અભિષેક શર્માના 14 બૉલમાં 50 રન, પહેલા જ બૉલે સિક્સ ફટકારતા પહેલાં શું વિચાર્યું હતું?

ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા ટી20માં ઝડપી અર્ધ સદી ફટકારીને ચર્ચામાં આવ્યા છે.

અભિષેક શર્માએ ન્યૂઝીલૅન્ડ સામે ટી20માં ભારત માટે બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે. આ જીત સાથે પાંચ મૅચની સિરીઝમાં ભારતે 3-0થી સરસાઈ મેળવી લીધી છે.

ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્માએ ત્રીજી ટી20 મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે 14 બૉલમાં અડધી સદી ફટકારી છે.

જોકે તેઓ ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહનો રેકૉર્ડ તોડી શક્યા નથી. યુવરાજસિંહે 2007માં ઇંગ્લૅન્ડ સામે 12 બૉલમાં અડધી સદી ફટકારી હતી.

અભિષેકે ગયા મહિને જ દક્ષિણ આફ્રિકા સામે માત્ર 16 બૉલમાં અડધી સદી ફટકારવાનો તેમના સાથી હાર્દિક પંડ્યાનો રેકૉર્ડ તોડ્યો હતો.

અભિષેક શર્માના 20 બૉલમાં 68 રન સાથે ભારતનો વિજય

21 જાન્યુઆરીએ નાગપુરમાં ચાલતી સિરીઝમાં શરૂઆતની મૅચમાં અભિષેકે જે રીતે પ્રદર્શન કર્યું હતું, તેવું જ રવિવારે ગુવાહાટીમાં કર્યું હતું.

ન્યૂઝીલૅન્ડ સામેની આ મૅચમાં ભારતનો 10 ઓવરમાં જ આઠ વિકેટે વિજય થયો હતો.

કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ન્યૂઝીલૅન્ડે 20 ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ભારતને જીત માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે પૂરો કરી લીધો હતો.

ભારત તરફથી ઓપનિંગમાં આવેલા અભિષેક શર્માએ 20 બૉલમાં સૌથી વધુ 68 (અણનમ) રન ફટકાર્યા હતા.

અભિષેકની આ ઇનિંગમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા.

અભિષેક શર્મા પહેલા બૉલથી બૉલરો પર હાવી થતા જોવા મળ્યા હતા. અભિષેકે બીજી ઓવરમાં પોતાના પહેલા બૉલ પર લૅગ સાઇડ પર 88 મીટરનો છગ્ગો ફટકારીને પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી.

પછી તેમણે છઠી ઓવરમાં 4, 1, 4 અને 6 રન બનાવીને પોતાની અર્ધ સદી પૂરી કરી અને પાવરપ્લેમાં ભારતનો સ્કોર 94 રન સુધી પહોંચાડ્યો હતો.

આ સિવાય ઇશાન કિશને 28 અને સૂર્યકુમાર યાદવે 57 (અણનમ) રન કર્યા હતા.

અભિષેક શર્માએ પોતાની ધમાકેદાર બેટિંગ અંગે શું કહ્યું?

ઇએસપીએનક્રિકઇન્ફો અનુસાર, અભિષેકે રમત પછી પોતાની ઇનિંગ વિશે કહ્યું કે "મારી ટીમ પણ મારી પાસેથી એ જ ઇચ્છે છે અને હું હંમેશાં તેને અમલમાં મૂકવા માગું છું. સ્વાભાવિક છે કે દર વખતે આવું કરવું સરળ નથી, પરંતુ મને લાગે છે કે આ બધું માનસિક તૈયારી અને તમારા ડ્રેસિંગ રૂમના વાતાવરણ પર બધો આધાર છે."

તેમણે યુવરાજના રેકૉર્ડ વિશે કહ્યું કે "આ કોઈ પણ માટે અશક્યથી પણ વધારે છે... જોકે કોઈ પણ બૅટ્સમૅન તે કરી શકે છે, કારણ કે મને લાગે છે કે સિરીઝમાં બધા બૅટ્સમૅન સારી બેટિંગ કરી રહ્યા છે અને આગળ જતાં મજા આવશે."

અભિષેકને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પહેલા બૉલથી બૉલરો પર હાવી થવાનો એક સભાન નિર્ણય હતો?

ત્યારે તેમણે કહ્યું કે "હું એવું નહીં કહું કે હું પહેલા બૉલમાં જ સિક્સર મારવા માગું છું. આ એક સહજ પ્રવૃત્તિ છે, જે મને ક્રીઝ પર મળે છે. હું બૉલર વિશે વિચારું છું. શું તે મને પહેલા બૉલ પર આઉટ કરવા માગે છે, તો તે કયો બૉલ નાખી શકે છે. તે હંમેશાં મારા મગજમાં રહે છે અને હું ફક્ત તે બૉલ પર રમવા માગું છું."

અભિષેક શર્માની આ ઇનિંગ બાદ યુવરાજસિંહે તેમના 'ચેલા' પર સોશિયલ મીડિયામાં મજાક કરી હતી.

યુવરાજે ઍક્સ પર અભિષેક શર્માને ટૅગ કરતા લખ્યું, "હજુ પણ 12 બૉલમાં 50 રન ન બની શક્યા?" જોકે બાદમાં યુવરાજે અભિષેકનાં વખાણ કર્યાં હતાં અને ભવિષ્ય માટે કામના કરી હતી.

અભિષેકની અત્યાર સુધીની કારકિર્દી નાની રહી છે, પરંતુ અસરકારક રહી છે. ક્રિકેટના જાણકારોને અભિષેકમાં પૂર્વ ક્રિકેટ વીરેન્દ્ર સહેવાગની આક્રમકતા તથા યુવરાજસિંહની સ્ટાઇલ દેખાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન