ટી20 વર્લ્ડકપ : જ્યારે બાંગ્લાદેશની જેમ અન્ય દેશોએ યજમાન દેશમાં રમવાની ના પાડી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી

ગુરુવારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત અને શ્રીલંકા ખાતે સંયુક્ત રીતે યોજાઈ રહેલા ટી20 વર્લ્ડકપમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી હતી.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "અમને આઇસીસી તરફથી ન્યાય મળ્યો નથી. અમને આશા છે કે આઇસીસી અમારી સુરક્ષા અંગેની ચિંતાઓ પર વિચાર કરશે અને શ્રીલંકામાં રમવાની અમારી વિનંતી સ્વીકારશે."

આસિફ નઝરુલે કહ્યું હતું કે, "દેશના લોકોની સુરક્ષાને જોખમમાં નાખવા તથા માથું ઝુકાવવાનાં પરિણામો અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આ વાત કાલ્પનિક નહીં, પરંતુ વાસ્તવિક છે."

નઝરુલે કહ્યું હતું કે તેમણે આ અંગે ક્રિકેટરો સાથે પણ વાત કરી છે.

બીસીબીના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલે કહ્યું, "અમે ફરીથી આઇસીસીનો સંપર્ક કરીશું. અમે ભારતમાં નહીં, શ્રીલંકામાં રમવા માગીએ છીએ."

તેમણે ઉમેર્યું, "આજે જ્યારે વિશ્વમાં ક્રિકેટની લોકપ્રિયતા ઘટી રહી છે, ત્યારે બાંગ્લાદેશના 20 કરોડ ક્રિકેટચાહકોની અવગણના કરવી નિરાશાજનક છે."

આ અંગે, આઇસીસીએ કહ્યું કે તેણે સર્વાંગી સુરક્ષા સમીક્ષા કરી છે અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે આટલી જલદી ફેરફારો કરવાનું શક્ય નથી.

જોકે, કોઈ ટીમે આઇસીસી દ્વારા પૂર્વનિર્ધારિત સ્થળે ક્રિકેટ નહીં રમવાની જાહેરાત ટીમોએ કરી હોય તેવી આ પહેલી ઘટના નથી.

આને માટે મુખ્યત્વે સુરક્ષા સંબંધિત કારણો, ભૂરાજકીય પરિસ્થિતિઓ, બે દેશો વચ્ચેનો તણાવ વગેરે જેવાં કારણોને આગળ કરવામાં આવે છે.

ગત વર્ષે ભારતે પણ આવી જ એક ટુર્નામેન્ટ રમવાનો ઇન્કાર કરી દીધો હતો અને બાંગ્લાદેશે પોતાની રજૂઆતમાં એ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. નજર કરીએ, આવી જ કેટલીક ઘટનાઓ પર.

જ્યારે ભારતે ઇન્કાર કર્યો

વર્ષ 2025ની આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી પાકિસ્તાનમાં યોજાવાની હતી. 29 વર્ષ બાદ પાકિસ્તાન યજમાન બનવાનું હતું.

બીસીસીઆઈએ 'સરકારની સલાહથી' પાકિસ્તાનમાં મૅચો રમવાનો ઇન્કાર કર્યો હતો.

આ અંગે બંને બોર્ડ વચ્ચે ખેંચતાણ થઈ. છેવટે બંને બોર્ડ વચ્ચે ભારતની મૅચોને 'ન્યૂટ્રલ સ્થળે' યોજવા માટે સહમતિ સધાઈ.

આને પગલે બંને દેશ યુએઈમાં મૅચ રમવા સહમત થયા. સેમિફાઇનલ અને ફાઇનલની મૅચો પણ ત્યાં યોજાઈ હતી.

જોકે, આ વ્યવસ્થા પણ ચૅમ્પિયન્સ ટ્રૉફીને વિવાદથી બચાવી શકી ન હતી. ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ફાઇલની મૅચ રમાઈ, જેમાં ભારતનો વિજય થયો.

બાંગ્લાદેશમાં રમવાનો ઑસ્ટ્રેલિયાનો ઇન્કાર

વર્ષ 2016નો અંડર-19નો વર્લ્ડકપ બાંગ્લાદેશમાં યોજાયો હતો. ત્યારે ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશમાં દેશમાં રમવાનો ઇન્કાર કરી દીધો હતો.

એસીબીના કહેવા પ્રમાણે, બાંગ્લાદેશમાં ઑસ્ટ્રેલિયનોના જીવ ઉપર જોખમ હોવાને કારણે સરકારની સલાહથી આ નિર્ણય લીધો છે.

એક વર્ષ અગાઉ વર્ષ 2015માં ઑસ્ટ્રેલિયાની સિનિયર ક્રિકેટ ટીમે બાંગ્લાદેશનો પ્રવાસ ખેડવાનો ઇન્કાર કરી દીધો હતો, એટલે કેટલાકને આ નિર્ણયથી આશ્ચર્ય નહોતું થયું.

ગ્રૂપ 'ડી'માં ઑસ્ટ્રેલિયા ઉપરાંત ભારત, ન્યૂઝીલૅન્ડ અને નેપાળ હતા. એટલે ઑસ્ટ્રેલિયા ખસ્યું એ પછી આયર્લૅન્ડને સ્થાન આપવામાં આવ્યું.

જોકે, આ ટુર્નામેન્ટમાં અન્ય કોઈ ટીમ નહોતી ખસી અને ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા જેવી ભારતીય ઉપમહાદ્વીપની ટીમો ઉપરાંતની ટીમોએ ભાગ લીધો હતો.

2009 ટી20 વર્લ્ડકપ: ઝીમ્બાબવે ખસી ગયું

રોહેડેશિયાએ (ઝીમ્બાબ્વેનું પુરોગામી) બ્રિટનનું સ્વશાસિત સંસ્થાન હતું. વર્ષ 1965માં તેણે એકતરફી સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી ન હતી.

વર્ષ 1979માં એક સંધિ થઈ અને ચૂંટણીઓ યોજાઈ. એ પછી ઝીમ્બાબ્વેમાં ચૂંટણી યોજાઈ અને રૉબર્ટ મુગાબે વડા પ્રધાન અને પછી રાષ્ટ્રપતિ બન્યા. વર્ષ 2000 અને 2001માં અનેક શ્વેત ખેડૂતોને તેમની જમીન છોડવાની ફરજ પડી હતી, એટલે ઝીમ્બાબવે તથા ઇંગ્લૅન્ડ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી હતી.

વર્ષ 2009નો ટી20 વર્લ્ડકપ બ્રિટનમાં યોજાયો હતો. એ સમયે ઝીમ્બાબવેની ટીમની ગણના મહત્ત્વપૂર્ણ ક્રિકેટ દેશ તરીકે થતી હતી.

બ્રિટન સરકારના અધિકારીઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે ઝીમ્બાબ્વેની ટીમ બ્રિટનમાં આવકાર્ય નથી. ઝીમ્બાબવેમાં તત્કાલીન રાષ્ટ્રપતિ રૉબર્ટ મુગાબે ચૂંટાઈ આવ્યા એ પછી બ્રિટને તેની ઉપર નિયંત્રણો લાદ્યા હતા.

ઇંગ્લૅન્ડ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડોએ ઝીમ્બાબ્વે સાથે ખેલસંબંધ તોડી નાખ્યા હતા. એ સમયે ઇંગ્લૅન્ડના ડેવિડ મૉર્ગન આઇસીસીના વડા હતા, જ્યારે ભારતના શરદ પવાર ઉપાધ્યક્ષ હતા.

ઝીમ્બાબ્વેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવાના પ્રયાસ થયા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી, એટલે તે ઔપચારિક રીતે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે એમ હતું.

લાંબી ચર્ચા અને મસલતો બાદ "ક્રિકેટના વ્યાપક હિતમાં" ઝીમ્બાબ્વેએ ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. અંતે ઝીમ્બાબવેના સ્થાને સ્કૉટલૅન્ડ રમ્યું હતું.

2003નો ક્રિકેટ વર્લ્ડકપ: બે ટીમોના ઇન્કાર

દક્ષિણ આફ્રિકા, ઝીમ્બાબવે અને કેન્યા, એમ આફ્રિકાના ત્રણ દેશોએ મળીને 2003માં ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન કર્યું હતું.

ત્યારે ઇંગ્લૅન્ડની ટીમે ઝીમ્બાબ્વે સામે રમવાનો ઇન્કાર કરી દીધો હતો. ઇંગ્લૅન્ડનું બોર્ડ મૅચ રમવા ઇચ્છતું હતું, જેથી પૉઇન્ટ્સ જતા ન કરવા પડે, પરંતુ સરકાર ઇચ્છતી હતી કે ટીમ ન રમે. જેમ-જેમ સમય નજીક આવતો ગયો, તેમ-તેમ સરકારનું દબાણ પણ વધતું ગયું.

જો મૅચ ન રમવાને કારણે કે (પછીના વર્ષે યોજાનારી) ઝીમ્બાબ્વે સાથેની ટુર્નામેન્ટને રદ કરવાને કારણે ઇસીબી ઉપર આઇસીસીનો કોઈ દંડ થાય, તો તેને ભરપાઈ કરવાની તૈયારી પણ દાખવી હતી.

ઝીમ્બાબ્વે હજુ પણ કૉમનવેલ્થનું સભ્ય હતું. દરરોજ બંને દેશો વચ્ચે ઉડાણો ચાલતી હતી, બ્રિટિશ કંપનીઓ ઝીમ્બાબ્વેમાં સક્રિય હતી, ત્યારે મૅચને કેમ રદ કરવી, તે ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડના અધિકારીઓને સમજાતું ન હતું.

ઇંગ્લૅન્ડે મૅચનું સ્થાન બદલવા વિનંતી કરી, પરંતુ આઇસીસીએ ઇન્કાર કરી દીધો. છેવટે ઇંગ્લૅન્ડે મૅચ ન રમી. હરીફ ટીમને પૉઇન્ટ્સ મળ્યા. એ ટુર્નામેન્ટમાં પહેલા રાઉન્ડમાં જ ઇંગ્લૅન્ડ બહાર નીકળી ગયું હતું.

ન્યૂઝીલૅન્ડે પણ કેન્યામાં રમતનું સ્થળ બદલવાની વિનંતી કરી હતી, કારણ કે થોડા સમય અગાઉ જ મૉમ્બાસામાં બૉમ્બ વિસ્ફોટ થયા હતા. એના માટે આઇસીસી તૈયાર ન થયું.

છેવટે ન્યૂઝીલૅન્ડે મૅચ છોડી દીધી. મૅચ ગુમાવ્યા છતાં તે સુપર સિક્સ સુધી પહોંચ્યું. કેન્યા સેમિફાઇનલ સુધી પહોંચ્યું. સેમિફાઇનલમાં ભારતે કેન્યાને હરાવ્યું અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

જોકે, ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાનો ભારત ઉપર વિજય થયો અને ઑસ્ટ્રેલિયા સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહ્યું.

1996 : ભારત સહિત ત્રણ યજમાન, બે ટીમોનો વિરોધ

વર્ષ 1996નો ક્રિકેટ વર્લ્ડકપ ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ સંયુક્ત રીતે આયોજિત કર્યો હતો. એ સમયે શ્રીલંકામાં ગૃહયુદ્ધની સ્થિતિ પ્રવર્તમાન હતી.

તમિળો અને સરકાર વચ્ચે હિંસાને કારણે સુરક્ષા સંબંધિત ચિંતાઓ ઊભી થઈ હતી. એવામાં પરંપરાગત હરીફ અને ટુર્નામેન્ટના સહઆયોજક ભારત અને પાકિસ્તાને શ્રીલંકામાં મૅચ રમીને અન્ય ટીમોને સુરક્ષા સંબંધે આશ્વસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પ્રયાસ અપૂરતા નીવડ્યા હતા.

ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝે શ્રીલંકામાં રમવાનો ઇન્કાર કર્યો. તેમણે પૉઇન્ટ્સ જતા કર્યા. જેના કારણે શ્રીલંકા સહેલાઈથી સેમિફાઇનલ સુધી પહોંચી ગયું. ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ પણ અંતિમ ચારમાં પહોંચ્યા.

કોલકતાના પ્રતિષ્ઠિત ઇડન ગાર્ડન ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે સેમિફાઇનલ મૅચ રમાઈ. જેમાં એક તબક્કે ભારતનો પરાજય નિશ્ચિત જણાતા ભારતના ક્રિકેટ પ્રશંસકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, પરિણામે મૅચને રદ કરી દેવામાં આવી અને શ્રીલંકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું.

બીજી બાજુ, ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

લાહોર ખાતે યોજાયેલી ફાઇનલ મૅચમાં શ્રીલંકાએ પહેલી અને હજુ સુધી એક જ વાર ટ્રૉફી જીતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન