ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં તોફાની બેટિંગ બાદ સૂર્યકુમાર યાદવે કેમ કહ્યું કે 'હું ગુસ્સામાં હતો'?

છત્તીસગઢના નવા રાયપુર ખાતેના ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલી ન્યૂઝીલૅન્ડ અને ભારત વચ્ચેની બીજી ટી20 મૅચમાં ભારતીય ટીમે જબરદસ્ત જીત નોંધાવી છે.

આ જીત સાથે પાંચ ટી20 મૅચની આ સિરીઝમાં ભારતીય ટીમ 2-0થી આગળ ચાલી રહી છે.

ન્યૂઝીલૅન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમ સામે 209 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જોકે, ભારતીય બૅટ્સમૅનોનાં ફૉર્મ અને પ્રતિભા સામે આ ટાર્ગેટ ખૂબ વામણો પુરવાર થયો હતો.

ભારતીય ટીમ તરફથી કપ્તાન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશાને તોફાની બેટિંગ કરી હતી અને માત્ર 15.2 ઓવરમાં જ ત્રણ વિકેટના નુકસાને આ ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો.

સૂર્યકુમાર યાદવે 37 બૉલમાં 82 રનની ધુંઆદાર ઇનિંગ રમી, જેમાં તેમણે નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.

બીજી તરફ, ઈશાન કિશન 32 બૉલ પર 76 રનની તોફાની ઇનિંગ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બની ગયા. ઇનિંગમાં ઈશાન કિશને 11 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.

નોંધનીય છે કે નાગપુર ખાતે આયોજિત આ સિરીઝની પ્રથમ ટી20 મૅચમાં પણ ન્યૂઝીલૅન્ડની ટીમે ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે આપેલા 239 રનના ટાર્ગેટ સામે ન્યૂઝીલૅન્ડની ટીમ 190 રન જ બનાવી શકી હતી.

આ મૅચમાં ભારતીય બેટરોના પ્રદર્શન સાથે મૅચ બાદ અપાયેલા સૂર્યકુમારના નિવેદનની પણ ચર્ચા થઈ રહી છે.

તેમણે મૅચ બાદ ઈશાન કિશનના પ્રદર્શનનાં ઘણાં વખાણ કર્યાં હતાં.

મૅચમાં શું થયું?

ભારતે ટૉસ જીતીને ન્યૂઝીલૅન્ડને બેટિંગ કરવા માટે આમંત્રિત કર્યું હતું.

ન્યૂઝીલૅન્ડની ટીમ છ વિકેટના નુકસાને 208 રન બનાવી શકી હતી. ભારતના બૉલરોએ પણ પ્રમાણસર સારું બૉલિંગ પ્રદર્શન કરી ન્યૂઝીલૅન્ડ બેટરોને ટકવાની અને ફટકાબાજી કરવાની ઝાઝી તકો આપી નહોતી.

ભારત તરફથી કુલદીપ યાદવ, શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ અનુક્રમે બે, એક અને એક વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલૅન્ડ તરફથી મિચેલ સેન્ટનરે 27 બૉલમાં 47 અને રચીન રવીન્દ્ર 26 બૉલ રમીને 44 રનની ઇનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.

ભારતીય ટીમ ઇનિંગની વાત કરીએ તો, બેટિંગમાં ભારતની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી.

ભારત માત્ર છ રનના સ્કોરે બે વિકેટ ગુમાવી ચૂક્યું હતું.

પહેલી ઓવરમાં જ વિકેટકીપર અને ઓપનિંગ બૅટ્સમૅન સંજુ સેમસન માત્ર છ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. એ બાદ ગત મૅચના હીરો રહેલા અભિષેક શર્મા આવ્યા, પરંતુ આ વખત પહેલા જ બૉલે જેકબ ડફીના બૉલે ડેવન કોન્વેને કૅચ દઈ બેઠા અને પોતાનું ખાતું ખોલાવવામાંય નિષ્ફળ રહ્યા.

બીજી ઓવરના પ્રથમ બૉલ સુધીમાં ભારતના બંને ઓપનરો પેવેલિયન પાછા ફરી ચૂક્યા હતા અને સ્કોર હજુ બે આંકડામાંય નહોતું પહોંચ્યું.

ટીમ માટે આવી મુશ્કેલ ઘડીમાં મેદાને ઊતરેલા ઈશાન કિશન પર ભાગ્યે જ વહેલી વિકેટો ગુમાવી દીધાનું કોઈ દબાણ જોવા મળ્યું.

તેમણે એવી તો ફટકાબાજી કરી કે એક સમયે લયમાં દેખાતા ન્યૂઝીલૅન્ડના બૉલરોની લાઇન-લૅંગ્થ ખોરવાઈ ગઈ.

ધડાધડ ચોગ્ગા-છગ્ગાનો જાણે વરસાદ થવા લાગ્યો, સામા છેડેથી કપ્તાન સૂર્યકુમાર યાદવે પણ ઈશાન કિશનનો પૂરો સાથ આપ્યો, બંને વચ્ચે 122 રનની જબરદસ્ત પાર્ટનરશિપ થઈ અને ન્યૂઝીલૅન્ડની ટીમ એકાએક બૅકફૂટ પર દેખાવા લાગી.

ઈશાન કિશન ન્યૂઝીલૅન્ડની દસમી ઓવરમાં ઈશ સોઢીના બૉલે મેટ હેનરીને કૅચ દઈ બેઠા. જોકે, આટલે સુધી તેઓ ટીમની જીતનો મજબૂત પાયો નાખવામાં સફળ થઈ ચૂક્યા હતા.

બાદમાં સૂર્યકુમારે પણ ફટકાબાજી ચાલુ રાખી અને સામે છેડેથી શિવમ દુબેએ પણ ન્યૂઝીલૅન્ડના બૉલિંગ લાઇનઅપ પર દબાણ બનાવવાનું ચાલુ રાખ્યું.

સૂર્યકુમાર અને શિવમના શાનદાર બેટિંગ પ્રદર્શનને બળે ભારતીય ટીમ મૅચમાં 28 બૉલ બાકી રાખીને વિજેતા બની ગઈ.

સૂર્યકુમારે શું કહ્યું?

પોસ્ટ મૅચ પ્રેઝન્ટેશનમાં કપ્તાન સૂર્યકુમાર યાદવે ઈશાન કિશનની આક્રમક બેટિંગનાં ખૂબ વખાણ કર્યાં.

તેમણે કહ્યું, "મને ખબર નથી કે ઈશાને બપોરે શું ખાધું હતું કે મૅચ પહેલાં એણે શું પ્રી-વર્કઆઉટ કર્યું હતું, પણ મેં ક્યારેય કોઈને (આવી) ફટકાબાજી કરતા નથી જોયો."

"તમારી ટીમ છ રને બે વિકેટ ગુમાવી ચૂકી છે, અને તમે આવી બેટિંગ કરો અને પાવરપ્લે સુધી 67,70નો સ્કોર વટાવી દો, મને લાગે છે કે આ વાત અકલ્પનીય છે."

"મને લાગે છે કે આપણને બૅટ્સમૅનો પાસેથી મેદાનમાં આવી જ આશા હોય છે કે તેઓ પોતાની જાતને અભિવ્યક્ત કરે, પોતાની સ્પેસમાં ખુશ રહે અને તેણે બરાબર એ જ કર્યું."

સૂર્યકુમારે મજાકમાં કહ્યું, "ઈશાને પાવરપ્લેમાં મને સ્ટ્રાઇક ન આપી એ વાતથી હું ગુસ્સે હતો, પણ એ ઠીક છે."

"મારી પાસે સમય હતો, મેં આઠ-દસ બૉલ રમ્યા, પરંતુ મને ખ્યાલ હતો કે બાદમાં જ્યારે મારી પાસે સમય હશે તો હું સ્કોર કરી લઈશ."

સૂર્યકુમારે પોતાની બેટિંગ અંગે કહ્યું, "જેમ મેં અગાઉ પણ કહ્યું છે એમ, હું નેટ્સમાં સારી બેટિંગ કરી રહ્યો હતો, અને પાછલાં બે-ત્રણ અઠવાડિયાંમાં મેં ઘરે જે કંઈ પણ કર્યું એનાથી મને મદદ મળી. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવા માટે મને સારી બ્રેક મળી, મને લાગે છે કે મને સારાં પ્રૅક્ટિસ સેશન પણ મળ્યાં, અને મને લાગે છે કે અત્યારે જે થઈ રહ્યું છે, તેનો હું આનંદ માણી રહ્યો છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન