બ્રિટનના પીએમે ટ્રમ્પના નિવેદનને ગણાવ્યું શરમજનક, માફીની માગ કરી - ન્યૂઝ અપટેડ

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અફઘાનિસ્તાનમાં નેટો સૈન્ય અંગે આપેલા નિવેદન માટે માફીની માગ કરી છે.

ટ્રમ્પે ગુરુવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે નાટો સહયોગી દેશ અફઘાનિસ્તામાં યુદ્ધના મોરચાથી "થોડા પાછળ" રહે.

સ્ટાર્મરે ટ્રમ્પના નિવેદનને "અપમાનજનક અને અત્યંત શરમજનક" ગણાવ્યું છે. તેમણે અમેરિકન રાષ્ટ્રપતિને માફી માગવાની અપીલ કરી છે.

બ્રિટનના વડા પ્રધાને કહ્યું, "હું અફઘાનિસ્તાનમાં જીવ ગુમાવનાર સૈનિકોનાં સાહસ, બહાદુરી અને પોતાના દેશ માટે આપેલા બલિદાનને ક્યારેય નહીં ભૂલું. ઘણા એવા લોકો પણ હતા, જેઓ ઈજાગ્રસ્ત થયા અને તેમની ઈજાઓને કારણે તેમનું જીવન બદલાઈ ગયું."

તેમણે કહ્યું, "હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટિપ્પણીઓને અપમાનજનક અને સાચું કહું તો અત્યંત શરમજનક માનું છું. તેનાથી માર્યા ગયેલા કે ઘાયલ થયેલા સૈનિકોના સ્વજનોને ખૂબ ઠેસ પહોંચી છે અને ખરેખર આખા દેશમાં તેની અસર પડી છે."

સ્ટાર્મરે કહ્યું કે જો તેમણે "આવી રીતે ખોટું નિવેદન કર્યું હોત" તો તેમણે "નિશ્ચિતપણે માફી માગી હોત."

ભારતે બીજી ટી20 મૅચમાં ન્યૂઝીલૅન્ડને સાત વિકેટે હરાવ્યું, ઈશાન-સૂર્યા ઝળક્યા - ન્યૂઝ અપટેડ

ભારતે બીજી ટી20 મૅચમાં ન્યૂઝીલૅન્ડને સાત વિકેટે હરાવી દીધું છે. આ સાથે જ પાંચ ટી20 મૅચની આ સિરીઝમાં ભારતે 2-0ની સરસાઈ હાંસલ કરી લીધી છે.

ન્યૂઝીલૅન્ડની તરફથી અપાયેલા 209 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે માત્ર 15.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી લીધી. જોકે, ભારત માટે શરૂઆત સારી નહોતી રહી.

પ્રારંભિક બે ઝટકા બાદ કપ્તાન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની જોડીએ બાજી સંભાળી.

32 બૉલ પર 76 રનની બહેતરીન ઇનિંગ રમનારા ઈશાન કિશન પ્લેયર ઑફ ધ મૅચ બન્યા. આ ઇનિંગમાં ઈશાન કિશને 11 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.

આ સિવાય કપ્તાન સૂર્યકુમાર યાદવે પણ 37 બૉલમાં 82 રનની ધુંઆદાર ઇનિંગ રમી. તેમણે નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. અંતે શિવમ દુબેએ પણ ઝડપથી 18 બૉલ પર 36 રન કર્યા.

રાયપુરમાં રમાયેલી આ મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઊતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા.

મહેમાન ટીમ તરફથી મિચેલ સેન્ટનરે સૌથી વધુ 47 રન બનાવ્યા. તેમના સિવાય રચીન રવીન્દ્રે 44 રનની ઇનિંગ રમી.

બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ ચૂંટણી પહેલાં વર્તમાન સરકાર પર નિશાન સાધ્યું

બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ દેશમાં ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણીમાંથી પોતાની પાર્ટી અવામી લીગને બહાર રાખવાની વાતની ટીકા કરી છે.

શેખ હસીનાએ કહ્યું છે કે આ પગલાથી "લાખો બાંગ્લાદેશીઓના મત આપવાના અધિકારને છીનવી લેવાયો છે, જેઓ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે."

શેખ હસીનાએ ભારતીય ન્યૂઝ વેબસાઇટ 'ધ પ્રિન્ટ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસની પણ ટીકા કરી.

તેમણે કહ્યું, "આવી સ્થિતિમાં થયેલી ચૂંટણીને સ્વતંત્ર, નિષ્પક્ષ કે કાયદેસર ન માની શકાય. મતદારોને પોતાની મનપસંદ પાર્ટીને મત આપવાની સ્વતંત્રતા હોવી જોઈએ."

"તેમને હિંસા કે વિનાશની ધમકી આપીને બીએનપી (બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી) કે જમાત (જમાત-એ-ઇસ્લામી) માટે ઘરેઘરે જઈને ચૂંટણીપ્રચાર કરનારા તરફથી રોકવા કે મજબૂર ન કરવા જોઈએ."

બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી થવાની છે.

શેખ હસીનાએ આગળ કહ્યું, "વચગાળાની સરકાર જાણે છે કે જો અમને આ ચૂંટણી લડવાની પરવાનગી અપાઈ હોત, તો અમને ભારે સમર્થન મળ્યું હોત. તેથી અમારા પર પ્રતિબંધ લાદી દીધો છે."

"આપણે એ ન ભૂલવું જોઈએ કે યૂનુસને ખુદને ક્યારેય બાંગ્લાદેશના લોકો તરફથી એકેય વોટ નથી મળ્યો, તેમ છતાં તેઓ પોતાનાં ગેરકાયદેસર કામોને કાયદેસર બનાવવા માટે અમારા દેશમાં કાયદાને ફરી વાર લખી રહ્યા છે."

શેખ હસીનાએ કહ્યું કે દેશની સૌથી પુરાણી અને સૌથી લોકપ્રિય રાજકીય પાર્ટી પર પ્રતિબંધ લાદવો એ સુધારો નથી, "એ તાનાશાહી છે, જેને બદલાવનું નામ અપાયું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન