દુબઈના સોનાનો રંગ લીલાશ પડતો કેમ હોય અને એ ભારતના સોના કરતાં કેટલું શુદ્ધ હોય?

    • લેેખક, શારદા મિયાપુરમ
    • પદ, બીબીસી સંવાદદાતા

તમે સાંભળ્યું હશે કે કેટલાક લોકોના મોઢે તેમના સંબંધીઓ અને મિત્રો જ્યારે દુબઈથી ભારત આવે ત્યારે તેમની સાથે સોનું લઈ આવવાની વાત સાંભળી હશે.

ભારતથી રોજગાર માટે દુબઈ જનારા લોકો માટે પાછા ફરતી વખતે પોતાના ગજા મુજબ સોનું લઈ આવવું એ સામાન્ય બાબત છે.

કેટલાક લોકો કહે છે કે, "દુબઈમાં સોનું ઓછી કિંમતે મળે છે. તેની ચમક લીલી હોય છે અને ગુણવત્તા સારી." પણ આ વાતમાં કેટલું સત્ય છે?

શું ત્યાંના સોનાની ગુણવત્તામાં ખરેખર કોઈ ફરક છે? શું કિંમતમાં કોઈ બહુ મોટો ફરક છે ખરો?

બીજી તરફ, ભારતમાં આજકાલ દસ ગ્રામ સોનાનો ભાવ હાલમાં 1.5 લાખ રૂપિયાથી વધુ સુધી પહોંચી ગયો છે.

ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન પ્રમાણે બુધવારે (21 જાન્યુઆરી) બપોરે 12:30 વાગ્યે એક ગ્રામ સોના (24 કૅરેટ)નો ભાવ 15,520 રૂપિયા હતો. આ સંગઠન દિવસમાં બે વાર સોનાના ભાવ જાહેર કરે છે.

આ ગણતરી મુજબ 24 કૅરેટ ગુણવત્તાવાળા દસ ગ્રામ સોનાની કિંમત 1,55,200 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

કયું સોનું સારું, દુબઈનું કે ભારતનું?

હૈદરાબાદના પોટ માર્કેટ જ્વેલરી ઍસોસિયેશનના સંયુક્ત સચિવ સુનીલકુમાર જૈને બીબીસીને જણાવ્યું હતું કે હવે દુબઈના સોના અને ભારતમાં ઉપલબ્ધ સોનાની ગુણવત્તામાં કોઈ તફાવત નથી.

તેમણે સમજાવતાં કહ્યું, "1990ના દાયકામાં, ભારતમાં મોટા ભાગે 18 કૅરેટ સોનાનું ચલણ હતું. તે સમયે આપણા માટે 22 કૅરેટ સોનું વ્યાપકપણે ઉપલબ્ધ નહોતું. ગ્રાહકોમાં પણ 22 કૅરેટ સોના વિશે વધુ જાગૃતિ નહોતી. જ્વેલર્સ પણ આવી ગુણવત્તા પ્રદાન કરી શકતા નહોતા, પરંતુ ભારતમાં હૉલમાર્કિંગની વ્યવસ્થા શરૂ થયા બાદ, દુબઈના અને અહીંના સોનાની શુદ્ધતા સમાન થઈ ગઈ છે."

તેમણે કહ્યું કે બંને દેશો કૅરેટ ગણતરી અને સોનાની ગુણવત્તા નિયંત્રણના સંદર્ભે સમાન અને ખૂબ જ કડક નિયમો લાગુ કરે છે.

જોકે, તેમણે કહ્યું કે બંને દેશોમાં દાગીનાની ડિઝાઇન અને ઉત્પાદનની પદ્ધતિઓમાં તફાવત હોઈ શકે છે.

"દુબઈમાં, ઘરેણાં મોટા ભાગે મશીનોથી બનાવાય છે. જ્યારે ભારતમાં લોકો પરંપરાગત ઘરેણાં પસંદ કરે છે. એ પૈકી મોટા ભાગનાં ઘરેણાં હાથ વડે બનાવાય છે."

શું બંને દેશોમાં કૅરેટની ગણતરી સમાનપણે થાય છે?

કરીમનગર અને પેદ્દાપલ્લીના જ્વેલર્સે કહ્યું કે બંને દેશોમાં દાગીના બનાવવા માટે 22 કૅરેટ (91.6% સોનું) અને 18 કૅરેટ જેવાં સમાન ધોરણોનો ઉપયોગ થાય છે, અને જો કૅરેટ સમાન હોય તો શુદ્ધતા પણ સમાન હોય છે.

સુનીલ જૈને સ્પષ્ટતા કરી કે ટૅક્નિકલી કહીએ તો વિશ્વમાં ગમે ત્યાં 22 કૅરેટ સોનાની શુદ્ધતા 91.6 ટકા છે.

તેઓ સમજાવાતાં કહે છે, "જ્યારે સોનામાંથી ઘરેણાં બનાવાય છે ત્યારે તેની શુદ્ધતા સંપૂર્ણપણે જળવાતી નથી. અન્ય ધાતુઓને સોનામાં ભેળવીને જ ઘરેણાં બનાવાય છે. અન્ય ધાતુઓ સાથે મિશ્રિત સોનાની શુદ્ધતા 91.6 ટકા હોય છે. તેને 22 કૅરેટ સોનું અને 916 સોનું કહેવામાં આવે છે. બાકીના 8.4 ટકામાં તાંબું, જસત અને ચાંદી જેવી ધાતુ હોય છે. 18 કૅરેટ સોનું (75 ટકા શુદ્ધતા) પણ હોય છે. તેની શુદ્ધતા પણ આખા વિશ્વમાં એકસમાન છે."

જો આવી રીતે જોવામાં આવે તો સોનું ભલે દુબઈથી ખરીદો કે ભારતમાંથી, સોનાની ગુણવત્તા તો સમાન જ રહેવાની.

જોકે, જ્વેલર્સ કહે છે કે દાગીના બનાવતી વખતે સોનામાં ભેળવાતી ધાતુને આધારે તેનો રંગ થોડો બદલાય છે.

શું લીલી ચમક ધરાવતું સોનું જ શુદ્ધ હોય છે?

સુનીલ જૈને જણાવ્યું હતું કે દુબઈમાં સોનાના દાગીના બનાવતી વખતે સામાન્ય રીતે ઝીંક અને ચાંદીનો ઉપયોગ કરાય છે.

20 વર્ષથી જ્વેલરીના વ્યવસાયમાં રહેલા ભાઈઓ રવુલા બ્રાહ્મણ અને શ્રીનિવાસે આ વિશે સમજાવ્યું.

"જો તમે સોનામાં વધુ ઝીંક ઉમેરો છો, તો તે વધુ પીળું થઈ જાય છે. આ જ કારણે એ લીલું દેખાય છે."

ભારતમાં, મોટા ભાગે ચાંદી અને તાંબાના મિશ્રણમાંથી ઘરેણાં બનાવાય છે. સોનામાં તાંબું ઉમેરવામાં આવે તો એ તેને થોડો લાલ રંગ આપે છે.

તેમણે સમજાવ્યું, "ચાંદી અને તાંબું કેટલા પ્રમાણમાં ઉમેરાય છે એ આધારે રંગ બદલાય છે. જોકે, રંગ બદલાય તો પણ સોનાની ગુણવત્તા નથી બદલાતી."

સોનાની ગુણવત્તા કોણ નક્કી કરે?

સ્થાનિક જ્વેલર્સ અનુસાર,એક સમય એવો હતો જ્યારે ભારતમાં સોનાની ગુણવત્તા અંગે શંકા રહેતી.

કેન્દ્ર સરકારે 15 જૂન, 2021થી ભારતમાં સોનાના દાગીના માટે હૉલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. એપ્રિલ 2023થી ઘરેણાં પર છ અંકનો હૉલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (એચયુઆઇડી) લગાવવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. બીઆઇએસ કેર ઍપ મારફતે ગ્રાહકો આ એચયુઆઇડી દાખલ કરીને તેમના દાગીનાની ગુણવત્તા ચકાસી શકે છે.

કરીમનગરસ્થિત ઝવેરી કંદુકુરી નાગરાજુ કહે છે કે ભારતમાં હૉલમાર્કિંગની શરૂઆત થઈ ત્યારથી સોનાની ગુણવત્તા અંગે શંકા દૂર થઈ ગઈ છે.

હૉલમાર્કિંગ એ ધાતુમાંથી બનેલી વસ્તુમાં રહેલી કિંમતી ધાતુની ચોક્કસ ટકાવારી નક્કી કરવાની કરવાની પ્રક્રિયા છે. એ ઘણા દેશોમાં કિંમતી ધાતુની વસ્તુઓની શુદ્ધતાની ખાતરી આપે છે.

તેનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આવી વસ્તુ ભેળસેળયુક્ત ન હોય અને એવી ખાતરી કરી શકાય કે ઉત્પાદકો કાનૂની ધોરણોનું પાલન કરે છે.

ચેન્નાઈમાં બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ) હૉલમાર્ક લાઇસન્સ ઇશ્યૂ કરે છે.

આ લાઇસન્સ મેળવનાર તમામ જ્વેલરી દુકાનો હૉલમાર્ક સીલ લગાવી શકે છે. હૉલમાર્ક વગર કોઈ પણ જ્વેલરી વેચવી એ ગુનો છે.

ગ્રાહકો બીઆઇએસ માન્યતાપ્રાપ્ત એ ઍન્ડ એચ કેન્દ્રો પર તેમના દાગીનાનું પરીક્ષણ કરાવી શકે છે.

દુબઈમાં સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓની શુદ્ધતા નક્કી કરવા માટે 'બારિક' નામનું પ્રમાણપત્ર ઇશ્યૂ કરવામાં આવે છે.

શું દુબઈમાં સોનું સસ્તું હોય છે?

સુનીલ જૈને જણાવ્યું હતું કે ભારત અને દુબઈમાં સોનાના ભાવમાં તફાવત છે. તેમણે કહ્યું કે કસ્ટમ ડ્યૂટી ન લાગવાને કારણે દુબઈમાં સોનાના ભાવ થોડા ઓછા હોય છે.

સુનીલ જૈને કહ્યું, "દુબઈમાં કિંમત થોડી ઓછી હોય છતાં, જો તમે મર્યાદાથી વધુ સોનું ભારતમાં લાવો, તો તમારે કસ્ટમ ડ્યૂટી ચૂકવવી પડશે. પછી, તે ટૅક્સ સહિત, તમે લાવેલા સોનાની કિંમત ભારતમાં મળતા સોનાની કિંમત જેટલી જ હશે. આનાથી કિંમતમાં મોટો તફાવત નહીં આવે."

હૈદરાબાદના એક કસ્ટમ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ છ માસ કરતાં ઓછા સમય સુધી વિદેશ રહ્યા બાદ સોનું ભારત લાવે તો તેણે 38.5 ટકા કસ્ટમ ડ્યૂટી ચૂકવવી પડે છે.

તેમણે કહ્યું, "જો તમે છ મહિના કરતાં વધુ સમય સુધી વિદેશ રહો તો એવા કિસ્સામાં તમે લાવેલા સોના પર તમારે 13.75 ટકા કસ્ટમ ડ્યૂટી ચૂકવવાની હોય છે. જેમાં, પુરુષોએ 20 ગ્રામ અને મહિલાઓએ 40 ગ્રામ સુધી લાવેલા સોના પર કોઈ ડ્યૂટી નથી લાગતી. પરંતુ કેટલાક લોકો કસ્ટમ ડ્યૂટીથી બચવા માટે ગેરકાયદેસર રીતો અજમાવે છે. તેઓ ઓછા સમય માટે વિદેશ રહીને 250 ગ્રામથી એક કિલો સુધી સોનું લઈ આવે છે. જો આવી સ્થિતિમાં 38.5 ટકા કસ્ટમ ડ્યૂટી ન ભરવામાં આવે તો અમે સોનું જપ્ત કરી લઈશું. જો આવી રીતે એક કિલો કરતાં વધુ સોનું લાવવામાં આવે તો અમે આવી વ્યક્તિની ધરપકડ કરીએ છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન