે."

ગામના દરેક ફળિયામાં ગાયો, ભેંસો બાંધેલી જોવા મળે છે. ઘણાં ઘરોમાં મરઘા પણ પાળવામાં આવે છે. ગામમાં એક ડેરી છે જેમાં દરરોજ સવારે દૂધ ભરવામાં આવે છે.

ગામની આસપાસ પથ્થરો ખોદવા માટે અનેક ક્વોરીને મંજૂરી આપવામાં આવી છે તેના કારણે રાતદિવસ ખાણો ધમધમે છે જેમાંથી પથ્થરો કાઢીને કપચી બનાવવામાં આવે છે.

ગામના રસ્તા પરથી આખો દિવસ ટ્રકો પસાર થતી રહે છે જે ખનીજ સંપત્તિનું વહન કરે છે. ભારે ઓવરલોડિંગ ટ્રકો સતત દોડતી હોવાના કારણે સતત ધૂળ ઊડતી રહે છે અને ગામનો રસ્તો સંપૂર્ણપણે તૂટી ગયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન